Narad Puran - Part 20 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 20

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 20

સનકે કહ્યું, “હે નારદ, હવે હું ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર માણસો માટે પ્રાયશ્ચિત કહું છું, તે ધ્યાનથી સાંભળો.

        પોતાની જનેતા કે સાવકી માતા સાથે વ્યભિચાર કરનારે પોતાનાં પાપોની ઘોષણા કરતાં રહીને ઊંચા સ્થાનેથી પડતું મૂકવું. પોતાના વર્ણની કે પોતાનાથી ઉચ્ચ વર્ણની પારકી સ્ત્રી સાથે વ્યભિચારના પ્રાયશ્ચિતરૂપે બાર વર્ષ સુધી બ્રહ્મહત્યા-વ્રત કરવું. અનેકવાર આવું કરનાર સળગતાં છાણાંના અગ્નિમાં બળી મર્યા પછી જ શુદ્ધ થાય છે.

        કામથી વિહ્વળ થઈને જો કોઈ માણસ પોતાની માસી, ફોઈ, ગુરુપત્ની, સાસુ, કાકી, મામી અને દીકરી સાથે વ્યભિચાર કરે તો તેણે વિધિપૂર્વક બ્રહ્મહત્યાનું વ્રત કરવું. ત્રણ વખત સંભોગ કરે તો તે વ્યભિચારી પુરુષે આગમાં બળી મરવું.

        હવે મહાપાતકી પુરુષો સાથે સંસર્ગ રાખનાર માટે પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. બ્રહ્મઘાતક આદિ ચાર પ્રકારના મહાપાતકીઓમાંના જે કોઈની સાથે જે પુરુષનો સંસર્ગ થાય છે, તે માણસના માટે જણાવવામાં આવેલા પ્રાયશ્ચિતનું પાલન કરવાથી શુદ્ધ થઇ જાય છે. જે કોઈ માણસ અજાણતામાં પાંચ રાત સુધી મહાપાતકી સાથે નિવાસ કરે તેણે વિધિપૂર્વક પ્રાજાપત્યકૃચ્છ નામનું વ્રત કરવું. બાર દિવસ સુધી સંસર્ગ રહે તો મહાસાન્તપનવ્રત કરવું. પંદર દિવસ મહાપાતકીઓનો સંસર્ગ કરવામાં આવે તો માણસે બાર દિવસ સુધી ઉપવાસ કરવો. એક માસ માટે પરાક વ્રત અને ત્રણ માસના સંસર્ગ માટે ચાંદ્રાયણ વ્રતનું વિધાન છે. છ માસ સુધી જો સંસર્ગ થાય તો બે ચાંદ્રાયણ વ્રતનું પાલન કરવું. જો ઈચ્છાપૂર્વક મહાપાતકી પુરુષોનો સંગ કરવામાં આવે તો ક્રમશ: સર્વ પ્રાયશ્ચિત ત્રણ ગણા કરી લેવાં.

        દેડકું, નોળિયું, કાગડો, ડુક્કર, ઉંદર, બિલાડી, બકરી, ઘેટું, કુતરું અને કૂકડો-આમાંના ગમે તેનો વધ કરવામાં આવે તો બ્રાહ્મણે અર્ધકૃચ્છ વ્રતનું આચરણ કરવું. ઘોડાની હત્યા કરનાર માણસે અતિકૃચ્છ વ્રતનું પાલન કરવું. હાથીની હત્યા કરવામાં આવે તો તપ્તકૃચ્છ અને ગોહત્યા કરાય તો પરાકવ્રત કરવાનું વિધાન છે. સ્વેચ્છાએ ઈરાદાપૂર્વક ગાયોનો વધ કરવામાં આવે તો તેની શુદ્ધિનો કોઈ ઉપાય નથી.

        પીવા યોગ્ય વસ્તુ, શૈયા, આસન, ફૂલ, ફળ, મૂળ તથા ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થોની ચોરી કરવાના પાપમાંથી શુદ્ધ થવા માટે પંચગવ્યનું પાન કરવું. સૂકાં લાકડાં, ઘાસ, વૃક્ષ, ગોળ, ચામડું, વસ્ત્ર અને માંસ-એમની ચોરી કરવામાં આવે તો ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવો જોઈએ. ટીટોડી, ચક્રવાક, હંસ, કારંડવ, ઘુવડ, સારસ, કબૂતર, જલકૂકડો, પોપટ, ચાસ પક્ષી, બગલો અને કાચબો-એમાંના ગમે તેને મારવામાં આવે તો બાર દિવસ સુધી ઉપવાસ કરવો જોઈએ. ભગવાન નારાયણનું શરણ સ્વીકારીને પ્રાયશ્ચિત કરનારા માણસનાં બધાં પાપ નષ્ટ થઇ જાય છે.

        અરે! પુત્ર, સ્ત્રી, ઘર, ખેતર, ધન અને ધાન્ય નામને ધારણ કરનારી માનવી વૃત્તિને પામીને તું અભિમાન ન કર. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, પરાપવાદ અને નિંદાનો સર્વથા ત્યાગ કરીને ભક્તિપૂર્વક શ્રીહરિનું ભજન કર. યમપુરીનાં તે વૃક્ષો નજીકમાં દેખાઈ રહ્યાં છે. ઘડપણ આવ્યું નથી, મૃત્યુ પણ જ્યાં સુધી આવ્યું નથી, ઇન્દ્રિયો પણ શિથિલ થઇ નથી ત્યાં સુધીમાં ભગવાન વિષ્ણુની આરાધના કર લેવી જોઈએ. ધનવૈભવ અત્યંત ચંચળ છે અને શરીર થોડા સમયમાં મોતનો કોળીયો બની જવાનું છે, એટલા માટે એનું અભિમાન છોડી દેવું જોઈએ. ભગવાન વિષ્ણુનું યજન કરનારા માણસો વૈકુંઠધામમાં જાય છે.”

***

        નારદે કહ્યું, “હે મુને, આપે વર્ણ અને આશ્રમોના ધર્મનું સારી પેઠે વર્ણન કર્યું. હવે હું દુર્ગમ યમમાર્ગનું વર્ણન સાંભળવા ઈચ્છું છું.”

        સનક બોલ્યા, “હે બ્રહ્મન, હું અત્યંત દુર્ગમ યમલોકના માર્ગનું વર્ણન કરું છું, તે સાવધાન થઈને સાંભળો. પુણ્યાત્માઓને તે સુખ આપનારું અને પાપીઓને માટે ભયપ્રદ છે. પ્રાચીન જ્ઞાની પુરુષોએ યમલોકના માર્ગનો વિસ્તાર છ્યાશી હજાર યોજનનો કહ્યો છે. જેમણે મૃત્યુલોકમાં દાન કર્યું હોય છે, તેઓ સુખ પૂર્વક એ માર્ગમાં પ્રવાસ કરે છે અને જેઓ ધર્મથી હીન હોય છે તેઓ કષ્ટપૂર્વક, ભારે પીડા ભોગવવા સાથે આ માર્ગથી ગમન કરે છે. પાપી માણસો તે માર્ગ ઉપર રડતાં-કકળતાં જાય છે. તેઓ અત્યંત ભયભીત અને નગ્ન હોય છે. તેમનું ગળું, હોઠ અને તાળવું સુકાતાં હોય છે. યમના દૂતો ચાબુક વગેરેથી અને અનેક પ્રકારનાં આયુધોથી તેમના ઉપર આઘાત કરતા રહે છે.

        તે માર્ગમાં ક્યાંક કાદવ, ક્યાંક ભડભડતી આગ, ક્યાંક ધખધખતી રેત અને ક્યાંક ધારદાર શીલાઓ હોય છે. ક્યાંક કંટાળા ઝાડ અને ક્યાંક એવા પહાડ હોય છે કે, તેમની શીલાઓ ઉપર ચઢવાનું ભારે ત્રાસદાયક હોય છે. ક્યાંક કાંટાઓની મોટી વાડ હોય છે ને ક્યારેક કંદરાઓમાં પેસવું પડે છે. હે નારદ, આ પ્રમાણે પાપી માણસો ભારે કષ્ટ ભોગવતાં એ માર્ગ ઉપર થઈને જતાં હોય છે. કેટલાક પાશમાં બંધાયેલા હોય છે, કેટલાકને અંકુશથી ખેંચવામાં આવે છે અને કેટલાકની પીઠ ઉપર અસ્ત્રશસ્ત્રનો માર પડતો હોય છે.

        કેટલાક માણસો નાસિકાના અગ્રભાગ દ્વારા અને કેટલાક પાપીઓ બંને કાનોથી લોહભાર વહન કરતા હોય છે. કેટલાક ભારે નિસાસા નાખતાં હોય છે, કેટલાકની આંખો ઢાંકી દેવામાં આવે છે. તે માર્ગમાં ક્યાંય પણ આરામ કરવા માટે છાયા કે પીવા માટે પાણી સુદ્ધાં હોતું નથી. પાપી માણસો જાણે-અજાણે કરેલાં પોતાનાં પાપકર્મો શોક કરતાં રહીને ભારે દુઃખ ભોગવતાં એ માર્ગ પરથી જતાં હોય છે.

        હે નારદ, ઉત્તમ બુદ્ધિવાળા હે માણસો ધર્મનિષ્ઠ અને દાનશીલ હોય તે અત્યંત સુખી થઈને ધર્મરાજના લોકમાં જાય છે. હે મુનિશ્રેષ્ઠ, અન્નદાન કરનારા સ્વાદિષ્ટ અન્નનું ભોજન કરતા રહીને ધર્મરાજ પાસે જાય છે. જળદાન કરેલું હોય તે દૂધનું પાન કરતા રહીને જતાં હોય છે. ઘી, મધ અને દૂધનું દાન કરનારાઓ સુધાપાન કરતા રહીને ધર્મરાજ પાસે જાય છે. શાકનું દાન કરનાર ક્ષીરભોજન પામે છે અને દીપદાન કરનાર તમામ દિશાઓને પ્રકાશિત કરતા ધર્મરાજના ધામમાં જાય છે.ગાયનું દાન કરવાના પુણ્યફળથી સર્વ પ્રકારના સુખથી સંપન્ન થાય છે. ઘોડા, હાથી તથા રથ આદિનું દાન કરનારો સકળ ભોગોથી યુક્ત વિમાન દ્વારા ધર્મરાજના મંદિરમાં જાય છે.

        માતાપિતાની સેવા ચાકરી કરી હોય તે માણસ દેવતાઓથી પોજાઈને પ્રસન્નચિત્તે ધર્મરાજ પાસે જાય છે. વિદ્યાદાન આપનારો બ્રહ્મા વડે પૂજાય છે. પુરાણ વાંચનારો માણસ મુનિઓ દ્વારા થતી પોતાની સ્તુતિને સાંભળે છે. 

આ પ્રમાણે ધર્મપરાયણ માણસો સુખપૂર્વક ધર્મરાજના લોકમાં જાય છે. તે સમયે ધર્મરાજ શંખ, ચક્ર, ગદા અને ખડ્ગ ધારણ કરીને અત્યંત સ્નેહપૂર્વક મિત્રની પેઠે તે પુણ્યાત્મા પુરુષનું પૂજન કરતાં કહે છે, ‘હે પુણ્યાત્મા, માનવજન્મ પ્રાપ્ત કર્યા પછી તે માણસ પુણ્યકર્મ કરતો નથી, તે મહાન પાપી છે ને તે આત્મહત્યા કરે છે. અનિત્ય એવો માનવજન્મ જે ધર્મકાર્ય કરતો નથી તે નરકમાં જાય છે. આ શરીર યાતનારૂપ છે અને મળ વગેરેથી સદા અપવિત્ર છે. જે તેની સ્થિરતા ઉપર ભરોસો રાખે છે તેને આત્મઘાતી જાણવો. સર્વ ભૂતોમાં પ્રાણધારી શ્રેષ્ઠ છે, ને તેમાં પણ બુદ્ધિથી જીવનનિર્વાહ કરનારાં પશુપક્ષી આદિ શ્રેષ્ઠ છે અબે તેમના કરતાં મનુષ્ય શ્રેષ્ઠ છે. માણસોમાં બ્રાહ્મણ, બ્રાહ્મણોમાં વિદ્વાન અને વિદ્વાનોમાં સ્થિર બુદ્ધિવાળા પુરુષો શ્રેષ્ઠ છે. સ્થિર બુદ્ધિવાળા પુરુષોમાં કર્તવ્યનું પાલન કરનાર શ્રેષ્ઠ છે અને કર્તવ્યપાલકોમાં પણ બ્રહ્મવાદી (વેદનું કથન કરનારા) પુરુષો શ્રેષ્ઠ છે.

બ્રહ્મવાદીઓમાં પણ જે મમતા આદિ દોષોથી રહિત હોય તે શ્રેષ્ઠ છે, પરંતુ ભગવાનના ધ્યાનમાં જે સદા તત્પર રહેતો હોય તે સર્વ કરતાં શ્રેષ્ઠ છે. તમો બધાં સંપૂર્ણ ભોગોથી યુક્ત પુણ્યલોકમાં જાઓ. જો કોઈ પાપ હોય તો તેનું ફળ, અહીં પાછા આવીને ભોગવજો.’ આમ કહી યમરાજ તે પુણ્યાત્માઓની પૂજા કરીને તેમને સદ્ગતિએ પહોંચાડે છે અને પાપીઓને બોલાવીને તેમને કાલદંડથી બીવડાવીને ફટકારે છે.

પાપીઓને યમદૂતો બળપૂર્વક પકડીને નરકમાં નાખી દે છે અને ત્યાં પોતાના પાપોનું ફળ ભોગવીને શેષ રહેલા પાપના ફળસ્વરૂપ તેઓ ભૂતળ પર આવીને સ્થાવર આદિ યોનીઓમાં જન્મ પામે છે.“

નારદે પૂછ્યું, “હે ભગવન, મારા મનમાં એક શંકા ઉત્પન્ન થઇ છે. દાન આપીને પુણ્યકર્મ કરનારાઓને કરોડો કલ્પ સુધી તેમનાં ફળ પ્રાપ્ત થતાં રહે છે. બીજી તરફ આપે એમ પણ કહ્યું છે એક, પ્રાકૃત પ્રલયમાં સર્વ લોકોનો નાશ થઇ જાય છે અને એક માત્ર ભગવાન વિષ્ણુ જ અવશિષ્ટ રહે છે, આથી મને એવો સંશય થયો કે પ્રલયકાળ સુધી જીવનાં પુણ્ય અને પાપભોગની શું સમાપ્તિ થતી નથી?”

શ્રી સનકે કહ્યું, “હે મહાપ્રાજ્ઞ, ભગવાન અવિનાશી, અનંત, પરમ પ્રકાશ સ્વરૂપ અને સનાતન પુરુષ છે. તેઓ વિશુદ્ધ, નિર્ગુણ, નિત્ય અને માયામોહથી રહિત છે. શ્રીહરિ નિર્ગુણ હોવા છતાં પણ સગુણ જેવા પ્રતીત થાય છે. માયાના સંયોગથી તેઓ જ સંપૂર્ણ જગતનું કાર્ય કરે છે. તેઓ જ સર્જન, પાલન અને સંહાર કરે છે, એ નિશ્ચિત સત્ય છે. પ્રલયકાળ વીતી ગયા પછી ભગવાન જનાર્દને શેષશય્યામાંથી ઉઠીને બ્રહ્મારૂપે સમસ્ત ચરાચર વિશ્વની પૂર્વકલ્પો અનુસાર સૃષ્ટિની રચના કરી છે. પૂર્વકલ્પોમાં જે જે સ્થાવર જંગમ જીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં નવા કલ્પના પ્રારંભમાં બ્રહ્મા તે સંપૂર્ણ જગતની પૂર્વવત રચના કરી દે છે. આથી હે સાધુશિરોમણી, કરેલાં પાપો અને પુણ્યોનું અવશ્ય ફળ ભોગવવું પડે છે. કોઈ પણ કર્મ સો કરોડ કલ્પોમાં પણ તેનું ફળ ભોગવ્યા વિના નષ્ટ થતું નથી.”

ક્રમશ: