દેવાંશે કવિશાના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો કે, "આમ સામે જોઈને વાત કર.."
"નથી વાત કરવી મારે તારી સાથે..અને લાવ મારો મોબાઈલ આપી દે.."
"ના નહીં આપું તો શું કરશે તું અને આમ મારી સામે જોઈને વાત કર મારી સાથે..?"
"નથી કરવી એક વાર કહ્યું ને..અને લાવ મોબાઈલ આપી દે.."
"લે.." દેવાંશે જાણે કવિશાના હાથમાં મોબાઈલ પછાડ્યો...અને ક્લાસરૂમમાં ચાલ્યો ગયો.
તે આજે જાણે પોતાની ફ્રેન્ડ કવિશાને કંઈક કહેવા ઇચ્છતો હતો પરંતુ કવિશા એટલી બધી ગુસ્સામાં હતી કે...પૂછો નહીં..
કવિશાનો ગુસ્સો પણ સ્વાભાવિક હતો...
કવિશાની ઘણી નજીક રહી ચૂક્યા છતાં છેલ્લા ઘણાં સમયથી દેવાંશનું તેની તરફ કોઈ લક્ષ જ નહોતું અરે લક્ષ તો શું તે કવિશાની સામે પણ જોતો નહોતો કે તેની સાથે વાત પણ કરતો નહોતો અરે, એટલે થી વાત અટકી જતી નથી પરંતુ કવિશા સમીરને કોન્ગ્રેચ્યુલેટ કરવા ઈચ્છતી હતી અને ત્યારે તેણે બે ચાર વખત દેવાંશને વિનંતી કરી કે, "તું મારી સાથે ચાલ ને આપણે સમીરને મળવા માટે જઈએ.." પરંતુ દેવાંશે તે વાત પણ પોતાના ધ્યાન ઉપર ન લીધી અને છેવટે કવિશાએ એકલાએ જ સમીરને કોન્ગ્રેચ્યુલેટ કરવા માટે જવું પડ્યું અને આ ઘણાં સમયનો મનમાં દબાવી રાખેલો ગુસ્સો અત્યારે સઘળો જ દેવાંશની ઉપર ઉતરી રહ્યો હતો.
થોડી વારમાં કવિશાની ફ્રેન્ડ પ્રાપ્તિ આવી એટલે બંને સાથે જ પોતાના ક્લાસરૂમમાં ગયા. ત્યાં દેવાંશ હાજર જ હતો. આજે જે કંઈ પણ બન્યું તેની અસર દેવાંશ અને કવિશા બંનેની ઉપર ખૂબજ ગહેરી પડી હતી.
કવિશા બિલકુલ ગુપચુપ થઈ ગઈ હતી તેની ફ્રેન્ડ પ્રાપ્તિએ તેને બે વાર બોલાવી પરંતુ તેનું બિલકુલ ધ્યાન જ નહોતું અને આ બાજુ દેવાંશના મગજમાં પણ એકાએક વિચારોનું વાવાઝોડું ઘોડાપૂરની માફક ધસમસી આવ્યું હતું જેને તે પોતાના દિલોદિમાગમાંથી દૂર હટાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ નિષ્ફળ જઈ રહ્યો હતો.
આજે જાણે કવિશાનું વર્તન અને તેની હઠભરેલી વાતો દેવાંશના હ્રદયમાં શૂળની જેમ ભોંકાઈ રહી હતી અને થોડીક જ વારમાં તે ચાલુ ક્લાસે બહાર નીકળી ગયો અને પાર્કિંગમાં જઈને બેસી ગયો.
તેને બોલાવવા માટે તેના બે ગુંડા જેવા મિત્રો જે હમણાંના તેનો પીછો નહોતા છોડતા તે ત્યાં આવી પહોંચ્યા પરંતુ આજે દેવાંશે તેમની સાથે બહાર જવાનો પણ ઈન્કાર કરી દીધો અને તે ચૂપચાપ એમ વિચારતો બેસી રહ્યો કે, "કવિશા મારી સાથે કેમ બરાબર વાત નથી કરતી?"
પરંતુ નશામાં ખોવાયેલા તેને એ વાતનું પણ ભાન નથી રહ્યું કે પોતે પણ ઘણી બધી વખત કવિશાને એવોઈડ કરી છે અને આ તેનું જ પરિણામ છે અને હવે આજે જ્યારે તેને કવિશા સાથે પોતાની વાતો શેર કરવી છે ત્યારે કવિશા તેનાથી દૂર દૂર રહે છે.
અડધા કલાક પછી રીશેષ પડી એટલે કવિશા પોતાની ફ્રેન્ડ પ્રાપ્તિ સાથે કેન્ટિનમાં જઈ રહી હતી.
દેવાંશના મગજમાં આજે એક વાત જાણે પડઘા પાડી રહી હતી કે, "કવિશા મારી સાથે વાત કેમ ના કરે?"
તેને ખબર હતી કે કવિશા કેન્ટિનમાં કોફી પીવા માટે જશે જ એટલે તે પણ કેન્ટિનમાં ગયો તેણે પોતાના બે હાથમાં બે કોફી લીધી અને કવિશાના ટેબલ ઉપર ગયો અને તેની સામેની ચેરમાં ગોઠવાઈ ગયો તેણે પ્રેમથી કવિશાની સામે જોયું અને બોલ્યો કે, "લે તારા માટે કોફી લાવ્યો છું કડક અને મીઠી..તારા જેવી.." અને પછી તે હસી પડ્યો.
