Bhootkhanu - 17 - Last Part in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | ભૂતખાનું - ભાગ 17 (છેલ્લો ભાગ)

Featured Books
Categories
Share

ભૂતખાનું - ભાગ 17 (છેલ્લો ભાગ)

( પ્રકરણ : ૧૭ )

એ સ્ત્રીની ભયાનક પ્રેતાત્માએ જોરથી અટ્ટહાસ્ય કર્યું, અને પોતાની જગ્યા પરથી સીધી જ આરોન તરફ લાંબી છલાંગ લગાવી દીધી હતી અને બરાબર એ જ પળે રૂમની બધી લાઈટો બંધ થઈ જવાની સાથે જ જોરદાર ધુબાકો સંભળાયો હતો.

સ્વીટી અને મરીનાએ ફરીથી ચીસાચીસ કરવા માંડી, તો પામેલા પણ બૂમ પાડી ઊઠી : ‘આરોન, સંભાળજો !’

અને આ સાથે જ પાછી લાઈટ ચાલુ થઈ અને પાછી બંધ થઈ. લાઈટ પાછી એ જ રીતના ચાલુ-બંધ થવા લાગી.

વારે ઘડીએ પળવાર માટે થતા અજવાળામાં પામેલા, સ્વીટી અને મરીનાએ જોયું, તો નજીકમાં જ જમીન પર આરોન પીઠભેર પડયો હતો.

જ્યારે પેલી સ્ત્રીની ભયાનક પ્રેતાત્મા દેખાતી નહોતી !

‘આરોન ! તમને કંઈ થયું તો નથી ને ?!’ પૂછતાં પામેલા આરોન તરફ આગળ વધી જવા ગઈ, ત્યાં જ આરોને હાથ અધ્ધર કર્યો અને પામેલા તરફ જોતાં હાથના ઈશારાથી જ પામેલાને દૂર રહેવાનું જણાવ્યું.

પામેલા રોકાઈ ગઈ.

આરોન જાણે મનોમન કંઈક મંત્રો ભણતો હોય એમ હોઠ ફફડાવતાં બેઠો થયો અને પછી તેણે છત તરફ જોયું.

પામેલા, મરીના અને સ્વીટીએ પણ છત તરફ જોયું.

-છત પર એ સ્ત્રીની ભયાનક પ્રેતાત્મા ગરોળીની જેમ ચોંટેલી હતી અને આરોન તરફ જોઈ રહી  હતી !

‘તેં જોઈ લીધું..,’ આરોને ઊભા થતાં એ પ્રેતાત્માને કહ્યું : ‘..મારો ઈશ્વર મારી સાથે છે ! તું ગમે એટલા ધમપછાડા કરીશ, પણ તું મારો વાળ પણ વાંકો નહિ કરી શકે ! ઉલ્ટાની તારી હાલત ઓર વધુ ખરાબ થઈ જશે ! એના કરતાં હું તને ઇશ્વરનું નામ લઈને હુકમ કરું છું, તું તારા ‘ડિબૂક બોકસ’માં પાછી ચાલી જા !’

એ સ્ત્રીની પ્રેતાત્મા છત પરથી નીચે ‘ડિબૂક બોકસ’ પાસે આવી પડી.

પામેલા, મરીના અને સ્વીટીના જીવ પાછા ઊંચા થઈ ગયાં. ‘આ પ્રેતાત્મા ફરી આરોન પર હુમલો કરશે તો ??!’

‘ઈશ્વરનું નામ લઈને હું તને હુકમ કરું છું કે, તું ‘ડિબૂક બોકસ’માં પાછી ચાલી જા !’ આરોને ફરી વાર કહ્યું.

અને આ વખતે હવે એ સ્ત્રીની પ્રેતાત્માએ ‘ડિબૂક બોકસ’ તરફ જોયું.

‘ડિબૂક બોકસ’નું ઢાંકણું આપમેળે જ ખુલ્યું.

