૪. પહેલી કડી મળી
અમારા લીમા શહેરનું ભૂસ્તરીય બંધારણ રણપ્રદેશનું છે. પૂર્વ તરફ ઊભેલી એન્ડીઝ પર્વતમાળા એ તરફથી આવતા વરસાદી વાદળોને આ તરફ, લીમા બાજુ આવવા દેતી નથી. વરસાદ એન્ડીઝના વર્ષાજંગલોમાં જ વરસી જાય છે એટલે લીમાનું ચોમાસું માત્ર કહેવા પૂરતું જ રહે છે. મેથી ઓક્ટોબર શિયાળાનો સમય હોય છે.
બીજા દિવસે સવારે ઊઠયો ત્યારે મારા ઘરની બહાર દૂર દેખાતી ટેકરી પર ધુમ્મસ ઊતરી આવ્યું હતું. ગઈકાલ કરતાં ઠંડી આજે વધારે હતી. ગઈ સાંજે અમે બે જુદાં જુદાં પુસ્તકોમાંથી કેટલાક શબ્દો અને આંકડા નોંધ્યા હતા. પણ રાત સુધી તો કશું જાણી શક્યા નહોતા. સવારે ફરી મળવાનું નક્કી કરીને અમે છૂટા પડ્યા હતા.
સવારની રોજિંદી ક્રિયાઓથી પરવારીને હું ડ્રોઈંગરૂમમાં આવ્યો. પપ્પા નોકરી પર જવાની તૈયારી કરી રહ્યા હતા. બૂટ-મોજાં પહેરતાં મને પૂછ્યું, ‘શું ગુસપુસ ચાલી ગઈકાલે ? કૉલેજ પૂરી થઈ એટલે વળી ક્યાંય ફરવા જવાનો વિચાર છે કે શું ?’
‘હા પપ્પા. બસ એની જ ચર્ચા કરતા હતા કે ક્યાંક જઈએ.’ મેં સાચી વાત પપ્પાથી છુપાવી. મારું જૂઠાણું એ પકડી શક્યા નહીં.
‘નક્કી થયું કાંઈ ?’
‘બસ, એક-બે દિવસમાં નક્કી કરી લઈશું.’
‘ભલે.’ એમણે વાર્તાલાપ ટૂંકાવ્યો અને ઊભા થતાં મમ્મીને કહ્યું, ‘હું જાઉં છું, લોરા.’ મમ્મીનો વળતો જવાબ સાંભળ્યા વગર જ ઘરની બહાર નીકળી ગયા. આજે ઠંડી વધારે હતી એટલે એમણે ઊનના સ્વેટર માથે કોટ ચડાવ્યો હતો.
દસેક વાગતાં વિલિયમ્સ, ક્રિક, જેમ્સ અને થોમસ આવી પહોંચ્યા. અમે રાબેતા મુજબ ઉપરના રૂમમાં બેઠક જમાવી.
પેલો થોથો અને મારું પુસ્તક ગઈકાલ રાતથી પલંગ પર જ પડ્યાં હતાં. બાજુમાં એક નોટબૂક હતી જેમાં અમે પેલા સ્પેનિશ શબ્દો અને આંકડા લખ્યા હતા. રાત્રે અમે બે કલાક સુધી એ શબ્દો અને આંકડાઓ બાબતે વિચાર કરેલો, પણ કોઈ ચોક્કસ તારણ પર નહોતા આવી શક્યા.
આજે ફરી એ જ ઘટમાળ શરૂ થઈ. પેલા થોથામાંથી અમને લા આમાપોલા, એલ ગીરાસોલ, લા ઓર્કિડા જેવા એક ડઝન ફૂલોના નામ મળ્યા હતા. બીજા દોઢ ડઝન લૂના (ચંદ્ર), વિએન્તો (પવન), આમોર (પ્રેમ), ગેતો (બિલાડી) જેવા અન્ડરલાઈન કરેલા શબ્દો જુદા કાઢ્યા. ફૂલોના નામ અને સામાન્ય સ્પેનિશ શબ્દોને એકબીજા સાથે જોડીને કોઈ નવો કામનો શબ્દ બને છે કે નહીં એની મહેનત શરૂ કરી.
થોડી વારે હું પેરુના જાણીતા સ્થળોનું પુસ્તક લઈ આવ્યો અને જોવાનું શરુ કર્યું કે આ સ્પેનિશ શબ્દોનું કોઈ સ્થળ સાથે મહત્વ છે કે નહીં. આ રીતે બનતા શબ્દોનું પણ અલગ લિસ્ટ બનાવ્યું.
