Chhappar Pagi - 77 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 77

Featured Books
Categories
Share

છપ્પર પગી - 77

છપ્પર પગી ( ૭૭ )
———————————
સભામંડપમાં ઉપસ્થિત સૌ કોઈની લક્ષ્મીની આ ખૂબ લાગણીસભર મીઠી મધુરી વાણી સ્પર્શી ગઈ , લક્ષ્મી પોતાની જગ્યા પર બેસી ગઈ ત્યાં સુધી ખૂબ તાળીઓનાં ગડગડાટ થયા અને હવે જેની આતુરતાપૂર્વક સૌ રાહ જોઈ રહ્યા હતા…તે માટે સ્વામીજીને પ્રવચન માટે નિમંત્રણ અપાય છે. સ્વામીજી ખાસ કોઈપણ જગ્યાએ પ્રવચન આપવા કે બહુ બોલવા માટે ઉત્સુક હોતા નથી પરંતુ અહી આ પ્રસંગે લક્ષ્મી અને પ્રવિણનો ખાસ આગ્રહ ઘણાં સમયથી હતો જ અને પ્રસંગ પણ શિક્ષણ સંલગ્ન હતો એટલે શિક્ષણ સંબંધી વાત કરશે એવું વિતાર્યુ હતું પણ ગઈ કાલે રાત્રે વિશ્વાસરાવજીએ ગામમાં દારૂનું વ્યસન કેટલાંક લોકોને ઘર કરી ગયું છે એ વાતની જાણ થતાં એમણે શરૂઆત એ વિષય પર કરી… સ્વામીજીએ કહ્યુ કે ઘરના મોભી વ્યક્તિ તરીકે તમારામાંથી ઘણા લોકો દરરોજ દારૂ પીવે છે એનો મતલબ એ થયો કે ખરેખર દારૂ જરૂરી જ હશે, પીવાથી ફાયદો જ થતો હશે ! તો જ આટલી મોટી સંખ્યામાં લોકો આ પ્રસાદી લેતા હશે ને..? જો આ ઝેર જરૂરી હોય તો જે ઘરમાંથી પીતા હોય તે ઘરના તમામ લોકો પણ પીવાનું ચાલુ કરી દે.. બાળકોને પણ જોડે જ રાખીને પીવડાવો… બોલો બધાં તૈયાર છો ને ? જેમના પતિ પીતા હોય તેમની પત્નિઓ પણ આજથી જ શરૂઆત કરી દે..સ્વામીજીની આ વાત સાંભળી સભામાં એક જબરો ગણગણાટ શરૂ થઈ ગયો.. સભામાં મોટી સંખ્યામાં બહેનો પણ બેઠી હતી.. એ બધી આ ઈશારો સમજી ગઈ… એટલે કેટલીક બહેનો હિંમત કરીને ઉભી થઈ અને બોલવા લાગી,
‘હા… હા સ્વામીજી બરોબર સે … અમેય પીવાનું સાલું કરી જ દીયે.. હાવ હાચી વાત સે..’
એક પછી એક પછી એક અન્ય બહેનો ઉભી થતી ગઈ અને સૂર પુરાવવા લાગી ત્યારે એ સભામાં જે પુરુષો હતા તે પૈકી મોટે થી બોલવા લાગ્યા.. ‘સ્વામીજી આ તમે ખોટું સમજાવો છો… આ રીતે તો બધા ઘર બરબાદ થઈ જશે.. તમારુ કામ તો લોકોને સાચું માર્ગદર્શન આપવાનું છે અને તમે તો જે નથી પીતા એને પણ…!’
સ્વામીજીએ એમને માઈક પરથી વચ્ચે જ અટકાવ્યા અને કહ્યુ કે તમે લોકો અહીં સ્ટેજ પર આવો..થોડા સંકોચ પછી ચાર પાંચ પુરુષો મંચ પર ગયા.
સ્વામીજીએ કહ્યું , ‘બોલો તમે બધા જે માર્ગે છો તે યોગ્ય છે? જો હા તો ઘરમાં બીજા લોકો પણ જોડાય તો ખોટું શું છે ? જો ના તો તમે શું કામ બરબાદી તરફ જઈ રહ્યા છો અને તમારા ઘરના નિર્દોષ લોકો પણ તમારી આ ખરાબ આદતને કારણે ભોગવે છે ને ? કેટલીય બહેનો નાની ઉમરે વિધવા થાય છે , બાળકો પરથી તમારો હાથ ઉઠી જાય છે ? ક્યારેક વિચાર તો કરો જે પરીવારમાંથી આ રીતે બિમારી આવી, પૈસો બરબાદ થયો, જમીનો વેંચી નાખી, પત્નિના ઘરેણા વેંચી નાંખ્યા , જે અકાળે મૃત્યુ પામ્યા પછી તેના ઘરના લોકોની હાલત તો તમે જોઈ જ રહ્યા છો… તો પછી શા માટે આ નરકની જિંદગી જીવો છો અને ઘરના લોકોને પણ જીવતે જીવ નરકમાં ધકેલો છો..!’
એ લોકો નીચા મોઢે આ બધી વાત સાંભળી રહ્યા હતા પણ કોઈ જવાબ ન હતો..
પછી સ્વામીજીએ પ્રશ્ન કર્યો , ‘ઈમાનદારી પૂર્વક હ્રદય પર હાથ રાખી તમારો હાથ ઉપર કરો … કેટલાં લોકો દારૂ પીવે છે ?’
મંચ પર ગયા તે પૈકીનાં બે ઉપરાંત સભામાં ઉપસ્થિત ઘણાં લોકોનાં હાથ ઉપર થયા પણ માથું નીચે ઝૂકેલું હતું… સભામાં ઉપસ્થિત બહેનોને આ ખૂબ ગમ્યું … પહેલીવાર કોઈએ જાહેરમા આ રીતે વ્યસન માટે કોઈ પ્રયત્ન કર્યો હતો..
સ્વામીજીએ તરત પૂછ્યું , ‘ બોલો તમે લોકો આ વ્યસન છોડો છો કે તમારા ઘરના લોકો પણ હવે પીવાનું શરૂ કરે ?’
થોડીવાર તો સભામાં સન્નાટો વ્યાપી ગયો… પછી મંચ પર ઉભેલ બે જણ પૈકી એક બોલ્યા, ‘ સ્વામીજી આ લત હવે જતી નથી.. બહુ અઘરું લાગે છે મુકવું..પણ..’
‘પણ બણ કંઈ નહી… તમે જોઈ શકશો … તમારી પત્નિ , મા કે બાળકો પણ રોજ પી ને રખડે ? તમે મકકમ બનો … તમારા પરીવારને ખરેખર પ્રેમ કરતા હો તો આજે ને અત્યારે જ સંકલ્પ કરો કે હું અત્યારથી જ આ વ્યસનને તિલાંજલી આપુ છું.’
થોડીવાર ફરી સભામાં ગણગણાટ શરૂ થયો અને બે ચાર વ્યસનીઓ ઉભા થતા ગયા.. એમને જોઈને બીજા પણ ઉભા થયા અને કહેવા લાગ્યા … ‘હા.. અમે તૈયાર છીએ પણ અમને યોગ્ય માર્ગ બતાવો..’
સ્વામીજીએ કહ્યુ, ‘ચાલો જે પણ પીવે છે તે બધા જ ઉભા થાવ અને પોતાની પત્નિ, મા કે બાળક અહી હોય તેની બાજુમાં જતા રહો, એમનાં માથા પર હાથ મુકો અને હું જ બોલાવું તે સંકલ્પ કરો.’
બધા પોતપોતાનાં પરીવારજનો પાસે ગોઠવાઈ જાય છે..માથે હાથ મુકે છે..
હવે સ્વામીજી સંકલ્પ લેવડાવે છે…
‘હું … આજે આ પવિત્ર દિવસે , મારા સ્વજનની માથે હાથ મુકી ને સંકલ્પ લઉં છું કે હવે પછી ગમે તેવું દુખ, ચિંતા કે પરિસ્થિતિ આવે… ગમે તે વ્યક્તિ મને આગ્રહ કરે … હું કોઈપણ સંજોગોમાં દારૂ પીશ નહી… દારૂ પીનાર જોડે સંબંધ પણ નહીં રાખું અને મારા ગામમાં દારૂની ભઠ્ઠી રહેવા નહીં દઉં કે એ લોકો જોડે કોઈ જ સંબંધ પણ નહીં રાખું …’
એ સંકલ્પ લેવડાવ્યા પછી.. એમનાં સ્વજનો ચોધાર આંસુએ રડી પડ્યા… બાળકો દોડીને પોતાનાં પિતાને ભેંટી પડ્યા… જાણે આજે એક ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો. દરેકને પોતાનો સંપૂર્ણ પરીવાર આજે બહુ વર્ષો પછી ફરીથી સાચા અર્થમાં મળ્યો હોય તેમ અનુભવાયું.
આ દ્રશ્ય જોઈને બાકીના બધા લોકોની આંખમાં પણ પાણી આવી ગયા.
એ દરમ્યાન ગામમાં દારૂની ભઠ્ઠી ચલાવનાર એક યુગલ હતું, તેમાં પતિ જે માથાભારે માણસ હતો તે સભામાં જ હતો એટલે ઉભો થયો અને મોટે મોટે થી ઘાંટા પાડીને બોલ્યો, ‘તમે તો આઈજ સો , કાઈલે પાસાં જતા રેશો. આ લોકો કેટલાં દિ પીધા વગર રેહે ? અઠવાડિયા પછી ફરી મારી પાંહે જ પાસા આવશે..ને મારા ધંધાનું શું ?’
આટલું બોલ્યો ત્યાં તો પાસે ઉભેલ કેટલાંકને શૂરાતન ચડ્યું ને એને મારવા લીધો.. એને ધોલધપાટ ચાલું કરી પણ સ્વામીજીએ તરત જ એ બધાને અટકાવ્યા અને કહ્યુ, ‘તમે પાંચ મિનીટ પહેલાં તો તમારી જાતને દોષી સમજતા હતા અને હવે એમનો વાંક જોઈ તમે તરત જ જજ બની ગયા ને ! તમને કોઈ હક્ક નથી કોઈની પર હાથ ઉપાડવાનો.. એમને મારી પાસે મોકલો..’
સ્વામીજીએ એને ટોળાંના ગુસ્સાનો ભોગ બનતા અટકાવ્યો એટલે તરત એ મંચ તરફ જવાને બદલે બહારની તરફ જવાનો પ્રયાસ કરે છે.. પણ એટલાંમાં જ એક સ્ત્રીનો મોટેથી અવાજ સંભળાયો..
‘ઉભા રયો તમે.. કાંઈ નથ જવાનુ … હાલો મારા ભેરા સામીજી પાંહે..’ એ સ્ત્રી એની પત્નિ હતી.. ઝડપથી એ એના પતિ પાસે પહોંચીને હાથ ઝાલી સ્વામીજી પાસે લઈ ગઈ.. અને બોલી, ‘સામીજી તમી કયો સ ઈ હાચુ સે.. કોઈ બૈરાની બંગડીયું નંદવી ને મારે પેટીયુ નથ ભરવું.. અટાણથી જ નકી કે હુ ય આ પાપનો ધંધો નઈ કરુ ને આને કરવાયે નઈ દઉં … અને ઈ નઈ માને તો એના ઘર થી બારે નીકરી જાઈશ… મૂલે જાઈશ , મજુરી કરીહ પણ આ પાપનું પોટલું હવે નઈ બાંધુ..’
પોતાની પત્નીનો બદલેલ મિજાજ જોઈને એનો પતિ પણ હવે બદલાયો.. પણ એટલું તો બોલ્યો, ‘તો નકી હવે સામીજી … નઈ કરુ ને મારી ને બીજાની ભઠ્ઠી યે તોડી નાખશું.પછી એણે પણ પોતાની પત્નિના માથા પર હાથ મૂકીને સોગંધ લીધા કે હવે મરી જાઈશ પણ આ પાપ નઈ કરું..’
સ્વામીજીએ જ્યારે જોયું કે હવે આ લોકોનો ખરો પ્રશ્ચાતાપ છે એટલે એમણે તરત જાહેરમાં બલવંતસિંહને કહ્યું કે આમને સ્કૂલમાં કોઈ ને કોઈ કામ અપાવજો.. એટલે એમને આજીવિકાનો પ્રશ્ન ન રહે અને બીજી કોઈ ભઠ્ઠી વાળા હોય તો તે બંધ કરે તો એમને પણ કોઈને કોઈ કામ અપાવજો.. બલવંતસિંહે ચહેરાના હાવભાવથી જ સંમતિ બતાવી.. સૌ પોતપોતાનાં સ્થાને પરત ફર્યા અને ફરીથી બધા સભામાં ગોઠવાઈ ગયા.. હવે આખીયે સભા જાણે સ્વામીજીને પુરા સમર્પણ ભાવથી હજી પણ કંઈ વધારે વાત કરે એ સાંભળવા ઉત્સુક હતી…સ્વામીજી પણ આ બદલાયેલ વાતાવરણ અનુભવી શકતા હતા એટલે એમણે કહ્યું , ‘મારે આજે શિક્ષણ વિષે જ વાત કરવી હતી… પણ મને એ પહેલા બે બાબતે વાત કરવાની જરૂરિયાત જણાઈ એટલે પહેલા એ વાતો કરી.. ચાલો તમે એક આ દારૂની લત તો છોડી… પણ બીજી એટલી જ મહત્વની વાત છે..’
બે પાંચ સેકન્ડ અટક્યાં પછી ફરીથી તરત પુછ્યું, ‘તમારા માંથી કેટલાં લોકો….!!!!’

ક્રમશઃ
લેખકઃ રાજેશ કારિયા

નોંધઃ મારે ૭૭ ભાગ સુધી જ વાત લખવાની હતી.. પણ કેટલા બધા મેસેજ વોટ્સએપ અને મેસેન્જરમાં આવ્યા કે ‘સ્વામીજીનો લાભ થોડો વધારે આપો … બે ત્રણ ભાગ વધારો…’ એટલે ૭૯ કે ૮૦ મો ભાગ છેલ્લો લખી આ યાત્રા પુરી કરીએ.. 🙏🙏🙏