એ સ્ત્રીની પ્રેતાત્મા ઉછળીને સીધી જ ‘ડિબૂક બોકસ’માં ચાલી ગઈ, ને ધબ્‌ કરતાં પાછું ‘ડિબૂક બોકસ’નું ઢાંકણું બંધ થઈ ગયું.

પવન રોકાઈ ગયો.

લાઈટો બંધ થવાની પણ રોકાઈ ગઈ. લાઈટો ચાલુને ચાલુ જ રહી. રૂમમાં અજવાળું જળવાઈ રહ્યું.

બધાંએ હવે ‘ડિબૂક બૉકસ’ તરફથી નજર ખસેડીને જેકસન તરફ જોયું.

જેકસન સામેની દીવાલના ટેકે બેઠો હતો. તે જાણે માઈલોના માઈલો દોડીને આવ્યો હોય એમ એના ચહેરા પર થાક વર્તાતો હતો.

‘હવે બધું ઠીક થઈ ગયું !’ આરોને કહ્યું, એટલે હવે સ્વીટી જેકસન તરફ આગળ વધી.

પામેલા અને મરીના પણ આંસુ સારતી જોઈ રહી.

સ્વીટી જેકસનની નજીક પહોંચી.

‘ડેડી !’ સ્વીટી ડુમાયેલા અવાજે બોલી.

જેકસને જમીન પરથી હાથ ઊઠાવીને ફેલાવ્યા. સ્વીટી જેકસનની છાતીમાં ચહેરો છુપાવીને રડી પડી.

જેકસન સ્વીટીનું માથું ચુમીને પછી એના માથે વહાલથી હાથ ફેરવવા લાગ્યો.

મરીના પણ જેકસનની નજીક આવીને જેકસન પાસે ઘુંટણીયે બેઠી.

જેકસને તેને પણ પોતાની નજીક લીધી.

‘ડેડી !’ મરીના ધ્રુસકું મુકતાં રડી પડી : ‘મને ગેરસમજ થઈ અને હું તમને જેમ આવે એમ બોલી...’

જેકસને એના મોઢા પર હથેળી મુકીને એને આગળ બોલતાં રોકી અને એના માથે હાથ ફેરવ્યો, ત્યાં જ પામેલા પણ જેકસનની બીજી બાજુ આવીને બેઠી. એની આંખોમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યાં હતાં.

‘જેકસન !’ પામેલા ગળગળા અવાજે બોલી : ‘હું પાગલ થઈ ગઈ હતી ! તું અમને તારા જીવથી પણ વધુ ચાહે છે અને હું...’ એણે ડુસકું ભર્યું : ‘...મને માફ કરી દે, જેકસન !’

જેકસન હળવું મલક્યો અને પામેલાને પણ પોતાની બાહોંમાં લીધી.

ચારેયને આ રીતના એકબીજાને વળગીને આંસુ સારતાં જોઈને આરોનની આંખના ખુણે પણ આંસુનું ટીપું આવ્યા વિના રહ્યું નહિ.

આરોને જમીન પર પડેલી, પેલી ‘ડિબૂક બોકસ’માંથી સ્વીટીએ કાઢીને પહેરેલી અને થોડીવાર પહેલાં એની આંગળીમાંથી નીકળીને જમીન પર પડી ગયેલી મોટી અંગૂઠી હાથમાં લીધી અને ખિસ્સામાં મુકી : ‘ચાલો હવે, આપણે નીકળીશું !’ આરોને જેકસન, પામેલા, મરીના અને સ્વીટી તરફ જોતાં કહ્યું.

‘હા !’ કહેતાં જેકસને પામેલા અને મરીનાના ખભા પરથી હાથ હટાવ્યા.

તે, પામેલા, મરીના અને સ્વીટી ઊભા થયાં.

બધાંએ પોતાની આંખોના આંસુ લૂછતાં આરોન તરફ જોયું.

આરોને બધાં તરફ એક હળવી મુસ્કુરાહટ રેલાવી.

