પ્રેમ સમાધિ
પ્રકરણ -65
વિજય ઘરે આવી રહેલો ત્યારે ઘર નજીક આવતાંજ હવે એને કાવ્યાને મળવાની તાલાવેલી હતી ક્યારે દીકરીને જોઉં એને વ્હાલ કરી લઉં... દરિયા નજીક આવી ગયો અને ભીની ભેજવાળી હવા આવવા લાગી લીલોતરી લીલોતરી છવાયેલો વિસ્તાર આવી ગયો મોટાં કાળા રબલ પથ્થરની કમ્પાઉન્ડ વોલ ઊંચી એને દેખાઈ ગઈ એનો મોટો વિશાળ બંગલો આવી ગયો એણે એક નજર કરી ઊંચી કમ્પાઉન્ડવોલ ઉપર કાંટાળા તાર રોલ કરેલાં હતાં એમાંથી સતત વીજળી પસાર થતી કોઈ ચઢવા જાય તો કરન્ટ લાગીને ઝટકાથી પડી જાય...
ઝટકાથી પડી જાય... એને વિચારો કરતાં જોતાં હસું આવી ગયું પોતે કેવો હતો ? નાનો હતો ત્યારે પોરબંદરમાં બધી દીવાલો ઠેકી જતો... ગેટ નજીક આવ્યો એણે હોર્ન માર્યો અને ચોકીદાર દોડીને ગેટ ખોલે છે એ ગાડી અંદર લે છે અને વિચારોમાંથી મુક્ત થઇ ગાડીમાંથી ઉતરે છે.
વિજયને દાદર ચઢતાં ચઢતાં આ બધાં વિચાર આવી ગયાં. એણે પોતાનાં રૂમ તરફ જોયું. એ બંધ હતો થોડે આગળ જઈ પોતાની દીકરી કાવ્યાનાં રૂમ તરફ હળવે પગલે ગયો એણે એનો રૂમ બીલકુલ અવાજ ના થાય એમ હળવેથી ખોલી ડોકીયું કર્યું.
વિજયે જોયું તો કાવ્યા ઘસઘસાટ ઊંઘી રહી હતી એ રૂમમાં પ્રવેશ્યો અને ધીમે પગલે કાવ્યની નજીક ગયો એનાં બેડની બાજુમાંજ ઉભા રહી એને અનિમેષ નયને નીરખી રહ્યો. મારી દીકરી... હવે મોટી થઇ ગઈ છે કેટલી રૂપાળી અને સુંદર છે... એની માં પર ગઈ છે એમ મનમાં ગણગણ્યો. એ ઝૂક્યો કાવ્યાનાં વાળ સરખાં કર્યા કપાળ-માથે હાથ ફેરવ્યો અને કપાળ ચૂમી લીધું. એનું બ્લેનકી સરખું ઓઢાડ્યું.
વિજય મનમાં ને મનમાં બોલ્યો દીકરી શાંતિથી સુઈ રહે આમ નિશ્ચિંન્ત થઈને સુઈ રહેજે તારાં નજીક કોઈ તકલીફ નહીં આવવાં દઉં ખુબ સુખ આનંદજ તને મળે એવી વ્યવસ્થા કરીશ. આ ઘરમાં રાજકુમારીની જેમ રાખીશ તારો પડ્યો બોલ ઝીલીશ દીકરા. તારી માં નથી પણ હું... એને મનમાં બોલતાં પણ ડૂમો ભરાયો આંખો ભીની થઇ એ સડસડાટ રૂમની બહાર નીકળી ગયો દરવાજો ધીમેથી બંધ કર્યો. એક નજર વિરુદ્ધ દિશામાં આવેલાં કલરવનાં રૂમ તરફ નજર કરી અને પોતાનાં રૂમમાં આવ્યો. એને થયું હજી 5:30 થયાં છે થોડું સુઈ લઉં સવારે ઉઠીને કાવ્યા સાથે વાત કરીશ. એણે પેલી બેગ તરફ જોયું અને બાથરૂમમાં કપડાં ચેન્જ કરવા જતો રહ્યો.
વિજય ફ્રેશ થઈ કપડાં બદલી બેડ તરફ આવ્યો એસી ચાલુ કરી બેડ પર લંબાવ્યું. એનાં થાકેલાં શરીરે રાહત અનુભવી એણે આંખ મીંચીને વિચાર કરવા માંડ્યા... એને થયું હું આવ્યો ત્યારે રેખાનો ચેહરો કેવો સૂજેલો... એણે ખુબ પીધું હશે. રેખાને કાવ્યા સ્વીકારશે ? એને શીપ પર પાછી મોકલી દઈશ એની છાયામાં કાવ્યાને નહીં રાખું... એવીઆ છે તો છેવટે એક રખાત... વેશ્યા... ના ના હવે એ મારાં ઘરમાં ના જોઈએ.
હવે તો કલરવ પણ અહીંયા છે જુવાન છોકરાઓથી મારો એની સાથેનો સંબંધ છુપાયેલો કે અજાણ્યો નહીં રહે. કલરવનું શું કરીશ ? એને પૂછવું પડશે. કંઈ નહીં કાવ્યાને કંપની મળી રહેશે... કાવ્યા શું કલરવ સાથે વ્યવસ્થિત રહેશે વર્તશે ?
વિજયે વિચાર્યું હવે બધાં વિચારો ખંખેરીને શાંતિથી સુઈ જઉં બધી સવારે વાત. ત્યાં કંઈક એક વિચાર આવ્યો એણે ફોન ઉઠાવ્યો અને રીંગ કરી સામેથી ફોન ઉઠાવતા વાર લાગી એટલે એ બગડ્યો ગુસ્સાથી રાહ જોતો હતો ત્યાં ફોન ઉપડ્યો.
વિજયે કહ્યું "સાલા ભુપતીયા... પોરબંદરથી શું દમણ આવ્યો પી પચાવીને ઘોટી ગયો હતો ? આટલી વાર ફોન ઉપાડતાં ? ખબર નથી પડતી હું અહીં આવી ગયો છું આટલાં કૂતરાં ભસ્યાં તમને ખબર પણ ના પડી સાલા ઊંઘ્યાં કરો છો ?”
ભુપત બોલતાં બોલતાં ત...ત...ફ..ફ.. થઇ ગયો “સોરી સોરી બોસ થોડી આંખ લાગી ગઈ હતી સર. સર થોડી રાત્રે ભાઉ સાથે... ભાઉ તો નીકળી ગયાં હતાં. પણ હું છું... બોલો સર હુકમ કરો.” વિજયે કહ્યું “ભાઉ રાત્રેજ નીકળી ગયાં હતાં ? ઓહ ભલે હું મોડા વાત કરીશ સાંભળ તું અહીં શીપ પર સવારે જતો રહેજે અને પેલી રેખાને એનાં બિસ્તરા પોટલાં સાથે લઇ જજે હું ઉઠું પાછો એ પહેલાં તમે લોકો શીપ પર પહોંચી જવા જોઈએ... ઓકે ?”
ભુપતે કહ્યું “હાં બરાબર... પછી એણે થોડાં રોકાઈ વિચાર કરીને કહ્યું... ભાઉનાં ગયાં પછી તું પીતો રહ્યો. આ રેખા તારી સાથે પીવા બેઠી હતી ? એ ક્યાં હતી આખી રાત ? હું આવ્યો ત્યારે એ...” એ સમજીને અટક્યો અને ભુપતનાં જવાબ સાંભળવા રોકાયો.
ભૂપતનાં હાંજા ગગડી ગયાં માથે પરસેવો વળ્યો એની જીભ ગોળ ગોળ ફરવા માંડી એ સ્વસ્થ થઈને બોલ્યો “સર મને ખબર નથી હું તો મારાં રૂમમાં પીને સુઈ ગયેલો... એ મોડા સુધી જાગતી હતી મેં બારીમાંથી જોયેલું ગાર્ડનમાં બેઠી પીતી હતી. પછી ખબર નથી.”
વિજયે કહ્યું “તું રૂમમાં આવી સુઈ ગયો તો તને કેવી રીતે ખબર કે એ જાગતી હતી ?”... પછી કંઈક વિચારીને કહ્યું “ઠીક છે એ બધું હું જાણી લઈશ” અને દાઢમાં હસીને બોલ્યો “તમે લોકો નીકળી જજો. હું શીપ પર આવું ત્યારે વાત.” એમ કહી ફોન કાપી નાંખ્યો.
વિજયને ઘણાં વિચાર આવ્યાં એણે ગાર્ડનમાં અને ગેટ તરફ ગેટ બહાર બધે મૂકેલાં સીસીટીવી કેમેરા તરફ નજર કરી અને ગૂઢ હસ્યો જે હશે બધું હવે કેમેરા બોલશે હું હવે સુઈ જઉં પછી વાત.
વિજય વિચારો ખંખેરી સુવાનો પ્રયત્ન કરી રહેલો એને ક્યાંય સુધી નારણ એનાં છોકરાં, કાવ્યા, કલરવ, રેખા-ભુપત,ભાઉ બધાનાં વિચાર આવ્યા પછી ક્યારે નીંદરમાં સરી ગયો ખબર ના પડી.
વધુ આવતા અંકે -પ્રકરણ -66