Saata - Peta - 12 in Gujarati Classic Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | સાટા - પેટા - 12

Featured Books
Categories
Share

સાટા - પેટા - 12

ઉગતાં ની સાથે જ આખા રંગપુરમાં વાત ફેલાઈ ગઈ કે રાધા ને લઈ ને શામજી ભાગી ગયો છે.
'હે....? ના... હોય.... ક્યારે..?' એક જણ કહેતો હતો.
'આજે રાતે.વાળુ ટાંણે.'બીજો જણ જવાબ આપતો હતો. 'પણ રાતે વાળું ટાંણે તો બધાંયે શામજી ને ગરબી એ જોયો હતો.તો પછી ભાગ્યા કયા ટાંણે ?' ત્રીજો જણ કહેતો હતો. 'એ તો રામ જાણે.પણ ભાગી ગયાં છે,એ વાત સો ટકા સાચી.' બીજો માણસ વાત ને અનુમોદન આપતો હતો. રંગપુર ગામમાં કોઈ છોકરો, છોકરી ને લઈ ને ભાગી ગયો હોય તેવો આ પ્રથમ બનાવ હતો.તેથી ગામમાં ઉશ્કેરાટ ફેલાઈ ગયો હતો.આખી રાતનો ઉજાગરો , અને આઠ ગાઉં ચાલવાનો થાક હોવા છતાંય દિવસ ઊગતાં જ પ્રેમજીના વાસના બધાય માણસો હથિયારો લઇ ને પ્રેમજીના ઢાળીએ ભેગા થઈ ગયા. શામજી અને રાધા ને પકડવા માં મળેલી નિષ્ફળતા અને થાક ની રીસ આ લોકો શામજીના ભાઈ પુના ના માથે ઉતારવા માગતા હતા.તેથી પુના ના ધર માથે હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા.
તો સામે પુનાના ઘરવાળાઓએ પણ ઘર બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું .પણ પોતાના જ ઘરમાં સ્વ બચાવ માટે હથિયારીઓ લઈને એકઠાં થયાં હતાં .અને હોલડાની જેમ ફફડતા હતાં. ગામમાં ઝઘડો થવાની તૈયારી છે એવી વાત સાંભળીને ગામના મુખી તથા ચાર- પાંચ આગેવાનો પ્રેમજીના ઘરે દોડી આવ્યા. અને તેમણે ખોળા- પાઘડી કરીને ઉગ્ર થયેલા ટોળા ને માંડ -માડ શાન્ત પાડ્યું.
'જુઓ મુખી, ભલેને જે થવું હોય તે થાય, પણ આવી હલકી વાતમાં તમે વચ્ચે ક્યાંય ન આવશો. પ્રેમજી ડોસાની પાર્ટીના માણસો કહેતા હતા. ' અલ્યા ભાઈ ,જનારો હતો એ તો એનું કાળું મોઢું લઈને જતો રહ્યો. પણ એમાં બિચારા પુના અને એના ઘરવાળાનો શું વાંક ?'મુખી એ ટોળાને ડારતા કહ્યું . 'કેમ શું વાંક ? એ ઘરવાળા ની મરજી વિના એ કૂતરાની આટલી હિંમત પડે ખરી ?ઉશ્કેરાયેલા લોકો પુના નાં ધરવાળા ઉપર સીધો આક્ષેપ કરતા હતા . 'જો એ ખરેખર પાપમાં હશે, તો તેને પણ એની પુરી સજા મળશે .પણ બધું જાણ્યા વિના ઉતાવળમાં આડું પગલું ન ભરો તો સારું.' સાથે આવેલા આગેવાનો પણ એ ટોળા ને સમજાવતાં કહેતા હતા.
' તો શું ,અમે બધાએ બંગડીઓ પહેરી છે ?' તે આવી હલકી વાતમાંય હાથ જોડીને બેસી રહીએ .' અકળાયેલા યુવાનો હાથમાં લાકડી રમાડતાં કહેતા હતા.
' એક વખત અમોને સામી પાર્ટી ના માણસો પાસે જવા દો. ત્યાંથી વાત જાણીને પછી બધો ન્યાય તમને કરી આપીશું.' મુખી તથા આગેવાનોએ આ ટોળા ને આશ્વાસન આપ્યું . ને એ ટોળું મુખી તથા આગેવાનોની કેટલીયે સમજાવટથી માંડ શાંત પડ્યું .અને મુખી તથા આગેવાનો હવે પુનાના ઘર તરફ ગયા. મુખી તથા આગેવાનોને પૂનાના ઘર તરફ જતા જોઈને, લાગ જોઈને, જીવો ભોપો, ભાણજી પાવળિયો ,અને કનુભા ની ત્રિપુટી પ્રેમજીના ઘેર ચડી આવી .ઔપચારિક વાત કરીને કનુભા એ સીધું જ નમક છાંટ્યું.' કેમ સોના, હું સાચો કે ખોટો ? મેં કહ્યું એ વખતે જ કાંક કર્યું હોત તો ,આ માથે ઓઢીને રોવાનો વારો તો ના જ આવત ને ?' કનુભા પોતાની નાની મૂછોને તાવ દેતાં બોલ્યો . 'ખટક (ખબર ) તો ઘણી રાખી ,પણ આમ કાળી ટીલી કર્મ માં લખાણી હશે ત્યારે જ ને ?' સોનો ધ્રુજતા સાદે કહેતો હતો . 'ને માતા ની ના છતાં, તમે પરાણે રાધા નું આણું કરાવવાની રજા લેવડાવી ,પછી માતા કોપે નહીં તો બીજું શું થાય ?' જીવો ભોપો માતાના નામે પોતાની મહતા ગામમાં હજી જાળવી રાખવા માંગતા હતા. ભાણજી પાવળિયા એ ઝીણી આંખો કરતાં પૂછ્યું 'મુખી અને બે- ચાર જણાને અહીંથી નીકળતા જોયા. શું કંઈ સમાધાનની વાત લઈને આયા હતા ?'
' ના રે ના .આવી વાતમાં તેં વળી સમાધાન હોતો હશે ?પણ હાલ ઝઘડો કરવાની ના પાડવા આવ્યા હતા.' એક જણે કહ્યું. ' જો જો પાછા ભોળવાઈ ન જતા.ને એ શામજીડો તો ઞયો પણ એનું આખું ઘર તો અહીં જ છે ને !' એ કદાચ પૈસો- ટકો જોઈએ તો કહેજો, અમે તમારા સાથમાં જ છીએ.' અને આમ ચાવી ભરીને એ ત્રિપુટી ત્યાંથી વિદાય થઈ . મુખી તથા પેલા આગેવાનો પુનાના ઘેર ગયા .જ્યાં પૂનાના ઘરવાળા બધા ભેગા થઈને બેઠા હતા . તેમણે આગેવાનોને આવકાર આપ્યો. પરંતુ તેઓ બધાય ગુનેગાર હોય તેવી શબ્દોમાં લાચારી હતી.
મુખી એ શામજીની વાત કરી તો આ લોકોએ કહ્યું કે ,આ વાતમાં અમારા કુટુંબનું કોઈ પણ કાંઈ પણ જાણતું હોય તો તમે કહો તે દંડ ભોગવવા તૈયાર છીએ, અને તમે કહો એટલો ધર્માદો નાખવા પણ તૈયાર છીએ .ને કહો તો સધી માતા એ સમ ખાવા પણ તૈયાર છીએ .પણ ગમે તેમ કરીને આ ઝધડો ટાળો એવી તેમણે બે હાથ જોડીને વિનંતી કરી. મુખી તથા આગેવાનોએ બંને પાર્ટીના માણસોને સમજાવીને હાલ ઝઘડો ન કરવો એટલા પૂરતું સમાધાન માટે બન્ને પક્ષ ને સંમત કર્યા. અને એ શંકા ના સમાધાન માટે સધી માતાના મઢે સાચ લેવાનું નક્કી કર્યું .તે સાંજે સધી માતાના મઢે બંને પાર્ટીના માણસો ભેગા થયા. વાતાવરણમાં થોડી ઉત્તેજના વ્યાપી ગઈ, પણ કોઈએ પણ કંઈ ન બોલવું તેવા માતાના વચ્ચે સમ હોવાથી બધા એ પરાણે મોં સીવી લેવાં પડ્યાં . માતા સામે સમ ખાવાની તૈયારી કરતા શામજીના ભાઈ પુનાને જીવા ભોપાએ ટપાર્યો . 'જો પુના, નખમાંય પાપ હોય તો, સમ ન ખાતો. ન'કે આ તો દેવ છે. નથી કાંઈ મનેખ .એક પળ માં બધુંય ધનોત-પનોત કરી નાંખશે. સમજ્યો ?' પુનો તથા તેની પાર્ટીના માણસો સાચા હોવાથી, આ ગુનામાં તેઓ કંઈ પણ જાણતા નથી તેવા સમ ખાઈ લીધા. તેથી બંને પાર્ટીઓ વચ્ચેનું તે પૂરતું ઘર્ષણ તો હાલ ટળ્યું. ને વાતાવરણ થોડું ઘણું હળવુ થયું. પરંતુ તે દિવસથી રંગપુર ગામમાં બે પાર્ટીઓ પડી ગઈ , અને એ બંને પાર્ટીઓના લોકોને એકબીજાથી બોલવા- ચાલવાનો વ્યવહાર પણ બંધ કરી દીધો.
