vaishyalay - 24 in Gujarati Fiction Stories by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | વૈશ્યાલય - 24

Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

વૈશ્યાલય - 24

અંશ જેવો વૃદ્ધાના કોઠા પર ગયો સામેથી એક મૂછડ આવતો દેખાયો. અંશને જોઈ મોઢું ફેરવી સ્પીડમાં અંશની બાજુમાંથી પસાર થઇ ગયો. વૃદ્ધા રોજની માફક આજે પણ એ જ જગ્યા પર બેઠી હતી. એક વૈશ્યાના દેહ પરથી સુંદરતા લુપ્ત થઈ જાય એ પછી ગ્રાહક મળતા નથી અને એ જગ્યા પર રહીને જ એ નિવૃત થઈ જતી હોઈ છે.

"અરે આજે તો તુ ખુબ મોડો આવ્યો, તારો મિત્ર નથી આવ્યો કે શું..." વૃદ્ધા એ અંશને આવકાર આપ્યો...

"ના, આજે એ નથી આવ્યો... તમને કેમ છે..?"

ઔપચારિકતા દાખવતા અંશે પૂછી લીધું.

"જેવા કાલે હતા એવા આજે છીએ, બસ ખુશી એ વાતની છે કે એક દિવસ જીવનનો ટૂંકો થયો."

વૃદ્ધાના શબ્દોમાં જીવનની હતાશા હતી.

"ચમેલી.... ઓ.... ચમેલી... એક ખુરશી લાવ....?

"હા લાવી માસી..."

ચમેલી ખુરશી લઈ આવી. ખુરશી મૂકી પ્રશ્નાર્થ ભરી અંશ તરફ નજર નાખી અને અંદર જતી રહી. ચમેલી પણ આંખોથી કદાચ પૂછી રહી હોઈ કે આજ તારો મિત્ર કેમ નથી આવ્યો...

"તમારા માતાના દેહાંત પછી તમે શું કરતા હતા..?"

અંશે સીધો જ પ્રશ્ન પૂછી લીધો...

"તને તો ઘણી ઉતાવળ છે હો..."

દાંત વગરના ચહેરા પર સ્મિત લાવી વૃદ્ધા બોલી.

"ચાલ સાંભળ... જીવનમાં એકલતા વ્યાપી ચુકી હતી. મૃત માણસની જે કઈ ક્રિયા કરવાની આવે એ તમામ ક્રિયા મારી અથાશક્તિ પ્રમાણે કરી હતી. થોડા દિવસની રજા કામ પરથી પડી એટલે મને નોકરી માંથી કાઢી મૂકી. હવે મારે બીજું કામ શોધવાનું હતું. કામની શોધવામાં મને ઘણા ખરાબ અનુભવ થયા. હરેક માણસની નજર મારાં વિકસતા સ્તન પર અટકી જતી હતી. જેમ તેમ કરે એક જગ્યા એ મને કામ મળ્યું. એક શેઠ હતો. મોટો વેપાર તેનો. એનો પૂરો પરિવાર મુંબઈમાં રહેતો એ અઠવાડિયામાં બે ત્રણ દિવસ અહીંયા આવતો. મારાં બાજુમાં રહેતા એક કાકા મને ત્યાં લઈ ગયા અને કામ ની વાત કરી. ખૂહ ભલી છોકરી છે, હમણાં જ બિચારીની માઁ મરી ગઈ. શેઠ કામ પર રાખો તો મહેરબાની થશે. શેઠે મારી પર ઊડતી નજર કરી અને થોડીવારમાં મૌન રહી હા કહી. મને શેઠની નજર સમજાય નહીં.

બીજે દિવસે મેં કામે જવાનું ચાલુ કર્યું. કચરા પોતા, વાસણ, ફુલછોડને પાણી પાવાનું. શાંતિ હતી, કોઈ રોકટોક કરવાવાળું નહોતું. શેઠ જયારે મુંબઈ હોઈ ત્યારે ઘરની બહારનું જ કામ હતું. જયારે શેઠ હોઈ ત્યારે એમના કપડાં ઘોવાના, વાસણ કરવાના, ઘર અંદર કચરા પોતાનું કામ વધી જતું. પણ શાંતિ હતી."

આટલુ બોલી એ હાંફી રહ્યા હતા. નીચે રાખેલ પાણીના જગ માંથી પાણીનો અડધો પ્યાલો ભરી હોઠ પર રાખ્યો અને ધીરેધીરે ઘૂંટ થી પાણી ગળે ઉતારવા લાગ્યા જાણે પોતાના ભૂતકાળને ગળે ઉતારતા હોઈ. અંશની નજર નીચી હતી. પોતાના બન્ને હાથની આંગળીઓના નખ ને ઘસી રહ્યો હતો. થોડા વિરામ બાદ વૃદ્ધા પોતાના ભૂતકાળમાં ફરી ગરકાવ થઈ ગયા.

"બધું જ બરોબર ચાલી રહ્યું હતું. શેઠ પણ ખુબ પ્રેમાળ હતા. મારાં હાલચાલ પૂછતાં, મારાં પરિવાર અને મારી માઁ વિશે પૂછતાં. મને ખાસો એવો પગાર પણ મળી જતો. મને સંતોષ હતો. મારાં કામથી અને મળતા વેતનથી. શેઠને સાંજે શરાબ પીવાની ટેવ, પીધા પછી ક્યારેય એમનો શબ્દ કે પગ લથડીયા ખાતો નહીં.

ધીરે ધીરે શેઠ મારી તરફ નજીકતા વધારવા લાગ્યા. મને પણ ગમતું કે મારાં વિશે કોઈ જાણવાની કોશિશ કરે છે. મને માન સાથે આદર સાથે કોઈ બોલાવે છે. માઁ સિવાય કોઈ સાથે મેં ખુલીને વાત જ નથી કરી પણ શેઠના મીઠાં શબ્દોમાં હું ખેંચાતી જતી હતી. જયારે શેઠ મુંબઈ જાય એ દિવસોમાં મને કામ કરવું ફાવતું નહીં. ખબર નહીં પણ એનો કંઈક જાદુ હતો. એમના સાથે વાત કરવાની મને ટેવ પડી ગઈ હતી.

એકવાર શેઠ પૂરું અઠવાડિયુ આવ્યા જ નહીં. મને બેચેની વધી ગઈ. કદાચ શેઠ સાથે.... અરે ના... ના... એવું ન વિચારાય. કંઈક કામ હસે એટલે રોકાયા હસે મુંબઈ. બાકી એ આવી જ જાય. શેઠને બે દીકરા હતા, એક પત્ની હતી. એનું નામ સરલા હતું. સરલા ખુબ જિદ્દી એવું શેઠ કહેતા. બન્ને છોકરા વિદેશમાં ભણતા હતા. મને એવું વધુ ખબર પડે નહીં એટલે હું ભણવા વિશે કઈ પૂછતી નહીં.

સવારે નાહી ધોઈ, દિવાબત્તી કરી હું કામે ગઈ. ઘરના ગેટનો લોક ખુલ્લો હતો. શેઠ આવી ચુક્યા હોઈ એવું લાગતું. અંદર જઈ જોયું શેઠ સોફા પર આંખ બંધ કરી પડ્યા હતા. ચહેરા પર તનાવ હતો. કદાચ મુસાફરીને કારણે હસે. હું મારાં કામમાં લાગી ગઈ. શેઠે અવાજ કર્યો... એક ગ્લાસ પાણી આપતો.. મેં કહ્યું થોડીવારમાં ખમો પાણી ગાળવું પડશે. નવ દિવસથી ઘર બંધ છે. મેં પાણી ગાળી ને ગ્લાસ ભરી આપ્યું. શેઠ બેઠા થયા. આંખો થોડી લાલ હતી. પાણીની ગ્લાસ હાથમા લઈ પીવા લાગ્યા. હું મારાં કામમાં પરોવાય ગઈ.

કામ પૂરું થતા બપોર થઈ ગઈ. હું પણ થોડો આરામ કરવા બેઠી. આજ કામ વધુ હતું. નવ દિવસની ધૂળ ફર્નિચર પર ચડી ગઈ હતી. અને ઘરમાં કોહવાયેલ હવાની ગંધ પણ આવતી હતી. તમામ બારી બારણાં ખોલી નાખ્યા હતા મેં. ફરીવાર કામે લગતા મેં શેઠને પૂછ્યું, શું થયું શેઠ... ઉદાસ ઉદાસ છો તમે. ક શેઠ કઈ બોલ્યા નહીં. મેં પણ બીજીવાર પૂછવાની હિંમત ન કરી. હું કામ કરતી હતી. શેઠે મને બોલાવી. બેશ અહીંયા. હું ઉભી રહી શેઠની સામે. અરે બેશને.. મારે વાત કરવી છે... હું નીચે બેસી ગઈ. શેઠ મારો હાથ પકડી મને સોફા પર બેસવા કહ્યું પહેલીવાર શેઠે મારી હાથ પકડ્યો હતો. મને કંઈક પોતીકું લાગ્યું. એટલે મેં હાથ પાછો ન ખેંચ્યો અને સોફા પર બેસી ગઈ. થોડીવાર ગર્ભિત મૌન ધારણ કરી શેઠ બેઠા અને પછી કહ્યું તને ખબર છે. આટલા દિવસ કેમ હું અહીંયા ન આવ્યો? મેં ના માં માથું હલાવ્યું. શેઠે કહ્યું, મારી પત્ની.......


ક્રમશ: