Ek Hati Kanan.. - 4 in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 4

Featured Books
Categories
Share

એક હતી કાનન... - 4

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 4)
કાનન ને દાદીબાની કેટલીક વાતો પણ યાદ આવી.
“ધૈર્યકાન્ત નામ ભલે તારા પપ્પાનું પણ ધૈર્યશીલ સ્વભાવ તો તારાં મમ્મી સરૂબેનનો. આત્મવિશ્વાસ,ધીરજ અને શાંત સ્વભાવનો ત્રિવેણી સંગમ એટલે તારાં મમ્મી. મમ્મીના શાંત સ્વભાવથી ક્યારેક હું અકળાઇ પણ જતી.”
“મને એક માત્ર આશા હતી કે સારી વહુ મળે તો મારા દીકરાનો સ્વભાવ સુધરે અને એટલે જ તારા પપ્પાના લગ્નનો મામલો જીદ કરીને મેં મારી પાસે રાખ્યો હતો. મને પહેલી નજરે જ સરૂ આદર્શ પુત્રવધુના રુપમાં વસી ગઇ હતી. સરૂનો શાંત સ્વભાવ અને નોકરી કરતી હોવાથી આર્થિક રીતે પગભર પણ ખરી. મને તારી મમ્મીમાં મારા પુત્રને સુધારવાનાં બધાં જ લક્ષણો દેખાતાં મેં તારા દાદાની ઉપરવટ જઇને પણ વાત આગળ વધારી હતી. તારી મમ્મીને પણ તારા પપ્પાના સ્વભાવ વિશેની આછી પાતળી માહિતી ખરી પણ એક ધૂની સ્વભાવના છોકરા તરીકેની. પણ મેં તો તારા પપ્પાના સ્વભાવની અથ થી ઇતી બધી જ માહિતી આપી ને તારી મમ્મી સમક્ષ રીતસર ખોળો જ પાથર્યો હતો. સરૂએ પણ આને એક પડકાર માની પોતાનાં માતા-પિતા,ભાઇ-બહેનની ચેતવણીને અવગણીને પણ આ ચેલેન્જ ઉપાડી લીધી.“
“લગ્ન બાદ મમ્મીને પપ્પાના સ્વભાવનો પહેલો પરચો તુરત જ મળી ગયો.”દાદીબા એ વાત આગળ વધારી.
“મને સ્ત્રીઓ નોકરી કરે એ બિલકુલ પસંદ નથી,નોકરી આપણી આર્થિક જરુરિયાત પણ નથી અને ઘરના વડીલોને પણ તારી હાજરીની જરુર છે. પપ્પાના આ ફરમાનને તારી મમ્મીએ ખૂબ જ શાંતિથી સ્વીકારી લીધું. મેં વિરોધ કરવાનો પ્રયત્ન એમ કરીને કર્યો કે જ્યાં સુધી મારી તબિયત સારી છે ત્યાં સુધી ભલે સરૂ નોકરી કરતી. પણ તારી મમ્મીએ ઇશારાથી સમજાવીને મને ચૂપ કરી દીધી. એક પળ તો મને પણ એમ થઇ ગયું કે મેં સરૂ ને ફસાવી તો નથી ને ?”
“મમ્મી, પપ્પા પહેલેથી જ આવા હતા? ક્યારથી બદલાઇ ગયા? મારાથી કોઇ મોટી ભૂલ થઇ ગઇ હતી?
“એકવાર કાનને હિમ્મત કરીને પૂછી જ લીધું હતું.”
પહેલાં તો મમ્મી ચૂપ રહી હતી. થોડી અવઢવમાં હોય એવું પણ લાગ્યું.
સમજદાર દીકરીએ મમ્મીની સ્થિતિ સમજી ને વાત વાળવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
“કાંઈ વાંધો નહી.મમ્મી હું તો અમસ્તું જ પૂછતી હતી.”
કાનન ને યાદ આવ્યું કે પછી વાતનો દોર મમ્મીએ સંભાળી લીધો હતો.
“એક પળ તો મને પણ એવું લાગ્યું કે તું માત્ર જવાબ નહીં પરંતુ તારા તરફના વર્તનનો હિસાબ પણ માગી રહી છો. પણ અંતે મને લાગ્યું કે હવે તું મોટી થઇ ગઈ છો અને સમજદાર પણ.