ગાડી અમદાવાદ રેલવે સ્ટેશનથી જેવી મુંબઈ તરફ રવાના થઈ હતી .કે તે સાથે જ શામજી તથા રાધા ની મુશ્કેલી ચાલુ થઈ ગઈ હતી . સોળે કળાએ ખીલેલો માંડ એક સ્ટેશન વટાવ્યું, ત્યાં તો તાવમાં પટકાઈ પડ્યો. રાધા તેની પાસે બેસીને માથું તથા પગ દબાવ્યા કરતી હતી.પરંતુ જેમ -જેમ ગાડી આગળ વધતી હતી ,તેમ- તેમ શામજીનો તાવ ઘટવાને બદલે વધતો જતો હતો. અને હવે તો તાવ એટલો વધી ગયો હતો કે ,'પોતે અત્યારે ક્યાં છે ? અને ક્યાં જઈ રહ્યો છે ?' એનું ભાન પણ શામજી ભૂલી ગયો હતો .રાધા એને કંઈ પૂછે, તો તે માત્ર.' હું...અ ! હું....અ..!' એમ જ કહીને જવાબ આપતો હતો .
રાધા એ શામજીના ગાલે હાથ ધર્યો .'અરર....ર.! કેવો રોટલો શેકાય એવો તાવ આવ્યો છે.' રાધા ના હોઠ ફફડ્યા ને કાળી રાતે ,ઘરબાર ને મા -બાપને છોડતાં જેનું રુવાડુંય નહોતું ફરક્યું ,એ રાધાની આંખમાંથી બોર- બોર જેવડાં આંસુઓ ખરી પડ્યાં . આંસુઓ શામજીના ગાલ ઉપર પડ્યાં .અને એ ગરમ પ્રવાહી પડવાથી શામજીએ આંખો ખોલી, ને પાછી બંધ કરી દીધી. એ ડબ્બામાં મુસાફરી કરી રહેલાં 20 -25 માણસો આ બધું જોઈ રહ્યાં હતાં
'કેમ બેન રડો છો? આ ભાઈને શું થયું છે ?'એક યુવાનથી ન રહેવાતાં તેણે પાસે આવીને પૂછ્યું .
'એમને કાળો તાવ આવ્યો છે .'રાધા એટલું તો માંડ -માંડ બોલી. તે દરમિયાન ડબ્બામાં એક કાકા જેવા દેખાતા બીજા ભાઈ પણ શામજી પાસે આવ્યા. ને શામજીના કપાળે હાથ મૂકીને તાવ માપ્યો. ને બોલ્યા 'આટલો સખત તાવ આવ્યો છે ,અને છતાં તમે મુસાફરી કરો છો ?'ક્યાં જાવું છે ?' ' ક્યાં જવાનું છે, એ તો એમને ખબર.' રાધા ના આ જવાબ તે ડબ્બામાં બેઠેલા સૌને ચોકાવી દીધા . પરંતુ પહેરવેશ જોઈને ખ્યાલ આવી ગયો કે બિચારી ગામડાની અભણ બાઈ લાગે છે .એટલે કદાચ એડ્રેસ એને યાદ પણ ન હોય. રાધા એ શામજીના પહેરણ ના ખિસ્સામાંથી ટિકટો કાઢીને પેલા પેન્ટ -શર્ટ ધારી યુવાન તરફ ધરી .પેલો યુવાન ટિકિટો જોઈને બોલ્યો .'આ તો બોમ્બે સેન્ટ્રલ ની ટીકીટો છે. ત્યાં કોને ત્યાં જવું છે .કોઈ સગવવાનું છે ?' 'સગુવહાલુ તો, કોઈ નથી. પણ ---' ને આગળ કંઈ ન સૂઝતાં રાધા એ વાક્ય કાપી નાખ્યું. તેમની આ ચર્ચા માં ડબ્બામાં બીજો માણસો પણ હવે ભળ્યા હતા. પેલા કાકા જેવા દેખાતા ભાઈએ ફરી વખત શામજીના કપાળે તથા છાતીએ હાથ મૂકી તાવ માપ્યો. ને પછી ગંભીર સાદે બોલ્યો.' બહેન ,આ ભાઈ ની તબિયત એકદમ નાજુક છે .તાત્કાલિક ક્યાંક સારવાર કરાવો. નહીં તો ઘણું મોડું થઈ જશે .' પહેલા યુવાને પણ એ વાતમાં ટાપસી પુરી.' હા બેન ,તાત્કાલિક દવાખાનામાં દાખલ કરી દો .નહીં તો પછી હાથમાં બાજી નહીં રહે !'
તો ત્રીજો વળી એમની વાતમાં ભળતા બોલ્યો . 'આ આગલું સ્ટેશન આવે, એ વડોદરા છે. મારું માનો તો ત્યાં જ ઉતરીને ભાઈને કોઈક સારી હોસ્પિટલમાં દાખલ કરી દો.'. ' નહીં તો ઘણું મોડું થઈ જશે ! એ શબ્દોએ રાધાને ધ્રુજાવી દીધી. ' હા હા .બહેન. વડોદરા જ ઉતરી જાઓ.' એક -બે પેસેન્જર બહેનોએ પણ રાધાને સલાહ આપી. ' પણ આંહીં તો મેં નથી કાંઈ ભાળ્યું કે નથી કાંઈ દેખ્યું. ક્યાં જાઉં ?' રાધા એ પોતાની લાચારી દર્શાવી. રાધા નો જવાબ સાંભળીને સૌ પેસેન્જર એકબીજાનાં મોં સામે જોવા લાગ્યાં . આખરે કંઈક વિચારીને પેલો પેન્ટ-શરટ ધારી યુવાન બોલ્યો .'મારે પણ ઉતરવાનું તો છે સુરત .પરંતુ હું તમને ઠેક હોસ્પિટલ સુધી પહોંચાડવા આવીશ બસ ! મારે બહુ- બહુ તો વડોદરા થી સુરત સુધીનું બીજી વખત ભાડું ખર્ચવું પડશે એ જ નેં !શામજી ભાનમાં નથી.ને આ અજાણ્યા શહેરમાં પોતાને પે'લો યુવાન કદાચ .....એવો એક કુવિચાર મનમાં આવ્યો એવો જ રાધાએ મનમાં જ દાબી દીધો. અને રાધાની આ મનોદશા પે'લો યુવાન પામી ગયો હોય તેમ, પેલા કાકા ને પણ પોતાની સાથે હોસ્પિટલ સુધી સાથે આવવા માટે મનાવી લેવામાં તે સફળ થયો . વડોદરા સ્ટેશન આવ્યું. પેલા કાકા અને યુવાને શામજીને બંને બાજુ ટેકો આપીને ગાડીના ડબામાંથી નીચે ઉતાર્યો . રાધા એ પેલી પોટલી સંભાળી લીધી. કાકા તથા પેલો યુવાન શામજીને એકદમ ધીમે પગલે ,તો ક્યાંક ઢસડતા પગલે પ્લેટફોર્મ વટાવીને બહાર લાવ્યા. ને એક રિક્ષા બોલાવીને ચારેજણ રિક્ષામાં ગોઠવાઈ ગયાં .ને રીક્ષા ને સયાજી હોસ્પિટલ લઈ લેવા કહ્યું . ત્યાં પહોંચીને રીક્ષા નું ભાડું પણ પે'લા યુવાને જ આ ચૂકવ્યું. ને હોસ્પિટલમાં જઈને શામજીને તાત્કાલિક સારવાર વિભાગમાં દાખલ કરી દીધો. જરૂરી પ્રાથમિક સારવાર પણ કરાવી આપી.ને પથારી પણ મેળવી આપી. ને વિદાય થતાં ઉપરથી ખિસ્સામાંથી ₹50 ની નોટ કાઢીને રાધા ને બોલ્યો.' લે બહેન, તારા પતિની ખૂબ સંભાળ રાખજે .ભગવાન તેને જલ્દી સાજો કરી દે એ જ પ્રાર્થના.' રાધા ઘડીક પૈસા સામે તો ઘડીક પે'લા યુવાનના ચહેરા સામે જોઈ સંકોચ અનુભવી રહી . 'લે બહેન ,લઈ લે ! એક ભાઈ તરફથી અપાતી ભેટ સમજીને !' પેલો યુવાન ભાશવાહી સ્વરે બોલ્યો. ને જિંદગીમાં પહેલી વખત રાધાનો હાથ અનાયાસે ,કોઈ સામે લંબાઇ ગયો.' મારા પર ભવના ભાઈ તમારો આ બદલો કોણ જાણે હું કયા ભવે --' ને ગળે ડૂમો ભરાઈ આવતાં રાધા વધુ આગળ કંઈ ન બોલી શકી.
