Udaan - 14 in Gujarati Anything by Mausam books and stories PDF | ઉડાન... એક સકારાત્મક વિચારોની - 14

The Author
Featured Books
Categories
Share

ઉડાન... એક સકારાત્મક વિચારોની - 14


પરિસ્થિતિને સમજો

એક ગામ હતું. ત્યાં છગન,મગન અને ચમન એમ ત્રણ મૂર્ખા રહેતા હતા. કામના બહુ આળશું. બધા એમને રોજ કહેતા કે આમને દુનિયાદારીનું કોઈ ભાન નથી.ત્રણેયને ખૂબ ખોટું લાગતું.એક દિવસ ત્રણેય સાંજે છગનના ખેતરમાં મળ્યા.


છગન : અલ્યા બધા આપણને કહે જાય છે કે આમને દુનિયાદારી નું ભાન નથી. તો સાલું આ દુનિયા દારીનું ભાન આવે ક્યાંથી..?

મગન: શું યાર..! એટલી ખબર નથી..? દુનિયા ફરીએ એટલે દુનિયાદારીનું ભાન આવે..!

ચમન : તો અલ્યા હેડોને આપડે પણ દુનિયા ફરી આઈએ..! આ રોજ રોજ લોકો બોલ બોલ કરે એ તો બંધ થાય..!

મગન : હાહરુ.. તારી વાત તો હાચી હો..! લોકો આપણન હમજસ એવા કોય ગોડા નહીં આપડે...!

છગન : કાલ હવારે થઈ જો તૈયાર.. ઉપડી જઇએ એની બુન..!

ચમન : પણ અલ્યા ખબર ચમની પડશે ક દુનિયા ચો શરૂ થાયસ અન ચો પુરી..!

મગન : શું લ્યા ચમનીયા તુયે.. નેહાર માં પેલી જાડી બેને નતું હિખવાડ્યું..? આ પુથ્વી ગોળ સ ઈમ.. ભૂલી જ્યો..?

છગન : હાસ્તો.. આપણે નેહારની ડાબી કોર થી હેડવાનું ચાલુ કરહુ તો હોજ હુંદી માં તો આપડે ઘેર..!

ત્રણેય મિત્રો સવાર પડતા જ નહીં ધોહીને તૈયાર થઈ ગયા. બધા શાળાના દરવાજા આગળ ભેગા થયા. ત્યાંથી ડાબી બાજુથી તેઓએ ચાલવાનું શરૂ કર્યું. થોડે દુર જતા એક ખેતર આવ્યું. ત્યાં ચાર માણસો ભેગા થઈ લાકડા સળગાવી કંઇક કરતા હતા. આ ત્રણેય મિત્રો તેમની પાસે પહોંચી ગયા.

ચમન : અલ્યા..હુ કરો હો..? જાણવાની ઉત્સુકતા સાથે પૂછ્યું.

ખેતરનો માણસ : અરે..આવો આવો..! આ ભૂખ લાગી હતી તો ભેગા થઈ શક્કરિયા શેકીએ છીએ.

મગન : ઓહ.. ઓમ..ભેગા થઈ વચમાં લાકડા હળગાવી શક્કરિયા શેકાય ઇમ ન..?

ખેતરનો માણસ : હા ભઈ.. ઈમ.. જ ..હો..

આટલું કહી તેણે ત્રણેયને શક્કરિયા આપ્યા.ત્રણેય શક્કરિયા ખઈ આગળ વધ્યા. રસ્તામાં વાતો કરતા.

મગન : જોયું ..ચમનીયા...! ઓમ વચમાં હળગતું હોય ન આજુબાજુ બધા બેઠા હોય તો શક્કરિયા શેકતાં હોય..યાદ રાખજે પાસો..

એવામાં નદી કિનારે ત્રણેય પહોંચ્યા. ત્યાં કંઈક સળગતું હતું. ને ઘણા બધા માણસો આજુબાજુ ઉભા હતા.

ચમન : હું કરો છો અલ્યા..? શકરીયા શકો છો..?

છગન : બહુ મોટા પાયે શકરીયા શેકાય છે હો..!

નદી કિનારે ઊભેલા માણસોએ આ ત્રણેયને ખૂબ માર્યા. અને કહેવા લાગ્યા કે અહીં જવાનજોધ માણસ મરી ગયો છે ને તને શકરીયા દેખાય છે..? છગન મગન અને ચમન તો જીવ બચાવી ત્યાંથી ભાગ્યા.

છગન : અલ્યા આતો આપણને માર પડ્યો. અવ બરાબર ધોન રાખવું પડશે હો..

ચમન : થોડું વધાર હળગતું હોય.. અને આજુબાજુ વધુ લોકો હોય. તો સકરીયા ના શેકાતા હોય...! ઈતો મળદુ બળતું હોય.. મગનિયા યાદ રાખજે હો..

આટલું વિચારી ત્રણેય આગળ નીકળ્યા. એવામાં એક મોટુ મંદિર આવ્યું. મંદિરના ચોક આગળ હવન થતા હતા. ચારે બાજુ બ્રાહ્મણ આહુતી આપવા બેઠા હતા. આ ત્રણેય ત્યાં પહોંચી ગયા.

મગન : શું કરો છો લ્યા..? બહુ બધા ભેગા થયા છો..! કોઈ મોટો મોણહ મરી ગયો છે ક શું..?

છગન : ગોમ નો કોઈ મોટો વડીલ મરી ગયો હશે.. એટલ આટલા બધા લોકો ભેગા થયા સ..!

આ ત્રણ મૂર્ખાઓની વાતો સાંભળી આહુતી આપતો બ્રાહ્મણ તો ખૂબ ગુસ્સે થયો. તે તો આહુતિ આપવાનો ડોયો લઈને જ ત્રણેય ને મારવા લાગ્યો અને બોલવા લાગ્યો, " અહીં માતાજીના નવચંડી યજ્ઞ થાય છે ને તને મડદા દેખાય છે...?" આ જોઈ બીજા બ્રાહ્મણ પણ ત્રણેય ને મારવા લાગ્યા. છગન મગન અને ચમન તો ત્યાંથી જીવ બચાવી ભાગ્યા.

ચમન : અલ્યા મગનીયા..! હારુ માર પડયો આ તો...!

મગન : હા લ્યા..! અવ બરાબર યાદ રાખવાનું.. વચમાં હળગતું હોય અને ચારે બાજુ બોમણ ઘી ઓમતા હોય... તો મડદૂ ના બળતું હોય.. પણ નવચંડી યજ્ઞ થતા હોય.. યાદ રાખજે છગનીયા..!

આટલી ચર્ચા કર્યા બાદ તેઓ આગળ વધ્યા. થોડેક દૂર એક ગામ આવ્યું. ગામના સીમાડે કોઇ ગરીબનું ઝૂંપડું સળગવા લાગ્યું. આ બધા લોકો ડોલમાં પાણી ભરી ભરી આગ બુઝાવવા ઝુંપડા પર પાણી છાંટતા હતા. આ ત્રણેય મૂર્ખાઓ ત્યાં પહોંચી ગયા.

છગન : અલ્યા મગન...! ઑય તો બહુ મોટા પાયે હવન થતો હોય એવું લાગ સ... જો તો ખરા.. લોકો ડોલે ને ડોલે ઘી હોમે સે..

મગન : હા હો .. છગનીયા..!

આ વાત સાંભળીને એક ભાઈએ હાથમાં રહેલી ડોલથી ત્રણેયને ખૂબ માર્યા.. અહીં કોઈ ગરીબીનું ઘર સળગે છે ને તમને હવન થતા દેખાય છે..? ભાગો મૂર્ખાઓ..અહીંથી ભાગો..! આ ત્રણેય જણા તો માંડ માંડ ત્યાંથી જીવ બચાવી ભાગ્યા..

ચમન : હાહરુ બહુ માર પડસ.. અલ્યા..? કોય દુનિયા નઈ જોવી..હેંડો ઘેર હઉ હઉના..! દુનિયા જોવા જઈસુ તો માર ખઈ ખઈ અડધા થઈ જઈશું..

મગન અને છગન : હા હો..હેંડો આપડતો પાસા જઈએ..નઈ જોવી દુનિયા બાપ..! આપડા તો લોકોએ ઢેકા જ ભાગી દીધા..હજુય દુખે..મારુ હારુ..હેંડો ઘેર..! ઓહ..બાપ રે...!

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

મારા વ્હાલા વાચક મિત્રો આ રમૂજ ભરી વાર્તા દ્વારા હું આપ સૌને એ સમજાવા માંગુ છું કે કોઈપણ વસ્તુ કે શબ્દનો અર્થ હંમેશા એકસમાન નથી હોતો. પરિસ્થિતિ પ્રમાણે તેનો અર્થ બદલાય છે. અહીં વાર્તામાં અગ્નિનો અર્થ ચાર જુદી જુદી જગ્યાએ જુદો જુદો થાય છે. કેમ કે અગ્નિનું સ્થળ અને પરિસ્થિતિ બદલાય છે. આપણા જીવનમાં પણ આવું જ થતું હોય છે. કેટલાક સાચી વસ્તુ કે વાત જાણ્યા વગર જ અન્ય પર ખોટા આક્ષેપો લગાવી દેતા હોય છે. આપણે આવું ન કરતા પરિસ્થિતિ ને સમજવાની કોશિશ કરવી જોઇએ.

હંમેશા આ વસ્તુ યાદ રાખજો..

* જરૂરી નથી કે ખૂબ હસતો માણસ ખરેખર ખુશ જ હોય..! કદાચ તે બીજાથી પોતાના દુઃખને છુપાવવાની કોશિશ પણ કરતો હોય.
* જરૂરી નથી કે આંસુ સારતો દરેક વ્યક્તિ દુઃખી જ હોય..! ખુશીના પણ આંસુ આવતા હોય છે.

આપ સૌ ને મારી વાર્તા કેવી લાગી તે જરૂરથી જણાવજો.. always be happy.. always keep smiling...☺️😊😃

🤗 મૌસમ 🤗