આદિત્ય અનન્યાની બધી ભૂલ માફ કરવા તૈયાર હતો પણ અનન્યા અને રાહુલના શારીરિક સબંધ વિશે વિચાર કરતા જ એનું શરીર જ્વાળામુખીની જેમ સળગવા લાગતું.
" રાહુલ, અમે આ નિણર્ય સાથે મળીને લીધો છે, સો પ્લીઝ તું અમારા મેટરમાં દખલ અંદાજી ન કર એમાં જ તારી ભલાઈ છે..." આદિત્યે કહ્યું.
રાહુલ ફરી આગળ જઈને કંઇક બોલવા જતો હતો પણ ત્યાં જ અનન્યા એ ઈશારામાં ન બોલવા માટે કહી દીધું.
" આ લ્યો પેપર તમે અહીંયા સહી કરો...." વકીલ સાહેબે કહ્યું. આદિત્યે હાથમાં પેન લીધી અને સહી કરવા જતો હતો કે ત્યાં જ દરવાજેથી કાવ્યા એ રાડ પાડી. " એક મિનિટ આદિત્ય..."
કાવ્યાને જોઈને આદિત્ય ઊભો થઈ ગયો. " કાવ્યા તું અહીંયા?"
કાવ્યા એ આવીને સીધો એક તમાચો આદિત્યના ગાલ પર જીંકી દીધો. બધા મોં ફાડીને બસ જોતા જ રહી ગયા!
" બસ આદિત્ય હું આજે તારી કોઈ વાત નહિ સાંભળું, આજે બસ હું કહીશ અને તું સાંભળીશ..."
કાવ્યા એ આદિત્યનો હાથ પકડ્યો અને પોતાના માથે રાખીને કહ્યું." એક વખત મારી કસમ ખાઈને કહો કે તમે અનન્યાને પ્રેમ નથી કરતા...બોલો કેમ ચૂપ ઉભા છો?"
આદિત્ય કંઈ બોલી શક્યો નહિ.
" ક્યાં કારણે તમે અનન્યાને ડિવોર્સ આપી રહ્યા છો? એ જ ને કે એ વર્જિન નથી.... એણે તમારા પહેલા કોઈ બીજા સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે...એટલે તમે આ કારણે સબંધ તોડવા તૈયાર થઈ ગયા! યાદ કરો કે જ્યારે હું અઠાર વર્ષની હતી અને તમે મને બોયફ્રેન્ડ સાથે પકડી હતી! શું કર્યું હતું તમે? પ્રેમથી જ સમજાવી હતી ને! કે સબંધ તોડી નાખ્યો હતો? હા થઈ ગઈ હતી એ ભૂલ મારાથી હું સ્વીકાર કરું છું,
હવે એ જ ભૂલ અનન્યાથી થઈ તો તમે એને ડિવોર્સ આપવા સુધી પહોંચી ગયા! નાનપણમાં કોણે ભૂલ નથી કરી? યુવાનીમાં પગ મૂકતા શું તમારા મનમાં કોઈ સ્ત્રી પ્રત્યે આકર્ષણ
નથી થયું? શું લગ્ન પછી પણ તમારા મનમાં કોઈ સ્ત્રી પ્રત્યે વિચાર આવતો જ નથી? આદિત્ય, કોઈ સ્ત્રીનું ચરિત્ર જાણવું હોય ને તો એના વ્યવહારથી જાણી શકાય, વર્જીનીટીથી કોઈ સ્ત્રીનું ચરિત્ર નથી માપી શકાતું...અને વાત રહી અનન્યાની તો એણે માત્ર તમને જ પ્રેમ કર્યો છે, હા તમારા પહેલા એના જીવનમાં રાહુલ હતો પણ એ એની સાથે લગ્ન કરવા માટે પણ તૈયાર હતો પણ પરિસ્થિતિ એવી થઈ ગઈ કે અનન્યા અને રાહુલ એક ન થઈ શક્યા. નસીબના જોગે અનન્યા જેવી સ્ત્રી તમારા જીવનમાં આવી છે...સ્ત્રી પ્રત્યે તમારી આટલી નફરત જો કોઈએ મિટાવી છે તો એ અનન્યાના લીધે...સ્ત્રીને સ્ત્રી જેટલું સમ્માન જો કોઈએ આપ્યું છે તો એ અનન્યાના લીધે, અનન્યા જેવી પવિત્ર સ્ત્રીને ખોઈને તમે ક્યારેય સુખી નહિ થઈ શકો અને હજી પણ તમે અનન્યાને ડિવોર્સ આપવા માંગતા હોય તો તમારે મારી સાથે પણ સબંધ તોડવો પડશે કારણ કે મેં પણ લગ્ન પહેલા મારી વર્જિનીટી લુસ કરી છે..."