દેવાંશને જોઈને જ કવિશાનું મગજ તો હટી ગયું હતું.
તેણે પોતાની ધારદાર નજરે દેવાંશની સામે જોયું અને બોલી કે, "નથી પીવી તારી કોફી રાખ તારી પાસે, અમારી કોફી પ્રાપ્તિ લેવા માટે જ ગઈ છે."
"કવિ, તને થયું છે શું તું કેમ મારી સાથે વાત નથી કરતી?"
"મારી મરજી, અને સાંભળ હું કંઈ તારી જાગીર કે પ્રોપર્ટી નથી તો તું ઇચ્છે ત્યારે તેનો ઉપયોગ કરી શકે.. મારી મરજી હોય તો હું બોલું પણ ખરી અને ન હોય તો ન પણ બોલું..." કવિશાનો ગુસ્સો આજે સાતમા આસમાને હતો.
"પણ મેં ક્યાં એવું કંઈ કહ્યું?"
"અને આ તારા હાલ હવાલ તો જો..! મવાલી જેવા દોસ્તો સાથે ફરીને તું પણ મવાલી ગુંડા જેવો લાગે છે. શું તને આમ જોઈને કોઈ સારા ઘરની છોકરી તારી સાથે વાત કરવા પણ ઉભી રહે એમ તું માને છે? અને ફ્રેન્ડશીપ તો બહુ દૂરની વાત છે." કવિશાના હૈયે હતું તે આજે હોઠ ઉપર આવીને અટકી રહ્યું હતું.
દેવાંશે પોતાનો મોબાઈલ પોતાના હાથમાં લીધો અને તેનો કેમેરા ઓન કર્યો અને તેમાં તે પોતાનો ચહેરો જોવા લાગ્યો અને પોતાની જાતને પૂછવા લાગ્યો કે, "ખરેખર હું એવો લાગું છું?"
"ઘરે જઈને દર્પણમાં તારું મોં જોજે પહેલા પછી મારી સાથે વાત કરવા માટે આવજે."
દેવાંશે કોફીના બંને કપ ત્યાં જ છોડી દીધા અને તે ત્યાંથી ઉભો થઈને ચાલ્યો ગયો.
એટલીવારમાં પ્રાપ્તિ પોતાના હાથમાં કોફીના બે કપ લઈને ત્યાં આવી પહોંચી અને તેણે ટેબલ ઉપર જોયું તો ઓલરેડી કોફીના બે કપ ત્યાં મોજૂદ હતાં તે વિચારમાં પડી ગઈ, "આ કોની કોફી છે?"
"તારા માટે જ છે પી જા તું" કવિશા હજુ ગુસ્સામાં જ હતી.
પ્રાપ્તિને વાતની કંઈ ખબર નહોતી એટલે તે ભોળાભાવે બોલી રહી હતી, "અરે, આપણાં માટે તો આ હું લઈને આવી તો પછી આ બે કપ?"
"દેવાંશ આવ્યો હતો..
"અચ્છા તો એટલે મેડમ ગુસ્સામાં છે એમ કહો ને ત્યારે.." પ્રાપ્તિ કવિશાની મજા લેતી હતી.
એક ફ્રેન્ડને બીજી ફ્રેન્ડ સિવાય કોણ સાચું કહી શકે??
"તો તે ક્યાં ગયો? તે કોફી પીવા ન રોકાયો અને તે પીધી નહીં કોફી?"
"નથી વાત કરવી મારે એની સાથે"
"અચ્છા તો ગુસ્સામાં અને ગુસ્સામાં તે એને અહીંથી ભગાડી દીધો એમ જ ને? અરે, કેટલો હેરાન કરીશ બિચારાને? હવે માની જાને યાર.." પ્રાપ્તિ દેવાંશનો પક્ષ લઈ રહી હતી તે જોઈને કવિશા તેની ઉપર વધારે બગડી, "જા બહુ દયા આવતી હોય એની, એક કામ કર એના ખોળામાં જઈને બેસી જા.."
"હું એના ખોળામાં જઈને બેસીસ ને તો પછી એ તારાથી નહીં જીરવાય? તારા મનમાં એના માટેનો પ્રેમ અને લાગણી ચોખ્ખા દેખાઈ આવે છે એટલે હવે આ નાટક બંધ કર અને એની સાથે વાત કરીને આ ચેપ્ટર ક્લોઝ કર."
પ્રાપ્તિ કવિશાના મનને વાંચી રહી હતી અને તેને સમજાવી રહી હતી.
"નથી વાત કરવી મારે એની સાથે" કવિશા જીદ લઈને બેઠી હતી.
બંનેએ ચૂપચાપ કોફી પીધી અને રીશેષ પૂરી થઈ એટલે ફરીથી પાછા પોતાના ક્લાસરૂમમાં ચાલ્યા ગયા.
આજનો દિવસ પૂરો થયો કવિશા પોતાનું એક્ટિવા લઇને પોતાના ઘરે જવા માટે નીકળી રસ્તામાં દેવાંશ તેની રાહ જોતો ઉભો જ હતો તેણે પોતાનું બુલેટ કવિશાના એક્ટિવા આગળ ઉભું કરી દીધું. કવિશાને રોકાયા વગર છૂટકો નહોતો...
હવે આ આમના સામનાથી કેવી ચકમક ઝરે છે? કે પછી તે બંને વચ્ચેની મિત્રતાને પાછી લાવનાર બને છે..??
જોઈએ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
27/4/24