No Girls Allowed - 59 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | નો ગર્લ્સ અલાઉડ - ભાગ 59

Featured Books
Categories
Share

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 59



" સોરી અનન્યા...મારો ઈરાદો તમારા સંબંધને તોડવાનો નહિ પણ..." રાહુલે કહ્યું.

" બસ રાહુલ તારે જે કરવું હતું એ કરી લીધું હવે આદિત્ય જે કરશે એ મને સ્વીકાર્ય છે..." એટલું કહેતાં જ અનન્યા ત્યાંથી જતી રહી. રાહુલ બસ પછતાવો કરતો રડી પડ્યો.

અનન્યા ઘરે પહોંચી તો રમણીકભાઈ એમને મળવા આવ્યા હતા. પપ્પાને જોઈને અનન્યા ભાવુક થઈને સીધી ભેટી પડી અને રડવા લાગી.

" શું થયું દિકરી? તું રડે છે કેમ?" રમણીકભાઈ બોલ્યા. અનન્યાના સાસુમા પણ આશ્ચર્ય સાથે જોઈ રહ્યા. અનન્યા મનમૂકીને રડી રહી હતી ત્યાં જ આદિત્ય ઘરે પહોંચ્યો.

" આદિત્ય બેટા, આ વહુ કેમ રડે છે? શું થયું? સાચું સાચું બોલ..." પાર્વતીબેને કહ્યું.

" મમ્મી, એવી કોઈ વાત નથી... એનું બસ મન ભરાઈ આવ્યું એટલે રડે છે...મને આજે જ કહેતી કે પપ્પાની ખુબ યાદ આવે છે... મેં કહ્યું એમાં શું આપણે પાછા મળવા જઈશું ને...ત્યાં જોવો પપ્પા ખુદ આવી ગયા..એટલે અચાનક પપ્પાને જોઈને રડી પડી..."

" દીકરી એમાં રડવાનું હોય?, ચલ રોવાનું બંધ કર, હમમ..શાબાશ..." રમણીકભાઈ એ અનન્યાના આંસુઓ લૂછી કાઢ્યા. અનન્યા પપ્પાથી અલગ થઈ અને વોશરૂમમાં ફ્રેશ થવા જતી રહી. આદિત્ય પણ પોતાની ઓફિસ બેગ બાજુમાં મૂકીને રમણીકભાઈ સાથે વાતચીત કરવા બેસી ગયો.

રમણીકભાઈના જતા જ આદિત્ય પોતાના રૂમમાં ચાલ્યો ગયો. અનન્યા પહેલેથી જ રૂમમાં જતી રહી હતી.

" અનન્યા હવે તારા રડવાના દિવસો પૂરા થયા, મેં આજ જ વકીલ સાથે વાત કરી લીધી છે, કાલ ડિવોર્સના પેપર લઈને એ આપણા ઘરે આવી જશે..." આદિત્યે નજર ફેરવીને કહ્યું.

" તું સાચે જ મારાથી અલગ થવા માંગે છે??" અનન્યા એ પોતાનું મૌન તોડતા કહ્યું.

" કદાચ અલગ થવાથી જ આપણે વધારે ખુશ રહી શકીશું, સાથે રહીને આપણને બસ પીડા જ મળી છે.... મને લાગે છે આપણે એકબીજા માટે બન્યા જ નથી! તારા વિચારો મારા વિચારોથી સાવ અલગ છે, તું રાહુલ સાથે વધારે ખુશ રહીશ...તમારી બંને વચ્ચેની એ દોસ્તી, એ પ્રેમ મેં જોયો છે... હું તને નફરત નહિ કરું, ના ક્યારેય પણ નહિ! બસ તને ફરિયાદ કર્યા કરીશ...અનન્યા મેં આ નિણર્ય આપણા બંન્નેના સારા ભવિષ્ય માટે લીધો છે અને હું ચાહું છું તું અંતિમ વખત મારો સાથ આપે, કાલ ડિવોર્સના પેપર પર સહી કરી દેજે, હું હાથ જોડીને તને વિનંતી કરું છું..."