પે'લા સગપણ વગરના કાકા,ને ભાઈની આંખો પણ ભરાઈ આવી. ને એ બંને ત્યાંથી વિદાય થયા.
તે વોર્ડ માં ફરજ બજાવતા ડોક્ટર અશ્વિન પટેલની ચકોર આંખો એ નોંધ્યું હતું કે , હોસ્પિટલમાં કેટલાંય દર્દીઓ આવતાં હતાં અને કેટલાંય જતાં હતાં અને તેમની ખબર -અંતર પૂછવા પણ પાંચ -દશ કે પંદર ના ઝુડમાં કેટલાંય સગાં -સ્નેહીઓ અને કુટુંબીજનો આવતાં હતાં અને જતાં હતાં .પરંતુ છેલ્લા પાંચ -છ દિવસથી એક યુવાનને લઈને આવેલી એક ગામડીયણ બહેન એકલી જ રહેતી હતી. તે દર્દી પાસે નહોતું કોઈ આવતું કે નહોતું કોઈ જતું .તે સ્ત્રી ચોવીસે કલાક પેલા દર્દીની સેવા ચાકરી કર્યા કરતી હતી. પેલો યુવાન આંખો ખોલે તો તે સ્ત્રી ઉંચી- નીચી થઈ જતી.'તમોને કેમ છે હવે ?' શું જોઈએ છે ?' વગેરે એટલી લાગણીથી પૂછતી ,કે આજુ-બાજુના માણસો પણ ભાવવિભોર થઈ જતાં . ક્યારેક દર્દી ની દયનીય હાલત જોઈને ,તેણેથી પરાણે આંખમાંથી આંસુ નીકળી જાય તો. પે'લો દર્દી જોઈ ન જાય તેમ આડુ જોઈને, ચૂંદડીના છેડે આંસુ લૂછી નાખતી ,ને પાછી તેની સેવા ના કામમાં જોતરાઈ જતી . પેલા દર્દી તથા યુવાન બાઈ ની હાલત જોઈને ,ડોક્ટર અશ્વિન પટેલ તથા તે વોર્ડ ના સ્ટાફને આ બે જણ પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ હતી .તેથી એક દિવસ વિઝિટમાં નીકળેલા ડોક્ટર પટેલે રાધા ને પૂછ્યું .' બહેન, છેલ્લા છ -સાત દિવસથી હું જોઉં છું કે 24 કલાક તમે એકલાં જ આ ભાઈની સેવા કરો છો .તમારે શું કોઈ કુટુંબવાળા કે સગાંવહાલાં કોઈ નથી ?'
'મા -બાપ અને સગાંવહાલાં બધાંય છે પણ ---' ને રાધાની આંખમાંથી પરાણે આંસુ ખરી પડ્યાં .
ડોક્ટર પટેલે રાધાની બનોદશા જોઈને વાત બદલતાં કહ્યું. 'બહેન, તમે ચિંતા ન કરો. ભાઈ ની તબિયત થોડા જ દિવસોમાં સારી થઈ જશે.' અને જતાં -જતા ઉમેર્યું .ને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો મને જણાવજો. તમારો ભાઈ સમજીને .' રાધા અમીનેશ નજરે ડોક્ટર પટેલને જતા જોઈ રહી .તે વિચારી રહી . 'ઘેર બબ્બે માં જણ્યા ભાઈ હતા. જે કાળી રાતે પોતાને જાનથી મારી નાખવા પાછળ પડ્યા હતા. જ્યારે પારકા મલકમાં પરાયા જણ પોતાના ભાઈ થઈને, પોતાને ઠારવા મથતા હતા .' વાહ ઉપરવાળા, તારી લીલા ને તો કોઈ ન પહોંચી શકે હો !' દરરોજ નિયમિત સારવાર થતી હતી.દવા અને ઇન્જેક્શનનો પણ નિયમિત અપાતાં હતાં .પરંતુ શામજી ની તબિયત સુધરવાને બદલે ,વધુ બગડતી જતી હતી. તેને દવાખાને દાખલ કર્યા ને દસ દિવસ થઈ ગયા હતા. ડોક્ટરે દવા પણ ચેન્જ કરી હતી.પણ તેથી કોઈ સુધારો થતો ન હતો. આ દસ દિવસની માદગીમાં ,શામજીનું શરીર સાવ નંખાઈ ગયું હતું.તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી .તેને બાથરૂમ જવું હોય તોય તે' બે જણાંના ટેકે માંડ- માંડ જઈ શકતો. શરીર તો જાણે કે હાડપિંજર જ જોઈ લો. ને એ આખો દિવસ બોલ્યા- ચાલ્યા વિના જ પથારીમાં પડ્યો રહેતો. અને ઊંડી ઉતરી ગયેલી આંખો વડે એકી નજરે છત તરફ જોઈ રહેતો. રાધાની આંખથી આંખ મળતા જ પોતે જાણે કે તેનો અપરાધી હોય તે નજર ચોરાવી દેતો, અથવા તો આંખો જ બંધ કરી દેતો. ને બંધ આંખે તે પડ્યો- પડ્યો વિચારતો 'પોતે આ 'સતી' જેવી રાધા ને વેચવાની યોજના મનમાં બનાવી હતી, તેની જ આ સજા ભગવાન તેને આપી રહ્યો છે. તો વળી ક્યારેક રાધા ની ભોળી સુરત ઉપર નજર પડતાં જ તેનું હૃદય દ્રવી ઊઠતુ.' આવી માસુમ અને ભોળી ને પોતે નરકમાં નાખવા તૈયાર થયો હતો. તેની સજા તો આવી જ હોય ને !'. તો ક્યારેક મનમાં ઊંડે- ઊંડે વિચાર ઝબકી જતો. પોતે જીવા ભોપાને સામો થયો, તેથી ભોપાએ માતા તો નથી મૂકીને ?' અને એ વિચારને ભોપા બધાય ,માતાના નામે અંધશ્રદ્ધા ફેલાવે છે. તેવા આત્મવિશ્વાસથી પાછો દાબી દેતો .અને ક્યારેક તો તેને થઈ આવતું કે, આ' પથારીમાંથી પોતે હવે જિંદગીભર ઉભોજ નહીં થઈ શકે. ને રાધા ને નજર સામે જોઈને તેનો અંતરાત્મા રડી ઉડતો .'હે ભગવાન ,હું તો મારા કર્મનું ફળ ભોગવીને આ દુનિયામાંથી જઈશ. પરંતુ આ અજાણી દુનિયામાં બિચારી એનું શું થશે ?'. રાધા એ જિંદગીમાં પહેલી વખત આવડી વિશાળ હોસ્પિટલ જોઈ હતી. દવાખાનામાં દરરોજ જાત-જાતના દર્દીઓ આવતા હતા. તેમને જોઈને તેણીને થતું હતું કે, આખી દુનિયા દુઃખ દર્દથી જ ભરેલી છે .પરંતુ દવાખાનામાં દાખલ થયેલાની પણ જાણે કે એક અલગ જ દુનિયા હતી. દાખલ થનાર દરેક જણ ઊંચ- નીચ ,જાતિ -ધર્મ બધું જ ભૂલીને અહીં કેવાં એક સંપ અને હળીમળીને સાથે રહેતા હતાં ?'કુડ- કપટ, કાવા -દવા અને વેર-ઝેર, બધું જાણે કે દવાખાનાની બહાર મૂકીને આવ્યાં હતાં .અને વગર સગપણે પણ ભાઈ -બહેન ને સગાં -વહાલા એકબીજાને માનવા લાગતાં હતાં રાધા વિચારી રહી.' આખી દુનિયાના માણસો દવાખાનામાં કરે છે, તેવું જ વર્તન જો બહાર કરે તો ?' તો -તો આખી દુનિયા (પૃથ્વી) સ્વર્ગ જ થઈ જાય .'
આ દશ દિવસમાં રાધાને સ્ટાફ સાથે સારી એવી ઓળખાણ થઈ ગઈ હતી. ડોક્ટર પટેલ તથા સ્ટાફને રાધા એ પોતાની અને શામજી ની કહાની પણ કહી સંભળાવી હતી. ડોક્ટર અશ્વિન પટેલે રાધાની હિંમતને ધન્યવાદ આપ્યા. કારણકે કોલેજ કાળની તેની સાથી,અને પ્રેમિકા એવી કોકિલા સામાજિક બંધન તોડવાની હિંમત કરી શકી ન હતી.અને એના કારણે પોતે તેનાથી 'લવ મેરેજ' કરી શક્યો ન હતો .અને તેના ગમમાં પોતે હજુ પણ કુંવારો (અપરણિત) જ હતો. ડોક્ટર અશ્વિન પટેલ મનોમન વિચારી રહ્યો .એમ.એ .બી.એડ. થયેલી કોલેજીયન યુવતીઓ પ્રેમને વધુ સમજતી હશે. કે 'ગામડાની આ ગોરીઓ ?'. નવા વાતાવરણમાં રાધા બરાબર ટેવાઇ ગઈ હતી . પરંતુ શામજીને દાખલ કર્યે પંદર દિવસ થઈ ગયા હોવા છતાંય ,તેની તબિયત વધુને વધુ બગડતી જતી હતી .ઉજાગરા અને થાકને લીધે રાધા નો ચહેરો પણ સાવ લેવાઈ ગયો હતો. પહેલા નું માદક હાસ્ય ન જાણે કે ક્યાં વિલાઈ ગયું હતું .વગર બીમારીએ પણ બીમાર જેવું તેનું શરીર થઈ ગયું હતું . રાત્રિના નવ વાગ્યા હતા. દર્દીઓ સુવાની તૈયારી કરી રહ્યાં હતાં .રાધાએ શામજીને બોલાવ્યો. પરંતુ તે કઈ ન બોલ્યો. ખભે થી પકડીને તેને ઢંઢોળ્યો. તો પણ તે કાંઈ ન બોલ્યો .બે-ત્રણ વખત જોરથી હલાવ્યો .તોય તે મડદાની જેમ ,એમ જ પડ્યો રહ્યો. ' બોલો ..ને ! કેમ.. કંઈ બોલતા નથી ?' રાધા એ કાન પાસે મોં લઈ જઈ ને જોરથી બૂમ પાડી. છતાં કાંઈ અસર ન થઈ . શંકા -કુશંકા ની હજારો ઘંટડીઓ રાધા ના મનમાં રણકી ઉઠી. ને રાધા એ બેબાકળી થઈને ચીસ પાડી. ' દા..ક..ત..ર ..સાહેબ ! દોડો... દો...ડો ..! એમને શું થઈ ગયું છે ?' એ ..કેમ કંઈ બોલતા ન...થી ..?' રાધાની ચીસોથી હોસ્પિટલ ગાજી ઉઠી. બે -ત્રણ ડોક્ટરો, નર્સ તથા આજુબાજુનાં માણસો દોડી આવ્યાં . એક સિવિલ સર્જન તથા ડોક્ટર અશ્વિન ને શામજીના શરીરને તપાસ્યું . શામજી 'કોમા' અવસ્થામાં ચાલ્યો ગયો હતો. અને જીવન-મરણ વચ્ચે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો .બંને ડોક્ટરોએ અંગ્રેજીમાં શામજીની સ્થિતિ વિશે ચર્ચા કરી લીધી .અને પછી સર્જન સાહેબે ગંભીર સાદે રાધા ને કહ્યું 'માફ કરજો બહેન, કેસ બહુ સિરિયસ છે .હવે કોઈ દવા અસર કરતી નથી. ને આ ભાઈને અત્યારે દવા કરતાં દુવાની વધુ જરૂર છે .અને છતાં છેલ્લે સુધી અમે અમારા પ્રયત્નો ચાલુ રાખીશું .' 'સાહેબ, તમે કહેશો તો એમના ભારોભાર હું રૂપિયા લાવી આપીશ .પણ એમને એક વખત બોલતા ---' અને બાકીના શબ્દો રાધા ના રુધનમાં ભળી ગયા. ' બહેન ,પૈસાનો કોઈ સવાલ નથી .પરંતુ ભાઈના લોહીનું પાણી થઈ ગયું છે . અને અત્યારે જ હાલ ઓ નેગેટિવ ગ્રુપના લોહીની જરૂર છે .જે હાલ મળવું અસંભવ છે.' સર્જન ગંભીર સાદે બોલ્યા. રાધાએ એક ક્ષણમાં ઘણા બધા વિચારો કરી લીધા. ને તે આંસુ લૂછતાં બોલી .'સાહેબ, મારા શરીરમાંથી લોહીનું ટીપે -ટીપુ લઈ લો .પરંતુ કોઈ પણ ભોગે એમને બચાવી લો.' ડો . અશ્વિને રાધાને સમજાવતાં કહ્યું .'જુઓ બહેન , પહેલાં તો તમારુ લોહી કયા ગ્રુપનું છે ,તેનો ટેસ્ટ કરવો પડે. ને ધારો કે તમારો ગ્રુપ કદાચ એ ગ્રુપનું હોય તો પણ, તમારી શારીરિક હાલત જોતાં એટલું લોહી લેવા જતાં સો ટકા તમારા જીવનું જોખમ થઈ શકે છે.'
