Agnisanskar - 52 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 52

Featured Books
Categories
Share

અગ્નિસંસ્કાર - 52



વિજયના ઘરે બધા રાતના સમયે ભેગા થયા. બધાના ચહેરા પર ઉદાસી ફરી વળી હતી. આ જોઈને વિજયે કહ્યું.

" કમ ઓન ગાયઝ, આપણે ટેમ્પરરી માટે સસ્પેન્ડ થયા છે! અને મને પૂરો વિશ્વાસ છે કે કમિશનર સાહેબ વહેલી તકે આપણને આ કેસ જરૂર ફરીથી સોંપશે.."

" પણ ત્યાં સુધીમાં તો પ્રિશા અને અંશ સાથે મળીને કોઈ નવા ક્રાઇમને અંજામ પણ આપી દેશે એનું શું?" સંજીવે કહ્યું.

" હા સર, મારું મન કહે છે કે આ પ્રિશાના મનમાં જરૂર કોઈ પ્લાન ચાલી રહ્યો હશે એ પોતાના સ્વાર્થ ખાતર જ અંશને પોતાની સાથે ભગાડીને લઈ ગઈ છે.. એ બન્ને મળીને કોઈ ક્રાઇમને અંજામ આપે એ પહેલા આપણે કોઈ પણ સંજોગે એમને પકડવા જ પડશે.."

" યુ આર રાઇટ આરોહી, આપણી પાસે વર્દી નથી, હક નથી પણ આપણી બધાની ફરજ છે ક્રિમીનલના હાથે થનારા ક્રાઇમને રોકવાની...."

" તમે એક્ઝેટલી કહેવા શું માંગો છો?" સંજીવે કહ્યું.

" દેશની સેવા કરવા માટે કોઈ વર્દીની જરૂર નથી હોતી સંજીવ...એટલે જ મેં નક્કી કર્યું છે કે હું આ કેસને મારી રીતે સોલ્વ કરવાની કોશિશ કરીશ..આ પ્રિશા અને અંશને દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધીને જેલના સળિયા પાછળ ધકેલીશ..."

" માત્ર તમે જ નહિ પરંતુ હું પણ તમારી સાથે જ છું.." સંજીવ આગળ આવીને વિજયના ખભે હાથ રાખીને આત્મવિશ્વાસ સાથે બોલ્યો.

" વાહ, વિજય સર તમે તો પોતાની પર્સનલ ટીમ પણ બનાવી લીધી અને મને ઇન્વાઇટ કરવાનું પણ ભૂલી ગયા!... ચલો કંઇ નહિ હું જ સામેથી આવી જઉં છું..દેશની સેવા કરવા માટે આમંત્રણની વળી શું જરૂર?" આરોહી પણ વિજય સરની ટીમમાં જોડાઈ ગઈ.

આર્યનનું મન ચકરાવે ચડ્યું હતું. પ્રિશા પ્રત્યેની એની સ્ટ્રોંગ ફિલિંગ હવે બદલાની ભાવનામાં ફરી રહી હતી.

" આઈ એમ અલસો વિથ યુ સર.." આર્યન પણ વિજય સર પાસે આવીને પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો.

આ રીતે વિજય અને એની ટીમ ચોરી છુપે પ્રિશાને પકડવા માટે તૈયાર થઈ ચૂકી હતી. બધા સાથે મળીને પ્રિશાને લઈને બધી માહિતી એકઠી કરવા લાગ્યા. આ કાર્યમાં સૌથી વધુ મદદરૂપ
આર્યન થયો. આર્યન પ્રિશાની સૌથી નજદીક રહેતો હોવાથી એમની પાસે પ્રિશાને લઈને વધુ માહિતી હતી.

" સર... એમણે મને એક દિવસ કીધું હતું કે એ આ જોબ હવે છોડવા માંગે છે...આ ક્રાઇમ ખૂન ખરાબાથી કોસો દૂર જઈને શાંતિથી પોતાનું જીવન પસાર કરવા માંગે છે..." આર્યને કહ્યું.

" એ સિવાય કોઈ એવી માહિતી કે જેથી આપણે પ્રિશા પાસે પહોંચી શકીએ...મતલબ કોઈ એડ્રેસ કોઈ ફેમિલી રીલેટેડ માહિતી?"

