છપ્પર પગી -૭૯
———————————
ભોજન પછી લોકો આરામ કરશે તો સંખ્યા ઓછી થઈ ગઈ હશે એવું ધાર્યું હતુ, પરંતુ થયું ઉલ્ટુ.. એક બે કલાકમાં તો સ્વામીજીની વાતો ગામમાં પ્રસરી ગઈ. જે લોકો સવારે ન હતા એ પણ આ વાતો સાંભળી સ્વામીજીને સાંભળવા અત્યારે આવી ગયા હતા.
ફરી બધા મંચસ્થ થયા એટલે સ્વામીજીએ પોતાની વાત આગળ વધારતા બોલ્યા, ‘આજે આપણે મૂળ વાત તો શિક્ષણ અંગે કરવાની હતી.. સમાજમાં દારૂ, માંસાહાર જેવી બદીઓ એટલી બધી ઘર કરી ગઈ છે કે એ પ્રશ્નોને નજર અંદાજ કરી ન શકાય. મારી દ્રષ્ટિએ સમાજની મોટાભાગની સમસ્યાઓ યોગ્ય શિક્ષણથી ઉકેલી શકાય અને સમાજ કે રાષ્ટ્રમાં આવતી સમસ્યાઓને શિક્ષણનાં માધ્યમથી જ રોકી શકાય તેમ છે.
આપણે ત્યાં સંસ્કૃત ભાષાનું એક વાકય ખૂબ જ પ્રચલિત છે.
“સા વિદ્યા યા વિમુક્તયે’’ અર્થાત મુક્તિ અપાવે તે વિદ્યા. વિદ્યાર્થી મિત્રો, આ વાકય સાંભળીને આપણા મનમાં પ્રશ્ન થાય કે મુક્તિ અપાવે તો શેનાથી મુક્તિ અપાવે? કદાચ પ્રાચીન સમયમાં આ મુક્તિ એટલે સ્વર્ગ એમ લોકો માનતા હશે. મનુષ્યને ચોર્યાશી લાખ યોનિઓમાં જન્મ લેવાની જે વાત છે એમાંથી મુક્તિની વાત હશે. પરંતુ આજના સમયના સંદર્ભમાં હું જરા જુદી રીતે આ વાકયનું અર્થઘર્ટન સમજાવવા માંગુ છું. આજે આધિ, વ્યાધિ અને ઉપાધિ માનવના જીવનમાં સુખ ચેન લેવા દેતા નથી. આ ત્રણે પ્રકારના તાપથી જે મુક્તિ અપાવે તે જ ખરેખર સાચી વિદ્યા છે.
કેળવણીની વ્યાખ્યા આપતા ગાંધીજી કહે છે –“કેળવણી એટલે બાળક અને વ્યક્તિના શરીર, મન અને આત્મામાં રહેલા ઉત્તમ અંશોનો આવિષ્કાર છે.”
સ્વામી વિવેકાનંદ શિક્ષણની વ્યાખ્યા આપતા કહે છે – “માનવીની સંપૂર્ણ વ્યક્ત્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી.”
કૌટિલ્યે પણ શિક્ષણની વ્યાખ્યા આપતાં કહ્યું છે – “માનવીને ચારિત્ર્યવાન અને જગતની ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય.”
આમ, કેળવણી એટલે ‘ઘડતર’. તે એક અવિરત સાધના છે, જેના દ્વારા માનવ જન્મથી મૃત્યુ પર્યંત વિકાસના માર્ગે સતત પ્રયાણ કરે છે.
શિક્ષણ વગરનો માનવ પશુ સમાન છે. શિક્ષણ જીવનનો આધારસ્તંભ છે. શિક્ષણ જ માનવનો સર્વાંગી વિકાસ કરી તેને વિદ્વાન, ચારિત્ર્યવાન અને બુદ્ધિમાન બનાવે છે. કેળવણીનું મહત્ત્વ સમજાવતા એરિસ્ટોટલ લખે છે – “નિર્જીવ મનુષ્ય કરતાં જેમ જીવંત મનુષ્ય ચડિયાતો છે. કેળવણી યુવાશક્તિનું નિયમન કરે છે. વૃદ્ધિ માટેનું આશ્વાસન છે, ગરીબોની સંપત્તિ છે અને શ્રીમંતનું આભૂષણ છે.”
ઉપનિષદોમાં પણ શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું છે કે, “विद्यायामृतंश्तुते” – “‘વિદ્યા’ કે ‘કેળવણી’ અમૃતતત્વ, અમરતા બક્ષે છે.
શિક્ષણ પ્રાપ્ત કરવાથી માનવ પોતાનો અને પોતાના પરિવારનો ઉત્કર્ષ કરી શકે છે. કેળવણીથી જ વ્યક્તિનો વૈયક્તિક, સાંવેગિક, શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક વિકાસ થાય છે. એક કેળવાયેલો શિક્ષિત વ્યક્તિ સમાજના ઉત્કર્ષમાં મહત્વનું પ્રદાન કરે છે.
વ્યક્તિ સ્વાવલંબી બને છે, આત્મનિર્ભર બને છે. કેળવણી દ્વારા વ્યક્તિ રોજગારી મેળવી પોતાની મૂળભૂત જરૂરિયાતો અન્ન, આવાસ અને વસ્ત્રોની જરૂરિયાત સંતોષી શકે છે. પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકે તેવી ક્ષમતાનો વિકાસ થાય છે, આર્થિક રીતે સ્વાવલંબી બને છે. એટલે જ તો કહેવાયું છે કે, કેળવણી દ્વારા વ્યક્તિમાં સ્વતંત્ર વિચારશક્તિ, કલ્પનાશક્તિ, નિર્ણયશક્તિનો સમુચિત વિકાસ થાય છે. વ્યક્તિમાં નિર્ભયતા આવે છે. પોતાના અંતરઆત્માના અવાજને સાંભળી તેને અભિવ્યક્ત કરવાની માનસિક શક્તિનો વિકાસ થાય છે.
ડો. બાબા સાહેબ આંબેડકર એનું ઉત્તમ ઉદાહરણ છે. બાબાસાહેબ આંબેડકર એક દલિતના ઘરે પેદા થયા હતા. સમાજના ઘણા બધા ભેદભાવો તેમણે સહન કર્યા હતા. ઉચ્ચ અભ્યાસ માટે સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિ મેળવી વિલાયતમાં જઇને અભ્યાસ કર્યો. પીએચ.ડી. થયા. એ જ દલિત વિદ્યાર્થી કે જેણે ઘણા બધા અન્યાયનો ભોગ બન્યો હતો, તે બાળક અભાવો અને સમાજની રૂઢિચુસ્તતા વચ્ચે પણ વિદ્યા પ્રાપ્ત કરી પોતાનું, પોતાના પરિવારનું, પોતાના સમાજનું તથા રાષ્ટ્રનું કલ્યાણ કરી શક્યા. આંબેડકર સાહેબે ભારત આવી સમાજમાંથી અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કરી દલિતોના હક માટે લડત ચલાવી, તેને ન્યાય, હક અને ગૌરવ અપાવ્યું. ભારતમાં વર્ષોથી ચાલતી આવતી આ છૂતઅછૂતની પરંપરા સામે લડીને તોડી શક્યા. આજ બાળક આંબેડકર ભારતના બંધારણનો ઘડવૈયો બને છે અને ઇતિહાસમાં અમર અમર થઈ જાય છે. જો આ બાળક આંબેડકરને શિક્ષણ ન મળ્યું હોત તો તેઓ આ કાર્ય કરી શક્યા ન હોત. આ શિક્ષણનો પ્રભાવ છે, સાર્થકતા છે.
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ પણ એક સામાન્ય પિતાનું સંતાન હતા. શિક્ષણ પ્રાપ્ત કરી જ તેઓ ટાપુ ગામ રામેશ્વરમથી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી શક્યા હતા. ભારતના મિસાઈલમેન બન્યા તથા ભારતને સ્વદેશી મિસાઈલ તથા સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ટેકનોલોજી ધરાવતા દેશોની યાદીમાં મૂકી શક્યા. આ બધું શિક્ષણના પ્રભાવથી થયું.
ભારતના મોટા ઉદ્યોગપતિ નારાયણ મૂર્તિ પણ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. કોલેજની ફી ભરવાના પૈસા પણ તેમની પાસે ન હતા. એક વર્ષ કોલેજનો અભ્યાસ છોડ્યો. બીજે વર્ષે ફરી પ્રવેશ મેળવ્યો. આજ નારાયણ મૂર્તિએ ૧૦,૦૦૦ રૂપિયાની મૂડી ભેગી કરી પોતાના મિત્રો સાથે Infosys નામની કંપની સ્થાપી અને એ જ કંપની આજે લાખો કરોડનું માર્કેટકેપ ધરાવતી કંપની બની ગઈ છે. આ બધું શિક્ષણના આ કારણે જ થઈ શક્યું. આજે આ કંપની કેટલા બધા લોકોને રોજગારી આપે છે. રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે.
એવું પણ નથી કે નહીં ભણેલો માણસ કશું જ કરી ન શકે પણ ભણેલો શિક્ષિત વ્યક્તિ કંઈક વિશેષ યોગદાન આપી શકે છે. એની સમજણ કંઈક વિશેષ બને છે.
શાળા મહાશાળામાં જઈ માત્ર માહિતી મેળવવી કે ડિગ્રી પ્રાપ્ત કરવી એ કંઈ કેળવણી નથી. કેળવણી તો સતત આજીવન ચાલતી પ્રક્રિયા છે. જે ઔપચારિક અને અનૌપચારિક બંને રીતે પ્રાપ્ત થાય છે. શાળા શાળામાંથી મળેલ માહિતી એ જ્ઞાન નથી, એ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. જ્ઞાન જ્યારે આચરણમાં, વિવેકપૂર્ણ રીતે પ્રતિબિંબિત થાય ત્યારે તે બધા ડહાપણ બને છે. ગાંધીજી કહેતા કે અક્ષર એ કેળવણી નથી, અક્ષરજ્ઞાન તો જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે.
આજે આપણે જોઈ શકીએ છીએ કે જે દેશો શિક્ષિત છે, તે જ વિકસિત છે. ભારતની વાત કરીએ તો જે રાજ્યમાં સાક્ષરતાનો દર વધારે છે, તે રાજ્યો આર્થિક અને સામાજિક દૃષ્ટિએ આગળ છે. એ રાજ્યોમાં સામાજિક રૂઢિચુસ્તતા પણ ઓછી છે. આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ છે. આવા રાજ્યમાં જાતિ પ્રમાણ પણ સારું છે, કુરિવાજો નથી, સમાનતા અને ભાઇચારાનું વાતાવરણ જોવા મળે છે. કેરળ રાજ્યનો સાક્ષરતા દર સૌથી વધુ છે. ત્યાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધુ છે. બીજી તરફ હરિયાણા, બિહાર જેવા રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, તો ત્યાં કુરિવાજો પણ વધારે છે. સ્ત્રીઓનું પ્રમાણ પણ ઓછું છે. જે રાષ્ટ્રના લોકો શિક્ષિત નથી, તે રાષ્ટ્રોની તો કુદરતી સંપત્તિ પણ વણવપરાયેલી પડી રહે છે, કારણ કે તે સંસાધનોનો રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય ઉપયોગ કરવાનું ડહાપણ જ તેમની પાસે હોતું નથી. દા.ત. આફ્રિકાના દેશો. રાષ્ટ્રના વિકાસમાં પણ તેનું યોગદાન નહિવત છે. આમ, શિક્ષણ થકી સમાજનું સામાજિક અને આર્થિક ઉત્થાન થાય છે. વ્યક્ત્તિ શિક્ષિત હોય તો તે સારા-નરસાનો ભેદ પોતાની રીતે તર્કશક્તિ દ્વારા કરી શકે છે. તે કોઈના દોરવાયેલા દોરાતો નથી. એ રીતે ભણેલા લોકો સારા પ્રતિનિધિને ચૂંટે છે, જેને કારણે રાષ્ટ્રનો રાજનૈતિક વિકાસ પણ થાય છે. શિક્ષણ પામેલા વ્યક્તિ નવી નવી શોધો કરી રાષ્ટ્ર અને પોતાનું મૂલ્યવાન યોગદાન આપે છે. શિક્ષિત વ્યક્તિ રોજગારી મેળવી રોજગારીનું સર્જન કરી, રાષ્ટ્રના વિકાસમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે યોગદાન આપે છે.
જો કે આજના યુગમાં શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી અને પુસ્તકિયું બની ગયું છે ત્યારે શિક્ષણ-કેળવણી આ બધા હેતુ સિદ્ધ કરે છે કે નહીં કે એ વિચાર માંગી લે તેવો મુદ્દો છે. શિક્ષણનું અંતિમ ધ્યેય તો બાળકનો સર્વાંગી વિકાસ કરી તેને એક સંસ્કારી અને જવાબદાર, ઉત્તમ નાગરિક બનાવવા નું જ છે. વ્યક્તિમાં ઇષ્ટ પરિવર્તન લાવે તે જ સાચી કેળવણી છે.