આદિત્ય પોતાના આંસુ છુપાવતો ત્યાંથી અગાસી પર ચાલ્યો ગયો. અનન્યા બંધ રૂમમાં મનમૂકીને રડી. આદિત્ય અગાસીએ જઈને એકલો આંસુ વહાવી રહ્યો હતો. અલગ થવાની પીડા બંનેના દિલમાં હતી બસ એકબીજાને ન દેખાડીને ખુદને કઠોર સાબિત કરી રહ્યા હતા.

રાહુલની હાલત વધુ ગંભીર થઈ રહી હતી. હોસ્પિટલમાંથી મલમ પટ્ટી કરીને રાહુલ જ્યારે બહાર નીકળ્યો ત્યારે અંકિતે કહ્યું " યાર હવે તો બોલ કોણે કરી તારી આવી હાલત? મા કસમ એક વખત નામ કહી દે એને તો હું ત્યાં જ..."

" અંકિત તારે કઈ કરવાની જરૂર નથી, મારી જે હાલત છે એનો જિમ્મેદાર હું ખુદ છું..બસ અફસોસ એક વાતનો છે કે મારા લીધે મારી અનન્યાનું ઘર ઉજડી જશે..."

" આ તું શું બોલે છે? કઈક સમજાઈ એવું બોલ.." અંકિતે કહ્યું.

" સામાન પેક કરો આપણે કાલ જ અમેરિકા માટે નિકળવાનું છે..." રાહુલે કહ્યું.

રાહુલે અમેરિકા જવાનું નક્કી કરી નાખ્યું. આજની રાત આ ત્રણેય માટે સૌથી લાંબી રાત થવાની હતી.

વહેલી સવારે આદિત્ય જાગ્યો અને નાસ્તો કરવા બેસ્યો.

" અનન્યા ક્યાં છે? એમને નાસ્તો નથી કરવો?" સાસુમા બોલી ઉઠ્યા. ત્યાં જ અનન્યા પોતાના રૂમમાંથી આવતી દેખાઈ. આદિત્ય તો અનન્યાને બે ઘડી જોતો જ રહી ગયો.

આદિત્યે આપેલો એ ખાસ ડ્રેસ પહેરીને અનન્યા આવી હતી.

યાદમાં

" આ ખાસ ડ્રેસ તૈયાર કરાવ્યો છે તારી માટે...કોઈ સ્પેશિયલ ડેટ હોય ને ત્યારે જ પહેરજે...જેથી હું એ પળને હંમેશા મારી યાદોમાં કેદ કરી શકું.."

આજે ડિવોર્સના સમયે અનન્યા એ ખાસ ડ્રેસ પહેરીને હાજર થઈ હતી. અનન્યા નાસ્તો કરવા બેસી કે તુરંત આદિત્ય ઊભો થઈ ગયો અને કહ્યું. " ચલ મમ્મી હું જાવ છું...અને હા હું બપોરે ઘરે જ આવી જઈશ..."

" કેમ? ક્યાંય જવાનું છે?"

" ના મમ્મી બસ મારે ઘરે થોડુંક કામ છે..."

" ભલે દીકરા..."

આદિત્ય ઓફીસે જવા નીકળી ગયો. બપોરના બે વાગ્યે આદિત્ય ઘરે આવ્યો. લંચ કર્યું અને ચૂપચાપ સોફા પર આરામથી બેસીને વકીલની રાહ જોવા લાગ્યો. અનન્યા ઘરનું નાનું મોટું કામ કરી રહી હતી.

થોડીવારમાં વકીલ સાહેબ આવી ગયા.

