Udaan - 19 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 19

The Author
Featured Books
Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 19

જાદુઈ ખજાનો


" કીર્તન..! મને ડર લાગે છે..! અહીં કેટલું અવાવરું છે..! ચાલ ને, પાછા જઈએ." વર્ષો જુના અવાવર ઘરમાં પ્રવેશતી રૂપાલીએ ડરતાં ડરતાં કહ્યું. રૂમ ખોલતાંની સાથે જ ફડફડ કરતું કબૂતર ઉડીને રૂમની બહાર ગયું. કબૂતરના અવાજથી તો રૂપાલી સખત રીતે ડરી જ ગઈ.


" અરે ડરવા જેવું કંઈ નથી. ઘણા સમયથી આ રૂમ ખોલ્યો નથી, આથી આ રૂમ અવાવરો લાગે છે. ચાલો અંદર જઈએ." કીર્તન અને મિલન બન્ને ભાઈઓ અવાવર રૂમમાં પ્રવેશ્યા. જ્યારે ડરેલી રૂપાલી દરવાજા પાસે જ ઉભી રહી ગઈ.


" અરે રૂપાલી..! ત્યાં કેમ ઉભી છે..? આવ, અંદર..! ડરવા જેવું કંઈ નથી." મિલને તેની કઝિન બહેન રૂપાલીનો હાથ પકડીને અંદર લઈ જતાં કહ્યું.


" કીર્તન..! તને પાક્કું ખબર છે ને કે અહીં ખરેખર અજાયબ ખજાનો છે..?" રૂપાલીએ પૂછ્યું.


" હા, હા..દાદાજીએ મને મરતાં પહેલાં કીધું હતું અને આ વાતની ખબર આપણા મમ્મી પપ્પાને પણ નથી. દાદાજી કહેતા હતા કે આ ખજાનાના હકદાર માત્ર તેઓનાં પૌત્રો છે." કિર્તને કહ્યું.


" ભાઈ..! તને ખબર છે એ ખજાનામાં શું હશે..?"


" એવું તો દાદાજીએ કાંઈ કહ્યું નથી કે ખજાનાંમાં શું હશે. પણ ખજાનો તો ખજાનો છે. જરૂરથી તેમાં સોનું,ચાંદી,સિક્કા કે હીરા મોતી હશે. આ બધું હોય તો જ તો તે ખજાનો કહેવાય ને..!" કિર્તને કહ્યું.


" ભાઈ..ખરેખર જો એવો ખજાનો મળે તો આપણે મહેનત કરવાની જરૂર જ ન પડે. હેય ને આરામથી જીવન જીવાય..!" મિલને કહ્યું.


" ઓય..! આળસુના પીર..! ખજાનો મેળવવા માટે પહેલાં ખજાનો શોધવાની મહેનત તો કરવી પડશે ને..!" રૂપાલીએ મિલનને ટપલી મારતાં કહ્યું. ત્રણેય ભાઈ બહેન ખજાનો શોધવા લાગી ગયા. વર્ષોથી બંધ પડી રહેલા અવાવર ઘરમાં ત્રણેય જણા ખજાનાની શોધમાં આખા ઘરમાં ફરી રહ્યા હતા. ત્રણેયને ડર હતો અવાવર ઘરમાં ઝેરી જીવજંતુઓનો, પણ સાથે ઉમંગ એ વાતનો હતો કે જો એકવાર ખજાનો મળી જાય પછી તો જલસા જ જલસા પડી જશે.


આખાય ઘરમાં લાકડાની કોતરણીવાળુ ફર્નિચર હતું પણ ચારેય બાજુ ફેલાયેલા કરોળિયાના ઝાળાઓને કારણે સ્પષ્ટ જોઈ શકાતું નહોતું.


"કીર્તન...! આપણાં દાદાજી પહેલાં અહીં રહેતાં હતાં..?" રૂપાલીએ કપડાથી ઝાળા દૂર કરતાં કહ્યું.


" ઓહો..ઓહો..! અરે અહીં તો કેટલી બધી ધૂળ જામી ગઈ છે." ઉધરસ ખાતાં મિલને કહ્યું.


" દાદાજી નહિ પણ તેઓનાં દાદાજી અહીં રહેતાં હતાં. એવું મેં સાંભળેલું." કિર્તને કહ્યું.


" ઓહ...છેક દાદાજીના પણ દાદાજી અહીં રહેતાં હતા..! એમનાં પછી કેમ અહીં કોઈ રહેતું નહોતું..કીર્તન..! તને ખબર છે..?" રૂપાલીએ પૂછ્યું.


