PREMANKURAN in Gujarati Short Stories by Kirit Rathod books and stories PDF | પ્રેમાંકુરણ

Featured Books
Categories
Share

પ્રેમાંકુરણ

આપણે જ્યારે આ પૃથ્વીલોક પર આવ્યા ત્યારે રિટર્ન ટીકીટ બુક કરાવીને જ આવ્યા છીએ. આ ટિકિટ તો આપણા માટે કોઈએ સ્પોન્સર કરેલી છે.એટલે ન તો આપણે તે કેન્સલ કરાવી શકીશું કે ન સમય ફેરફાર કરી શકીશું. આ ફલાઇટમાં સિક્યોરિટી ચેક બહુજ કડક હોય છે. પાણીની બોટલ તો શું ? શ્વાસ પણ સાથે નથી લઈ જવા દેતા. આ પૃથ્વી પરથી અનિચ્છિત સમયે આપણને લઈ જનારી આ કાયમી ઉડાનમાં બહુજ ઓછી વસ્તુઓ પરમિટેડ હોય છે. વિન્ડો - સીટ પર બેઠેલા આપણી આસપાસનું જગત સંપૂર્ણ અપરિચિત હશે. બારીની બહાર હશે એક અપરિચિત દુનિયા જે આપણે ક્યારેય નિહાળી નહી હોય અને બાજુમાં બેઠેલી હશે એવી વ્યક્તિ કે તેને આપણે ઓળખતા પણ નહી હોઈએ. અને આ ક્ષણે આપણી સાથે હશે ફક્ત એકજ વસ્તુ, તે હશે આ દુનિયા પર આપણે વિતાવેલો મીઠો સમય.

આવુ જયારે આજે એક બુકમાં વાચ્યું કે તરત કઈક આવા મીઠા સંસ્મરણો મારા હાથમાં રહેલ મોબાઇલની સ્ક્રીન પર shorts બનીને play થવા લાગ્યા. આ સ્મરણો મનમાં કંઇક મીઠાશ તો કઈક અપરાધ ભાવ પણ અપાવી ગયા. આ સ્મરણોને આટલા (૨૦) વર્ષો સુધી કેમ સંઘરી રખાયા હશે તે ન સમજાયું. અને આ સ્મરણોને વાગોળતા જ અપરાધ ભાવ કેમ આવતો હશે તે પણ ન સમજાયું. પણ હશે !

કદાચ એ વખતે આ પ્રેમ એકતરફી હશે. કાં તો એને અભિવ્યક્ત ન કરી શક્યો એવુ હશે. કાં તો અભિવ્યક્ત કરવાની રીત ખોટી હશે. આ ખોટી રીત જ મારામાં અપરાધભાવ જન્માવે છે. કારણ એ સમયે જો સાચી રીતે હું મારો પ્રેમ એને સમજાવી શક્યો હોત તો આજે એના પ્રત્યે ફૂટેલા પ્રેમાંકુરણ ફૂલ્યા ફળ્યા હોત. એ પ્રેમાંકૂરણ 20 વર્ષથી જે મુરજાયેલા રહ્યા એમાં પહેલેથીજ એના દ્વારા પ્રેમ રૂપી ખાતર અને પાણી કદાચ મળતું રહ્યું હોત. પછી તો આનું સ્થાન લેનાર અને આ વિરહને ભૂલવી દેનાર જે વ્યક્તિ મારા જીવનમાં આવી, તેણે મારા 20 વર્ષના સમયને 20 ક્ષણનો બનાવી દિધો. આજે એનો પણ આભારી છું. ખેર!

આજે જયારે આ વાસંતી વાયરો ફરી મારા કાનમાં જૂના સ્મરણોને જગાવી ગયો ત્યારે મનમાં એક ઓટાયેલા સમુદ્રમાં જેમ પૂનમનો જુવાળ આવે તેમ મારું હૈયું ઘૂઘવતા દરિયાની માફક હિલોળા લે છે. કોઇનો પ્રેમ પામવા તેને ભરપૂર પ્રેમ આપવો, આવુ વાંચેલું ક્યાંક! પણ પ્રેમ આપવાની સાચી રીત જો આ ગમતી વ્યક્તિ શીખવી જાય તો..........
બાકી તો એની સાથે વિતાવેલો સમય, એની મીઠી યાદો, એના માટે કરેલા રાતના ઊજાગરાઓ છતા ફ્રેશ થાક વગરની સવાર, માણેલો આહ્લાદક આનંદ, ક્યારેક એના અણગમાનો ભોગ, એના મુખેથી "I Love you" સાંભળવાની અપેક્ષા, મારા મુખેથી એને "I Love You" કહેવાની ભેગી કરતો હિંમત, ક્યારેક તો ક્યારેક પણ આ બધાની વચ્ચે હાજરી પુરાવતી એની મીઠી વાતો અને યાદો, બસ આ બધુ જ અત્યારે એક રીલની માફક મોબાઈલ ની સ્ક્રીન પર મગજમાં ઉગેલ અંગૂઠાની મદદથી પસાર થાય છે.

શું આ બધું વાસ્તવિક બનશે? આજે ઝંખું છું, કેટલાક સિક્રેટ માં લખાયેલા લેખો અને ખાનગી પાત્રો, કોઈનું પ્રથમવારનું ગુલાબ, કોઈની પ્રતિક્ષામાં ગાળેલા કલાકો, કોઈના વિરહમાં વિતાવેલા વર્ષો, કોઈને બહુજ મોડા મેળવવાનો અફસોસ અથવા મળ્યા પછી 20 વર્ષ વિખૂટા પડી જવાનો રંજમાંથી છુટકારો. હાસ્તો બનશે જ!
માનવ અવતાર લીધા પછી ભગવાન શ્રી કૃષ્ણ જ્યા આટલું ઇવન્ટફુલ જીવ્યા હોય, એ ધરતી પર આપણી આ વાર્તામાં ક્યાંય કચાશ ન રહે તેનું ધ્યાન મારું એ ગમતું પાત્ર કરશે જ. જેમાં એકપણ ઘટના ન હોય એને સમાધિ કહેવાય, જીવતર નહીં. એ વ્યક્તિ ભરપૂર જીવ્યો કહેવાય જેના ગયા પછી નવલકથા લખાય, મૃત્યુનોંધ નહી.
--