Dariya nu mithu paani - 29 in Gujarati Classic Stories by Binal Jay Thumbar books and stories PDF | દરિયા નું મીઠું પાણી - 29 - ઉદારતા

Featured Books
Categories
Share

દરિયા નું મીઠું પાણી - 29 - ઉદારતા


‌જેસંગભાઈનું ખોરડું એટલું બધું ખમતીધર તો નહોતું પરંતુ સમાજમાં એમનું માનપાન ખુબ વધારે.જેસંગભાઈ સમાજનો પંચાતિયો જણ.ન્યાયમાં એ ક્યારેય ખોટાના પક્ષે ઉભા ના રહે.જેસંગભાઈને ખેતીવાડીની ઝાઝી જમીન તો નહોતી પણ સંતાનમાં એક જ દીકરો એટલે લાંબી ચિંતા ફિકર પણ નહી.

જેસંગભાઈના એકના એક દીકરા કનકની જાન વેવાઈના ગામના ગોંદરે જઈને ઉભી રહી.જાનૈયાઓ ફટાકડા ફોડીને વેવાઈને આગમનની જાણ કરી રહ્યા હતા ત્યાં એક વ્યક્તિએ આવીને જાનનો ઉતારો બતાવ્યો.ધોરણ દશ પાસ કનકે ધોતી,પહેરણ પહેર્યાં હતાં અને માથા પર સાફો બાંધ્યો છે.

‌. કનકના સસરા જીવણભાઈ આમ તો છેલ્લા વીસ વર્ષથી શહેરમાં રહે છે ને દીકરીના લગ્ન માટે વતનમાં આવેલ છે.કનકે ધોરણ દશ પાસ કર્યું એના પછી બે વર્ષે એનું સગપણ જીવણભાઈની દીકરી રાધિકા સાથે થયું હતું.

‌એ સમયે ગણ્યા ગાંઠ્યા ભણેલા છોકરાઓ જ લગ્ન પહેલાં કન્યાઓ જોવા જતા હતા,કનક તેમાંનો એક.આમ તો કનક એના પિતાજીની હા માં હા ભણવાવાળો દીકરો પરંતુ જીવણભાઈની દશમું પાસ દીકરી રાધિકાના આગ્રહના કારણે કનકને જોવા જવું પડેલું.

ગોરો વાન,સપ્રમાણ ઉંચાઈ અને સુંદર ચહેરો,રાધિકા માટે ના કહેવાનો કોઈ અવકાશ નહોતો.જોકે‌ આ સંબંધ પાક્કો કરવા માટે જીવણભાઈનું દીકરી ઉપર દબાણ જરૂર હતું.રાધિકા કંઈ એટલી બધી રૂપાળી પણ નહોતી.ઉંચાઈ પણ માંડ પાંચ ફૂટની હતી છતાંય કનક માટે તો એના પિતાજીનો ફેંસલો જ આખરી હતો.એને પાક્કો વિશ્વાસ હતો કે,'સગો બાપ ક્યારેય દીકરાને ખાડામાં ના નાખે.'

આમ કનક અને રાધિકાનો સંબંધ પાક્કો થઈ ગયો.આ સંબંધથી બન્ને વેવાઈઓના આનંદનો પાર ના રહ્યો.જેસંગભાઈ સમાજમાં બધે ગર્વથી કહેતા હતા કે,' શું સગું મળ્યું છે બાકી! વહુ દશમી પાસ છે ને એમાંય પાછી શહેરમાં રહેવાવાળી! મારો પરિવાર સુધરી જશે.

બીજી બાજુ જીવણભાઈ પણ એટલા જ ફુલાઈને ફરતા હતા,' પાંચમાં પુછાતા વેવાઈ મને મળ્યા છે.'

‌‌. શહેરની કન્યા મળતાં કનક પણ વિચારોમાં ખોવાયેલો રહેતો હતો.અને એટલે જ તો કનકે ખેતીને બાજુમાં રાખીને કંઈક બીજું સાહસ કરવાનું મનોમન નક્કી કરી લીધું.વિચારના અંતે કનકે નક્કી કર્યું કે,હીરાનો ધંધો અત્યારે ખુબ ફુલ્યો ફાલ્યો છે એટલે એમાં ઝંપલાવી દઉં.પિતાજીને સમજાવીને કનકે પંદર વિઘા જમીન પૈકીની દશ વિઘા જમીન ગિરવે મૂકીને નવસારી ખાતે હીરાની ઘંટીઓ નાખવાનું નક્કી કરી લીધું.

