કિસ્સો:1
"શિયાળે ભલો શેરડીનો રસ
ઉનાળે ભલી છાશ
ચોમાસે મકાઈ ભલી
અને ભજીયા બારેમાસ"
કાલે કોલેસ્ટ્રોલ નો રીપોર્ટ આવવાનો હતો.બીક હતી. પગ આપોઆપ ફરસાણ ની દુકાને ઉપડી ગયા.
પહેલાં તો આજુબાજુ જોઈ લીધું.ઘરનું કે ઓળખીતું કોઈ નહતું.એટલે તેલમાં તળાતા ભજીયા અને ઘીમાં તળાતી જલેબી ની સુગંધ નાક ભરીને લઇ લીધી. જે બે ભાઈ તળતા હતા એ હસવા લાગ્યા. મેં કહ્યું ભાઈ હસીશ નહિ , એક પ્લેટ તૈયાર કર. આમતો ભજીયા અને જલેબી થોડું અટપટું કોમ્બિનેશન છે,પણ ખાતરી હતી કે આજ પછી આ દુકાન નું પાટિયું પણ હોમમિનિસ્ટર જોવા નહીં દે.ભજીયા આવ્યા. ફટાફટ ખાઈ લીધા.ઘરે જઇ ને ચુપચાપ કપડાં બદલી સુઈ ગયો.
બીજે દિવસે ચા ના ટેબલ પર ધડાકો થયો.
સુષ્મા એ તીખી નજર કરીને પૂછી લીધું"કાલે તમે ભજીયા ખાધા હતા? એ પણ ઉતાવળમાં?"
એની નજર જોઈ મને ડર લાગ્યો.મેં પૂછ્યું"કેમ તને કેવી રીતે ખબર પડી? ઉતાવળમાં ખોટો સવાલ પૂછી લીધો.
સુષ્મા : એટલે તમે ખાધા. ના પાડી ડોકટરે તો પણ?
હું: એ બધું છોડ . તને કઈ રીતે ખબર પડી એમ કહે.
સુષ્મા:ઉતાવળ માં તેલના છાંટા તમારા શર્ટ પર પડી ગયા હતા. પાછો જોયા વગર તમે શર્ટ વોશિંગ મશીનમાં નાખી દીધો. મારે ડબલ ઉપાધિ થઈ. ચા અને તેલના દાગ જલ્દી જતા નથી. હવે તમારે નિર્ણય કરવો પડશે હું કે ફરસાણ..જલ્દી બોલો...
હું: તું આમ દરેક વાતમાં તારું નામ નાખી બધું છોડાવે છે. તારી તુલના માં મારો શોખ મોટો નથી. હવેથી તું જ મારી જલેબી છે...
સુષ્મા: એટલે હું જલેબી છું? હું જલેબી તો તમે કરેલા...
હું:જો હવે જલેબી થઈને તું કડવું બોલે છે,અને કારેલું મને કહે છે? આ વળી કેવું?
સુષ્મા:એટલે તમે જલેબી પણ ખાધી?
હું: જો તને ભજિયું તો કેહવાય નહિ? બોસ તું જલેબી માં આટલી ચીડાય છે, તો ભજીયા માં કેટલી ચીડાય અને મને કંકોડો કહી દે એટલે મેં તને ઘી માં બનાવેલી મીઠી જલેબી કહી. પણ કારેલો? બોલ બીજું કંઈ ફરમાન?
સુષ્મા: બસ એક જ આજથી " ફરસાણ બંધ"..
ડોરબેલ વાગી. રિપોર્ટ આપવા માણસ આવ્યો હતો. રીપોર્ટ ખોલીને જોયું તો રિપોર્ટ નોર્મલ હતો. મને એ ડોકટર રાક્ષસ જેવો લાગ્યો. આજના ડોકટરો મટાડવા કરતા ડરાવવા પર વધુ વિશ્વાસ રાખે છે.. સુષ્મા ને રાહત થઈ.અને મને કાલ રાત ના ભજીયા નો નેચર્સ કોલ આવી ગયો. હું ઉતાવળમાં ભાગ્યો પણ સુષ્મા એ હાથ પકડ્યો અને હસીને કહ્યું" ચાલો આજે મારી સાથે એક પ્લેટ માં જલેબી ભજીયા નો પ્રોગ્રામ થઈ જાય?
મેં કહ્યું" મારી માયા પહેલાં કાલ ના તો નીકળવા દે ...
કિસ્સો :2
એક મોટી સભા હતી.. તેમાં નિયત સમય કરતા જેટલા લોકો મોડા આવે એ વખતે હુટર વાગતું હતું..
એક મોટા વક્તા ભાષણ આપી રહયા હતા ત્યારે પાંચ થી દસ વખત હુટર વાગ્યું.. એ ચિડાઈ ગયા.
11 મી વખત હુટર વાગ્યું ત્યારે એમને પ્રેક્ષકોને કહ્યું
"આજના પ્રવચન માં કેટલી વખત હુટર વાગ્યા એ જે કહી શકશે એને પ્રવચન ના અંતે મારા તરફથી 2000 નું ઇનામ..આમ અડધા પ્રવચને ઇનામ ની ઘોષણા સાંભળીને પ્રોગ્રામના વ્યવસ્થાપકો ચેતી ગયા અને હુટર બંધ કર્યું.. થોડી વાર રહીને વક્તાને ખબર પડી કે હુટર બંધ થઈ ગયું છે.. એટલે ઇનામ ચૂકવવાથી બચવા માટે એને ફરી એક જાહેરાત કરી
" જે લોકો એ અત્યાર સુધી હુટર સાંભળ્યા એ 2000 નું ઇનામ જીતવા ઇચ્છતા હોય તો એમને મારુ પ્રવચન પણ શબ્દશઃ મને કહી સંભળાવું, તો જ એ ઈનામ નો અધિકારી રહેશે.."
પ્રવચન પત્યા પછી કોઈ આવ્યું નહિ સિવાય એક વ્યક્તિ .. એને પેલા વક્તા ને સ્ટેજ ઉપર જઈ 11 લાફા માર્યા.. બધા શ્રોતાઓ અને વ્યવસ્થાપકો જોઈ રહયા.. પેલો વ્યક્તિ બોલ્યો "2000 ની લાલચ માં મેં હુટરો યાદ રાખ્યા, મને થયું જે રોકડી થાય પણ તારું બકવાસ પ્રવચન યાદ રાખવા માં મેં એક મોટા સોદા નો ફોન ના ઉપાડ્યો અને મને 9000 ની ખોટ ગઈ.. હવે ક્યારે આવી શરત ન મુકીશ.. પેલો વક્તા જોતો રહી ગયો..!!!