" આવો આવો વકીલ સાહેબ....બેસો...આવવામાં કોઈ તકલીફ તો નથી થઈ ને?" આદિત્યે ઉભા થઈને વકીલનું સ્વાગત કર્યું.

" અરે ના ના..." પાણી પીતા પીતાં વકીલે કહ્યું.

" કાગળિયા તૈયાર છે?"

" હા હા બિલકુલ...તમે કહી દીધું એટલે આપણું કામ ચોક્કસ જ હોય..."

" શેના કાગળિયા છે બેટા?" પાર્વતીબેન વચ્ચમાં આવીને બોલ્યા.

આદિત્યે જે હકીકત છે એ જણાવતા કહ્યું. " મારા અને અનન્યાના ડિવોર્સના પેપર છે..."

" આ તું શું બોલે છે? તું અને અનન્યા છૂટાછેડા ! હાય રામ! દીકરા તને શું થઈ ગયું?.."

" મમ્મી તમે વચ્ચમાં કંઈ ન બોલો...અમે સમજી વિચારીને જ આ નિર્ણય લીધો છે..." આદિત્યે કહ્યું.

" અનન્યા તું બોલ શું છે આ બઘું? તમારા વચ્ચે કોઈ જઘડો થયો છે? આપણે બેસીને એનો હલ લાવીશું...આ છૂટાછેડા કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી..."

અનન્યા મૌન રહીને બસ આદિત્યને જોઈ રહી. ત્યાં જ થોડીવારમાં કિંજલ અને રાહુલ આવી પહોંચ્યા. " આ બન્ને અહીંયા?" અનન્યા અને આદિત્યે બંનેના મનમાં સવાલ થયો.

" જરૂર અનન્યા એ જ કિંજલ અને રાહુલને બોલાવ્યો હશે..." આદિત્યે મનમાં જ જવાબ શોધી કાઢ્યો.

" વકીલ સાહેબ પેપર આપો...." આદિત્યે કહ્યું.

" એક મિનિટ આદિત્ય..." રાહુલે ઉંચા અવાજે કહ્યું.

રાહુલ આદિત્ય પાસે આવીને ગોઠણ પર ટેકવીને બેસી ગયો. હાથ જોડીને રાહુલે કહ્યું. " મારા ભૂલની સજા અનન્યાને ન આપ...હું અનન્યાને ફરી ક્યારેય નહી મળીશ, આઈ પ્રોમિસ, હું આ દેશ છોડીને હંમેશા માટે ચાલ્યો જઈશ, જો મેં તો અમેરિકાની ટિકિટ પણ કરાવી રાખી છે...પ્લીઝ આદિત્ય મને અને અનન્યા માફ કરી દે...."

રાહુલને આવી રીતે ભીખ માંગતા જોઈને અનન્યા દોડીને રાહુલ પાસે આવી અને રાહુલને હાથ દઈને ઊભો કરીને કહ્યું. " રાહુલ આ તું શું બોલે છે? કઈ ભૂલની માફી માંગે છે તું? તું તો અમને ફરી મળાવવા જ આવ્યો હતો ને! તારો પ્લાન મને પામવાનો નહિ પણ આદિત્ય અને મને ફરી એક કરવાનો હતો..આ સત્ય તું બધા સામે કેમ નથી કહી રહ્યો? તે તો એ કામ કર્યું છે જે સગા વહાલા પણ ન કરી શકે. પતિ પત્ની વચ્ચે થતાં જઘડાને જોઈને જ્યાં લોકો ખુશ થતાં હોય છે ત્યાં તે તો એ જઘડાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે, તારે કોઈ સામે નમવાની જરૂર નથી....."

અનન્યાની વાતો આદિત્યના દિલમાં તીર માફક પસાર થઈ ગઈ. જાણે આદિત્યને એક પ્રકારનું મીઠું દર્દ મળી રહ્યુ હતું.

શું આદિત્ય અને અનન્યાનો ડિવોર્સ થશે?

ક્રમશઃ