Shir Kavach - 12 in Gujarati Detective stories by Hetal Patel books and stories PDF | શિવકવચ - 12

Featured Books
Categories
Share

શિવકવચ - 12

બધાએ જોયું તો ઈંટથી ત્રિશૂળ બનાવેલું હતું. શિવે ઇંટ કાઢવાનો પ્રયત્ન કર્યો પણ ઇંટ હલી નહીં. ઘણા વર્ષોથી દબાયેલી હતી એટલે સજજડ થઈ ગઈ હતી. શિવે આજુબાજુ નજર કરી. એક મોટો અણીદાર પત્થર પડ્યો હતો. દોડતો જઈને શિવ પત્થર લઈ આવ્યો. ધીમે ધીમે એક ઈંટની બધી બાજુથી માટી ખોતરી. પછી ઈંટ હલાવી થોડી હલી. વળી થોડી માટી ખોદી. પછી ઈંટ ખેંચી તો નીકળી ગઈ. ધીરે ધીરે બધી ઈંટો કાઢી. બધાના ધબકારા વધી રહ્યા હતાં. નીચે ઊંડો ખાડો દેખાયો.
"શિવ સાચવી રહીને હોં બેટા સાપ કે કોઈ ઝેરી જીવજંતું ના હોય જોજે.જંગલની જમીન છે. કંઈપણ હોઈ શકે છે. "
"હા શિવુ બી કેરફૂલ ."તાની પણ ચિંતાથી બોલી.
શિવે મોબાઇલની બેટરી ચાલુ કરી અંદર પ્રકાશ ફેંક્યો. અંદર કંઈક ચળકતું દેખાયું. શિવે બરાબર જોયું કે કંઈ જીવજંતું નથી. પછી હાથ નાખ્યો. એને ઠંડો સ્પર્શ થયો. કડી જેવું કંઈક હાથમાં આવતાં એણે એમાં આંગળી ભરાવી ઉપર ખેંચ્યું. બહાર કાઢીને જોયું તો પિત્તળનો ઘડો હતો.ઘણા વર્ષોથી અંદર દટાયેલો હોવાના કારણે કાળો પડી ગયો હતો. ઉપર આંટાવાળું ઢાંકણુ હતું. શિવે ગોળ ફેરવી ખોલવા પ્રયત્ન કર્યો પણ ખુલ્યું નહીં.
"આ આવી રીતે નહીં ખુલે વરસોથી બંધ છે એટલે .અત્યારે જોડે લઈ લઈએ ઘરે જઇને શાંતિથી ખોલીશું. અહીં કો'ક જોશે તો નકામી હો હા થશે." ગોપી બોલી.
બધા સમંત થયા. લોટાને થેલામાં નાખ્યો. શિવ , તાની અને તેજ ખાડો પૂરવા લાગ્યા. બધું જ હતું એવું કરી દીધું. પાછા ઢોળાવ પરથી મંદિર બાજુ ઉતર્યા અને બીજી બાજુ પેલાં મંદિર બાજુ ચાલવા લાગ્યા. બધું જોઈને કલાકમાં પાછા ફર્યા. ભગવાનને થાળ ધરાવાઈ રહ્યો હતો.પછી બધાને લાઇનસર જમવા બેસાડ્યા. જમવાનું ઘણું જ સ્વાદિષ્ટ હતું.
"અહીં આ સદાવ્રત વરસોથી ચાલે છે. ગમે ત્યાંથી અનાજ આવ્યા જ કરે છે. ભંડાર ભરેલો જ રહે છે. રોજના દસ પંદર માણસ અને રજાના દિવસે પચીસ ત્રીસ માણસ જમે. તહેવારના દિવસે તો બસો ત્રણસો જણા હોય પણ ક્યારેય મારો ભોલા ભંડારી તૂટ નથી પડવા દેતો એટલું એનું અહીં સત છે.તમેય આવ્યા છો તો કંઈક પામીને જ જશો જો જો .અહીંથી કોઈ દિવસ કોઈ ખાલી હાથે ગયું નથી." પુજારી ગર્વથી બોલ્યા.
બધા અહોભાવથી સાંભળી રહ્યા.તેજ,તાની અને શિવ માટે આ બધી વાતો માન્યા બહારની હતી.
જમીને ફરી એકવાર દર્શન કરી બાબાના આર્શીવાદ લીધા.
"કલ્યાણ થાઓ. હમેંશા સત્ય કે રાસ્તે પર ચલના તો કભી મુશ્કીલ નહીં પડેગી. અપને દાદા કે જૈસા બનના. "કંઈક શ્લોક બોલતાં પાણી છાંટીને આર્શીવાદ આપ્યા.
બધાં ઘરે જવા ગાડીમાં ગોઠવાયા. કલાકમાં ઘરે પહોંચ્યા. થોડો થાક ખાઈને લોટાને ખોલવાના પ્રયત્ન ચાલુ કર્યા. બધા મથ્યા પણ ખૂલ્યો નહી.
"લાવો પાણીમાં ગરમ કરી જોઈએ ખૂલે તો. ""ગોપી બોલી,
તપેલામાં પાણી લઈને ગરમ કર્યું એમાં લોટો ડૂબાડ્યો.થોડીવાર પછી લોટો સાણસીથી કાઢીને નેપકીનથી પકડીને ઢાંકણું ફેરવ્યું પણ સહેજેય હલ્યુંનહીં.બધા થાક્યા.
"એક કામ કરીયે વાસણવાળાના ત્યાં લઈ જઈએ .એ કદાચ ખોલી શકે." ગોપીએ આઇડિયા લગાવ્યો.
"પણ પછી અંદર શું છે એ ખબર નથી અને ત્યાં એ ખોલે તો એને ખ્યાલ આવી જાય." નીલમ શંકાભરે સ્વરે બોલી.
" અરે એ મારી પર છોડો હું એમ જ કહીશ કે ઢળે એવું છે એટલે એક આંટો જ ખોલજો. હું ઘરે જઈને આખો ખોલીશ."
"અરે વાહ મમ્મી તું આઇડિયા બધા જોરદાર લાવે છે."
"ચાલ હવે. "ગોપી પોરસાઈ.
ગોપી અને શિવ વાસણવાળાના ત્યાં પહોંચ્યા.વાસણવાળો એમને ઓળખી ગયો.
"અરે આવો આવો." ખૂબ જ આદરથી બોલ્યો.
બન્ને બેઠાં.
"બોલો શું બતાવું?"
"લેવાનું તો પછી જોઈએ પહેલાં આ લોટો ખોલી આપોને ક્યારની ખોલું છું પણ ખુલતો નથી. અંદર ગંગાજળ ભર્યું છે અને મારે પૂજા માટે વાપરવાનું છે."
"ઓહો એમ લાવો બતાવો."
ગોપીએ થેલામાંથી લોટો કાઢીને આપ્યો.
"અરે આતો મારી દુકાનનો જ લોટો છે. એ એમને એમ ના ખુલે અંદર કંઈ ભર્યુ હોય તે ઢોળાય નહીં એટલે અમે પહેલાં આવા કળવાળા લોટા બનાવતાં હતાં, જુઓ આ કડી છેને એને ઊંઘી ધુમાવવાની . "કહી એણે કડી ઊંઘી ફેરવી એટલે કડી સાથે નાના ઢાંકણા જેવું છૂટું પડી ગયું. અંદર નાની ઠેસી હતી તે બતાવીને બોલ્યો આ દબાવીને આંટા ફેરવશો એટલે ખુલી જશે.
"લો આવું તો પહેલીવાર જોયું ." ગોપી આંખો પહોળી કરીને બોલી.
વાસણવાળાએ ફરી કડી ફીટ કરીને લોટો પાછો આપ્યો.
" સારૂ ત્યારે ઘરે જઈને ખોલીયે. જયશ્રીકૃષ્ણ." કહી ઉભી થઈ.
"જેસીક્રસ્ન કંઈ લેવું હોય તો આવજો હોં બેન."
"હા ચોક્કસ આવીશું."
બન્ને નીકળ્યાં. ઘરે આવ્યા. પેલાં ત્રણેય રાહ જોઇને બેઠા હતાં. શિવે વાસણવાળાનાં બતાવ્યા પ્રમાણે લોટો ખોલ્યો. અંદરથી બટવો નીકળ્યો. શિવે બટવો ખોલીને ઉંધો કર્યો. અંદરથી જે નીકળ્યું એ જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ.