છપ્પર પગી -૭૫
——————————
બુધવારના એ દિવસે બન્ને ગામોમાં ખાસ્સી ચહલ પહલ રહી. ગામનાં ચોરે ને ચૌટે બસ એક જ વાત લોકમૂખે હતી અને એ વાતો શાળાઓનું અપ્રતિમ બાંધકામ, સવલતો, કરોડો રૂપિયાનુ દાન આપનાર લક્ષ્મી અને પ્રવિણ, સ્વામીજીનું આગમન, બન્ને ગામનું ધૂમાડાબંધ સમૂહ જમણ વિગરે… લોકો વચ્ચે ખાસ્સુ કુતૂહલ એ પણ હતુ કે પ્રવિણ અને લક્ષ્મી છે કોણ ? ગામમાં બે પાંચ અપવાદ સિવાય ભાગ્યેજ અન્ય બીજા કોઈ લોકોને પ્રવિણ કે લક્ષ્મી વિશે ખબર હતી.. બહુધા લોકો એમને અને અન્ય મહેમાનોને જોવા ભારે ઉત્સુક હતા પણ હવે એ ઉત્સુકતા તો આવતી કાલે જ સંતોષાવાની હતી ને..!
આજે ખરો ઉમંગ અને ઉત્સાહ તો બલવંતસિંહના ફાર્મહાઉસ અને સરપંચની વાડીએ હતો..આવતી કાલ ની તૈયારીઓ પુરજોશમાં થઈ રહી હતી. ગામનાં વડીલો પણ આજે આખો દિવસ આ તૈયારીઓ ચાલતી હતી તે જોવા આવતા રહેતા હતા. બંધાયેલ મંડપ નીચે છોકરાઓ આનંદ કિલ્લોલ કરતા હતા… સાથે સાથે વાતો પણ કરતા હતા.. બધા પોતે જે સાંભળ્યું , જોયુ તે બોલતા જઈ ને કૂદકા મારતા કહેતા જતા ..
આવતી કાલથી તો નવી નિશાળ ખૂલશે…
બહુ મજા આવશે…
બહુ મોટી નિશાળ છે….
રમવાની પણ બોવ જ મજ્જા પડશે….
અરે… કોમ્પ્યટર પણ છે….
બધાની નોખી નોખી ખુરશીઓ , પાટીયા વાળી…
અરે હા લ્યા.. આપણું દફતર પણ ખુરથી નીચે જ રહી જાય.. એવી ખુરશીઓ છે, મેં જોઈ લીધી અમારા ચોથા ધોરણમાં તો ભૂરા કલરની ગાદી વાળી ખૂરશીઓ છે…
અલ્યા તને કોણે કીધું ?…
નવા બેનો આવ્યા છે ને એ ભણાવશે… બધા નવા શિક્ષકો અઠવાડીયાથી બધા છોકરાવના ઘરે ઘરે મળવા આવ્યા તા બોલ..!
હા … મારી મા એ તો નવા સાઈબો ઘરે આઈવા તા તો રોટલો ને ઓરો ખાવા બેસાડી દીધા તા.. બોલ અમારે ઘેર તો ઈ સાઈબ જઈમા હોત..
હુંય મારે ઘેર કઈશ કે બેન ને જમવા બોલાવો.. બવ મજા આવશે..
મારા કાકા તો કેતા’તા કે એકેય સાઈબ કે બેન મારે એવા છે જ નઈ… હારું ને આપણને તો હવે ફૂટપટ્ટીનો મારેય નઈ પડે … હા હા હા..