" મને ખબર છે કેમ અહીં કોઈ નહિ રહેતું હોય..!" મિલન બોલ્યો.


" કેમ ? "


" કેમ કે અહીં ભૂત રહેતું હતું..! હા..હા..હા..!" મિલન મજાકિયા અવાજથી બોલ્યો, પણ તેની મજાકથી રૂપાલી થોડી ડરી ગઈ.


" અરે, ડર નહિ રૂપાલી..! મિલન મજાક કરે છે." કીર્તન રૂપાલીને સાંત્વના આપતો હતો એવામાં જ પાછળથી કોઈ દોળીને ગયું હોય તેવો અણસાર થયો. ત્રણેય જણાએ એકસાથે પાછળ વળીને જોયું. પાછળ કોઈ નહોતું.


" હું કહેતો હતો ને કે અહીં ભૂત રહેતું હશે..! એટલે જ આટલા મોટાં ઘરમાં વર્ષોથી કોઈ રહેતું નહોતું. મારો અંદાજ સાચો પડ્યો. ચલો ભાઈ, કાંઈ ખજાનો નથી શોધવો. આપણે બધાએ તુરંત જ પાછા વળી જવું જોઈએ." મિલને કહ્યું.


" અરે કોઈ નથી..આપણો ભ્રમ છે કે અહીંથી કોઈ ગયું..! ગભરાયા વિના જલ્દી જલ્દીથી ખજાનો શોધો." કિર્તને કહ્યું.


ત્રણેય ફરી ખજાનો શોધવામાં લાગી ગયા. ત્યાં રૂપાલી એ બૂમ પાડી, " કીર્તન..! મિલન..! અહીં આવો..! જલ્દીથી..!"


"અરે પાછું શું થયું તને..?" મિલન બોલ્યો.


" અરે અહીં આવ તો ખરો..! ખબર પડી જશે." રૂપાલીએ પોતાની તરફ આવવાનો ઈશારો કરતાં કહ્યું. મિલન અને કીર્તન રૂપાલી પાસે ગયા અને જોયું.


" ઓહ માય ગોડ..કીર્તન..! જરૂરથી આમાં જ ખજાનો હશે." પેટી પરથી ધૂળ અને ઝાળાને ખસેડતાં મિલને કહ્યું. કીર્તન ધીમે રહી મિલન પાસે બેસી ગયો.


" હા, જરૂર આ જ પેટીમાં ખજાનો હોવો જોઈએ. આ પેટી જોતાં જ લાગે છે કે તે ઘણા વર્ષો જૂની છે." પેટી પર હાથ ફેરવતાં કિર્તને કહ્યું.


" પણ આ પેટી ખુલે છે કેમ..? એ તો શોધો..!" રૂપાલીએ કીર્તન અને મિલનને સંબોધતા કહ્યું. ચારેય બાજુ જોયું પણ ક્યાંય તેને ખોલવા માટેનું લોક જોવા ન મળ્યું.


" અજીબ પેટી છે આ તો..? ક્યાંથી ખુલે છે એ સમજાતું જ નથી..!" કીર્તને પેટીને ચારેય બાજુ ફેરવતાં કહ્યું. ત્યાં મિલને તે પેટીને ઊંઘી કરી.


" અરે જુઓ..અહીં કંઈક નંબરવાળું લોક હોય એવું લાગે છે." મિલને નંબરના આંકા પર હાથ ફેરવતાં કહ્યું.


" ગમે તેમ નંબર ન ફેરવ મિલન. જો ત્યાં કંઈક લખ્યું છે. તે વાંચ.. કદાચ તેના પરથી લોક ખોલવાની હિંટ મળી જાય." કિર્તને લોકની નીચે લખેલ લખાણ તરફ ઈશારો કરતાં કહ્યું.


ઊંટના જેટલા વાંકા અંગ..


નક્ષત્ર જેટલા તારાઓ સંગ..


વર્ષામાં ખીલે મેઘધનુષના રંગ..


છ તરીને કરો નવથી ભંગ..


"આ તો કોઈ ઉખાણા જેવું લાગે છે ભાઈ..!" પેટી પર લખેલ લખાણ વાંચતા મિલને કહ્યું.


" આ ઉખાણા જેવું નથી..ઉખાણો જ છે. આનો જવાબ જ આ પેટીનાં લોક ખોલવાની ચાવી છે." કિર્તને કહ્યું.


" હા, તારી વાત એકદમ સાચી છે હો..! ઊંટના તો અઢારે અંગ વાંકા..એવું આપણે શાળામાં ભણતાં ત્યારે આવતું હતું યાદ છે..!મતલબ પહેલી પંક્તિનો જવાબ 18 આવે." રૂપાલીએ કહ્યું.


" નક્ષત્ર જેટલા તારાઓ સંગ..મતલબ અવકાશમાં કુલ કેટલાં નક્ષત્રો છે..? તે સંખ્યા હશે. કુલ 22 નક્ષત્રો હશેને કીર્તન..!" મિલને કહ્યું.


" અરે નહિ..22 નહિ લગભગ મને યાદ છે ત્યાં સુધી 27 નક્ષત્રો અવકાશમાં આવેલાં છે." કિર્તને કહ્યું.


" તો બીજી પંક્તિનો જવાબ 27 થાય. ત્રીજી પંક્તિ..'વર્ષામાં ખીલે મેઘધનુષના રંગ..' આમાં તો જવાબ 7 આવશે. બરાબર ને..!" રૂપાલીએ કહ્યું.


" હા, બરાબર.! છેલ્લી પંક્તિ..' છ તરીને કરો નવથી ભંગ..' છ તરી મતલબ છત્રીસ થશે..ને..? અને ભંગ એટલે ભાગાકાર..તો છત્રીસને નવથી ભાગીએ તો જવાબ મળે 4.. બરાબર ને..?" કિર્તને ગણતરી કરતાં કહ્યું.


" ભાઈ તું કહે એ બધું બરાબર જ હોય હવે..! જો હવે આ નંબર સેટ કરીએ. પહેલાં 18..પછી 27..પછી 7 અને પછી 4..ખુલ જા સીમ..સીમ..! અરે આ તો હજુએ ખુલતું નથી." અરે આ તો ખુલતું નથી. આવું કેમ..?" મિલને કહ્યું.


" આપણી ગણતરીમાં ક્યાંક ભૂલ લાગે છે. એક વાર ફરી જોઈ લઈએ. ઊંટના 18 વાંકા, નક્ષત્રો 27, મેઘધનુષના 7 રંગ, છ તરી ને નવથી ભંગ...અરે જુઓ..છ તરી..મતલબ છત્રીસ નહિ..6×3=18 એમ થાય. હવે 18 ને નવથી ભાગીએ તો જવાબ મળે 2. મિલન હવે ફરી આ નંબર સેટ કર તો..! જોઈએ ખુલે છે કે નહીં..?" કિર્તનના કહેવા મુજબ મિલને નંબર સેટ કર્યો ને તરત જ લોક ખુલી ગયું. લોક ખૂલતાં જ ત્રણેયના ચહેરા પર મીઠી સ્માઇલ આવી ગઈ.


મિલને પેટીમાં જોયું, " અરે..! આમાં તો કોઈ ખજાનો નથી..? નથી સોનુ..નથી ચાંદી..નથી કોઈ હીરા મોતી..બસ એક બૂક છે..એ પણ કોરી..!" બુકના પત્તાં ફેરવી તેને બાજુ પર મૂકીને મિલન ફરી પેટીમાં ખજાનો શોધવા હાથ ફેરવવા લાગ્યો.


"અરે તું જો બરાબર..પેટીમાં કંઈક તો ખજાનો હોવો જોઈએ." રૂપાલીએ કહ્યું. એવાંમાં કિર્તને મિલનને પેટીમાંથી બહાર ફેંકેલી બુક હાથમાં લીધી અને જોઈ.


" ખજાનો શોધવાની નકામી મહેનત ન કરો. આ બુક જ ખજાનો છે." બુકના પહેલાં પાને લખેલ વિગત વાંચી કિર્તને કહ્યું.


" આ કોરી બુક ખજાનો કેવીરીતે હોઈ શકે કિર્તન..? મજાક ન કર તું..!" મિલને કટાક્ષ કરતાં કહ્યું.


" આ કોરી બુકના પહેલાં પાને કંઇક લખેલું છે. જો...! " કિર્તને મિલનને લખાણ બતાવતાં કહ્યું.


" જલ્દીથી વાંચ કીર્તન..! તેમાં શું લખ્યું છે ?" રૂપાલીએ ઉત્સુકતાથી કહ્યું.


" રહસ્યમયી અને જાદુઈ દુનિયામાં આપનું સ્વાગત છે..." પહેલું વાક્ય વાંચીને તો ત્રણેય એકબીજા સામે જોવા લાગ્યા.


