Udaan - 17 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 17

The Author
Featured Books
Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 17

વસંત ખીલી ઉઠી ભાગ 2


મોબાઈલ હાથમાં લઈ પ્રણવ બાલ્કનીમાં ગયો. બાજુની બાલ્કનીમાં તે યુવતી હાથમાં મોબાઈલ લઈ ઊભી હતી. પ્રણવને જોઈ તે હસી. પ્રણવને ખાતરી થઈ કે આ યોગ્ય જગ્યાએથી જ મેસેજ આવ્યો છે.તેણે રીપ્લાય કર્યો.

પ્રણવ : " ઓકે મેસેજ કરી વાત કરવામાં તું કમ્ફર્ટ છે..?"

પ્રતિક્ષા : હા

પ્રણવ : પ્રતિક્ષા..! તેં મને બહુ પ્રતિક્ષા કરાવી.

પ્રતિક્ષા : સૉરી પ્રણવ..!

પ્રણવ : એક વાત કહું..?

પ્રતિક્ષા : હા બોલ

પ્રણવ : હું રોજ બાલ્કનીમાં રહી તારી પ્રતિક્ષા કરતો હતો. ક્યાં ગઈ હતી તું ?

પ્રતિક્ષા : ક્યાંય નહીં.

પ્રણવ : તો બાલ્કનીમાં કેમ આવતી નહોતી..?

પ્રતિક્ષા : હું નહોતી ઇચ્છતી કે આપણી વચ્ચે વાત થાય.

પ્રણવ : કેમ..? શું ખામી હતી મારામાં..? હું ના ગમ્યો..?

પ્રતિક્ષા : ના ના તારામાં કોઈ ખામી નથી.

પ્રણવ : તો કેમ મને આટલો તડપાવ્યો..? હું રોજ બાલ્કનીમાં આવતો તને જોવા..રોજ તારા મેસેજ કે કૉલની રાહ જોતો.

પ્રતિક્ષા : હા, ખબર છે મને.

પ્રણવ : તો કેમ આટલી રાહ જોવડાવી મને..?

પ્રતિક્ષા : મને એમ કે થોડા દિવસો વીતશે એટલે તું મને ભૂલી જઈશ.

પ્રણવ : અરે કેવીરીતે હું ભૂલું..? પહેલીવાર તો મને કોઈ પ્રત્યે આટલું સ્નેહ ઉભરાયું છે..!
અરે કેવીરીતે હું ભૂલું..? પહેલીવાર તો કોઈને જોઈને આ દિલ પાગલ થયું છે..!
અરે કેવીરીતે હું ભૂલું તને..? પહેલીવાર તો કોઈને માટે અદ્દભુત કહી શકાય તેવી લાગણી અનુભવું છું..!

પ્રતિક્ષા : આ ઠીક નથી. મારી હકીકત જાણ્યા વગર..મને ઓળખ્યા વગર તું આવું બોલે છે. તું મને પ્રેમ ન કરી શકે.

પ્રણવ : પ્રેમ ન કરી શકું..? પ્રેમ પૂછીને થોડો થાય પગલી..?

પ્રતિક્ષા : મારી હકીકત જાણ્યા પછી તારો બધો પ્રેમ ઓસરી જશે. આજ સુધી મારી સાથે આ જ થતું આવ્યું છે. મારી સુંદરતા જોઈ સૌ કોઇ મારા પ્રેમમાં પડી જાય છે. પણ મારી હકીકત જાણી તેમનો પ્રેમ બાષ્પ બની ઉડી જાય છે.

પ્રણવ : એવી તો શું છે તારી હકીકત ?

પ્રતિક્ષા : હું બોલી શકતી નથી. હું મૂંગી છું.

પ્રતિક્ષાનો મેસેજ વાંચી થોડીવાર તો પ્રણવ પણ જાણે મૂંગો બની ગયો.

પ્રતિક્ષા : શું થયું..?

પ્રણવ : કંઈ નહીં. પછી વાત કરું.

પ્રતિક્ષા : થઈ ગઈને બોલતી બંધ..! બસ આ જ કારણથી હું તને કોઈ ભાવ નહોતી આપતી.

પ્રણવ તો અવાક રહી ગયો ને મનમાં જ વિચારોનો જાણે પ્રલય આવવા લાગ્યો,"પહેલી વાર કોઈ છોકરી માટે હું સ્નેહની લાગણી અનુભવવા લાગ્યો હતો અને તે મૂંગી નીકળી. ના ના..એક મૂંગી છોકરીને મારી જીવન સંગીની હું કેવીરીતે બનાવી શકું? મારા મોમ ડેડ ક્યારેય તેને નહીં સ્વીકારે..અને આ સમાજ..! તેને તો ક્યાંય ના પહોંચી શકાય." આટલું વિચારતા તો તે સાવ વ્યાકુળ થઈ ગયો. શું કરવું શું નહીં તેને સમજાતું નહોતું.

આમને આમ એક અઠવાડિયુ પસાર થઈ ગયું. પ્રણવ અને પ્રતિક્ષા વચ્ચે કોઈ જ વાર્તાલાપ ન થયો. પ્રતિક્ષા તો રોજ બાલ્કનીમાં આવતી કસરત કરવા પણ પ્રણવ હવે બાલ્કનીમાં પગ પણ મુકતો નહીં.

રવિવારની બપોરે પ્રતિક્ષાના મોબાઈલમાં પ્રણવનો મેસેજ આવ્યો. પ્રણવે તેને પાસેના ગાર્ડનમાં સાંજના પાંચ વાગે મળવા બોલાવી.

પ્રણવનો મેસેજ વાંચ્યો. પણ તેણે કોઈ જ રીપ્લાય આપ્યો નહિ. આ બાજુ પ્રણવને પણ વિશ્વાસ હતો કે પ્રતિક્ષા જરૂરથી આવશે. સાંજે પાંચ વાગે પ્રણવ પહોંચી ગયો.

સાંજના સમયે ગાર્ડનમાં ઘણા લોકોની ચહલપહલ હતી. પ્રણવ પ્રતિક્ષાની પ્રતિક્ષા કરતો હતો.થોડી જ વારમાં પ્રતિક્ષા પણ આવી ગઈ. બંનેએ હસીને એકબીજાનું અભિવાદન કર્યું. પછી બંને ગાર્ડનમાં ચાલવા લાગ્યા.

" મારે તને કંઇક કહેવું છે. તું કમ્ફર્ટ ફીલ કરી રહી છે ?"

પ્રતિક્ષાએ ધીમું હસીને હકારમાં મોઢું હલાવ્યું અને થોડે દુર રહેલ બેઠક પર જઈ તે બેસી ગઈ. પ્રણવ પણ તેની પાસે જઈ બેસી ગયો. પ્રતિક્ષાએ ઈશારાથી પ્રણવને બોલવાનું કહ્યું.

" ઉપર જો..આ વિશાળ આકાશ..! કેટલું શાંત છે..! એટલું જ શાંત હતું મારું મન..! પણ જ્યારથી તને બાલ્કનીમાં જોઈ ત્યારથી સમુદ્રના મોજાંની જેમ ઉછાળા મારવા લાગ્યું છે મારું મન..! તને રોજ બાલ્કનીમાં એક્સરસાઇઝ કરતી જોવાની મને આદત પડી ગઈ હતી. તું દેખાતી બંધ થઈ ગઈ તો હું વ્યાકુળ થઈ જતો. સવાર સાંજ તને જોવા તારી બાલ્કનીને તાકતો. જ્યારે તું મને ફરી દેખાઈ તો ફરી ખુશીથી ઉછળી પડ્યું મારુ મન.., પણ જ્યારે તે તારી હકીકત મને જણાવી ત્યારે હું અવાક રહી ગયો. તારી સુંદરતાને પ્રેમ કરું ને તારી ખામીને જાણી તારી અવગણના કરું તેવો સ્નેહ નહોતો મારો..! મારા માતાપિતા અને સમાજ તને મારી પત્ની તરીકે સ્વીકારશે કે નહીં..? તે અવઢવમાં હતો. મેં તેઓનો વિચાર કરી તને ભૂલવાનો પ્રયત્ન પણ કર્યો. પણ હું નિષ્ફળ રહ્યો...!છેલ્લા એક અઠવાડિયાથી ભલે હું બાલ્કનીમાં નહોતો આવતો પણ ડોકાચિયા કરી તને રોજ જોઈ લેતો..!" પ્રણવે પ્રતિક્ષાની આંખોમાં જોતા હસીને કહ્યું.

પ્રતિક્ષા ચુપચાપ તેને સાંભળી રહી હતી. પ્રણવની વાતો સાંભળીને તે ધીમું ધીમું મલકાઈ રહી હતી અને એકીટશે તેને જોઈ રહી હતી. ત્યાં જ પ્રણવે પ્રતિક્ષાનો હાથ પકડીને રોમેન્ટિક અંદાજમાં કહ્યું.

" પ્રતિક્ષા..! હું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તારી વાણી..તારી વાચા..તારો અવાજ બનવા માંગુ છું..શું તું મને તારો હિસ્સો બનાવીશ..?"

પ્રતિક્ષા આશ્ચર્યચકિત થઈ ગઈ. પ્રણવને જોઈને પહેલીવાર તેને સાચા પ્રેમનો અહેસાસ થયો. નવાઈથી તેં પોતાના બન્ને હાથ મોઢા પર રાખી હસી રહી હતી. તેની આંખોમાં આજ ખુશીના આંસુ આવી ગયા હતા. તેણે હકારમાં મોઢું હલાવી પ્રણવના પ્રેમનો સ્વીકાર કર્યો. થોડીવાર બંને ચૂપ થઈ ગયા પછી બન્ને એકબીજાનો હાથ પકડી ચાલતા થયા. બન્નેમાં રહેલી પ્રેમની છુપી વસંત તે સાંજે ખીલી ઉઠી અને આખા ગાર્ડનને મહેકાવી ગઈ.

ખુશ રહો..ખુશહાલ રહો..!😊🙏

🤗 મૌસમ 🤗