જેસંગભાઈ પણ દીકરાના આ નિર્ણયથી ખૂશ થઈ ગયા, એમના મનમાંય એમ હતું કે,આ ધંધો અત્યારે ખોટનો નથી,અને બીજું એ કે ભણેલી ગણેલી અને શહેરમાં રહેલી વહુ આવવાની છે તો એને પણ શહેરમાં ફાવશે તો ખરું!'

‌. નવસારીમાં હીરાની ઘંટીઓ નંખાઈ ચૂકી હતી. મૂહુર્ત જોઈને ધંધો શરૂ કરવાનો હતો એ વખતે જ કનકનાં લગ્ન લેવાયાં.

જાન ઉતારે પહોંચી.જીવણભાઈએ દીકરીને રંગેચેગે પરાવવા માટે ખાસ્સો એવો ખર્ચ કર્યો હતો. મંડપ અને ચોરીનું સુશોભન જોઈને આખા ગામના લોકો તેમજ સગાં વહાલાં મોંમાં આંગળાં નાખી ગયાં હતાં.તો જમણવારમાં પણ મિષ્ટાન્ન અને અન્ય વાનગીઓનો પણ પાર નહોતો. ટુંકમાં જીવણભાઈએ તેમની પરિસ્થિતિ કરતાંય વધારે ખર્ચ કરેલો સ્પષ્ટ દેખાઈ આવતો હતો.

‌ જાનપક્ષને શરબત અને ચા પિરસાયાં.વરનું સામૈયું થયું અને વરચડાવાની તૈયારીઓ શરૂ થઈ.અણવરે કનકને બરાબરનો તૈયાર કરી દીધો પરંતુ કન્યા પક્ષ તરફથી હજી કોઈ સંદેશ ના આવ્યો.અડધો કલાક, કલાક અને દોઢ કલાક વીતી ગયો. કન્યા પક્ષમાં દોડધામ મચી ગયેલી સ્પષ્ટ દેખાઈ આવતી હતી.

છેવટે જાનને ઉતારે ખબર પડી જ ગઈ કે,'કન્યાનો અતોપતો નથી.દોઢેક કલાક પહેલાં નિકળેલ ગામના પોલીસપટેલની જીપકાર અને ચાર પાંચ ટ્રેકટરો પરત આવી ગયાં હતાં.

હાંફળાફાંફળા બનીને જેસંગભાઈ વેવાઈના ઘેર ધસી ગયા. ત્યાં જઈને જોયું તો વેવાઈ,વેવાણ અને વેવાઈના બે દીકરા નીચાં મોં કરીને સતત રડી રહ્યા હતા.જેસંગભાઈ શું બોલે? તેઓ પણ ગમગીન બની ગયા.

રાંધેલાં ધાન રોળાઈ રહ્યાં હતાં.ચોરી એકલી અટુલી વિલાઈ રહી હતી.લગ્નના શણગાર સજેલી રાધિકા ભાગી ગઈ હતી. ટ્રેકટરો લઈને પરત આવેલ લોકોને એટલી માહિતી મળી હતી કે,'બે કલાક પહેલાં એક મોટરસાયકલ પર યુવાન યુવતિ જઈ રહ્યાં હતાં.યુવતિએ લગ્નનાં કપડાં પહેરેલ હતાં.'જો‌કે પોલીસ પટેલની જીપકાર તો શહેર સુધી જઈ આવી હતી પરંતુ કોઈ વાવડ નહોતા મળ્યા.

આખરે જેસંગભાઈએ જ જીવણભાઈને આશ્વાસન આપીને શાંત કર્યા.

હવે કોના ગળે કોળીયો ઉતરે?નાનાં બાળકો સિવાય સૌ કોઈ ભુખ્યાં જ રહ્યાં.હવે શું કરવું? જેસંગભાઈ ચિંતામાં ગરકાવ થઈ ગયા.'કુંવારી જાન પરત જાય એના કરતાં તો મરી જવું સારું.'
જેસંગભાઈને કંઈ સુઝતું નહોતું.જે સમાજમાં અઢાર ઓગણીસ વર્ષે લગ્ન લેવાઈ જતાં એ સમાજમાં કનક અત્યારે બાવીસ વર્ષનો થઈ ચૂક્યો હતો.એને અનુરૂપ કન્યા ક્યાં શોધવી? જાનમાં આવેલ અને ગામનાં ટ્રેકટરો છુટ્યાં પરંતુ ક્યાંય કુવારી કન્યા ના મળી. સાંજના પાંચ વાગી ચૂક્યા હતા.

