If I become a bird.. in Gujarati Motivational Stories by kusum kundaria books and stories PDF | જો હું પંખી બની જાઉં તો..

Featured Books
Categories
Share

જો હું પંખી બની જાઉં તો..



ક્યારેક આ માણસ હોવાનો બહુ થાક લાગે છે. કેટલાં બધાં બંધનો, કેટલાં વ્યવહારો સાચવવાના અને એ સાચવતા સાચવતા પણ બધાને કયાં પૂરો સંતોષ આપી શકાય છે? કેટલી બધી જવાબદારીઓ વચ્ચે જીવવાનું. વળી આ જગતમાં સરહદ માટે થતાં યુદ્ધોથી તો મન વિચલિત થઈ જાય છે.
આથી જ ક્યારેક મને એવું થાય કે કાશ હું પંખી હોત તો.. કલ્પના કરવાથી પણ કેટલો આનંદ મળે! ઘણી વાર આવા વિચારો આવે. નાની હતી ત્યારે શાળામાં બહેન એક ગીત ગવડાવતા પંખી બની ઊડી જાઉ હા..હા.હા. ચાંદા મામાના દેશમાં.
ખરેખર ત્યારે પંખી બની ઊંચા આકાશમાં ઊડવાનું મન થઈ જતું. પણ ધીમે ધીમે મોટી થતી ગઈ એમ બાળપણની સાથે ઘણું છૂટતું ગયું. પણ ઈચ્છાને કયાં ઉંમર નડે છે. આજેય ઘણી વખત પંખીને જોઈને પંખીની દુનિયામાં વિહાર કરી લઉં છું. અને એક દિવસ રાત્રે આવા જ વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન રહી.. પણ આ શું અચાનક આંખ ખુલી તો મારું શરીર સાવ હળવું ફૂલ જેવું લાગ્યું. અને જોયું તો મારે પાંખો પણ ફૂટી હતી! હું તો પાંખ પસરાવી ઊડવા લાગી. મારા આનંદનો પાર ન રહ્યો. હું તો ફુર.. ર.ર..ફુર..ર..ર..ઊડવા લાગી. પહેલા તો પોચા પોચા વાદળોમાં ઠંડી હવાનો સ્પર્શ થતાં જ મોજ પડી ગઈ. પછી તો દરિયાની ઉપર ચક્કર લગાવ્યાં. દરિયાના પાણીમાં ચાંચ બોળી, રેતીમાં બે પગે ચાલી પછી તો નદી તળાવ ડુંગરો, પર્વતો બધી જગ્યાએ સેર કરી. થોડી ભૂખ લાગી તો ફળના વૃક્ષ પર જઈ મીઠાં મીઠાં ફળો ખાઈ લીધા. ન કઈ ભેગુ કરવાની ચિંતા, ન કોઈ બંગલા ગાડી મેળવવાની ઝંખના કે વહેવારો સાચવવાની જવાબદારી! બસ થોડી ચણ અને થોડું પાણી મળી જાય એટલે આનંદ આનંદ! વળી બીજા દેશમાં જવું હોય તો ના વિઝાની ઝંઝટ કે ના ભાડાની, ના કોઈ સરહદ નડે કે ન કોઈ નિયમ બસ સ્વતંત્રતામાં શ્વાસ ભરવાના! આંબા ડાળે હિચકા ખાવા, ક્ષિતિજો સુધી ઊડવાનું અને ફરી વૃક્ષ પર આવીને માળામાં સુઈ જવાનું! ઊંઘ અને આહાર સાવ ઓછા. ન કમાવાની ચિંતા, ન ભણવાની કે ના બાળકો માટે ભેગુ કરવાની ફિકર!
ખૂબ મજા પડતી હતી ઊડવાની, મીઠા ટહુકા કરવાની. પણ એક દિવસ કોઈ માણસે મને પીંજરામાં પૂરી દીધી! હું બહાર નીકળવા માટે પિંજરામાં ચાંચ મારતી રહી, ઊડવા માટે પાંખ ફફડાવતી રહી. પણ બધું નકામું. મારી ચાંચમાંથી લોહી નીકળવા લાગ્યુ, પીંછા ખરવા લાગ્યા. પણ હું એમાંથી બહાર નીકળી શકતી નહોતી. કોઈને મારું દર્દ દેખાતું ના હતું. મને હવે સમજાયું પીજરું તો પીંજરું હોય છે ભલેને એ સોના ચાંદીનું હોય. અને સારામાં સારા ફળ મહેનત વગર મળતા હોય પણ એ બધું નકામું છે. સ્વતંત્રતા છીનવાઈ જાય એવું સુખ શું કામનું? મારે કોઈ પણ ભોગે આ પિંજરામાંથી નીકળવું હતું. હું જોર જોરથી કલબલાટ કરવા લાગી, મારા પગને સળિયામાં ભરાવવા લાગી. પણ હવે છૂટવું શક્ય નહોતું. હું રડવા લાગી. આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યાં. પણ આ શું કોઈ ગોદડું ખેંચી મને જગાડી રહ્યું હતું. હું આંખો ચોળવા લાગી સામે પતિ દેવ આશ્ચર્યથી જોઈ રહ્યાં હતાં. ક્યારનો ઊઠાડું છું. જાણે બીજી દુનિયામાં વિહરતી હોય એમ કઈ અસર જ નહોતી થતી. કોઈ સ્વપ્ન જોતી હતી કે શું? હું થોડી વાર તો કંઈ ન બોલી. મારા શરીર સામે જોવા લાગી. શું ખરેખર હું સ્વપ્ન જોતી હતી. હાશ હું સ્વતંત્ર છું. બાપ રે.. આ પીંજરામાં પુરાવાની વેદના બહુ આકરી હતી.
હવે હું વિચારવા લાગી ઈશ્વરે બધાનું સર્જન બહુ વિચારીને કર્યું છે. પશુ પક્ષી જીવ જંતુ બધાને મહેનત કરવી પડે છે, બધાને એકબીજાનો ભય હોય છે પોતાના બચ્ચાની ચિંતા હોય છે. અને જીવવા માટે સંઘર્ષ તો જીવ માત્રને કરવો પડે છે. સૌથી સુંદર મનુષ્ય અવતાર છે. એને ઈશ્વરે સુંદર દેહ, બુધ્ધિ, વાચા.. વગેરે આપ્યું છે. તે સારા કર્મ કરીને બીજાને મદદ કરીને ઈશ્વરની કૃપા પામી શકે છે. દુઃખ, દર્દ સુખ આનંદ બધી જ પરિસ્થિતિમાં જે સ્થિતપ્રજ્ઞ રહી શકે છે એજ ખરા અર્થમાં જીવી જાણે છે.

કુસુમ કુંડારિયા રાજકોટ