"તું દેવાંશની બેસ્ટ ફ્રેન્ડ છે તેમ સમજીને જ તારે ધીમે ધીમે તેની નજીક જવું પડશે અને ધીમે ધીમે તેને વાળવાની કોશિશ કરવી પડશે."
"પણ એની સાથે ગુંડા જેવા બીજા પણ બે ત્રણ ફ્રેન્ડ્સ છે જે એની સાથે અવારનવાર કોલેજમાં આવતા હોય છે." કવિશાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
"ઑહ, એવું છે..!! પણ ગમે તેમ કરીને તારે એની નજીક જઈને એના પ્રત્યે સહાનુભૂતિ તો કેળવવી જ પડશે એ સિવાય બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી." પરીએ કવિશાને હકીકત સમજાવતાં કહ્યું.
"મારું તો દિમાગ જ કામ નથી કરતું?? શું કરું કંઈ જ સમજમાં નથી આવતું?? આમ તો મારે એની સાથે શું લેવાદેવા છે, એને જે કરવું હોય તે કરે યાર મારે શું??" કવિશા બહુ મક્કમતાથી બોલી રહી હતી.
હવે આગળ...
બંને બહેનો બદલાયેલા દેવાંશના સળગતા પ્રશ્ન વિશે ચર્ચા કરીને ચિંતામાં ગરકાવ થઈને ટેરેસ ઉપરથી નીચે ઉતરી ગઈ અને પોતાના બેડરૂમમાં જઈને નાનીમાને વળગીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગી.
પરી આજે માનસિક અને શારીરિક બંને રીતે ખૂબ થાકેલી હતી એટલે તેને તો થોડીવારમાં ઉંઘ આવી ગઈ પરંતુ કવિશાની આસપાસ આજે નીંદર રાણી ફરકવાનું પણ નામ લેતી નહોતી તેની નજર સામેથી દેવાંશનો હોનહાર ચહેરો ખસતો નહોતો અને તે નક્કી કરતી કે દેવાંશને મારે આ ખતરનાક રસ્તા ઉપરથી આ ગુંડા જેવા મિત્રોથી દૂર કરી પાછો વાળવો જ પડશે અને વળી પાછું તેને થતું કે, ના યાર મારે શું દેવાંશ થોડો મારો સગો થાય છે મારે તેની સાથે શું સંબંધ..?? હું ક્યાં પાછી ઝંઝટમાં પડું..?? અને આ અથાગ વિચારોની વણથંભી વણઝાર તેના માસૂમ માનસને મધરાત સુધી પરેશાન કરતી રહી અને છેવટે નીંદર રાણીએ તેની ઉપર કૃપા વરસાવી અને તેને ઊંઘ આવી ગઈ.
સવારે તે ઉઠી ત્યારે નાનીમા પૂજા રૂમમાં બેસીને પૂજા પાઠ કરી રહ્યા હતા અને તેની લાડકી મોટી બહેન પરી તૈયાર થઈ રહી હતી.
અને રૂમનું બારણું અંદરથી બંધ હતું એટલે પરી છુટકી સાથે દેવાંશ વિશે ચર્ચા કરવા લાગી અને છુટકીને મોડી ઉઠેલી જોઈને તે બોલી કે, "કેમ બેન રાતનો માથા પરનો બોજ હજુ ઉતર્યો નથી કે શું?"
"હા યાર, આ દેવાંશના વિચારોમાં ને વિચારોમાં મોડા સુધી ઊંઘ જ ન આવી.."
"તો પછી શું વિચાર્યું તે?"
"હું તેની કોઈ જ મદદ કરવાની નથી, તે જહાન્નુમ માં જ ન જાય મારે શું?"
"છુટકી એવું જો દરેક માણસ વિચારશે તો તો આ પૃથ્વી ઉપર કોઈ કોઈની મદદ કરવાવાળું જ નહીં રહે..??"
"હા તો શું થઈ ગયું બધા પોત પોતાનું કરે..!!"
પરીએ થોડા ગુસ્સાભરી નજરે છુટકીની સામે જોયું અને જરા મોટેથી બોલી કે, "તો પછી આકાશના કેસમાં દેવાંશે જે રીતે આપણી મદદ કરી તે તેની ભૂલ કહેવાય.. એમ જ ને?"
તાજેતરમાં જ બનેલી હકીકત સાંભળીને છુટકીની બોલતી બંધ થઈ ગઈ. થોડી વાર સુધી તે ચૂપ રહી પણ પરી તેમ વાતને છોડે તેમ નહોતી. તેણે છુટકીની અંદરના મનને ઢંઢોળી દીધું હતું બે મિનિટ માટે છુટકી ભૂતકાળમાં ચાલી ગઈ અને તેની નજર સમક્ષ એ દ્રશ્ય તરવરી રહ્યું જ્યારે દેવાંશ તેને પોતાના બુલેટ પાછળ બેસાડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયો હતો અને તેણે પોતાની ઓળખાણ સમીર સાથે કરાવી હતી.
તે મનોમન વિચારવા લાગી કે, "હું સાચી છું કે દીદી સાચી છે..?"
પરીનું બોલવાનું ચાલુ જ હતું, "જો આપણે કોઈની મદદ કરીએ તો બદલામાં કોઈ બીજું આવીને આપણી મદદ કરી જાય છ..આ સૃષ્ટિનો નિયમ છે.. યુનિવર્સનો નિયમ છે અને જો આપણે સ્વાર્થી બનીને ફક્ત આપણો જ વિચાર કર્યા કરીએ તો બદલામાં આપણને પણ સ્વાર્થી માણસો જ ભટકાય એટલે સમજી જજે કે આપણે શું કરવું જોઈએ તે.."
છુટકીને આજે થોડો ઓવરડોઝ જ થઈ ગયો હતો તે પરીની વાતનો જવાબ આપ્યા વગર જ વોશરૂમમાં નાહવા માટે ચાલી ગઈ અને પરીને લેઈટ થતું હતું એટલે તે પોતાની કોલેજ જવા માટે નીકળી ગઈ.
પરીની વાતો છુટકીના મનમાં ગોળ ગોળ ઘુમરાતી હતી તે પણ તૈયાર થઈને આજે નાસ્તો કર્યા વગર જ કોલેજ ચાલી ગઈ. તેની મોમ ક્રીશા તેને બૂમો પાડતી રહી પણ, "આજે ભૂખ નથી મોમ બ્રેકફાસ્ટ નથી કરવો" બોલીને પોતાનું એક્ટિવા તેણે પોતાની કોલેજભણી દોડવી મૂક્યું.
બેલ પડી ગયો હતો અને પહેલુ લેક્ચર સ્ટાર્ટ પણ થઈ ગયું હતું પોતે થોડી લેઈટ હતી એટલે એક્ટિવા સ્ટેન્ડ કરીને મોબાઈલ હાથમાં લઈને વોટ્સએપ ખોલીને બેઠી. દેવાંશ તેને જોઈને તેની તરફ આવ્યો તેને આવતાં જોઈને છુકકીએ પોતાનું ધ્યાન મોબાઈલમાં વધારે કેન્દ્રિત કર્યું.
દેવાંશ તેની વધારે નજીક આવીને ઉભો રહ્યો. છુટકીએ મોબાઈલમાંથી પોતાનું માથું ઉચક્યું અને દેવાંશ સામે પોતાની નજરને સ્થિર કરી જાણે તે દેવાંશને તાગવા માંગતી હોય તેમ...
પરીએ તેના મગજમાં જે સુવિચારોના બીજ રોપ્યા હતા તે ફળીભૂત થવા માંગતા હતા.
દેવાંશે તેને પૂછ્યું કે, "કેમ લેક્ચરમાં ન ગઈ?"
"ના બસ તારી જ રાહ જોતી હતી"
"ઑહો તો તો ઊઘડી ગયા અમારા..!!"
"તમારા કે અમારા?"
"કેમ એવું પૂછે છે?"
છુટકીની ગુસ્સાસભર વાણી અને તીરછી નજર દેવાંશના કાળજાની જાણે આરપાર ઉતરી રહી હતી.
"બહુ વખત પછી અમારી ઉપર તમારું ધ્યાન ગયું ને?"
"રહેવા દે હવે તું જ મને જોઈને આમ આડો આડો જતો હતો"
"હું ક્યારે તને જોઈ જોઈને આડો આડો ગયો?"
"કેટલીયે વખત મેં નોટિસ કર્યું છે." છુટકી મોબાઈલમાં જોઈને બબડી રહી હતી.
દેવાંશે તેના હાથમાંથી મોબાઇલ ખેંચી લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને બોલ્યો કે, "આમ સામે જોઈને વાત કર.."
"નથી વાત કરવી મારે તારી સાથે..અને લાવ મારો મોબાઈલ આપી દે.."
"ના નહીં આપું તો શું કરશે તું અને આમ મારી સામે જોઈને વાત કર મારી સાથે..?"
"નથી કરવી એક વાર કહ્યું ને..અને લાવ મોબાઈલ આપી દે.."
"લે.." દેવાંશે જાણે છુટકીના હાથમાં મોબાઈલ પછાડ્યો...
તે આજે જાણે પોતાની ફ્રેન્ડ કવિશાને કંઈક કહેવા ઇચ્છતો હતો પરંતુ કવિશા એટલી બધી ગુસ્સામાં હતી કે...પૂછો નહીં..
કવિશાનો ગુસ્સો પણ સ્વાભાવિક હતો...
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે..??
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14/4/24