એ વખતે આ ગામનો જ એક મેલોઘેલો વ્યક્તિ જેસંગભાઈ પાસે આવીને બેઠો.થોડીવાર રહીને એણે જેસંગભાઈને કહ્યું,"વેવાઈ! જો તમને પસંદ પડે તો મારી દીકરી વીણા છે.એક તો મારી ગરીબ પરિસ્થિતિ અને દીકરી એક પગે થોડી અપંગ,(દિવ્યાંગ )એટલે એનું સગપણ હજી સુધી ક્યાંય થયેલ નથી."

જેસંગભાઈ ઘડીભર એ વ્યક્તિને જોઈ જ રહ્યા. થોડીવાર પછી કંઈક વિચાર કરીને તેઓ બોલ્યા,"મને ઝડપભેર તમારે ઘેર લઈ જાઓ."

ખોબા જેવડો ઓરડો પરંતુ આગળ એકદમ ચોખ્ખુંચણાક વિશાળ ફળિયું.ઘેર જતાં જ આધેડ સ્ત્રીનો મધમીઠો આવકાર ને લંઘાતા પગવાળી યુવતીનું પાણીના લોટાથી સ્વાગત! પાંચ જ મિનિટમાં જેસંગભાઈ બોલી ઉઠ્યા,"માનજીવેવાઈ! મારા દીકરા માટે તમારા ઘેર માંગુ નાખું છું."

રાધિકા માટે તૈયાર થયેલી ચોરીમાં જ વીણા અને કનક લગ્નના બંધને બંધાયાં.જીવણભાઈએ જ કન્યાદાન કર્યું.જેસંગભાઈની સ્પષ્ટ ના છતાંય બધો જ ખરીદેલ દાયજો વીણાને દીકરી ગણીને જીવણભાઈએ આપી દીધો.

‌‌. ‌જીવણભાઈએ રાધિકાના નામનું નાહી નાખ્યું.એટલે તો એમણે પોલીસને ના જાણવાજોગ ફરીયાદ કરી કે ના એની શોધખોળ.

ગરીબ ઘરની થોડી દિવ્યાંગ વીણા એનું સુંદર નસીબ લઈને જન્મી હશે ને! એનાં પગલાંથી કનક હીરાના ધંધામાં ખુબ કમાયો.પાંચ વર્ષના દામ્પત્યજીવનમાં જ ભગવાને સુંદર મજાનાં દીકરો દીકરી ભેટ આપ્યાં હતાં.દશ વર્ષમાં તો કનકે ગિરવે મુકેલ જમીન તો છોડાવી જ દીધી પરંતુ બીજી પચ્ચીસ વિઘા જમીન એણે વેચાણખતથી રાખી લીધી. નવસારીમાં સરસ મજાનું મકાન પણ લેવાઈ ગયું ને મોંઘી કાર પણ ખરી!હા, હજી આ સુખને મ્હાલવા કનકનાં માબાપ નવસારી ના આવ્યાં તે ના જ આવ્યાં.'જ્યાં સુધી અમારા હાથપગ ચાલે છે ત્યાં સુધી અમને ગામડે જ રહેવા દો,પછી તો દીકરાનું ઘર છે જ ને!'- કહીને જેસંગભાઈ આજ સુધી દીકરા સાથે રહેવાનો ઈન્કાર જ કરતા રહ્યા છે.

એકદમ સુખી લગ્નજીવનના અગિયારમા વરસે રવિવારના દિવસે સવાર સવારમાં કનક, વીણા અને એમનાં બે બાળકો બેઠકખંડમાં બેઠાં બેઠાં વાતો કરી રહ્યાં છે એ વખતે એક સ્ત્રીએ દરવાજે ડોકીયું કરીને કહ્યું,"બહેન!કોઈ ઘરકામ હોય તો કહેજો."

કનકનું એ સ્ત્રી તરફ ધ્યાન ખેંચાયું.પરિચિત અવાજ અને પરિચિત ચહેરો.કનકે મગજ ઉપર ભાર આપ્યો એ સાથે જ તે ઓળખી તો ગયો પરંતુ એને વિશ્વાસ બેસતો નહોતો.કનક ઉભો થઈને દરવાજે પહોંચી ગયો.હા,એ રાધિકા જ હતી.

"તમે રાધિકા છો?"- કનકે પ્રશ્ર્ન તો કર્યો પરંતુ કનકને ઓળખી ચૂકેલી રાધિકા શું જવાબ આપે?
રાધિકા શહેરમાં રહેતી હોવાથી એના ગામની હોવા છતાંય વીણા એન ઓળખતી નહોતી.અત્યારે‌ કનકના પ્રશ્ન પછી વીણા હચમચી ગઈ. સુખી કુટુંબની રાધિકાની અત્યારે આ દશા? કે પછી આ કોઈ બીજી રાધિકા હશે? વીણા મનોમન વિચારી રહી હતી.એણે કનક તરફ નજર કરી.કનકની ભીની આંખો જોઈને વીણા ખેંચીને એને અંદર લઈ ગઈ.

"આ લગ્ન પહેલાં ભાગી ગયેલી રાધિકા છે કનક?"- પ્રત્યુતરમાં હા સાંભળતાં જ વીણા ઝડપભેર દરવાજે પહોંચી ગઈ.રાધિકા દોટ મૂકવાની તૈયારીમાં જ હતી એના પહેલાં વીણાએ એને પકડી લીધી.

વીણા રાધિકાને ખેંચીને અંદર લઈ ગઈ.થોડી આનાકાની પછી વીણા અને કનકના અતિ આગ્રહને વશ થઈને રાધિકા એનું જીવનવૃતાંત વર્ણવવા બેસી ગઈ.

અમદાવાદમાં પિતા જીવણભાઈની સોસાયટીની નજીકની સોસાયટીમાં રહેતા હરેશ નામના યુવક સાથે પ્રેમ થયો.હરેશ સ્નાતક થયેલ યુવક હતો.એ વખતે કનક એને ગામડીયો લાગતો હતો.પિતાજીના કારણે એ સંબંધ બાબતે ઈન્કાર નહોતી કરી શકી.હરેશના પિતાજી મિલ કામદાર હતા.એ માંદગીના કારણે અશક્ત થયા એના બદલામાં મિલમાલિકે હરેશને નોકરી આપી.

એ જ વખતે એ લગ્ન પહેલાં હરેશ સાથે ભાગી ગઈ હતી. એણે ભાગીને હરેશ સાથે લવમેરેજ કરી લીધાં.સમયની કેવી બલિહારી કહેવાય? લગ્નજીવનના પાંચમા વર્ષે જ મિલમાં હરેશનો એક પગ મશીનમાંથી આવી ગયો. મિલ માલિકે તો હરેશના બદલે તેના નાના ભાઈને નોકરી આપી,થોડા રૂપિયા પણ આપ્યા. હરેશનાં માબાપે એને થોડા રૂપિયા આપીને અલગ કરી દીધો.રાધિકા બે બાળકોની મા બની. હરેશ અને રાધિકા અમદાવાદ છોડીને નવસારી આવ્યાં. ત્યાં હરેશે હીરાના કારખાના પાસે ચાની લારી કરી.

ચાની લારીમાં માપસરની આવક થતી હતી.બીજીબાજુ મોટાં થયેલ બાળકોના શિક્ષણ માટે રાધિકાએ ત્રણ ઘરનાં ઘરકામ બાંધ્યાં. હમણાં જ એક ઘરમાલિક બીજે ક્યાંય રહેવા ગયેલ હોવાથી રાધિકા નવીન ઘરકામ માટે કનકના જ ઘેર આવી ચડી.એને ખબર જ નહોતી કે કનક અહીં રહે છે.'

"રાધિકા!તમે તો ભાગ્યાં ત્યારે ખાસ્સાં એવાં ઘરેણાં પણ લઈ ગયાં હતાં."- કનકે સહજભાવે પુછ્યું.

એકદમ ઢીલી થઈને રાધિકાએ પ્રત્યુતર આપ્યો,"બે વખત હું ખુબ ગંભીર રીતે બીમાર થઈ ગઈ હતી એમાં વેચાઈ ગયાં..
ઘડીવાર ખામોશી છવાઈ ગઈ.વીણાએ કનક તરફ જોયું. થોડીવાર રહીને એ બોલી," કનક! તમે રાધિકાના પતિને હીરા નહી શીખવાડી શકો?"
કનકે હકારમાં ડોક હલાવી એ સાથે જ વીણા બોલી,"રાધિકા બેન!તમે ચિંતા ના કરો.તમારા પતિ ચારેક મહિનામાં તો હીરા ઘસવાનું શીખી જશે.એ ચાર મહિનાનો ઘરખર્ચ અમે લોકો આપશું."

રાત્રે કનક વીણાને કહ્યા વગર ના રહી શક્યો,"કેમ આટલી ઉદાર બનવા માંગે છે વીણા?"

"બસ,એટલા માટે કે,એ સ્ત્રી એક વખત મારા પતિ સાથે સંબંધે બંધાયેલ હતી.એની ગરીબી અને વિવશતા મારાથી સહન ના થઈ કનક...."
એને એના કર્મનું ફળ મળી ગયું સમજો...