આદિત્ય પાસે કાવ્યાના સવાલનો કોઈ જવાબ ન હતો. કાવ્યાની વાત સાંભળી આદિત્યને પોતાની ભૂલનો અહેસાસ થયો અને કહ્યું. " સોરી કાવ્યા..મારાથી અનન્યાને સમજવામાં ભૂલ થઈ ગઈ, હું અનન્યાના પ્રેમને સમજી શક્યો નહિ... એણે મારા માટે જે કર્યું એ ભૂલીને હું બસ એના ભૂતકાળને જ વાગોળી રહ્યો હતો, પણ આજે મને અહેસાસ થયો કે અનન્યા રાઈટ હતી..ઍન્ડ સોરી કાવ્યા મેં પણ તને એ સમયે ન કહેવાનું કહ્યું હતું, નાદાનીમાં થયેલી ભૂલને ભૂલીને જ આપણે જીવનમાં આગળ વધી શકીએ છીએ...ભૂલને પકડી રાખીને બસ દુઃખ જ મળે છે..."
આદિત્ય અનન્યા પાસે આવ્યો અને કહ્યું. " સોરી અનન્યા..મને માફ કરી દે... તારા ચરિત્ર પર મેં જે સવાલ કરીને તને બદનામ કરી, તને હર્ટ કરી, એ બિલકુલ માફીને લાયક નથી...તું જે સજા આપીશ મને મંજૂર છે...અને તું રાહુલને પણ ગમે ત્યારે મળી શકીશ હું કોઈ પ્રકારનો શક નહિ કરું....હું સમજી ગયો છું કે પ્રેમ વિશ્વાસ પર ટકેલો છે અને વિશ્વાસ વિના કોઈ સબંધનો અસ્તિત્વ નથી...."
" ભૂલ તો મારાથી પણ થઈ છે...મારે સર્જરી કરાવતા પહેલા તને બધી હકીકત જણાવી દેવી જોઈતી હતી...મને પણ માફ કરી દે..."
" અરે ભાઈ માફી માંગવામાં મારો વારો આવશે કે નહીં?" આકાશે આવીને કહ્યું.
" આકાશ તું?" આદિત્યે કહ્યું.
" હા આદિત્ય, આકાશે જ મને તારા અને અનન્યા વચ્ચે ચાલતા જઘડા વિશે જણાવ્યું હતું અને હું દોડતી અહીંયા આવી પહોંચી..."
" થેંક્યું આકાશ થેંક્યું...તું જો સમયસર કાવ્યાને લઈને અહીંયા ન આવ્યો હોત તો આજ હું અને અનન્યા હંમેશા માટે અલગ થઈ જાત...."
" તો શું થયું? ફરી લગ્ન કરાવી નાખત..."
" હા, એ બહાને હું પણ અનન્યાના લગ્ન જોઈ લવ...જોવ તો ખરા અનન્યા વિદાયના સમયે કેમ રડે છે?" રાહુલ બોલી ઉઠ્યો.
બધા એકસાથે હસી પડ્યા.
વકીલ પોતાના પેપર લઈને ત્યાંથી જતો રહ્યો અને સૌ ભેગા મળીને નાસ્તો કરવા બેસી ગયા.
" મન એકદમ હળવું થઈ ગયું હો..." સમોસા ખાતો ખાતો રાહુલ બોલ્યો.
" પણ મારું પેટ ભારે થઈ ગયું એનું શું?" આકાશે કહ્યું.
" એની તારે ચિંતા કરવાની શું જરૂર છે? પ્રિયા છે ને એ બઘું ઠીક કરી દેશે...." અનન્યા એ ટોન મારતા કહ્યું.
" એનુ તો તું નામ જ લે, મેં તો કાલે જ એને જીવનમાંથી અને કંપનીમાંથી ધકકો મારીને કાઢી મૂકી..."
" વાહ મેરે શેર...મારો ઈશારો તું સમજી ગયો હેં?"
" હા તો આ સારું થયું કે તે ઈશારો કર્યો નહિતર મારી તો જિંદગી એની સાથે બરબાદ જ હતી..." આકાશે કહ્યું.
બધા વાતો કરવામાં મશગૂલ હતા ત્યાં જ રાહુલના ફોનમાં અંકિતનો ફલાઇટ માટેનો કોલ આવ્યો.
" તો ચલ અનન્યા મારે હવે નીકળવું પડશે..."
" ક્યાં જવું છે?" અનન્યા એ કહ્યું.
" હું આજ રાતની ફલાઇટમાં અમેરિકા જાવ છું..."
" વોટ! તું અમેરિકા જાય છે અને મને તું અત્યારે કહે છે ડફ્ફર..."
" સોરી અનન્યા...તો ચલ હું નીકળું હો..." ટેબલ પરથી ઉભા થતાં રાહુલે કહ્યું.
" એક મિનિટ રાહુલ...હું અને અનન્યા પણ તારી સાથે આવીએ છીએ, ચલ અનન્યા...."
આદિત્યે પોતાની કારમાં અનન્યા અને રાહુલને બેસાડીને એરપોર્ટ તરફ નીકળી પડ્યો. રાહુલે પોતાનો સામાન અંકિત સાથે મંગાવી લીધો હતો.
એરપોર્ટ પર પહોંચતા જ આદિત્યે કહ્યું. " રાહુલ વન મોર ટાઇમ આઈ એમ સોરી, તારા પર મારે હાથ નહતો ઉપાડવો જોઈતો..."
" હું તો ક્યારનો ભૂલી ગયો છું તમે પણ ભૂલી જાવ અને જીવનની એક નવી શરૂઆત કરો..." રાહુલે કહ્યું.
" તું ક્યારે લગ્ન કરવાનો છે?" આદિત્યે પૂછ્યું.
" હું તો તમારી વાટે છું કે ક્યારે તમારા બન્નેનો ડિવોર્સ થાય અને હું અનન્યા સાથે લગ્ન કરી લવ..." રાહુલે હસતા હસતા કહી દીધું.
" ડિવોર્સનો તો કોઈ ચાન્સ બનતો જ નથી તો તારે હવે બીજી જ કોઈ છોકરી શોધવી પડશે..." આદિત્યે અનન્યાનો હાથ થામતા કહ્યું.
" સાંભળ્યું છે કે આ દુનિયામાં એક સરખા ચહેરા જેવા સાત વ્યક્તિઓ હોય છે..તો એમાંથી હું કોઈ એક અનન્યાને શોધીને એની સાથે લગ્ન કરી લઈશ..."
" ચલ રાહુલ લેટ થાય છે..." અંકિતે ઉંચા અવાજે કહ્યું.
" હા આવ્યો..., તો અનન્યા ફરી મળીએ..." આદિત્યે કહ્યું.
અનન્યા એ સામેથી રાહુલને હગ કર્યું. રાહુલ પોતાના આંસુ છુપાવતો ત્યાંથી જતો રહ્યો. દૂરથી અલવિદા કહેતા અનન્યા અને આદિત્ય ત્યાં જ ઉભા હતા.
રાહુલના જતાં જ આદિત્યે કારમાં બેસીને કહ્યું. " બિચારાને જલ્દી કોઈ સારી છોકરી મળી જાય તો સારું છે..."
અનન્યા એ માત્ર હમમમાં માથું ધુણાવ્યું. પરંતુ અનન્યા સારી રીતે જાણતી હતી કે રાહુલ એના સિવાય બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહિ કરે, રાહુલે હજી પણ વર્ષો પહેલા અનન્યા એ આપેલી વીંટી પહેરી રાખી હતી. એ વીંટીના સહારે જ રાહુલે પોતાની આખી જિંદગી પસાર કરવાનો નિર્ણય લીધો હતો.
{ મારી આ નવલકથા અહીંયા પૂર્ણ થાય છે અને મને આશા છે કે તમને પણ મારી સાથે આ વાર્તામાં ખૂબ મઝા આવી હશે. ધન્યવાદ}
સમાપ્ત