" એમણે કોઈ દિવસ પોતાના મમ્મી પપ્પા વિશે નથી જણાવ્યું પણ હા હું જ્યારે પણ એમને મળતો ત્યારે એમનામાં મમ્મીનો ફોન જરૂર આવતો.."

" શું વાત થતી એ બન્ને વચ્ચે કંઇ યાદ છે?" વિજયે પૂછ્યું.

" એના મમ્મી હંમેશા પ્રિશાને લગ્ન કરવા માટે મનાવતા હતા...અને પ્રિશા ગુસ્સામાં ફોન કટ કરી નાખતી..."

" આ સિવાય કોઈ એડ્રેસ?"

" હા સર..મને યાદ છે એમણે એક દિવસ પોતાના ઘરનું એડ્રેસ પણ મને આપ્યું હતું!"

" ક્યાં છે એ એડ્રેસ?"

" મારા ફોનમા જ છે સર..."

" ઓકે તો હું, સંજીવ અને આર્યન અમે ત્રણેય એના ઘર તરફ જઈએ છીએ...આરોહી તું ત્યાં સુધીમાં પ્રિશા વિશે માહિતી મેળવવાની કોશિશ કર....અને જરૂર લાગે તો મને તુરંત કોલ કરજે ઓકે?"

" ઓકે સર..."

વિજય અને એની ટીમ પાંચસો કિલોમીટર ટ્રાવેલ કરીને આર્યને કહેલા એડ્રેસ પર પહોંચી. આ એ જ એડ્રેસ હતું જે પ્રિશા એ પોલીસ ઓફીસર બન્યા પહેલા પોતાની પ્રોફાઇલમાં દર્શાવેલું હતું.

" સર આ જ ઘર લાગે છે..." બંગલા જેવું મોટું આલીશાન ઘર જોઈને આર્યને કહ્યું. વિજય અને એની ટીમ પાસે પ્રૂફ માટે ન આઇડી હતી કે ન સ્વરક્ષા માટે કોઈ પિસ્તોલ હતી. છતાં પણ હિંમત કરીને એમને ડોરબેલ વગાડી.

થોડાક સમય બાદ દરવાજો ખુલ્યો અને એક ઘરડી ડોશીમાં બહાર આવ્યા.

" જી બોલો કોનું કામ છે?"

" અમે પ્રીશાના મિત્ર છીએ શું અમે પ્રિશાને થોડાક સમય માટે મળી શકીએ?"

" પ્રિશા? અહીયા કોઈ પ્રિશા નથી રહેતી..." ડોશીમાં એ તુરંત કહ્યું.

" આર્યન ધ્યાનથી જો આ એ જ એડ્રેસ છે ને?" વિજયે તુરંત સવાલ કરી જોયો.

" હા સર, પ્રિશા એ આ જ એડ્રેસ આપ્યું હતું..મને બરોબર યાદ છે..."

" માજી તમે આને ઓળખો છો?" સંજીવે ફોનમાંથી પ્રિશાનો ફોટો ડોશીમાને દેખાડ્યો.

" ના આ છોકરીને તો હું પહેલી વાર જોઉં છું..."

" તમે અહીંયા નવા રહેવા આવ્યો છો?"

" હું અહીંયા છેલ્લા પચીસ વર્ષથી રહુ છું...હવે બીજું કંઇ પૂછવું છે..?" ડોશીમા થોડાક ગુસ્સામાં આવીને બોલ્યા.

" ના મા જી થેંક્યું..." વિજયે એટલું કહ્યું ત્યાં તો ડોશીમા એ ધડામ દઈને દરવાજો બંધ કર્યો.

" મીન્સ પ્રિશા એ આર્યનને ખોટુ એડ્રેસ આપ્યું હતું..." સંજીવે કહ્યું.

" મને તો આ પ્રિશાના નામ પર પણ શક જાય છે....આ પ્રિશા નામની ક્યૂબ જલ્દી સોલ્વ કરવી પડશે...પણ કઈ રીતે???" વિજય વધુ ચિંતામાં મુકાયો.

કોણ છે આ પ્રિશા? શું પ્રિશા વિજયના હાથે પકડાશે? જાણવા માટે વાંચતા રહો અગ્નિસંસ્કાર.

ક્રમશઃ