આત્મજા ભાગ 3
“એ વાત તો તમે જાણો જ છો કે અત્યારે ગર્ભ પરીક્ષણ કરવું અને કરાવવું બંને ગુનો છે. હું આ જોખમ ન લઈ શકું.” ડોક્ટરે કહ્યું.
“કેવી વાત કરો છો બેન..? ગર્ભ પરીક્ષણની વાત તમારા અને અમારા સિવાય ત્રીજાને ક્યાંથી ખબર પડશે..? તમે બસ એટલું અમને જણાવો કે નંદિનીના પેટમાં દીકરો છે કે દીકરી..?” પ્રદીપએ કહ્યું.
“ગર્ભ પરીક્ષણ કરવું અમારા માટે જોખમકારક છે. જો કોઈને ખબર પડી જાય તો અમારો ડોક્ટરનો વ્યવસાય પણ છીનવાઈ જાય. હું ગર્ભ પરીક્ષણ નહીં કરું.” ડોક્ટરે પ્રદીપ સામે જોઈ કહ્યું. પ્રદીપ એ પોતાની બેગમાંથી 10000 નુ બંડલ કાઢ્યું અને ટેબલ પર મૂક્યું. ડોક્ટર નોટોના બંડલ સામે જોવા લાગ્યા. પછી તેણે મોઢું હલાવી ના પાડી. પ્રદીપે બીજું બંડલ કાઢી ટેબલ પર મુક્યું. ડોક્ટર તેની સામે જોઈ રહ્યા.
“મારો ડોક્ટરીનો વ્યવસાય આટલો સસ્તો નથી. કે એક બે બંડલ મૂકી તમે મને ખરીદી લેશો. ગર્ભ પરીક્ષણ કરતા જો મારો વ્યવસાય જાય તો મને લાખોનું નુકસાન થાય.” પોતાના બંને હાથથી નોટોનું બંડલ પ્રદીપ તરફ ખસેડતા ડોક્ટરે કહ્યું. ડોક્ટરની વાત સાંભળી કંચનબેન એ પોતાના ગળામાં પહેરેલી સોનાની ચેન અને હાથમાં પહેરવાના કંગન ઉતારીને ડોક્ટર સામે મૂકી દીધા.
“કંઈ પણ થાય..બેન..! તમે અમને જણાવો કે નંદિનીના પેટમાં દીકરો છે કે દીકરી..? કંઈ પણ ભોગે હું મારા દીકરાનો વિનાશ થતો ના જોઈ શકું. ભુવાજીના એક એક શબ્દો અત્યાર સુધી અમારા માટે સાચા પડ્યા છે. તેઓએ કહેલું કે જો અમારા કુળ માં દીકરી આવશે તો એક જ વર્ષમાં પરિવારનો વિનાશ થઇ જશે. મારા દીકરા નું અહિત તો હું ક્યારેય ન થવા દઉ. તમારે જે રૂપિયા લેવા હોય તે કહી દો. અમે તેની વ્યવસ્થા કરીશું. બસ નંદીનીને દીકરો છે કે દીકરી એ કહી દો” કંચનબેનએ કહ્યું. સોનાના દાગીના અને રૂપિયાના બંડલ જોઈએ ડોક્ટરને લાલચ જાગી. ડોક્ટરે રૂપિયા અને દાગીના પોતાના બંને હાથથી ટેબલના ડ્રોવરમાં મૂકી દીધા.
“કંચનબેન નંદિનીને અંદર મોકલો. હું ચેક કરી લઉં છું.” ડોક્ટર ઊભા છીએ એપ્રોન પહેરવા લાગ્યા. એક એક કરીને પોતાના બંને હાથ પર મોજા ચડાવ્યા. નંદિનીના ધબકારા વધી ગયા હતા. ડોક્ટર ગર્ભ પરીક્ષણ માટે તૈયાર થઈ રહ્યા હતા. નંદિની એક ધારી નજરે ડોક્ટરને જોઈ રહી હતી. કંચનબેન ઈશારો કરી નંદિનીને અંદર જવા કહ્યું. નંદેલી મોઢું હલાવી ના પાડતી હતી. કંચનબેન ઉભા થઇ નંદિનીના હાથનું બાવડું પકડી તેને અંદર લઈ ગયા. નંદિનીની આંખો ભરાઈ ગઈ. તેને ડર હતો કે જો ગર્ભમાં દીકરી હશે તો તેના સાસુ ગર્ભપાત કરાવી દેશે.
નંદિની સ્ટ્રેચર પર ઊંઘી. ડોક્ટરે તપાસ શરૂ કરી. નંદિની મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી.
“હે પ્રભુ મારી મદદ કરો..! મારે મારા પહેલા જ સંતાનને ગર્ભમાં જ નથી મારવું. હે પ્રભુ મારા ગર્ભમાં દીકરો જ હોય..! તો જ આ શક્ય બને છે. જો દીકરી હશે તો.. ના ના પ્રભુ..! હે પ્રભુ મારી મદદ... મારી વારે આવો..” નંદિની મનમાં જ ભગવાનને આજીજી કરી રહી હતી. થોડી ઘણી મથામણ બાદ ડોક્ટરે ઊંડો શ્વાસ લીધો અને નંદિની સામે જોઈને કહ્યું, “તમારા ગર્ભ પરીક્ષણનો રિપોર્ટ સારો નથી. તમારા પેટમાં દીકરી અવતરી રહી છે.” આટલું કહી ડોક્ટર બહાર નીકળતા હતા ત્યાં જ નંદિનીએ તેઓનો હાથ પકડી લીધો.
“રિપોર્ટ સારો નથી મતલબ..! દીકરી છે એટલે રિપોર્ટ સારો નથી એમ ને..? એ વાત કેમ ભૂલી જાઓ છો કે તમેં પણ કોઈની એક દીકરી છો. અત્યારે મારા ગર્ભમાં જે દીકરી ઉછરી રહી છે તેવી જ રીતે તમે પણ તમારી માના પેટમાં ઉછર્યા હશો. જો એ વખતે તમારી મા એ તમને જન્મ જ ન આપ્યો હોત તો લાખોની રીશ્વત લઈ ગર્ભમાં જ દીકરીને મારનાર તમેં અત્યારે મારી સામે ન હોત.” નંદિનીએ ગુસ્સાથી ડોક્ટરને કહ્યું.
To be continue..
મૌસમ😊