કાનન, અમારા લગ્નજીવનમાં તારા આગમને એવું કામ કર્યું હતું કે જે નહોતી કરી શકી હું કે નહોતાં કરી શક્યાં તારાં દાદીબા. તારા આગમને તો પપ્પાનો સ્વભાવ ધરમૂળથી બદલી નાખ્યો હતો. ગુસ્સો,ગંભીરતા અને જીદ તો ક્યાંય ઓગળી ગયાં. ઘરનું તો જાણે વાતાવરણ જ બદલાઇ ગયું. ઘરનું આખું સમયપત્રક જ તારી આસપાસ ગોઠવાઇ ગયું. બેંકમાંથી ભાગ્યે જ ફોન કરતા તારા પપ્પા હવે દિવસમાં બે-ત્રણ વાર ફોન કરતા. બેંકમાંથી આવીને તો રીતસર હિસાબ જ માગતા. કાનન ક્યારે સૂતી,ક્યારે ઉઠી,ક્યારે જમી,શું જમી, આમ ઘરે આવતાંવેંત પ્રશ્નોનો મારો જ ચાલતો. અને એમાં પણ તું રડે તો તો વાત જ પતી ગઈ. આખું ઘર માથે લઈ લેતા. તું રડ એટલે બધું કામ સાઇડમાં મૂકી દેવાનું.તારા માટે કપડાં,રમકડાં,બાબાગાડી,સાયકલ.આમ પાંચ વર્ષની જરૂરિયાતો એકસામટી ઘરમાં આવી ગઈ.નોકરી સિવાયની એક જ પ્રવૃતિ,બસ કાનન.”
મમ્મી થોડાં અટક્યાં અને પછી વાત આગળ વધારી.
“તારાં આગમને અમને બન્ને ને ખૂબ જ ધરપત આપી હતી.દાદીબા તો બધે કહેતાં કે જે કામ હું ન કરી શકી તે મારી સરૂએ કરી બતાવ્યું. અને ગર્વ સહિત ઉમેરતાં પણ ખરાં કે સરૂ સિવાયની બીજી કોઈ આવી હોત તો ક્યારની ઘર છોડીને ભાગી ગઈ હોત.”
“તો પછી એવું તે શું બન્યું કે પપ્પાના સ્વભાવની ગાડી પાટા પરથી ઉતરી ગઈ?” કાનને ફરી એકવાર પોતાને સતાવતો પ્રશ્ન આખરે પૂછી લીધો હતો.
મમ્મીએ વાત આગળ વધારી.
“પપ્પાના સ્વભાવ પરિવર્તનનું નિમિત્ત બનનાર તને જોવા માટે ખાસ સગાં-સંબંધીઓ, પાડોશીઓ, મિત્રો, બહેનપણીઓ અને સહ કર્મચારીઓ આવતા.આમ તું બધાની લાડકી બની રહી હતી.”
“તારો નટખટ સ્વભાવ,તારા પપ્પાની બેંકમાં નોકરી અને સ્વભાવ પરિવર્તન તથા દાદા દાદીની છત્રછાયા.હું તો જાણે આભમાં વિહરતી હતી.મારું સુખ તો સૌ કોઈ માટે ઈર્ષ્યા ઉપજાવનારું હતું.”
“તારી ઉમર ચાર વર્ષની થઇ અને તને રમવા માટે ભાઈના રૂપમાં એક રમકડું મળ્યું,જાણે કે સોનામાં સુગંધ.હવે તારી આખી જિંદગી ભાઈની આસપાસ જ ગોઠવાઈ ગઈ.ભાઈ સુએ તે પણ તને પસંદ નહીં.બસ આખો દિવસ બસ ભાઈને જ રમાડવો હોય.”
“તારા ભાઈના પ્રથમ જન્મદિવસે તો ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું.આખો દિવસ ભરચક રહ્યો હતો. ભાઈના જન્મદિવસની ઉજવણીમાં તારા પપ્પાએ કોઈ જ કસર છોડી ન હતી.શાનદાર પાર્ટી ગોઠવી હતી.”
ઓચિંતો મમ્મીનો અવાજ તરડાઇ ગયો.તે ગંભીર બની ગઈ હોય એવું કાનન ને લાગ્યું.
“પરંતુ જન્મદિવસની ઉજવણી ના પડઘા સમે તે પહેલાં જ કુદરતની ક્રૂર થપાટે મારા દીકરાને છીનવી લીધો. બે દિવસની બીમારીમાં જ આપણું રમકડું છીનવાઈ ગયું.ડોક્ટર બીમારી સમજે,કંઈ કરે તે પહલાં આપણો વહાલસોયો ચાલ્યો ગયો. તારા માટે તો આ બધું સાવ નવું જ હતું.કોઈ તને ભાઈ પાસે જવા નહોતું આપતું, રમાડવા નહોતું આપતું .સફેદ કપડું ઓઢાડ્યું હતું. હાલ્યા ચાલ્યા વિના તે સૂતો હતો. ઘરમાં બધાં લોકો આટલાં બધાં રડે કેમ છે તે તારી સમજની બહાર હતું. તું પપ્પાને તો પહેલીવાર રડતા જોતી હતી.મારી હાલત તો કેવી હશે તે તો તું સમજી શકતી હોઈશ.”
