વામનથી વિરાટ ડૉ.ભીમરાવ
“ડૉ. ભીમરાવ આંબેડકર એટલે નસીબ કરતા વધુ કર્મ અને વિશ્વાસનું અસાધારણ વ્યક્તિત્વ.”
ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ મી એપ્રિલ ૧૮૯૧ મહુ,મધ્ય પ્રદેશમાં એક અતિ સામાન્ય ગણાતા મહાર કુટુંબમાં થયો હતો.પિતાનું રામજી માલોજી સક્પાલ અને માતા ભીમાબાઈનું ભીમરાવ આંબેડકર (ભીમ) ચૌદમું સંતાન હતા. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હતા.જયારે ભીમરાવ ૬ વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરીના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, બાળક ભીમરાવ માટે પણ આ પ્રાથમિક શિક્ષક પથદર્શક રહ્યા. તેમણે ભીમરાવની અટક આંબાવડેકરને બદલે આંબેડકર રાખી.પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓને ઘણું જ સહન કરવું પડ્યું.મોટા ભાગે તેમને છેલ્લી બેન્ચે જ બેસાડતા.
૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી. મેટ્રિક પાસ થયા પછી ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટનામહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતા. એ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી પછાત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.
પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પછાત જાતી ને આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ.
ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.
જૂન ૧૯૨૮ માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે "સાયમન કમિશન" ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.૩ ઓગસ્ટ ૧૯૨૮ માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નિમાયા . મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ. આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી. મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યા. ડૉ. આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઇ ગયું હતું.તા.૧૪ મી ઓગસ્ટ ૧૯૩૧ માં ડૉ. આંબેડકર અને ગાંધીજી પ્રથમ મુલાકાત થયેલી .
ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતના બંધારણીય ડ્રાફટીંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ.
ડૉ. આંબેડકરે વિશ્વના મહાન ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે ભગવાન બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ ડૉ. આંબેડકરે નાગપુર દિક્ષભુમિમાં છ લાખ દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.ભારતના બૌદ્ધો દ્વારા તેમને બોધિસત્વ માનવામાં આવે છે.
એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.આમ તેમની જીવન સફર વામનથી વિરાટ સ્વરૂપે રહી.
અસ્તુ.
Nikymalay