અને નજીકમાં પડેલા પેલા ‘ડિબૂક બોકસ’ તરફ જોયું. તે એ ‘ડિબૂક બોકસ’ની નજીક પહોંચ્યો. તેેણે પોતાની પાસેનું પેલું ટુવાલ જેવડું મોટું સફેદ કપડું ‘ડિબૂક બોકસ’ પર ઢાંકી દીધું. તેણે હાથમાંનું પુસ્તક એ બોકસ પર મુકયું અને પછી પુસ્તક સાથે જ એ બોકસ ઊઠાવી લીધું અને ભોંયરાની બહાર નીકળી જવા માટે સીડી તરફ આગળ વધ્યો.

જેકસન પણ પામેલા, મરીના અને સ્વીટીને લઈને આરોનની પાછળ આગળ વધ્યો.

બધાં ભોંયરાની સીડી ચઢીને ઉપર પહોંચ્યા, ત્યાં જ સામે ડૉકટર આનંદ ભટકાયા : ‘તમે લોકો કયાં હતાં ?! રૂમમાં તમે લોકો હતા નહિ, એટલે હું પરેશાન થઈ ગયો હતો !’  કહેતાં ડૉકટર આનંદે સ્વીટી સામે જોયું : ‘અને સ્વીટીની તબિયત...’

‘...હવે સારી થઈ ગઈ છે !’ જેકસન બોલ્યો : ‘હું પછી આવીને તમને મળું છું, ત્યારે અસલમાં સ્વીટીની તબિયતને શું થયું હતું, એ જણાવું છું !’ અને ડૉકટર આનંદનો જવાબ સાંભળવા રોકાયા વિના જ જેકસન આરોન, પામેલા, મરીના અને સ્વીટી પાછળ હૉસ્પિટલની બહારની તરફ આગળ વધી ગયો.

‘આ ત્રણેયને ઘરે મોકલી દે !’ આરોને જેકસનની કાર પાસે પહોંચીને જેકસનને કહ્યું : ‘આપણે કબ્રસ્તાન જવું પડશે !’

‘હું તમારી સાથે...’ પામેલા આગળ બોલવા જાય એ પહેલાં જ જેકસને કહ્યું : ‘ના, તું તારી કારમાં મરીના અને  સ્વીટીને લઈને ઘરે જા. હું પછી આવું છું !’

‘પણ...’ અને પામેલાના મનની વાત પામી ગયો હોય એમ આરોને પામેલાને આગળ બોલતી રોકીને કહ્યું : ‘તું ચિંતા ન કર ! કલાકમાં જ  જેકસન સહીસલામત ઘરે પહોંચી જશે !’

‘જી, ભલે !’ અને હવે જાણે પામેલાને થોડીક રાહત થઈ હોય એમ એણે કહ્યું અને એ મરીના અને સ્વીટીને લઈને પોતાની કાર તરફ આગળ વધી.

‘ડેડી ! જલદી આવજો !’ મરીના અને સ્વીટી બન્ને જણીઓ એકસાથે જ બોલી.

‘હા !’ જેકસન બોલ્યો.

‘અને આરોન અંકલ !’ સ્વીટી બોલી : ‘થૅન્ક્યૂ !’

આરોને સ્વીટી તરફ હેતભરી મુસ્કુરાહટ રેલાવી.

‘અમે પણ તમારા આભારી છીએ !’ પામેલા બોલી.

અને ‘આભાર ઇશ્વરનો માનો !’ એવું કહેતો હોય એમ આરોને આકાશ તરફ આંગળી ચિંધી અને જેકસનની કારનો આગળનો દરવાજો ખોલીને, ‘ડિબૂક બોકસ’ સાથે બેસી ગયો.

જેકસન ઝડપભેર ડ્રાઈવિંગ સીટ પર બેઠો. તેણે કાર ચાલુ કરી.

‘આ બોકસ જે કબ્રસ્તાનની બહારથી મળી આવ્યું હતું, એ કબ્રસ્તાને કાર લઈ લે.’ આરોને કહ્યું.

‘હા !’ કહેતાં જેકસને એ કબ્રસ્તાન તરફ કાર દોડાવી  મુકી.

આરોને એ કબ્રસ્તાનની અંદર એ બોકસ દાટી દીધું અને પછી જેકસનની સાથે કબ્રસ્તાનની બહાર નીકળ્યો.

‘હવે એ સ્ત્રીની પ્રેતાત્મા સ્વીટીને કે...’ જેકસન આગળ પૂછવા જાય એ પહેલાં જ આરોને કહ્યું : ‘એ પ્રેતાત્મા પોતાના ‘ડિબૂક બોકસ’ સાથે દફન થઈ ગઈ છે. હવે એ કદિ કોઈને પરેશાન નહિ કરી શકે !’

‘થૅન્કયૂ !’ કહેતાં જેકસને આરોન સામે આભારથી હાથ જોડયા.

આરોને જેકસનના હાથ છોડાવીને પછી એનો ખભો થપથપાવ્યો : ‘તું મને મારા ઘરે મુકી જઈશ !’

‘હા-હા, ચોક્કસ !’ અને જેકસને કારનો ડ્રાઈવિંગ સીટનો દરવાજો ખોલ્યો.

તે ડ્રાઈવિંગ સીટ પર બેઠો.

આરોન તેની બાજુની સીટ પર બેઠક લીધી.

જેકસને આરોનના ઘર તરફ કાર દોડાવી મુકી.

જેકસન આરોનને એના ઘરે મુકીને પાછો પામેલાના ઘરે પહોંચ્યો, ત્યારે પામેલા, મરીના અને સ્વીટી તેની વાટ જોઈને જ બેઠી હતી.

તેને આવેલો જોતાં જ ત્રણેય જણીઓએ નિરાંતનો શ્વાસ લીધો.

‘મને કકડીને ભૂખ લાગી  છે !’ જેકસન બોલ્યો.

‘મને પણ !’ મરીના અને સ્વીટી એકસાથે જ બોલી, અને ત્રણેય બાપ-દીકરીઓએ પામેલા સામે જોયું.

‘હું હમણાં જ ફટાફટ જમવાનું બનાવી નાંખું છું !’ પામેલા  બોલી : ‘જેકસન ! તું મને મદદ કરીશ ને ?!’

‘હું...?!’ જેકસન બોલ્યો : ‘...મદદ માટે તું ડેવિડને બોલાવી લે ને !’

‘હવે ડેવિડ ગયો નરકમાં !’ પામેલા બોલી : ‘હવે હું એને આ ઘરમાં પગ સુધ્ધાં નહિ મુકવા  દઉં !’ અને પામેલા રસોડામાં ચાલી ગઈ.

‘ડેડી !’ સ્વીટીએ જેકસન પાસે આવીને જાણે એના કાનમાં ફૂંક મારતી હોય એમ કહ્યું : ‘મમ્મીએ કહી દીધું છે કે, હવે ફરી આપણે ચારેય જણાં સાથે જ રહીશું !’

‘ખરેખર ?!’

‘હા, ડેડી !’ મરીનાએ પણ સ્વીટીની વાતમાં સાથ પુરાવ્યો.

‘તો-તો હવે મારે પામેલાને રસોઈમાં મદદ કરવા જવું જ પડશે !’ કહેતાં જેકસન રસોડા તરફ સરકયો.

તે રસોડામાં દાખલ થયો તો પામેલા દરવાજાની પાછળ જ તેની વાટ જોઈને ઊભી હતી.

પામેલાએ જેકસનને પોતાની તરફ ખેંચી લીધો.

અત્યારે હવે જેકસન, પામેલા, મરીના અને સ્વીટી ‘ડિબૂક બોકસ’વાળી એ સ્ત્રીની પ્રેતાત્માની વાત ભૂલી ચૂકયાં છે. તેઓ અત્યારે ખુશી-મજામાં દિવસો વિતાવી રહ્યાં છે !

( સમાપ્ત )