“તારી એ વખતની સ્થિતિ અને ચહેરાના બદલાતા ભાવો,શૂન્યમનસ્ક આંખો અને ભાઈ પાસે જવા માટેની જીદ સમજી પાડોશીઓ તને ભાઈથી દૂર પોતાને ઘરે લઇ ગયાં હતાં.”
“સાંજે જયારે તને ઘરે લઇ આવ્યાં ત્યારે ભાઈ ને જ્યાં સુવાડ્યો હતો તે જગ્યા ખાલી હતી.બધાં ગુમસુમ અને ગંભીર થઈને બેઠાં હતાં.તું દોડીને પપ્પાના ખોળામાં બેસી ગઈ.અને ભાઈ બાબત પ્રશ્નો ઉપર પ્રશ્નો પૂછવા લાગી,ભાઈને પાછો લાવવા જીદ કરવા લાગી.પપ્પા ને તો તેં આખે આખા હચમચાવી નાખ્યા હતા.” મમ્મીની આંખો માં ભીનાશ તરવરતી હતી.
“આજે પણ મને યાદ છે.ઓચિંતી પપ્પા એ તને ખોળામાંથી હડસેલી કાઢી હતી અને પહેલી વાર,પહેલી વાર ગાલ પર એક થપ્પડ લગાવી દીધી હતી.તારા માટે મારનો આ પહેલો અનુભવ હતો,અને પપ્પાની મારનો તો પહેલો જ અનુભવ હતો.તારી આંખમાં ડોકાતા ભય ને મેં પારખી લીધો,તેડી લીધી અને સમયસૂચકતા વાપરી ઝડપથી બીજા રૂમમાં લઇ ગઈ હતી.માંડમાંડ તું રડી શકી હતી અને માંડમાંડ રડવું ખાળી શકી હતી હું.”
“જેવી રીતે તારું આગમન ઘરનાં વાતાવરણ,તારા પપ્પાના સ્વભાવના બદલાવનું નિમિત્ત બન્યું હતું એવી જ રીતે તારા ભાઈની વિદાય ઘરના વાતાવરણ ને બદલી નાખવા માટે નિમિત્ત બની.તારા ભાઈની વિદાયે તારા પપ્પાના મૂળ સ્વભાવ ને સપાટી પર લાવી દીધો.બધું જ ખેદાનમેદાન થઇ ગયું.પપ્પાએ સર્વસ્વ ગુમાવી દીધાની લાગણી અનુભવી.”
“તારા પપ્પાના સ્વભાવના પરિવર્તન નો ભોગ બની તું,કારણ વિનાની તું. ઓફિસે વહેલા જવું,મોડા આવવું, વિના કારણ ગુસ્સે થવું એ રોજનું બની ગયું.તારા માટે એ ઉમરે બધું નવું હતું.તારી સમજની બહાર પણ હતું.તું પપ્પાથી ડરવા લાગી હતી અને પપ્પા પણ હવે પહેલાંની જેમ તને રમાડતા ન હતા.જાણે પોતાના દીકરાનું મૃત્યુ તારે કારણે જ થયું હોય તેવું તારા પપ્પાને લાગતું હતું.”
“મારા અને દાદીબા માટે તારા ભાઈના મૃત્યુ કરતાં તારા પપ્પાનું બદલાયેલું વર્તન વધારે આઘાતજનક હતું.તારા પપ્પા અને તારા દાદાના સ્ત્રી જાત પ્રત્યેના પૂર્વગ્રહો ફરી સપાટી પર આવી ગયા અને ફરી એકબીજાની જીદ્દને પોષવા લાગ્યા.”
“હવે તારી સ્કૂલ લાઈફ શરૂ થઇ હતી. તારા પપ્પાની બદલી કચ્છના ગાંધીધામ ખાતે થઇ હતી.મેં અને તારાં દાદીબાએ એટલું તો નક્કી કરી જ નાખ્યું હતું કે તને ગોંડલ જ ભણાવવી.તું દાદા-દાદી સાથે ગોંડલ રહે અને હું અને પપ્પા ગાંધીધામ.”
“મેં જયારે આ વાત તારા પપ્પા સમક્ષ મૂકી ત્યારે જરા પણ આનાકાની વિના સ્વીકારી લેવામાં આવી.આ વાત અમારા બંને માટે ખૂબ જ પીડાકારક રહી.અમે બંને ગમ ખાઈ ગયાં. હું કશું બોલી નહી પણ સડસડાટ રૂમ છોડીને બહાર નીકળી ગઈ.મને પહેલીવાર તારા પપ્પા પ્રત્યે આટલો અણગમો ઉપજ્યો હતો અને વ્યક્ત પણ થઇ ગયો હતો મારાં વર્તનથી.”
(ક્રમશ:)