" આ જાદુઈ બુક છે. આ બુકમાં તમે જે લખશો તે સાચું પડી જશે. આમાં જે નંબરના પાને જે વ્યક્તિનું નામ લખશો તે પાને તે વ્યક્તિએ લખેલ દરેક ઈચ્છા તુરંત પૂર્ણ થશે. બીજા વ્યક્તિ માટે બીજા પાનાનો ઉપયોગ કરવો." બીજા નંબરની વિગત વાંચીને ત્રણેયના ચહેરા પર ગજબની સ્માઈલ આવી ગઈ.


" અરે યાર..આ તો ગજબનો ખજાનો છે...! શું આમાં લખ્યું છે તે પ્રમાણે ખરેખર થશે..?" મિલને કહ્યું.


" છેલ્લે નોંધ શાની કરી છે કીર્તન..?" રૂપાલીના કહેવાથી કીર્તન નાના અક્ષરથી લખેલ નોંધ વાંચવા લાગ્યો.


" આ જાદુઈ બુકનો ઉપયોગ કરતાં પહેલાં આ પાનાંની પાછળ આપેલી કેટલીક શરતોનું પાલન કરવું આવશ્યક છે." નોંધ વાંચી તરત જ કિર્તને પાનું ફેરવ્યું. ત્રણેય ખૂબ ઉત્સુકતાથી શરતો વાંચવા લાગ્યાં.


શરત નં. 1 : આ બુકનો ઉપયોગ 18 વર્ષેથી ઓછી ઉંમરના લોકો જ કરી શકશે.


શરત નં. 2 : આ બુકનો ઉપયોગ કરતાં પહેલા ઉપયોગકર્તાએ કોઈ એક ભલું કાર્ય કરવું પડશે. એક ભલું કાર્યનાં બદલામાં જ ઉપયોગકર્તાની એક ઈચ્છા પૂર્ણ થશે.


શરત નં. 3 : આ બુકના ઉપયોગથી તમે વિવિધ પ્રકારની શક્તિ,ખુશી, પ્રેમ, લાગણી અને નવા મિત્રો બનાવવા જેવી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો.


શરત : 4 આ બુકના ઉપયોગથી કોઈ ભૌતિક વસ્તુ પ્રાપ્ત થશે નહીં.. જેવી કે સોનું,ચાંદી,હીરા,મોતી,વગેરે.


શરત નં. 5 આ બુક દ્વારા પૂર્ણ થયેલ ઈચ્છાની અસર આજીવન રહેશે.


પાંચેય શરતો વાંચીને ત્રણેય સ્તબ્ધ થઈ ગયા. મિલન તો ગુસ્સે જ થઈ ગયો.


" આવો તો કંઈ ખજાનો હોતો હશે..? નથી જોઈતો આવો કોઈ વાહિયાત ખજાનો..! નાહકનો ટાઇમ વેસ્ટ કર્યો ખજાનો શોધવામાં..! " આટલું કહી મિલન તો ગુસ્સે થઈ ત્યાંથી ચાલ્યો ગયો. કીર્તન અને રૂપાલી કંઈ બોલે તે પહેલાં જ ઉતાવળા પગે તે ઘરની બહાર નીકળી ગયો. તેને જતો જોઈ રૂપાલી અને કીર્તન એકબીજા સામે જોવા લાગ્યાં.


" મારે તો આ ખજાનો જોઈએ છે..!" કિર્તને કહ્યું.


" મારે પણ..!" સ્માઇલ સાથે રૂપાલીએ કહ્યું.


પછી તો બન્ને ભાઈ બહેનએ જાદુઈ બુકની શરતો મુજબ ભલા કાર્યો કરતાં રહ્યાં અને પ્રેમ, ખુશી, નવાં નવાં મિત્રો મેળવતાં રહ્યા, સાથે સદબુદ્ધિશક્તિ, વિવિધ કૌશલ્યો અને આવડત પણ મેળવતાં રહ્યા. આ બુકથી બંન્નેનાં જીવનમાં અનમોલ પરિવર્તન આવી ગયું. તેમજ નિયમિત ભલું કાર્ય કરવાથી તેઓનાં અંતરાત્માને પણ અદ્દભુત ખુશી મળવા લાગી. અઢાર વર્ષ થયાં બાદ પણ ભલે જાદુઈ બુકનો તેઓ ઉપયોગ ન કરી શકતા હોય, પણ ભલા કાર્યો કરવાની તેઓને આદત પડી ગઈ.


હમેશાં ખુશ રહો..ખુશહાલ રહો..🙂😃


🤗 મૌસમ 🤗