પ્રકરણ ૫ ; ટાઈમ્સ માર્કેટિંગ.
નિતુ અને અનુરાધા બંને વિદ્યાની વાતને વાગોળતા કેન્ટીનના ટેબલ પર જઈને બેસી ગઈ અને કોફી પિતા પિતા વાતો કરવા લાગી.
"નિતુ મને તો કશું ના સમજાયું, કે આ મેડમ શું બોલીને ગયા? નક્કી તે ફરીથી કોઈ નવા જૂની કરવાની તૈય્યારી કરી રહ્યા છે."
નિતુ બોલી, "છોડને, એ તો કાયમ રહેવાનું. રોજે રોજ શું એકની એક ઉપાદી કરવાની!"
અનુરાધાએ મોઢેથી કોફીનો કપ એક બાજુ કરતા પૂછ્યું, "નિતુ!"
"હમ?"
"તે હમણાં કહ્યું કે તારી ફેમિલી આવે છે?"
"હા, બસ બે દિવસમાં તેઓ અહીં આવી જશે."
"કોણ કોણ છે તારી ફેમિલીમાં?"
"અમારી મમ્મી, નાની બહેન કૃતિ અને અમારામાં સૌથી નાનો ભાઈ ઋષભ. તે તો કોલેજના પહેલા વર્ષમાં છે એટલે સીધો અમદાવાદ પોતાની હોસ્ટેલમાં જતો રહેશે. મમ્મી અને કૃતિ બંને આવશે."
"એક કામ કર. હું મેડમ સાથે વાત કરું છું. એ કહેશે એટલે અડધા દિવસની પરમિશન લઈને હું તારી સાથે આવીશ. એટલે તારે પણ ઇજી પડે."
"એની કોય જરૂર નથી, હશે તો હું કહી દઈશ."
"અરે શું નથી! તું એકલી ક્યાં બધું મેનેજ કરીશ, તેઓ સ્ટેશન પર આવશે; તું એને પીક કરવા જાય; ત્યાં કોઈ રીક્ષા- ટેક્ષીવાળાને શોધે. એના કરતા હું તારી સાથે આવું એટલે ફાટફાટ તેઓને લઈને સીધા તારા ઘેર."
"યુ આર રાઈટ. કદાચ મેડમ પરમિશન આપે તો આવી જજે."
"અરે શું કામ નહિ આપે? આપશે આપશે. વૉરિ નોટ ઓકે. ચાલ, હવે તો આપણું કામ અલગ થતું જાય છે. અમારી પાસે જુના પ્રોજેક્ટ પેન્ડિંગમાં પડેલા છે અને તારી પાસે શર્માનો નવો પ્રોજેક્ટ. હું કામ પર લાગુ નહિ તો મેડમ પાછા આવીને કહેશે, અનુરાધા! તમને બન્નેને વાતો કરવાની વધારે મજા આવતી હોય તો આપણે વાતો કરવાની સેલેરી અલગથી આપીશું." તેણે વિદ્યાની નકલ કરી હસીમાં નિતુ સાથે વાત કરી અને " ઓકે ચાલ બાય" કહી પોતાના કામે લાગી ગઈ.
લંચ બ્રેક પત્યો અને દરેક પોતાના કામ પર લાગી ગયા. પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટના બે ત્રણ એમ્પ્લોયી અને નિતુ માત્ર એટલાં જ કેન્ટીનમાં બેઠા હતા. કેન્ટીનના સ્ટાફે સાફ સફાઈનું કામ કરવાનું શરુ કર્યું તો પોતે બાજુમાં મુકેલી ફાઈલ ખોલીને નિતુએ પોતાનું કામ કરવાનું શરુ કર્યું. એક સફાઈ કર્મચારી જસ્સી, પોતા મારતી મારતી ત્યાં આવી અને નિતુના અડધા ભરેલા કોફીના કપ સામે જોતી તે બોલી, "લે મેડમ! આપે હજુ કોફી નથી પીધી? ઠંડી થઈ ગઈ છે. હું બીજી લઈ આવું?" પૂછતી તે હાથમાં રહેલ મોપ સ્ટિકને બાલ્ટીમાં મૂકી, તેણે કપ હાથમાં પકડ્યો કે નિતુ તેને કહેવા લાગી.
"રહેવા દે. ઈટ્સ ઓકે."
"અરે મેડમ કોફી ઠંડી થઈ ગઈ છે."
"ના મારે હવે વધારે નથી પીવી."
"તો પછી જેવી તમારી ઈચ્છા." તેણે કપ પાછો મૂક્યો અને તેની બાજુની ખુરસી પર બેસતા બોલી, "હું અહીં બેસું મેડમ?"
થોડું હસીને તે બોલી, "તું અલમોસ્ટ બેસી જ ગઈ છો."
"હા..." તે પોતાના હાથની મુઠ્ઠી વાળીને તેના પર અંગુઠો ચોળવા લાગી. નિતુએ મોં નીચું રાખી માત્ર આંખ ઉપર કરીને ત્રાંસી નજરે તેની સામે જોયું તો તેના ચેહરા પરના ભાવ વાંચી તેને પૂછ્યું, "જસ્સી! કંઈ કહેવું છે તારે?"
"ના રે ના! હું તો એમ જ..." થોડીવાર પછી તે ફરી કહેવા લાગી, "નિતીકા મેડમ, એક વાત કહું?"
"મને ખબર જ હતી કે કઈંક મનમાં અટકે છે. શું કહેવું છે?"
"મેડમ ખોટું ના લગાડતા પણ એક સાચી વાત કરુંને, તો હું અહીં આવતા બધા લોકોને જોઉં છું. પણ તમારી જેવું મને કોઈ નથી દેખાતું."
"એટલે તારો કહેવાનો શું મતલબ છે?"
"મેડમ, વિદ્યા મેડમ બધા પર આટલો ગુસ્સો કરે છે, બધા સાથે તોછડું વર્તન કરે છે અને ખાસ કરીને તમારા પર."
"જસ્સી... જસ્સી... હું સમજી ગઈ તુ શું વાત કરવા માંગે છે. પણ જો, મેં બધાને કહી દીધું છે કે મેડમ બાબતે કોઈએ મારી સાથે આ વિષય પર વાત ના કરવી. આ સવાલ મને આખી ઓફિસ પૂછે છે. અત્યારે તું પણ મને આ જ પૂછે છે."
"સોરી મેડમ."
"હવે આ સબ્જેક્ટને અહીં જ ક્લોજ઼ કરી દે."
"ઠીક છે. પણ હે મેડમ! મેં સાંભળ્યું છે તમારું પ્રમોશન થવાનું છે. સાચું છે?"
"આવી અફવાહ તને કોણે કહી?"
"મેં તો ઊડતી ઊડતી વાત સાંભળેલી. એટલે થયું સીધું તમને જ પૂછી લઉં."
"હા પણ આ ઊડતી વાત તે સાંભળી કોની પાસેથી?"
"એ બધું જવા દોને હવે!"
"ના, મારે જાણવું છે મને કે' તે આવું કોની પાસેથી સાંભળ્યું છે?"
"એ... આ... આપણા... પેલા નૈ?... એ હા, મને બોલાવે છે, હું જાઉં? કામ છે." કાઉન્ટર તરફ જોઈ તે જુઠ્ઠું બોલી ચાલતી થઈ.
તેણે તેને રોકવા નાનકડો સાદ પણ કર્યો, "જસ્સી..."
પણ તે ના રોકાય. નિતુ પોતાને જ મનમાં પ્રશ્ન કરતી રહી, "કમાલ છે! મારુ પ્રમોશન થવાનું છે અને મને જ ખબર નથી." એવામાં તેની નજર બહાર પેપર પર નજર કરતા જઈ રહેલા મેનેજર શાહ પર પડી. તે ફટાફટ ઉભી થઈ અને હાથમાં રહેલી ફાઈલને બેગમાં મૂકતી તે તેની પાછળ દોડી અને તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગી.
"સર... સર...!"
શાહ ઉતાવળમાં હશે કે તેની પાસે કોઈ અર્જન્ટ કામ હશે, તેણે ચાલતા ચાલતા જ વાત કરી.
"નિતિકા , બોલ."
"સર તમારી સાથે એક વાત કરવી છે."
"હા બોલ, શું વાત કરવાની છે?"
"સર હમણાં મેં સાંભળ્યું કે..."
તેની વાત અધૂરી હતી અને શાહની કેબીન આવી ગઈ. તે દરવાજો ખોલી અંદર ગયા તો તેના ટેબલ પર રહેલા ફોન પર રિંગ વાગતી હતી. તેણે જઈને સીધો ફોન ઊંચકાવ્યો અને નિતુ તેની પાછળ પાછળ તેની કેબિનમાં આવી પહોંચી.
"હેલ્લો..." શાહે ફોન ઊંચકાવ્યો અને નિતુને સામેની ખુરસી પર બેસવાનો ઈશારો કર્યો.
શાહ ફોનમાં વાત કરતા બોલ્યા, "હા હા, જી હું તમારા જ પેપર ચેક કરતો હતો. જે પ્રિન્ટ રેડી થઈ છે તે મને એકદમ બરાબર જ લાગે છે. હું તેની કોપી તમને મેઈલ કરી આપું છું. આપ એપ્રુવલ આપો એટલે તેને નેક્સ્ટ વિકના મેગેજીનમાં એડ કરી દઈએ."
"ઠીક છે..." કહેતા તેણે ફોન મુક્યો અને નિતુ સામે જોઈને બોલ્યા, "હા બોલ નિતિકા તે શું સાંભળ્યું છે?"
" સર મને એવી જાણ થઈ કે મારુ પ્રમોશન થવાનું છે. આ સાચું છે કે અફવા છે?"
"જો નિતિકા! મને આ અંગે કોઈ ન્યુઝ નથી મળ્યા કે ના તો વિદ્યા મેડમે મને તારા વિશે કોઈ અપડેટ આપી છે. તો પછી તને આ કોણે કહ્યું?"
"હું હમણાં કેન્ટીનમાં બેઠેલી, ત્યાં મેં વાત સાંભળી."
"તને ડાયરેક્ટ કોઈ ન્યુઝ મળ્યા છે?"
"ના."
"તો પછી બસ. મને પણ આવું જણાવવામાં નથી આવ્યું. એટલે બની શકે કે મેડમે નક્કી કર્યું હોય પણ કોઈ અપડેટ ના આપી હોય. એટલે એના મોઢે કોઈએ સાંભળ્યું હોય અને વાતો કરતા હોય. બાકી એની પણ શક્યતા મને નથી લગતી. કારણ કે મેડમ કોઈ પણ વાત એટલી આસાનીથી કોઈ સાથે શેર કરી દે એવું આજ સુધી બન્યું નથી. તું ઓલરેડી ક્રેએટિવિટીના ડિપાર્ટમેન્ટમાં છો. હવે જો તારું પ્રમોશન થવાનું હોય તો એનાથી આગળ તો ઓપરેટિંગ આવે જે હાલ મેનેજમેન્ટની સાથે હું સંભાળી રહ્યો છો. એટલે તને ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટ આપવાની વાત હોય તો આ નાની વાત ના કહી શકાય અને મેડમ આવી ભૂલ તો કરી જ ના શકે."
"યસ સર. તમારી વાત બરાબર છે. કોઈએ અફવા જ ફેલાવી હશે."
"આ અફવા જ છે." કહેતા તેમની વાત સાંભળતી વિદ્યા અંદર આવી. તેને જોઈને શાહ અને નિતુ બંને ઉભા થઈ ગયા.
તેણે અંદર આવતા કહ્યું, "આવી ફાલતુ વાત હું ઓફિસમાં કોઈ દિવસ નથી કરતી. તે જે સાંભળ્યું છે એ માત્ર અફવા છે. ત્રણ મહિના પહેલા તે કંપની જોઈન કરી છે. આટલી જલ્દી પ્રમોશનની આશા નહિ રાખ. હા, જો ઇન્ક્રીમેન્ટ અથવા પ્રમોશન જોઈએ તો મારી આપેલી ઓફર પર વિચાર કરી શકે છે."
વિદ્યાની ઓફરની વાત સાંભળી નિતુ મો લટકાવી બહાર જતી રહી. તે દરવાજે પહોંચી કે શાહે વિદ્યાને સવાલ કર્યો, "કેવી ઓફર મેડમ?"
"એ તમારો વિષય નથી શાહ. આવો આપણે કામ કરીયે." કહી તે શાહની સામે ખુરસી પર બેસી ગઈ. શાહને આપેલો જવાબ સાંભળી તે બહાર જતી રહી. બહાર તેને કરુણા મળી, "લે કેમ આ સમયે મિસ્ટર શાહની કેબિનમાં?"
નિતિકાએ જવાબ આપતા કહ્યું, "ટાઈમ્સ માર્કેટિંગનું નામ જોઈને શર્માએ પ્રોજેક્ટ આપ્યો છે. તો હવે તેનો પ્રોજેક્ટ પણ એવો બનાવવો જ પડશે ને! એટલા માટે અમે એટલી તૈય્યારી કરી રહ્યા છીએ."
"વાહ. શું ગજબ વાત છે! ટેક કેર. તને એકલીને પ્રોજેક્ટ મળ્યો છે." કહેતી કરુણા તેની સામે હસીને જતી રહી. શાહની કેબીનના કાચના દરવાજા અને પાર્ટીશનથી અંદર શાહ સાથે ડિસ્ક્સ કરી રહેલી વિદ્યા સામે જોતી નિતુ પોતાના ટેબલ પર જઈને બેસી ગઈ.