એક ગામ હતું. તે ગામમાં બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ની બિલકુલ બાજુ માં એક રબારી રહેતો હતો. બ્રાહ્મણ આખો દિવસ પૂજાપાઠ અને ભગવાનની ભક્તિમાં મગ્ન રહેતો હતો, જ્યારે રબારી સામાન્ય જીવન જીવતો હતો. રબારી રોજ સવારે ગાયો ચરાવવા જતો અને છેક સાંજે ઘરે આવતો. આમ છતાં બ્રાહ્મણ અને રબારી બંને એકબીજાના ખાસ મિત્ર બની ગયા હતા.
એક વખત બ્રાહ્મણને ચાર દિવસની યાત્રા પર જવાનું થયું. પરંતુ બ્રાહ્મણ ખૂબ વિમાસણમાં હતો. બ્રાહ્મણ ને આમ જોઈ રબારી એ તરત કહ્યું, શું થયું ભાઈ...? શાની ચિંતામાં છે..?
બ્રાહ્મણે તરત કહ્યું , ચાર દિવસ યાત્રા કરવા માટે જવાનું છે તો મારા ભગવાનની સેવા-પૂજા કોણ કરશે..? બસ એ જ ચિંતામાં છું.
રબારી એ કહ્યું, અરે..! આટલી વાતમાં શું ચિંતા કરવાની..? પાડોશી પાડોશીને કામ નહિ આવે તો કોણ આવશે..? તું મને એટલું સમજાવી દે કે તારા ભગવાનની સેવા પૂજા કેવી રીતે કરવાની છે, હું તારા ભગવાનની સેવા-પૂજા સારી રીતે કરી લઈશ.
મારા ભગવાનની સેવા-પૂજા કરવી એટલી સહેલી નથી. સમયસર બધું કામ થવું જોઈએ. જ્યારે તું તો સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જાય છે. આમ, ચિંતા વ્યક્ત કરતાં બ્રાહ્મણે કહ્યું.
એવા તે કેવા કામ હોય છે તારા ભગવાનના કે સમય સાચવવો પડે છે..? નવાઈ સાથે રબારીએ કહ્યું.
જો ભાઈ, સવારે મારા ભગવાનને દૂધનો ભોગ ચડે છે. બપોરે 12:00 ભોજન નો ભોગ ચડે છે, ત્યારબાદ સાંજે ફરી દૂધનો ભોગ ચડાવું છું. તેમજ સવાર-સાંજ બે ટાઈમ દિવાબત્તી તો કરવાની જ. અને ભગવાનને ભોગ ચડાવ્યા બાદ જ હું ભોજન ગ્રહણ કરું છું. ભગવાનને ભોજન કરાવ્યા વગર હું અન્નનો એક દાણો પણ લેતો નથી. - બ્રાહ્મણે કહ્યું.
રબારી તો સાંભળી ને વિચારમાં જ પડી ગયો. પછી તેને કહ્યું, કે તું ચિંતા કર્યા વગર ચાર દિવસની યાત્રા કરવા જા. તારા ભગવાનને હું સાચવી લઇશ. ચાર દિવસ તેમને જમાડ્યા વગર જમીશ નહીં આ હું વચન આપું છું.
આમ, બ્રાહ્મણને રબારીની વાત પર વિશ્વાસ આવતા, બ્રાહ્મણ ચાર દિવસની યાત્રા માટે ગયો.
બ્રાહ્મણના કહ્યા મુજબ રબારીએ સવારે ભગવાનની દીવાબત્તી કરી. ત્યારબાદ સવારે રબારી દૂધથી ભરેલો વાટકો તેમની આગળ લઈને મૂક્યો. અને રાહ જોવા લાગ્યો કે હમણાં ભગવાન દૂધ પી જશે. પરંતુ ભગવાન તો આવ્યા નહીં. રબારી ને નવાઈ લાગી અને થોડો ગુસ્સો પણ આવ્યો
રબારી બબડવા લાગ્યો, બ્રાહ્મણ દૂધ પીવડાવે તો ફટાફટ પી જાઓ છો જ્યારે હું વાટકો ભરીને તાજુ તાજુ દૂધ લાવ્યો છું તો પણ તમે પીવા આવતા નથી.
ભગવાને દૂધ ન પીધું હોવાથી રબારી પણ દૂધ પીધા વગર જ ગાયો ચરાવવા ગયો. ગાયો ચરાવી બરાબર બપોરે રબારી ઘરે આવ્યો. કઢી અને બાજરીના રોટલા થાળીમાં પીરસી ભગવાનને જમાડવા ગયો. ભગવાન ને બોલાવવા લાગ્યો કે ભગવાન સવારની જેમ મને રાહ ના જોવડાવો. મારે હજુ ફરીથી ગાયો ચરાવવા જવું છે. ફટાફટ આવી ને જમી જા. મને પણ ભૂખ લાગી છે. પરંતુ ભગવાન આવ્યા નહીં. રબારી ને તો વધુ ગુસ્સો આવ્યો.
રબારી તો બબડવા લાગ્યો, રોજ બ્રાહ્મણ તમને દાળ ભાત શાક રોટલી ખવડાવતો હોય છે, આજે કઢી રોટલા ખાવા પડે એટલે જ તું આવતો નથી મને ખબર પડી ગઈ. પરંતુ કેમ આટલું માન મંગાવે છે, આવતી કાલે મારી બૈરી ને કહીને દાળ ભાત શાક રોટલી બનાવી લાવીશ. આજનો દિવસ કાઢી રોટલા ખાઈ લે ને ભાઈ..!! મને પણ ખૂબ ભૂખ લાગી છે સવારનો હું ભૂખ્યો છું. તુ ખાઈશ નહીં તો હું કેવી રીતે થઈ શકીશ..? આ તો બ્રાહ્મણને વચન આપ્યું છે એટલે મારે પાડવું તો પડે ને...?
આમ છતાં ઘણી રાહ જોયા પછી પણ ભગવાન આવ્યા નહીં. રબારી તો નિરાશ થઈને ભૂખ્યા પેટે જ ગાયો ચરાવવા નીકળી ગયો. રસ્તામાં વિચારતો હતો કે કેમ ભગવાન આવતા નથી..? આ બ્રાહ્મણના ભગવાને તો ખરું કર્યું આજે આખો દિવસ મને ભૂખ્યો રાખ્યો.
સાંજે ફરી દૂધનો કટોરો લઈ રબારી ભગવાનને પીવડાવવા ગયો. ખુબ આજીજી કરી કે હે ભગવાન આવી જા. મને ખૂબ ભૂખ લાગી છે. તું ખાઈશ નહીં તો હું કેવી રીતે ખાઈ શકીશ..? પરંતુ ભગવાન આવ્યા નહીં. રબારી ને તો ગુસ્સો આવ્યો. તે તો લાકડી હાથમાં ઉઠાવીને ભગવાનને મારવા જ જાય છે, અને બોલે છે, અલ્યા તને ભાન નથી પડતું..? સવારનો ભૂખ્યો છું , સવારનો હું તને બોલાવે જોઉં છું પરંતુ આવતો નથી. આજે તો તારે આવવું જ પડશે. આમ કહી તે લાકડી ભગવાનને મારવા જાય છે ત્યાં જ ભગવાન પ્રગટ થઈ જાય છે.
રબારી તો ભગવાનને બોલવા લાગ્યો, કેમ આજે તે મને ભૂખ્યો રાખ્યો..? કંઈ ભાન પડે છે..? મારે કેટલા કામ હોય છે .?
ભગવાને મિઠા સ્મિત સાથે કહ્યું, અરે મારા વાલા ભક્ત ! હું થોડા કામમાં વ્યસ્ત હતો. આથી થોડું મોડું થઈ ગયું. હવે તું બોલાવે ત્યારે તરત આવી જઈશ. તને ભૂખ્યો નહીં રાખું. ચલ લાવ, હવે ભૂખ લાગી છે ફટાફટ દૂધ આપી દે.
પછી તો ભગવાન અને રબારી બંને સાથે દૂધ પીવે છે અને ઘણી વાતો કરે છે.
બીજા દિવસે પણ રબારી જ્યારે ભગવાનને ભોગ ચડાવવા માટે યાદ કરે છે ભગવાન તરત જ હાજર થઈ જાય છે. બંને સાથે ભોજન પણ કરે છે. આમ ને આમ બાકીના ત્રણ દિવસ પણ વીતી ગયા. રબારી રોજ ભગવાનને યાદ કરતો ને ભગવાન હાજર થઇ જતા ને બંને સાથે જમતા.
ચાર દિવસની યાત્રા પુરી કરી બ્રાહ્મણ ઘરે આવ્યો. આવીને તે તો તરત જ રબારી પાસે ગયો અને પૂછવા લાગ્યો, અલ્યા તે મારા ભગવાનની બરાબર સેવા તો કરી હતી ને..?
તરત જ રબારી એ કહ્યું, શું વાત કરું તમને..? પહેલા દિવસ તો તારા ભગવાને મને બહુ હેરાન કર્યો. આખો દિવસ મને ભૂખ્યો રાખ્યો. જમવા જ આવે નહીં. પછી તે દિવસે રાત્રે તો મેં લાકડી ઉઠાવી. તરત જમવા આવી ગયો. પછી બાકીના ત્રણ દિવસ તો તારા ભગવાને મને બિલકુલ હેરાન નથી કર્યો. હું જ્યારે બોલાવતો ત્યારે તરત હાજર થઈ જતો. પછી તો અમે બંને રોજ સાથે જ જમતા. આમ તો તારા ભગવાન બહુ સારા છે હો..! અમે તો બહુ બધી વાતો કરી. હવે તો અમે સારા મિત્ર બની ગયા છે.
રબારી ની વાતો સાંભળી બ્રાહ્મણને તો ખૂબ જ આશ્ચર્ય થયું. તે તો મનમાં વિચારવા લાગ્યો કે ખરેખર ભગવાન આવતા હશે. હું આટલી તન-મન-ધનથી સેવા પૂજા કરું છું છતાં મારી પાસે તો કોઈ દિવસ આવ્યા નથી. જ્યારે રબારી એક દિવસ શું ભૂખ્યો રહ્યો. ને તરત આવવા લાગ્યા.
શીખ : મિત્રો, માત્ર બાહ્ય આડંબરથી ઈશ્વર મળતા નથી. આના માટે તો નિર્મળ મન જોઈએ. નિસ્વાર્થ ભાવ જોઈએ. નિસ્વાર્થ ભાવે કરેલી સેવા પૂજા જ સાચી. બાકી બધો બાહ્ય આડંબર જ છે.
🤗 મૌસમ 🤗