હવે દિવાકરભાઈના પગ નીચેથી ધરતી ખસી રહી હતી તેમનાં હોંશકોશ ઉડી રહ્યા હતા. ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં તેવું તે વિચારી રહ્યા હતા પરંતુ પાપી માણસોને ધરતી પણ માર્ગ આપતી નથી.
તેમણે તો એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે,સાંવરી મેડમ સવારે વહેલા જાતે એકલા ગોડાઉન ઉપર જઈને ગોડાઉનની વીઝીટ કરી આવ્યા હશે.
દિવાકરભાઈ મનમાં ને મનમાં બબડી રહ્યા હતા કે..." ઑહ માય ગોડ આ બધું શું થઈ ગયું ?? "
હવે ધીમે ધીમે સાંવરી દિવાકરભાઈનું એક પછી એક જૂઠ અને એક પછી એક ચોરી પકડી રહી હતી....
અને મીત તો આ બધું સાંભળીને જાણે દંગ જ રહી ગયો હતો તેની કલ્પના બહારનું હતું કે, દિવાકરભાઈ કંપનીના આટલા બધા જૂના વિશ્વાસુ માણસ આવું કંઈ કરી શકે..!!
અને તે પોતાની ચેર ઉપરથી ઉભો થઈ ગયો અને સાંવરીની બાજુમાં એક ટેબલ મૂકેલું હતું ત્યાં ટેબલ ઉપર બેસી ગયો અને તે સાંવરીને પૂછવા લાગ્યો કે, " એક્ઝેક્ટલી શું થયું સાંવરી તે તું મને કહે.. "
સાંવરી: કંઈ નહીં જો તું સાંભળને આ એક પછી એક દિવાકરભાઈના જૂઠ પકડાઈ રહ્યા છે. હમણાં મેં તેમની પાસે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ માંગ્યો એટલે તેમણે મને એમ કહ્યું કે, તે પોતાનું લેપટોપ નથી લાવ્યા પછી મેં તેમને એમ કહ્યું કે, આજે આપણે આપણા ગોડાઉનની વીઝીટ કરવા માટે જવાનું છે એટલે તેમણે એમ કહ્યું કે, ગોડાઉનની ચાવી વોચમેન પાસે છે અને તે આજે રજા ઉપર છે બલ્કે વોચમેન આજે અત્યારે ગોડાઉન ઉપર હાજર જ છે જે હમણાં જ તમે સ્પીકર ફોન ઉપર સાંભળ્યું અને વોચમેને એમ પણ કહ્યું કે, મેડમ તમે સવારે ગોડાઉન ઉપર વીઝીટ કરીને તો ગયા હતા...
હા મીત, આજે સવારે હું જ્યારે ઘરેથી ઓફિસ આવવા માટે નીકળી ત્યારે મને થયું કે, ઓફિસ હું પછી જઈશ પહેલા ગોડાઉને જરા વીઝીટ તો કરી આવું ! અને હું સીધી ટેક્સી લઈને ગોડાઉન ઉપર ગઈ તો ત્યાં જે માલ સ્ટોક સાઈડમાં જૂદો કાઢીને મૂકેલો હતો તે પણ મેં જોયો અને બધાના મેં ફોટા પણ પાડી લીધા છે અને આપણાં ગોડાઉનમાં મોટા ભાગના સીસીટીવી કેમેરા બંધ છે એટલે કે બગડી નથી ગયા પરંતુ જાણીજોઈને ઈરાદાપૂર્વક બંધ રાખવામાં આવે છે....!!
પોતાનો બચાવ કરવા માટે સાંવરીની વાતમાં વચ્ચે જ દિવાકરભાઈ બોલ્યા કે, " મેડમ એ તો બગડી જ ગયા છે. "
આ સાંભળીને મીત બોલ્યો કે, " તો પછી તે રીપેર થાય ને તમે કમ્પલેઈન કરી, માણસને બોલાવ્યો.. બતાવો મને..."
દિવિકરભાઈ: ના સર
સાંવરીએ પોતાનું લેપટોપ ખોલ્યું અને કંપનીના માલનો આવક જાવકનો હિસાબ તે મીતને અને દિવાકરભાઈને બતાવવા લાગી અને કહેવા લાગી કે, " જોઈ લો આ હિસાબ આ બધું એવી રીતે ગોઠવીને લખવામાં આવ્યું છે કે કોઈને ખબર જ ન પડે કે આમાં ગરબડ ગોટાળા કરવામાં આવ્યા છે પણ મારું કામ એવું છે ને કે કોઈ વસ્તુ મારી નજર નીચેથી ખસીને જાય એટલે તરત તે મારા ધ્યાનમાં આવી જ જાય કે અહીંયા કંઈક લોચા છે."
અને તે દિવાકરભાઈને આગળ વધુ કહેવા લાગી કે, " દિવાકરભાઈ છેલ્લા પાંચ વર્ષથી આ કંપનીમાં કામ કરું છું. પહેલા જ વર્ષે કંપનીને વફાદાર રહીને કંપનીનો નફો ડબલ કરી બતાવ્યો હતો અને આપણી કંપનીના બોસે એટલે કે મારા સસરાજીએ મને મેનેજરની પોસ્ટ આપી દીધી હતી અને છેલ્લા ચાર વર્ષની એકધારી મહેનતથી આપણી કંપની ઈન્ટરનેશનલ લેવલે પહેલા નંબર ઉપર આવી ગઈ છે અને પાંચ જ વર્ષમાં મને કંપનીની બોસ બનવાનું સૌભાગ્ય મળ્યું છે આજે હું કંપનીની થર્ડ પાર્ટી ભાગીદાર છું.. આ તમારા મીત સરે એમનેમ મારી સાથે લગ્ન નથી કરી લીધા..અને હવે તમે પકડાઈ ગયા છો.. માટે સીધી રીતે બધું જ કબૂલાત કરી લો તેમાંજ તમારી ભલાઈ છે. " સાંવરી એકધાર્યુ બોલે જતી હતી. તેણે જેવું બોલવાનું બંધ કર્યું કે તરતજ મીતનો ગુસ્સો તો આસમાને પહોંચેલો હતો એટલે તે તો દિવાકરભાઈ ઉપર ખૂબજ ગુસ્સે થઈ ગયો તેનો તો હાથ પણ ઉપડી જાત પરંતુ સાવરીએ તેને રોકી લીધો.
મીત ગુસ્સો કરીને બોલી રહ્યો હતો કે, " દિવાકરભાઈ આ તમે શું કર્યું ? પપ્પા જેવા સીધા માણસ સાથે ગદ્દારી ? અમે તો તમારી ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો હતો અને ક્યારેય તમારો હિસાબ કિતાબ જોયો નથી આ તો સારું થયું સાંવરીને ડાઉટ ગયો અને તેણે બધું ચેક કર્યું પપ્પાને આ વાતની ખબર પડશે તો તેમને ખૂબજ દુઃખ થશે અને તમે તો તેમને મોં બતાવવાને લાયક જ રહ્યા નથી માટે જીવનમાં ક્યારેય તેમની સામે ન આવતાં.. નહીં તો, તેમને ભગવાન ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જશે. મારા પપ્પા એટલા દયાળુ છે ને કે, તમે એમનેમ એમની પાસે પૈસાની મદદ માંગી હોત ને તો તેમણે અમને કોઈને જણાવ્યા વગર તમને મદદ કરી દીધી હોત પણ આ તમે શું કર્યું કંપની સાથે ગદ્દારી ?? તમે જે થાળીમાં ખાવ છો તેમાં જ તમે છેદ કર્યા. "
મીતની વાતને વચ્ચે જ અટકાવતાં દિવાકરભાઈ પોતાનો બચાવ કરતાં કહેવા લાગ્યા કે, " સર મોટી દીકરીને પરણાવી અને હવે નાની દીકરીને પરણાવવાની છે અને ધામધૂમથી લગ્ન કરવામાં કેટલો ખર્ચ થાય છે તે તો તમને ખબર જ છે સર...
મીતથી પણ આજે ચૂપ રહી શકાય તેમ નહોતું અને તેનો ગુસ્સો આજે ઓછો થાય તેમ પણ નહોતો એટલે તે ફરીથી બોલવા લાગ્યો કે, " દિવાકરભાઈ પપ્પા દર વર્ષે તમારો પગાર વધારે છે તમારા એક્સપેક્ટેશન કરતાં તમારો પગાર વધારે છે અને હજુપણ તમે પપ્પાની પાસે પૈસા માંગ્યા હોત તો તેમણે તમને ના ન પાડી હોત તમે તમારી દીકરીના લગ્ન માટે પણ એક્સ્ટ્રા પૈસા માંગ્યા હોત તો પણ પપ્પા તમને આપત પણ તમે આ શું કર્યું ? "
દિવાકરભાઈની આંખમાં આંસુ આવી ગયાં તે મીતના પગમાં પડી ગયા અને બોલવા લાગ્યા કે, " મારી ભૂલ થઈ ગઈ સાહેબ મેં ચોરી કરી છે જે માલસ્ટોક કંપનીમાં આવતો હતો તેમાંથી પચ્ચીસ ત્રીસ ટકા માલ હું બારોબાર ગોડાઉનમાંથી જ વેચી દેતો હતો અને તે પૈસા મારા એકાઉન્ટમાં બારોબાર જમા થઈ જતા હતા. મેં બહુ મોટી ભૂલ કરી છે મને માફ કરો સાહેબ મને નોકરીમાંથી ઘરે ન કાઢી મૂકશો ફરીથી ક્યારેય આવું નહીં થાય. " અને દિવાકરભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.
મીત: માફી મારી નહીં આ મેડમ પાસે માંગો અને હવે તમને આગળ નોકરી ઉપર રાખવા કે ન રાખવા તે તેમના હાથમાં છે મારા હાથમાં નથી. તમારી ભૂલ તેમણે પકડી છે મેં નહીં..
અને દિવાકરભાઈ સાંવરીના પગમાં પડી ગયા અને તેને કહેવા લાગ્યા કે, " મને નોકરીમાંથી છૂટા ન કરશો મેડમ પ્લીઝ હું કબૂલ કરું છું કે મેં બહુ ખોટું કર્યું છે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો.."
સાંવરી: તમારા આ કામમાં તમે એકલા જ સંડોવાયેલા છો કે કંપનીનું કોઈ બીજું માણસ પણ છે ?
દિવાકરભાઈ: જી ના મેડમ હું એકલે હાથે જ આ બધું કરતો હતો. મારે એકલાએ જ આ કંપની સંભાળવાની હતી એટલે મારે કોઈને કશું કહેવાની કે કોઈની મદદ લેવાની કદી પણ જરૂર પડતી જ નહોતી.
સાંવરી: સારું ચાલો, દિવાકરભાઈ હવે કેટલા સમયથી આ બધું ચાલી રહ્યું છે અને તમે કેટલો માલસ્ટોક આઘોપાછો કર્યો છે અને કંપનીના માલનો ટોટલ હિસાબ મને હમણાં ને હમણાં જ બતાવો.
દિવાકરભાઈ: જી મેડમ, મારા લેપટોપમાં બધું જ છે હું આપને બતાવી દઉં.
સાંવરી: તમે તો કહેતા હતા ને કે તમે આજે લેપટોપ લઈને નથી આવ્યા ?
દિવાકરભાઈ: જી મેડમ એ તો હું પકડાઈ જવાની બીકમાં ખોટું બોલી રહ્યો હતો હું લેપટોપ લઈને જ આવ્યો છું.
અને દિવાકરભાઈ પોતાનું લેપટોપ લેવા માટે પોતાની કેબિનમાં ગયા અને લેપટોપ લાવીને તેમણે બધો જ હિસાબ સાંવરીને બતાવી દીધો અને આમ સાંવરી વિચારી રહી હતી કે, સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે છે.
સાંવરીએ પોતાની આવડત અને આગવી સૂઝથી કંપનીના લાખો રૂપિયાનું નુકસાન થતું આજે બચાવી લીધું હતું અને કંપનીમાં દરેક એમ્પલોઈને એવી ખબર પડી ગઈ હતી કે, સાંવરીમેમ ઓવર સ્માર્ટ છે તેમની નજર નીચેથી કશું ખોટું જાય તેમ નથી અને તેમને કોઈ પહોંચી વળે તેમ પણ નથી.
બસ આ બધું પૂરું થયું એટલે સાંવરીના દિલોદિમાગમાં કેટલાય દિવસથી આ બધી એકની એક વાતો ઘુંટાયા કરતી હતી તેની ઉપર ફૂલસ્ટોપ વાગી ગયું અને તેણે રાહતનો શ્વાસ લીધો.
દિવાકરભાઈએ જે કર્યું તેનાથી કેટલા પૈસાનું કંપનીને નુકસાન ગયું તેનો આંકડો તે કાઢી રહી હતી અને તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે ફોન ઉપાડ્યો અને વાત કરતાં કરતાં તે પોતાની ચેર ઉપરથી ઉભી થઈ ગઈ.. અને થોડી ચિંતામાં ડૂબી ગઈ...
કોનો ફોન હશે ? એવા શું સમાચાર તેણે સાંભળ્યા હશે કે તે ચિંતામાં ડૂબી ગઈ ? જોઈએ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
9 /4/24