એ દિવસે સાંજે સીઈઓ, નવનિયુકત આચાર્યો ,શિક્ષકોને બલવંતસિંહના ફાર્મ પર જમવા બોલાવ્યા હતા. જમવાનુ શરૂ થાય એ પહેલાં મોટા શેઠ, શેઠાણી , બન્ને ડોક્ટર કપલ, આર્કિટેક્ટ, સરપંચ , પલ , પ્રવિણ, લક્ષ્મી , સરપંચ સહિત બધા લોકો ખાટલા ઢાળીને બેઠા હતા અને સામે આ નવનિયુકત શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ પણ ખુરશીઓ પર બેઠા હતા.. ત્યારે પ્રવિણે કહ્યુ, ‘આપને સૌને સ્વામીજી સાથે અત્યારે મૂલાકાત કરાવવાની હતી એટલે અત્યારે આપ સૌને બોલાવ્યા છે.. સ્વામીજી હમણાં આવે જ છે…પણ એ પહેલા આપને કોઈને સ્કૂલ માટે , આપનાં ક્વાટર્સ કે બીજી કોઈ સવલતો માટે હજી કોઈ સૂચન કે ફરિયાદ હોય તો જણાવજો.. આવનાર દિવસોમાં આપણે એ બાબતે પ્રાથમિકતા આપી પૂર્ણ કરી શકીએ. બધા જ ખરેખર તમામ સવલતો અને આ નવા સ્કૂલીંગ કોન્સેપ્ટથી અત્યંત ખૂશ હતા જ એટલે કંઈ સજેશન હાલ પૂરતા તો હતા જ નહીં એટલે સીઈઓ બધા વતીથી ઉભા થઈને બોલ્યા,
‘શેઠ..બાળકો જ આપણાં સૌનુ અને રાષ્ટ્રનું સાચું ભવિષ્ય છે, શિક્ષણ થકી જ સમાજ અને રાષ્ટ્રનિર્માણ ઉચ્ચત્તમ સ્તરે પહોંચે એ બાબત જ સત્ય છે. તમે જે કાર્ય કર્યું છે તે ઉચિત છે, શિક્ષણ માટે કરેલુ આ યોગદાન આ બન્ને ગામનાં બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે જ.. તમે એક વતનપ્રેમી દાતા તરીકે તમારૂ રૂણ સુપેરે અદા કર્યુ છે, હવે જવાબદારી અમારા સ્ટેકહોલ્ડર્સની છે, જે અમે પુરી નિષ્ઠાથી નિભાવીશુ .. અમારામાં નો દરેક શિક્ષક કર્મયોગી બની સાચા અર્થમા ગુરુ બની અને બાળકોને ખરા અર્થમાં વિધાર્થીઓ બને અને આ સમગ્ર પ્રક્રિયા એક શિક્ષણ યજ્ઞ બની રહે એવી ખેવના રાખીએ.. બસ તમે હવે નિશ્ચિંત બની શકો એવી રીતે અમારે અમારું કર્મ નિભાવવાનું છે.’
છેલ્લે થોડા વાક્ય બોલાતાં હતા એ દરમ્યાન સ્વામીજી બહાર આવી ગયા હતા અને એમણે આ વાત સાંભળી હતી..જ્યારે પ્રવિણે એમને વિનંતી કરી કે આપ અમને કંઈ વાત કરો..તો સ્વામીજીએ તરત કહ્યુ, ‘ખરા અર્થમાં જે શિક્ષકો છે તેમને કોઈએ કંઈ જ સલાહ કે ઉપદેશ આપવાની જરૂર જ નથી…અને જે લોકો માત્ર વ્યવસાય કે કમાણી માટે આ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાને એક અર્નિંગ ઈન્ડસ્ટ્રી બનાવી દીધી છે તેમને કંઈ કહેવા કે સમજાવવાનો અર્થ જ નથી,એવા માણસો આ પવિત્ર વ્યવસાયથી જેટલાં દૂર રહે તે જ સૌથી મોટી રાષ્ટ્ર સેવા હોઈ શકે.. અહીં જે વાત સાહેબે કરી એ મેં સાંભળી છે એટલે એમને કંઈ જ કહેવા માટે મારી પાસે નથી.. બસ આવા જ સમર્પણ ભાવથી આ સેવા યજ્ઞમાં આહૂતિ આપતા રહે તેવી મા સરસ્વતીને પ્રાર્થના કરીએ.. બાકી મારે સમગ્ર સમાજ માટે જે કંઈ કહેવાનું છે તે આવતીકાલે કહુ્ એ જ સમયોચિત રહેશે..લક્ષ્મી પણ આવતી કાલે કંઈ કહે તેવુ હુ ઈચ્છુ છું… ચાલો અત્યારે તો આપણે સૌ સમૂહમાં થોડુ ધ્યાન કરીએ.. ઈશ્વરનું ધ્યાન ધરીએ અને તમે બધા ભોજન લઈ આરામ કરો એ જ યોગ્ય છે.’
સ્વામીજીએ બધાને આંખો બંધ કરવાનુ કહી..ઉંડા શ્વાચ્છોશ્વાસ કરાવી થોડુ ધ્યાન કરવા કહ્યું …પછી સાયં પ્રાર્થના કરાવી દરેકને ભોજન લેવા જણાવ્યું … બધાએ ખૂબ ભાવથી સાત્વિક ભોજનનો આસ્વાદ લીધો.. સ્વામીજી રાત્રે ભોજન નથી લેતાં તેમ છતાં બલવંતસિંહે ભાવથી થોડી ખીચડી અને ગાયનું દૂધ લેવા આગ્રહ કર્યો તો, થોડું લીધું પણ ખરું.
સ્વામીજી પોતાના રૂમમાં આરામ કરવા પ્રયાણ કરે છે. બાકીના બધા તો ફાર્મ હાઉસના વિશાળ ચોગાનમાં ખાટલે બેઠાં બેઠાં વાતો કરે છે.
રિવાબાએ લક્ષ્મીને પુછ્યું, ‘બહેનબા કાલે શું પહેરવાનાં છો તમે ? તમે તો હવે સ્ટેજ પર પણ જશો ને ભાષણ પણ આપવાનાં…’
‘હા.. આવતીકાલે શું પહેરવાનું એ તો નક્કી જ છે.. મુંબઈથી જ નક્કી કરીને આવી હતી.. ચાલો જોઈ લો તમે પણ…’ એ બન્ને અને પલ એમનાં રૂમમાં પહોંચી આવતીકાલે શુ પહેરશે વિગેરે વાતો કરવા અને જોવા ત્યાંજ બેસી રહે છે અને પછી સુઈ પણ જાય છે.
મોટા શેઠ અને શેઠાણી પ્રમાણમાં ખૂબ જ સ્વસ્થ દેખાતાં હતા.. ડો. અભિષેકભાઈએ સરપંચને ગામમાં આરોગ્ય બાબતે શું સવલતો છે એવી પૃચ્છા કરી …
સરપંચે કહ્યું , ‘ હવે તો બહુ સારું છે સાહેબ..સરકારી ગ્રાન્ટ સારી એવી આવે છે.. સીધી જ રકમ ખાતામાં પડે અને વચ્ચે કોઈ જ નહી એટલે પુરો રૂપિયો આવે ને પુરો રૂપિયો વપરાય છે… અમે તો ભંડાર, ડેરી , પંચાયત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બધે જ સીસીટીવી કેમેરા લગાવી દીધા છે એટલે કોઈની કાંઈ ભક્તિ ન હાલે … ખોટું કરે કે મોડાં આવે … કામમાં લબાડગીરી કરે તો પકડી જ પાડીએ … ગામમાં છેવાડા સુધી સિમેન્ટના રસ્તાય બની ગ્યા છે ને ઘેર ઘેર પાણીયે આવે છે.. બસ આવી અધતન શેર જેવી નિશાળું નોતી એય કમી માતાજીની દયા થી પુરી થઈ ગઈ છે… બસ આ દારુની લતુ ચડી ગઈ છે ને બધાય ને એ છૂટે તો હારું .. હમણાં ને હમણાં પાંચ જુવાનજોધ બાયું વિધવા થઈ ગઈ સ… આ દેશી દારૂ ની લતે તો.. હારું કોઈ માનતું ય નથ ને હપ્તાવ દઈ દયે એટલે કાંઈ બંધેય નથ થાતું..’
વિશ્વાસરાવજીએ આ બધી વાતો ધ્યાનથી સાંભળી હોય છે એ ઉંડા ચિંતન અને ચિંતા મા પડી જાય છે.. પછી બોલ્યા, ‘ચાલો હવે કેટલું બેસશો… ? કાલે વહેલાં જાગી જઈ કામે વળગવાનું છે.. જલ્દી બધા સુઈ જશો તો જલ્દી જાગશો… મારે તો સાડા ચાર વાગે નિયમિત જાગવાનું એટલે હવે સૂઈ જવુ પડે..’
જોકે આવી કલાક સુધી વાતો ચાલી હતી..હવે સૌ કોઈ સુવા માટે જતા રહે છે.
પણ વિશ્વાસરાવજી પોતાનાં રૂમમાં સૂવા માટે જવા ને બદલે…!
ક્રમશઃ
લેખકઃ રાજેશ કારિયા