' અરે સાહેબ, ઘડીક પછી જો હું મરતી હોઉં ને,તો ભલેને અબી હાલ જ મરી જાઉં .પણ મારું ટીપે-ટીપું લોહી લઈને પણ એમને બચાવી લો .' આજીજી ભરેલા રાધાના શબ્દો સાંભળીને હોસ્પિટલ નો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો. ડોક્ટરોએ રાધા ના લોહીનું ચેક-અપ કર્યું. જે સદભાગ્યે ઓ નેગેટીવ ગ્રુપનું હતું .ડોક્ટરો ઝડપથી પોતાના કામે લાગી ગયા. એક પથારીમાં રાધા સૂતી હતી .જ્યારે બીજી પથારીમાં શામજી સૂતો હતો . શામજી જીવન-મરણ વચ્ચે ડચકાં ખાતો હતો .જ્યારે રાધા સામે ચાલીને મોતના મોમાં જવા તૈયાર થઈ હતી. રાધા ના શરીરમાંથી લોહી બાટલામાં એકઠું થતું હતું. ને એ એકઠું થયેલું લોહી શામજીના શરીરમાં ચડતું હતું . હોસ્પિટલનો સ્ટાફ બંનેના જીવ બચી જાય તેવી મનોમન પ્રાર્થના કરતો પોતાની ફરજ બજાવી રહ્યો હતો. લગભગ ચાર કલાકની સખત મહેનત બાદ ડોક્ટરે પોતાની કામગીરી પૂરી કરી. ભાનમાં આવેલા શામજીએ આંખો ખોલી હતી .પાસેની પથારીમાં રાધા ને સુતેલી જોઈને તે કંઈ બબડ્યો પણ હતો. ડોક્ટરોના ચહેરા ઉપર આનંદનું સ્મિત હતું .
સવાર થયું. રાધા પથારીમાંથી બેઠી થઈ. શરીરમાંથી ઘણું બધું લોહી ખેંચાઈ ગયું હોવાથી તેણીનું શરીર અશક્તિ અનુભવતું હતું . છતાં પણ પરાણે બેઠી થઈને તે શામજીની પથારી પાસે આવી. શામજી આંખો ખોલીને છત તરફ જોઈ રહ્યો હતો. ' કેમ છે તમને હવે ?રાધાએ કપાળે હાથ મૂકતાં પૂછ્યું.
'ઠીક છે હવે !' શામજી ધીમેથી બોલ્યો .
'બહેન ,ભગવાનનો પાડ માનો .ભાઈની તબિયત હવે ખતરાથી સંપૂર્ણ બહાર છે .' વોર્ડમાં પ્રવેશતાં ડોક્ટર અશ્વિન પટેલે ગુડ ન્યુઝ આપ્યા .ડોક્ટર સામે જોઈને રાધા શામજીને નવજીવન બક્ષવાનું નિમિત બનનાર એ ડોક્ટરને મનોમન વંદી રહી . જેમ જેમ દિવસો વીચતા ગયા તેમ -તેમ શામજીની તબિયત સુધરતી ગઈ .આઠ-દસ દિવસમાં તો શામજી હરતો-ફરતો પણ થઈ ગયો .જ્યારે લોહી આપવાથી સ્હેજ દુબળો પડેલો રાધા નો ચહેરો પહેલાં કરતાં પણ વધુ ખીલેલો લાગતો હતો .ડોક્ટરની સલાહ પ્રમાણે સામજી અને રાધા વધુ દસ દિવસ હોસ્પિટલમાં રોકાણા. શામજીએ હવે ઘોડા જેવો સાજો માજો થઈ ગયો હતો. જ્યારે રાધા તો પોતે ખુશીમાં પાગલ તો નહીં થઈ જાય ને ?' એવી જ બીક હતી.
પુરા એક માસ અને પાંચ દિવસ પછી શામજીને હોસ્પિટલમાંથી રજા મળી હતી. હોસ્પિટલનું બીલ રૂપિયા બે હજાર આવ્યું હતું . જે પે'લાં રાધાનાં ઘરેણાં વેચીને તેમાંથી ચૂક્યું હતું .છતાં તેમાંથી બે હજાર રૂપિયા હજુ બચ્યા હતા. શામજી -રાધાની વિદાય વખતે દવાખાના નો આખો સ્ટાફ ભેગો થઈ ગયો. બધાં એકબીજાને પ્રેમથી મળ્યાં .રાધા -શામજીની આંખમાં હર્ષના આંસુ હતાં .આ એક મહિનામાં તો આ બંને જણ અહીં ન જાણે કેવી મમતા મૂકીને જતાં હતાં .સ્ટાફના માણસોને આ બંને ને જતાં જોઈ, એવો અહેસાસ થતો હતો કે ,હજારોમાં એકાદ દર્દીને બચાવવામાં ક્યારેય દવા કરતાં, કોઈકની દુઆ વધુ કામ કરતી હોય છે .જેવું આ શામજીના કેસમાં બન્યું હતું એમ જ !'