જે હોય તે શિક્ષણ થકી વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની કાયાપલટ થઇ જ છે. શિક્ષણ સાચા અર્થમાં આજે વ્યક્તિની ત્રીજી આંખ છે, એમ કહેવું ખોટું નથી. જે માણસનો સર્વાંગી વિકાસ કરી તેને નરમાંથી નારાયણ બનાવે છે. વ્યક્તિના અંધકારમય જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી શિક્ષણ જ વ્યક્તિને ઉડવાની પાંખો આપે છે. આમ, શિક્ષણનું મહત્ત્વ અનન્ય છે, અદ્વિતિય છે, અકલ્પ્ય છે.યોગ્ય કેળવણી પ્રાપ્ત કરી આપ સૌ આપની જ નહીં પણ આવનારી પેઢીઓને પણ તારી શકશો.
રાષ્ટ્રના વિકાસનું અમોધ શસ્ત્ર પણ શિક્ષણ છે. નેલ્સન મંડેલા શિક્ષણનું મહત્ત્વ સમજાવતા કહે છે શિક્ષણએ પાવર ઊર્જા છે.
આપણું રાષ્ટ્ર ભૂતકાળમાં તમામ પ્રકારની વિધાઓ માટે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ હતું… જ્યારે વિશ્વનાં કોઈ દેશોમાં સંસ્કૃતિ હજી પુરી વિકસી પણ ન હતી ત્યારે આપણી નાલંદા અને તક્ષશિલા જેવી વિધાપીઠો આ તમામ વિધાઓમાં વિદ્યાર્થીઓને પારંગત બનાવતી હતી અને એનો લાભ લેવા વિશ્વભરથી યુવાનો અહીં આપણાં રાષ્ટ્રમાં આવતા હતા…ગુલામી કાળમાં એ ગૌરવ આપણે ખોઈ ચૂક્યા છીએ, જે આપણે સૌએ પાછું લાવવાનું છે અને રાષ્ટ્રનું ગૌરવ પુનઃ સ્થાપિત કરવાનું છે.
મને વિશ્વાસ છે કે લક્ષ્મી અને પ્રવિણે જે પાયો આ બન્ને ગામોમાં નાંખ્યો છે તેનો પુરો લાભ સૌ કોઈ લેશે જ અને સ્વ વિકાસ થી સમષ્ટિ ના વિકાસ માટે આવનારી આ પેઢી પોતાનું યશસ્વી યોગદાન આપશે.
ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ । તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ।
આપ સૌએ મને સ્વીકાર્યો અને શાંતિથી મારી આ લાગણીઓ સાંભળી એ બદલ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરી મારી વાત અહીં પુરી કરું છું.’
સ્વામીજીની આ વાત પુરી થઈ એટલે મંચસ્થ સર્વે લોકોએ તેમજ સભામાં ઉપસ્થિત સૌ કોઈએ પોતાની ખુરશી પરથી ઉભા થઈ અભિવાદન કર્યુ.. ગામડાંના લોકોને સ્ટેન્ડીંગ ઓવેશન કોને કહેવાય એ ખબર નથી પણ આ સ્વામીજી પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતું આ એક બિલકુલ સહજ સ્ટેન્ડીંગ ઓવેશન હતું.
સ્વામીજીની વાત પુરી થઈ અને પોતાની જગ્યા પર બેઠાં કે તરત જ બલવંતસિંહ પોડીયમ પાસે ગયા અને માઈક પર જઈને બોલ્યાં,
‘આજે આ બન્ને શાળાઓનાં લોકાર્પણ માટે આપ સૌ સાક્ષી બન્યા, સ્વામીજીનો લાભ મળ્યો પણ આ બન્ને ઘટનાઓ માટે નિમિત્ત આ લક્ષ્મીબહેન અને પ્રવિણભાઈ કોણ છે ? એ બન્ને ગામમાંથી મોટેભાગે કોઈ જ જાણતું નથી..! મને લાગે છે કે મારે એમનો પરીચય આપને કરાવવો જોઈએ અને કદાચ આ જ યોગ્ય સમય અને સ્થળ છે..મિત્રો સ્વામીજીની બાજુમાં બેઠેલી આ લક્ષ્મી…
ક્રમશઃ
લેખકઃ રાજેશ કારિયા