Prem - Nafrat - 119 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૧૯

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૧૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૯

રચના વિચારી રહી હતી કે પોતાને બાળક રહ્યું હોવાની વાત સાચી હતી પણ હવે એ મા બનવાની નથી. મને સરપ્રાઈઝ આપવા એમણે આમ કર્યું છે પણ હું જ્યારે કહીશ કે તમારા પરિવારનું સંતાન તો જન્મતા પહેલાં જ આ દુનિયા છોડી ચૂક્યું છે ત્યારે એમને કેવો આઘાત અને આંચકો લાગશે? આરવ પર શું વીતશે? પોતે દુશ્મની પૂરી કરવા એમના બાળકને પણ હોમી દીધું છે. એ કેવા આનંદમાં ઝૂમી રહ્યા છે. એમને સત્ય વાતની ખબર પડશે ત્યારે એ હકીકતનો સામનો કેવી રીતે કરી શકશે? મારે સત્ય કહેવાની ઉતાવળ કરવી નથી. પહેલાં તો એ જાણવું પડશે કે હું મા બનવાની છું એવા સમાચાર એમને કોને આપ્યા છે? મા સિવાય બીજું કોઈ નથી જે એમને આ જાણકારી આપી શકે. કે પછી ડૉક્ટરે કહી દીધું છે?

રચનાએ ખોટું હાસ્ય ફેલાવી કહ્યું:આરવ, તમને આ વાતના સમાચાર કોણે આપ્યા?’

તું અમને સરપ્રાઈઝ આપવાની હતી ખરું ને? અમે જ તને સરપ્રાઈઝ આપી દીધી છે! કેવી લાગી અમારી સરપ્રાઇઝ? સાચું કહું? આખો પરિવાર આ સમાચારથી ખુશખુશાલ છે. પપ્પા તો ખુશીથી ગાંડા થઈ ગયા છે. પરિવારમાં જાણે પહેલું સંતાન આવી રહ્યું હોય એવી ખુશી છે. કેમકે મેં કહ્યું હતું કે અમે માતા- પિતા બનવાની ઉતાવળ કરવાના નથી. પહેલાં બિઝનેસ પર ધ્યાન આપવાના છે. અમારી મોબાઈલ કંપનીને દેશની ટોપની કંપની બને એવો પ્રયત્ન કરવાના છે. મને વિશ્વાસ હતો કે તું રસ લઈને કંપની પર ધ્યાન આપી રહી છે એટલે એને ટોપ પર પહોંચતા સમય લાગવાનો નથી. પણ આપણું નસીબ પાછું પડ્યું હશે. ખેર, અત્યારે એ વાતને છોડી દે અને તું પણ હવે આપણાં ઘરમાં બાળની પધરામણી થવાની છે એની ખુશી મનાવ.

રચના વધુ ગુંચવાઇ ગઈ. આરવે ઘણી બધી વાત કરી પણ એમને હું મા બનવાની હોવાના સમાચાર કોણે આપ્યા એનો ખુલાસો કર્યો નહીં અને કંપનીનું આખરે શું થયું છે એ વાત પણ ગપચાવી ગયો.

રચના વિચારમાં જ ગરકાવ હતી ત્યારે આરવ એનો હાથ ખેંચીને બહાર લઈ જઇ રહ્યો હતો એનો પણ ખ્યાલ આવ્યો નહીં.

રચના અને આરવ બહાર આવ્યા. ઢોલી એના માણસો સાથે વિદાય થઈ ગયો હતો પણ ઘરમાં ઉત્સવનો માહોલ બરકરાર હતો. બધાં એકબીજાને મોં મીઠું કરાવી રહ્યા હતા. હિરેન અને કિરણ પણ આ આનંદના અવસરમાં ઉત્સાહથી પોતાના પરિવાર સાથે જોડાયા હતા. તે અત્યાર સુધી જેમને દુશ્મન માની રહી હતી અને પોતાના દુશ્મન તરીકે જોઈ રહી હતી એ પોતાના લાગી રહ્યા હતા. બધા જ દિલથી ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. આજે પહેલી વખત ન જાણે કેમ એને એવું લાગ્યું કે પોતે લખમલભાઈના પરિવાર સાથે વધુ પડતી દુશ્મની તો નિભાવી દીધી નથી ને? પણ પછી બીજું મન તરત જ પાછું વળી ગયુંને કહેવા લાગ્યું:“આમ લાગણીમાં દોરાઈ જવું ના જોઈએ. એમણે અમારા પરિવારનું હિત જોયું નથી. એમણે મારા પિતાનો હાથ માથા પરથી ઉઠાવી લીધો હતો. એમને માફ ના કરી શકાય.”

સુલોચનાબેન એની બાજુમાં જઈ મોંમા પેંડો ઓરતા બોલ્યાં:બેટા, તારા ખોળે સંતાન આવી રહ્યું છે એ જાણીને અમે બહુ ખુશ થયા છે. તેં અમને બહુ મોટી ખુશી આપી છે. તને સ્વસ્થ અને સુંદર બાળક અવતરે એવી ભગવાનને પ્રાર્થના છે. અને એ માટે તારું અમે તો ધ્યાન રાખીશું જ પણ તારે વધારે રાખવાનું છે. મને હમણાં ખબર પડી કે તને નબળાઈ લાગતી હતી. સ્ત્રી ભારે પગે થાય ત્યારે વધારે સાચવવું પડે. ખાવા-પીવામાં હવે આળસ ચાલશે નહીં. મને તારી મા જ સમજજે.

જી મા. રચના માંડ માંડ ખુશીના ભાવ લાવીને બોલી. પેંડો મીઠો હતો પણ એનું મન કડવું હતું. એને થયું કે આ લોકોને વધારે ભ્રમમાં રાખવા નથી. તેણે ચહેરા પર કોઈ ભાવ રાખ્યા વગર કહ્યું:મા, મારે એક વાત કહેવી છે...'

બધાં રચનાની વાત સાંભળવા સ્થિર થઈ ગયા.

ક્રમશ: