ઉછળતી કુદતી નયનરમ્ય મા ગંગાનું સ્વરૂપ અલૌકિક છે. ગંગા મૈયાની ગોદમાં જાણે સ્વર્ગની નજીક પહોંચી ગયા હોય એવો અહેસાસ થાય છે. ગંગામૈયાની ફરતે આવેલા પર્વતો જાણે ગંગાના અંગ રક્ષક હોય તેમ અડીખમ ઊભા છે. અને એ પર્વત પર ઉગેલી વનસ્પતિ પણ મા ગંગાના આશીર્વાદથી પુલકીત થઈને જાણે નવ વધુની જેમ લહેરાતી શરમાતી ડોલી રહી છે. અને સૌનું સ્વાગત કરી રહી છે
મા ગંગાનું ખળખળ વહેતું નીર જાણે સુમધુર સંગીત વહેડાવતું સૌને આકર્ષતું પોતાની તરફ ખેંચી રહ્યું છે. વારંવાર ગંગાના નીરને નિરખવા મન બેચેન બની જાય છે. એનું સંગીતમય વહેણ એક જુદી જ દુનિયામાં ખેંચી જાય છે. મા ગંગા ની ચોતરફ કુદરતે છુટા હાથે સૌંદર્ય વેર્યું છે. વચ્ચે આવતું જંગલ અને એમાં વહેતા ઝરણા જાણે એની ધુનમાં આગળ ને આગળ કોઈને મળવા અધીરા હોય એમ પોતાનો રસ્તો બનાવતા વહેતા જાય છે! પંખીનો કલરવ ઝરણાનું સંગીત, વાયુમાં પ્રસરેલી વગડાની સુગંધ, ધીમો ઝરમર વરસાદ અને ધરતી એ ઓઢેલી લીલીછમ ચાદર, ક્ષિતિજે આકાશ અને ધરતીનું મિલન વચ્ચે ડુંગરા પણ વાદળી સાથે વાત કરવા તલપાપડ હોય અને વાદળીને મળતાં જ રોમાંચિત થઈને ખીલી ઉઠે છે. વાદળી પણ પોતાનું જળ પ્રેમથી ડુંગરા પર ઠાલવી દે છે. દુનિયાદારીને ભૂલીને એક અનોખી દુનિયા નો અહેસાસ મનને રોમાંચિત કરી દે છે. ઈશ્વરની આ અકળ લીલાના દર્શનથી મનને શાંતિ મળે છે. જે અવર્ણનીય છે. ગંગા કિનારે આવેલા માણસો પણ જાણે આપણા સ્વજન હોય એવું લાગે છે. તારા મારા નો ભેદ વિસરાઈ જાય છે અને કુદરતના ખોળે બેઠા હોય એવો અહેસાસ થાય છે.
15 મી ઓગસ્ટ આપણા દેશની સ્વતંત્રતાનો દિવસ. 2015 ની સાલમાં 15 મી ઓગસ્ટના દિવસે જ હું અને મારી સખી કાલિન્દ્રી અમે બંને ગંગા નદીના કિનારે બેઠા હતા. આમતો અમે પાંચ ફેમિલી ઉત્તરાખંડના પ્રવાસે નીકળ્યા હતા. ગંગા નદીની સામે જ કલકતાવાળાનો કાલી કમલી આશ્રમ છે તેમાં અમારો ઉતારો હતો. દરવાજાની બહાર નીકળતા જ સામે ગંગા મૈયાના દર્શન થતાં અને તેમના ધસમસતા પ્રવાહનો અવાજ સંભળાતો. હું અને મારી સખી રોજ વહેલી સવારે અને સાંજે ત્યાં ઘાટ પર જઈને બેસતાં. સવારે સ્નાન કરતાં અને સાંજે પણ પાણીમાં પગ બોળીને બેસતાં. ગંગા મૈયાના શીતળ જળમાં પગ બોળીને અમે અતીતની વાતો એ વળગતા.
એક દિવસ મારી સખીએ તેના અતીતની વાત શરૂ કરી, "આમ તો પાણી એ મારા પિતાને છીનવી લીધા છે. છતાંયે આ પાણી મનને શાંતિ આપે છે. જળ એ જ જીવન છે તો પાણીથી ડરવું કે પાણીને દોષ દેવો નકામો છે. પણ મારા માટે એ ગોઝારો દિવસ ભૂલવો શક્ય નથી. એ દિવસ હતો તારીખ બાવીસ જૂન ઓગણીસો ત્યાસી અને બુધવાર. હા આ દિવસ જીવનભરનું દર્દ આપી ગયો ચોમાસાનો પહેલો વરસાદ અમારા માટે જાણે યમરાજ બનીને ત્રાટક્યો હતો. કેટ કેટલા ઘરોને ઉજાડી ગયો. ક્યારેય ભૂલી ન શકાય એવી પીડા આપનારો એ ગોજારો દિવસ મારા બાપુજીને પણ અમારાથી દૂર કે જ્યાંથી કોઈ પાછું ન આવી શકે ના કોઈ સમાચાર મળી શકે એટલે દૂર લઈ ગયો. સાવ અચાનક અને અણધારો આઘાત અમારા કુટુંબને આપતો ગયો હતો. જાણે ભર વસંતે એક લીલું પર્ણ ખરી ગયું. અમારા જીવનમાં અમાસ જેવો અંધકાર છવાઈ ગયો. તેની વેદના દબાવીને આજે અમે જીવી રહ્યા છીએ. એ સમય મારા પિતાનો જવાનો ના હતો કે ન એની ઉંમર હતી. પણ ઈશ્વરની ગતિ ન્યારી છે. એમાં અમે કશું ન કરી શક્યા. હા એ દિવસે જૂનાગઢના વંથલી ગામમાં ખૂબ વરસાદ પડ્યો હતો, કહોને વાદળ ફાટ્યું હતું. નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ઘરોમાં બે માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. લોકો જીવ બચાવવા પંખે લટક્યા હતા. કોઈ ઉપરના માળે ગયા હતા. કોઈ ઝાડવે લટકી ગયા હતા. બહુ મોટી હોનારત થઈ હતી. આ હોનારત કોઈનો લાડકવાયો તો કોઈ ઘરનો મોભી, કોઈનો માડી જાયો તો કોઈના ફૂલ જેવા બાળકોને ભરખી ગયું હતું. મારા બાપુજી બહાર વાવણી માટે બિયારણ લેવા માટે ગયા હતા અને આવતી વખતે નદીના એ પાણીમાં ગરકાવ થઈ ગયા. પછી અમે એને ક્યારેય જોઈ શક્યા નહીં. ના એમનો ચહેરો જોવા મળ્યો. ખૂબ પ્રયત્નો કર્યા. એક વર્ષ સુધી લગાતાર શોધ્યા. ઊંડે ઊંડે આશા હતી કદાચ જીવતા મળી જાય .હું રાત્રે દરવાજો ખખડે તો ઊભી થઈને જોઈ લેતી કદાચ મારા બાપુજી આવ્યા હોય! ઘણી જગ્યાએ જોવડાવ્યું. કોઈ કહેતા કે એ પાણીમાં ગરક થઈ ગયા છે. છતાંયે રોજ સવારે અમે એમને શોધવા માટે બંને ભાઈ તથા હું નીકળતા કેટલું બધું ચાલતા પગમાં છાલા પડી જતા સાંજ પડ્યે નિરાશ થઈને પાછા ઘરે આવતા. પણ ક્યાંય ન મળ્યા. એમની લાશ પણ ન મળી.
થોડી વાર સ્તબ્ધતા છવાઈ ગઈ. અમારા બંનેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા, હું બોલી, " ઓહ બહુ દુઃખદ, પણ વિધાતાનું લખેલું મિથ્યા થતું નથી. ક્યારેક ઈશ્વર સામે માણસ લાચાર બની જાય છે." તેમણે કહ્યું, " હા પણ હું માનું છું બધું ભૂલીને માણસે આગળ વધવું જોઈએ. જે ખોયું તે પાછું મેળવવું શક્ય નથી. પણ હા અમે બધા ભાઈ બહેન અમારા બાપુજી એ ચીંધેલા રાહ પર ચાલીને તેમના અધૂરા કામ પૂરા કરી તેમને સાચી શ્રદ્ધાંજલિ જરૂર આપી શકીએ. મારા પિતાજી ખૂબ હિંમતવાળા હતા. મારામાં પણ એ ગુણ ઉતર્યો છે. એટલેજ આજે પણ હું પાણીથી નથી ડરતી. મેં દરિયામાં બધી રાઇડ્સ કરી છે. અત્યારે જિંદગીથી કોઈ ફરિયાદ નથી. એક વાત તમને કહું આ ઘટના બની ત્યારે મારા સગપણની વાત ચાલતી હતી. મારા પિતાજીને એક કુટુંબ ખૂબ ગમતું હતું. ત્યાં વાત પણ કરી હતી. પણ વાત આગળ વધે એ પહેલાંજ.. થોડો સમય તો બધા આઘાતમાં જ હતા. મારા પિતાજીને શોધવા ખૂબ પ્રયત્ન કર્યા. ઊંડે ઊંડે થોડી આશા પણ હતી. કદાચ એ બચી ગયા હોય અને ક્યાંકથી મળી જાય. પરંતુ ધીમે ધીમે એ આશા ઠગારી નીવડી. અને ફરી મારા માટે છોકરો શોધવાની વાત થવા લાગી. મારા પિતાજીને ગમતું હતું એ કુટુંબ પણ ખૂબ સારું હતું. મારા બાપજી દીર્ઘ દૃષ્ટિ વાળા હતા તેમણે કહ્યું મેં જે ઘર જોયું છે તે સંસ્કારી અને સારું છે વળી મેડી વાળા મકાન છે. એટલે સદ્ધર પણ છે અને માણસો પણ ખૂબ સંસ્કારી અને ખાનદાન છે. મેં મારો નિર્ણય જણાવી દીધો. હું પિતાજીને ગમ્યું હતું એ કુટુંબમાં જ લગ્ન કરીશ. અને પછી ત્યાજ વાત ચલાવી અને મારા લગ્ન ગોઠવાયા. મને સંતોષ થયો અને મારા પિતાજીનો આ નિર્ણય એકદમ યોગ્ય જ હતો. હું આજે ખૂબ સુખી છું. મારા પતિ મારું ખૂબ ધ્યાન રાખે છે. મારા સાસુ સસરા જેઠ જેઠાણી બધા ખુબજ સારા છે. હું સાસરિયામાં પણ સૌની લાડકી છું." મે કહ્યુ, હા હું પણ એની સાક્ષી છું. બસ આ હતી અમારી વાતો અને ભૂતકાળની યાદો.
કુસુમ કુંડારિયા રાજકોટ