Ek Hati Kanan.. - 1 in Gujarati Fiction Stories by RAHUL VORA books and stories PDF | એક હતી કાનન... - 1

Featured Books
Categories
Share

એક હતી કાનન... - 1

એક હતી કાનન... - રાહુલ વોરા
(પ્રકરણ - 1)

પોતાની મસ્તીમાં કાવ્ય પંક્તિઓ ગણગણી રહેલી કાનનની સાથે ચાલતો મનન શબ્દો પકડવા પ્રયત્ન કરી રહ્યો હતો. અચાનક કાનન અટકી.અવળી ફરી.
“હવે આપણી યાત્રા અહીં પૂરી થાય છે.મારી શરૂ થાય છે.”
શાંત વાતાવરણમાં ઘૂઘવતા દરીયા નાં મોજાં વચ્ચે ઋષિકા સમાન ભાસતી કાનન આટલું બોલીને અટકી ગઈ. તપન, મુક્તિ, માનસી, માનવ અને તાપસી કે જેઓએ અત્યાર સુધી સાગરનું ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યનું સ્વરૂપ જ જોયું હતું. તેઓ માટે ઓટ ની શરૂઆતનું આ રૂપ નવું જ હતું. મધ્યરાત્રિ નો ઘૂઘવતો સાગર ભગવાન શિવના તાંડવ નૃત્યની યાદ અપાવતો હતો.
આવા આ તાંડવ નૃત્ય નાં સાક્ષી બનેલા પોતાના પરિવારને જ્યારે કાનને રોકાઇ જાવાનું કહ્યું ત્યારે સાથે ચાલનારાં બધાં જ આવનારા સમયને સ્વીકારવા સ્થિર થઈ ગયાં.
માંડવીના દરિયા કિનારે બીચ પર ગોઠણભેર પાણીમાં બધાં ઊભાં હતાં. એક બાજુ હતો અફાટ સાગર અને બીજી બાજુ દૂર દૂર દેખાતી શહેરની ઝાંખી લાઈટો.
“કાનન પ્લીઝ, મારો તો વિચાર કર.” મનન માંડ માંડ વાક્ય પૂરું કરી શક્યો.
“કાનન,હજુ તો ઘણું બધું,અરે,ઘણું બધું કરવાનું બાકી છે. એ વસ્તુ તો જગજાહેર છે કે અમે તારાથી જ પૂર્ણ હતાં.” તપન માંડ માંડ રડવું ખાળીને આટલું બોલી શક્યો.
“મમ્મી,તું તું, અમારા માટે...” આગળ નું વાક્ય મુક્તિ ના ડૂસકાં માં અટવાઈ ગયું.
માનસી, માનવ અને તાપસી સ્તબ્ધતાથી એક અશક્ય ને શક્ય બનતું જોઈ રહ્યાં હતા.મૂક સાક્ષી બનવા સિવાય કશું જ કરી શકવા અસમર્થ હતાં એ લોકો.
“એ જિંદગી, મેં તને માણી છે, ભરપૂર માણી છે. કોઈ ફરિયાદ નથી, કોઈ રંજ નથી.” કાનન સ્વગત બોલી.
કાનન અવળી ફરી.તે ચાલતી હતી પણ પાછલા પગે.
બસ, ચાલતી હતી. હાથો લહેરાવતી, બંને હાથો લહેરાવતી. ચહેરા પર એ જ હાસ્ય,એ જ સંતોષ.
એક વિશાળ મોજું આવ્યું, કાનન ને બધાંથી થોડી નજીક પણ લાવ્યું પરંતુ અંતે એ મોજું કાનનને પોતાની ગોદમાં હળવેથી લઇને ચાલ્યું ગયું.
ન કોઈ ચીસ,ન કોઈ કકળાટ.શાંતિ અને સ્વસ્થતાની મૂર્તિ કાનન,દરિયાનું સંતાન દરિયામાં સમાઈ ગયું,
કાનન ની છેલ્લે સાંભળેલી પંક્તિઓ મનન દબાયેલા અવાજે ગણગણતો હતો.

ન ટોળું,ન ભીડ,
ન કોલાહલ સૂત્રોનો,
જઈ રહી છે ડાઘુઓના સહારા વિના,
અરે,અહીં તો શબ પણ છે નિ:શબ.
આ છે મારી સ્મશાનયાત્રા.
માત્ર મારી સ્મશાનયાત્રા.

અચાનક વાતાવરણ માં પલટો અનુભવાયો. દરિયાદેવે ઉત્સવની ઉજવણી શરૂ કરી. સાગરની વિશાળ લહેરોએ નૃત્ય આરંભ્યું. એક વિદુષીના સ્વર્ગ પ્રવેશના ઘંટનાદ,ઝાલર અને મૃદંગના નાદ ઊંડે ઊંડે સંભળાતા તપને અનુભવ્યા.

એક જીવનયાત્રા પૂરી થઇ.
અને એક શરૂ થઇ કલમને સથવારે.
તપને લેપટોપ ઓન કર્યું. કી બોર્ડ પર એની આંગળીઓ ઝડપથી ફરવા લાગી.

એક હતી કાનન...
(ક્રમશ:)

Behind the scenes

રોજની જેમ ટી બ્રેક માં એક સ્ત્રી,એક મિત્ર, વિશ્વાસ મૂકીને પોતાની જીવન કિતાબનાં પાનાં ખોલી રહી છે.એકવાર હું એને સૂચન કરું છું કે તમે આટલી નાની ઉંમરમાં એટલું બધું જોયું છે,સહન કર્યું છે કે તમારી જીવનકથામાં એક નવલકથામાં હોવું જોઈએ તે બધું જ છે.
તમે તમારા આ સંઘર્ષને કલમના સથવારે કાગળ પર ન ઉતારી શકો?
ચહેરા પર સદાય ફરકતાં હાસ્ય સાથે જવાબ મળે છે. "ના, ના,મને લખવાનું ન ફાવે"
"તો હું લખું?" મારા મોઢાં માંથી અચાનક સરી પડેલા એ શબ્દોને પકડી લે છે અને જવાબ આપે છે.
"તો લખો ને?"
અને સર્જાય છે એક વાર્તા "એક હતી કાનન..."
એક ખાસ વાત.આ વાર્તાનાં થોડા પ્રસંગો સિવાય બધાં જ પાત્રો,સ્થળો કાલ્પનિક છે.

કહેવતો એટલે ગાગરમાં સાગર. મન હોય તો માળવે જવાય મારી પ્રિય કહેવત.એવી રીતે બીજી પણ એક કહેવત છે કે સિદીભાઈને સિદકાં વહાલાં.દરેક સર્જક કે લેખક જે કાંઈ લખે છે તે એનું માનસ સંતાન હોય છે.એક હતી કાનન... પણ મારું માનસ સંતાન છે અને એટલે મને ગમે છે.આ વાર્તાનું મહત્વ મારા માંટે એટલા માંટે પણ વધી જાય છે કે એક સ્ત્રીએ,એક મહિલાએ મિત્ર દાવે વિશ્વાસ મૂકીને પોતાના જીવનના મહત્વનાં પ્રસંગો મારી સાથે share કર્યાં છે.વાર્તાનાં માત્ર ત્રણ જ પ્રકરણ તૈયાર હતાં ને જાહેરાત કરી દીધી.બધાં એ વધાવી.જોશ ચડાવ્યું.હિતેચ્છુઓ એ જુદાં જુદાં પ્લેટફોર્મ પર મૂકવાનાં સૂચન પણ કર્યાં છે.લખવામાં ઝૂકી તો પડ્યો છું.પણ હવે જેમ જેમ લખતો જાઉં છું ત્યારે થોડું એમ પણ થાય છે કે હું લખું છું એમાં નવું શું છે? પણ હવે બોડ્યું છે તો મૂંડાવ્યે છૂટકો.શુક્રવારથી વાચકોની અદાલતમાં આવી રહ્યો છું.સ્વીકારજો.