‘આ ફૂલ ને ચંદ્ર ને પ્રેમ ને આ બધું શું છે ? આપણે કોઈ કવિને મળવાનું છે કે શું ?’ બે કલાક બાદ ક્રિક કંટાળ્યો.
એની રમૂજથી બધા હસી પડ્યા.
‘એ તો હવે ફ્રેડી જોસેફ જાણે, યાર.’ વિલિયમ્સને પણ ક્રિકની અકળામણનો ચેપ લાગ્યો.
ત્યાં જ બપોરના જમણ માટે નીચેથી મમ્મીની બૂમ ઉપર દોડી આવી. અમે કામ અધૂરું મૂકીને જમવા ઊતર્યા. જમી પરવાર્યા પછી ફરી કામે લાગી ગયા.
એટલું તો નક્કી હતું કે આ શબ્દો અથવા તો અંકો કોઈ સ્થળ તરફ જ ઈશારો કરી રહ્યા હોવા જોઈએ. અને એ જગ્યા પેરુમાં જ હોઈ શકે. પેરુથી દૂર નહીં. કારણ કે ફ્રેડી જોસેફે એમની સંપત્તિ એન્ડીઝના કોઈ પહાડમાં રાખી છે. આમ તો એન્ડીઝ પર્વતમાળા ઉત્તરે કોલંબિયાથી શરૂ કરીને ઇક્વાડોર થતી પેરુમાં પ્રવેશી નીચે દક્ષિણમાં ચીલી સુધી લંબાય છે. જૈફ ઉંમરે ફ્રેડી જોસેફ પેરુથી દૂર અને દુર્ગમ પહાડ પર જવાનું સાહસ ન ખેડે. આમ પણ એવા નિર્જન શિખરો સુધી સામાન્ય માણસો પહોંચી જ ન શકે. કદાચ પેરુનું સ્થળ ન હોય ને સરહદીય બ્રાઝિલ કે બોલિવિયાનું પણ કોઈ ઠેકાણું હોઈ શકે. પણ પેરુની શક્યતા સૌથી વધુ હતી.
પેલા સ્પેનિશ શબ્દોએ અમને સાથ ન આપ્યો એટલે નંબર્સ તરફ વળ્યા.
9137726 – આટલા અંકો મળ્યા હતા. આ સાત નંબર શું સૂચવતા હશે ?
‘આપણે આ અંકો મુજબ અંગ્રેજી મૂળાક્ષરો ગોઠવી જોઈએ.’ જેમ્સે સૂચવ્યું. પછી નોટબૂકનું પાનું ફેરવીને લખવા માંડ્યો.
‘નવ એટલે આઈ... એક એટલે એ... ત્રણ એટલે સી...’ એ ગણગણતો ગયો અને લખતો ગયો. શબ્દોનો સરવાળો આવો થયો: IACGGBF.
કોઈ નક્કર શબ્દ નહીં ! બધાના મોઢાં પડી ગયાં. પણ એમ કંઈ નિરાશ થયે ચાલવાનું હતું ? અમે એવી સ્થિતિમાં હતા કે અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો.
‘અરે, અક્ષાંસ-રેખાંશ !’ અચાનક થોમસે ઉમળકાભેર બૂમ પાડી. એણે એટલા જોરથી રાડ પાડી કે અમે ચોંકી ગયા. વળતી જ ક્ષણે શરીરમાંથી રોમાંચ પસાર થઈ ગયો. વાત તો એકદમ સાચી ને સહેલી ! સ્વાભાવિક બાબત હતી કે કોઈ જગ્યાના દિશા સૂચનની વાત હોય તો અક્ષાંસ-રેખાંશથી જ તેની માહિતી આપવામાં આવે.
‘વિષુવવૃત્ત એટલે ઝીરો અક્ષાંસ.’ મેં કહ્યું, ‘વિષુવવૃત્તથી ઉત્તર અને વિષુવવૃત્તથી દક્ષિણ એમ બે ભાગમાં અક્ષાંસ વહેંચાય. અક્ષાંસ બંને ભાગમાં વધારેમાં વધારે 90 અંશ સુધીના હોય. આપણા નંબરોમાં શરૂઆતના બે અંકો 91 છે. 91 અંશનો અક્ષાંસ શક્ય નથી. એટલે એ 91 નહીં પણ 9 હોવો જોઈએ. 9.13 અંશ ઉત્તર અથવા દક્ષિણ અક્ષાંસ. એ જ રીતે રેખાંશ માટે 7.72 અંશ અથવા 77.26 અંશ પૂર્વ કે પશ્ચિમ રેખાંશ હશે.’
આટલું બોલી હું અટક્યો. મારી પાસે પેરુનો સુક્ષ્મ વિગતોવાળો નકશો હતો એ કબાટમાંથી કાઢીને ટેબલ પર પાથર્યો. મારા મિત્રો મારી આજુબાજુ ઊભા રહી ગયા.
‘9.13 અંશ ઉત્તર અક્ષાંશ...’ ગણગણીને મેં મારી આંગળી એક જગ્યાએ મૂકી. પછી 7.32 અંશ પૂર્વ અને પશ્ચિમ બંને રેખાંશ મુજબ જોયું. અક્ષાંસ-રેખાંશ જ્યાં છેદતા હતા એ ઉત્તર આફ્રિકા નીકળ્યો. અમારા માટે નકામું.
‘એટલે હવે આપણે 9.13 અંશ દક્ષિણ અક્ષાંસ અને 77.26 અંશ પશ્ચિમ રેખાંશ જોવાનું.’ નકશાના એ ચોકઠામાં આંગળી લઈ ગયો જ્યાં બંને રેખાઓ એકબીજીને છેદતી હતી અને... હૃદય એક ધબકારો ચૂકી ગયું.
‘વાસ્કરનના પહાડો !’ અમે લગભગ એક સાથે જ બોલી ઊઠ્યા.
એન્ડીઝનું વાસ્કરન નામનું બર્ફીલું શિખર ખૂબ જાણીતું છે. ૨૨,૦૦૦ ફૂટ ઊંચો વાસ્કરન પહાડ પેરુનો સૌથી ઊંચો પહાડ છે. ટોચ સુધી પહોંચવું ખૂબ આકરું છે, પણ આરોહણ રસિકો માટે ટ્રેકિંગની સુવિધા વિકસાવવામાં આવી છે. હજી ગયા વર્ષે, ૧૯૬૦માં જ પેરુવિયન સરકારે વાસ્કરન ક્ષેત્રને સંરક્ષિત જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સરકાર એ વિસ્તારને તેની જૈવિક વિવિધતાને કારણે સાચવવા માગે છે અને નેશનલ પાર્ક બનાવવા માગે છે એવા સમાચાર મેં વાંચ્યા હતા.
પહેલી કડી મળી ગઈ એનો રોમાંચ બધાના ચહેરાઓ પર બલ્બની જેમ ચમકતો હતો. અમે વોટ્સન તરફ એક ડગલું ભરી લીધું હોવાનો આનંદ થયો. પણ સાથે જ મનને સભાન બનાવી દીધું કે હવે ગમે તેવા સંજોગો સાથે બાથ ભીડવી પડે એવી પરિસ્થિતિ ઊભી થશે. એના માટે અમારે પૂરી તૈયારી રાખવી પડશે.
હું આવું બધું વિચારતો હતો ત્યાં જ ગલીના રોડ તરફ પડતી બારીમાંથી મારી નજર રસ્તા પર પડી. એક જ માણસ મને ચોથી વાર આંટાફેરા કરતો દેખાયો. અમે વાતો કરતા હતા ત્યારે પણ બારી બહાર મારી નજર ગઈ હતી. ત્યારે પણ એને જોયો હતો. પણ એ ચોથી વખત દેખાયો એટલે શંકા જાગી.
એણે સાદાં ટીશર્ટ-જીન્સ પહેર્યાં હતાં. ચહેરા પરથી જરાય ગુંડા-બદમાશ જેવો નહોતો લાગતો. પણ શંકાસ્પદ રીતે વારંવાર એ મારા ઘર ભણી ત્રાંસી નજર નાખી લેતો હતો. મેં બારીથી થોડેક દૂર રહીને મારા મિત્રોને એની વાત કરી.
‘તું એ તરફથી મન વાળી લે, એલેક્સ.’ થોમસ બોલ્યો, ‘હવે તો ડગલે ને પગલે આપણા પેલા ભેદી પત્રવાળા દુશ્મનના સાથીદારો આપણી ઉપર નજર રાખતા જ રહેશે. તો જ એને આપણા દરેક પગલાંની જાણ થતી રહેશે ને !’
થોમસની વાત મૂંગામોઢે સાંભળીને હું બારીની નજીક સરક્યો. ત્યાં જ પેલાનો ચહેરો મારા તરફ ફર્યો. અમારા બંનેની આંખો મળી. વળતી જ પળે એ ટહેલવાનું બંધ કરી ગલીના નાકા તરફ આગળ વધી ગયો. મને એ વ્યક્તિ કોઈ બદમાશના સાગરિત જેવી જરાય ન લાગી.
(ક્રમશઃ)