Udaan - 22 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 22

The Author
Featured Books
Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 22

અન્યાય ક્યાં સુધી..?

 

પ્લાન મુજબ એક સ્ટેપ પૂરું થયું. હવે જવાનું હતું પ્રદીપના ખાસ મિત્ર ભરતના ઘરે જે પ્રદીપના દરેક કાળા કામોમાં સરખો ભાગીદાર હતો.

" કિશોર..! આ દવા કામ તો કરશે ને..? કાંઈ લોચા તો નહીં પડે ને..?" રમણે ધીમેથી પૂછ્યું.

" ફિકર ના કર દોસ્ત..! એકસો ને એક ટકા કામ કરશે. બસ ધ્યાન એ રાખવાનું છે કે કોઈ આપણને ઓળખી ન જાય." કિશોરે મોઢા પર રૂમાલ બાંધતા કહ્યું. રમણે પણ રૂમાલ બાંધી મોઢું ઢાંકી દીધું, જેથી જલ્દીથી કોઈ ઓળખી ન જાય. બંને ભરતના ઘરે પહોંચ્યા. સવારના સુમારે સૌ ઘસઘસાટ ઉંઘતા હતા. ભરત પણ બહાર આંગણામાં ખાટલામાં પડ્યો પડ્યો નસકોરા બોલાવતો હતો. ધીમેથી કિશોર તેની પાસે ગયો અને બેભાન થવાની દવા છાંટેલ રૂમાલ ભરતના મોંઢા પર દબાવી દીધો. બે જ મિનિટમાં ભરત બેભાન..!

બન્ને મિત્રોએ ઊંચકીને તેને રમણના ખેતરમાં રહેલ ઓરડીમાં પુરી દોરડાથી બાંધી દીધો. હવે તે ભાનમાં આવે તેની રાહ જોવાની હતી.

" કિશોર..! આને કેટલા કલાકે ભાન આવશે..?" રમણે પૂછ્યું.

" આમ, તો બે કલાકે ભાન આવી જતું હોય છે..બે કલાક તો થવા આવ્યા, ખબર નહિ આ કેમ હજુ જાગતો નથી..?" કિશોરે કહ્યું.

" એની પર પાણી છાંટુ..? કદાચ ઉઠે તો..!" રમણે કહ્યું.

" હા, એવું કંઈક કરીએ..અને તારું ટેપ રેકોર્ડર તો તૈયાર છે ને..?" કિશોરે કહ્યું.

" હા..હા..એ બધું તો તૈયાર જ છે. " એમ કહી રમણે ભરત પર ટબ ભરી પાણી છાંટયું. ભરત પાણી પડતા થોડો હલ્યો.
ભરતની હલનચલન પરથી બંનેને ખ્યાલ આવી ગયો કે તે હવે ભાનમાં આવશે. બંન્નેએ રૂમાલથી પોતાના મોંઢા ઢાંકી દીધા.એટલામાં ભરતને ભાન આવી ગયું.

" હું..હું ક્યાં છું..? તમે લોકો કોણ છો..? મને અહીં કેમ બાંધ્યો છે..?" ભરતે ગભરાતા સ્વરે પૂછ્યું.

" તારા કોઈ સવાલનો જવાબ તને નહિ મળે. પણ તારે અમારા બધા સવાલોના જવાબ આપવા પડશે."

" કેવા જવાબ..? કોણ છો તમે..? છોડો મને અહીંથી..જવાદો મને.. પ્રદીપને ખબર પડશે તો તમને બંનેને જીવતા નહિ છોડે..!" દોરડાથી બાંધેલ હાથ પગ છોડવાની કોશિશ કરતા ભરતે કહ્યું.

" પ્રદીપ..હા..હા..હા..કોણ તેને જણાવશે..? તું..? તું જણાવીશ..? પહેલાં અહીંથી બહાર તો નીકળ..! પછી જણાવજે..!" હસીને રમણે કહ્યું.

" તમે પ્રદીપને ઓળખતા નથી...તે બહુ ખતરનાક છે. મારો ખાસ મિત્ર છે..જવા દો મને..!" ભરતે કહ્યું.

" પ્રદીપના ગુણગાન ગાવાનું બંધ કર..કેમ કે અત્યારે કોઈ પ્રદીપ તને બચાવવા નહીં આવે...અમે પૂછીએ એટલો જવાબ આપ..બસ..!" કિશોરે કહ્યું.

" નહિ આપું હું કોઈ જવાબ..! શું કરી લેશો..?"

" આને પરચો બતાવો ભાઈ..! " કિશોરે રમણને ઈશારો કરતા કહ્યું. તરત તેને સ્વિટચ ચાલુ કરી બંધ કરી દીધી.આવું બે ત્રણવાર કર્યું.

" ઓહ..મા..! ઓહ..બાપ રે..બસ..નહિ..હવે નહિ.. મહેરબાની કરો..શું જાણવું છે તમારે..? હું બધું કહું છું..મને વીજળીના ઝાટકા ન આપો..!"

" રમણ..! હવે આ બેટો બરાબર ભાનમાં આવ્યો લાગે છે." ઇશારાથી કિશોરે રમણને ટેપ રેકોર્ડર ચાલુ કરવાનો ઈશારો કર્યો. રમણે રેકોર્ડર ચાલુ કર્યું અને એક પછી એક સવાલોનો મારો ભરત પર કરવામાં આવ્યો. પ્રદીપ, ભરત અને તેના મિત્રોએ કરેલ બધા કાળા કામો અને મદનના મર્ડર અંગેની બધી સાચી વિગતો ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ ગઈ.

" આ રેકોર્ડિંગ..આપણા નિર્દોષ મિત્ર સુરેશને જેલમાંથી છોડાવશે અને પ્રદીપ તથા ભરતને સજા અપાવશે." રમણે રેકોર્ડ કરેલ સીડી હાથમાં લઈ કહ્યું.

" આનું શુ કરશું રમણ..? " કિશોરે કહ્યું.

" આને હમણાં છોડવો યોગ્ય નથી. પહેલાં આપણે આ સીડી પોલીસ સ્ટેશનમાં પહોંચાડીએ. પછી પોલીસ જ આને અહીંથી લઈ જશે." રમણે કહ્યું.

બન્ને મિત્રોએ ભરતને ઓરડીમાં બાંધી બહારથી ઓરડી બંધ કરી દીધી. બન્ને મિત્રો પોલીસસ્ટેશનમાં જઈને પોલીસ ઇન્સ્પેકટરને વાત કરી. તેઓને ભરતે કહેલ બધી વાતોનું રેકોર્ડિંગ પણ સંભળાવ્યું. પોતાના મિત્રને છોડાવવાના ઠોસ પુરાવા રમણ અને કિશોર પાસે હતા.આથી પોલીસ પણ શું કરી શકે..?

આખરે પોલીસે સુરેશને છોડ્યો અને પ્રદીપ તથા તેના મિત્રોને પકડી જેલ ભેગાં કર્યા. મુશ્કેલ સમયમાં મિત્રોની મિત્રતા અને સુજબૂઝથી નિર્દોષ સુરેશ જેલમાંથી બહાર આવ્યો. ત્રણેય મિત્રો એકબીજાને બાથ ભીડી ખૂબ રડ્યા ને હસતા મુખે ઘર તરફ ગયાં.

આખરે પ્રદીપની સચ્ચાઈ આખા ગામ સામે આવી. પ્રદીપને જેલ થતાં ગામજનોમાં રહેલો ડર પણ ઓછો થયો અને હંમેશા માટે ગામમાં થતા અન્યાય અને કાળા કામો બંધ થયા.