Lucky Tida Joshi in Gujarati Biography by કહાની નંબર વન books and stories PDF | નસીબવંતા ટીડા જોશી

Featured Books
Categories
Share

નસીબવંતા ટીડા જોશી

નસીબવંતા ટીડા જોશી

એક રાજ્યમાં ટીડા જોશી નામના જ્યોતિષ રહેતા હતા. તે લોકોને કહેતા કે તે બધું જ જાણે છે. તે બધાનું ભવિષ્ય કહી શકે છે. તે ઘણા જ નસીબદાર હતા આથી જયારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ બનતું.

રાજ્યના રાજાએ એમના વિષે સાંભળ્યું. રાજાએ ટીડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યા. રાજાએ એમને સારો પગાર પણ આપ્યો.

એક દિવસ રાજા એમની સાથે ટીડા જોશીને રાજ્યના લોકોને મળવા લઇ ગયા. તેઓ એક ખેડૂતના ઘરે જમવા ગયા. ખેડૂતની પત્ની રોટલા બનાવતી હતી. ટીડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલા ટીપાય છે (કેટલી વખત ટપ ટપ થયું) એટલે તેઓ જાણી શક્યા કે કેટલા રોટલા બન્યા છે.

રાજાએ ટીડા જોશીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. રાજાએ ટીડા જોશીને પૂછ્યું કે કેટલા રોટલા બન્યા છે. ટીડા જોશીએ તરત જ જવાબ આપ્યો કે ૧૩ રોટલા બન્યા છે કારણકે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયું. રાજાએ ખાતરી કરી અને ઘણા ખુશ થયા કે ટીડા જોશી સાચા હતા. રાજાએ એમને સારું ઇનામ આપ્યું.

ટીડા જોશી રાજાના મહેલમાં રહીને મજા કરતા હતા. એક દિવસ રાજાનો હાર ચોરાઈ ગયો. મહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી પણ હાર ન મળ્યો. રાજાએ ટીડા જોશીને હાર ક્યાં છે તે જણાવવા કહ્યું. ટીડા જોશીએ એક દિવસનો સમય માંગ્યો.

ટીડા જોશી ઘણા ગભરાઈ ગયા કારણકે એ જાણતા નહોતા કે હાર ક્યાં છે. જુઠ્ઠું બોલવા માટે રાજા સજા કરશે એવા ડરથી તેઓ રાતે ઊંઘી પણ ન શક્યા. તેઓ બબડવા માંડ્યા:

"નીન્દરડી નીન્દરડી આવ".

મહેલમાં "નીન્દરડી" નામની એક સ્ત્રી હતી અને એણે જ હારની ચોરી કરી હતી. ટીડા જોશી તો ઊંઘને નીંદર કહેતા હતા. પણ તે સ્ત્રી સમજી કે ટીડા જોશી જાણી ગયા છે કે એણે જ હાર ચોર્યો છે. તે ટીડા જોશી પાસે આવી અને એમને હાર આપી દીધો. તે માફી માંગવા લાગી. ટીડા જોશી તો માની જ ન શક્યાકે એમના આવા સારા નસીબ છે! એમણે રાજાને હાર આપ્યો. રાજા ઘણા ખુશ થઇ ગયા અને એમને સોનામહોરો આપી.

એક દિવસ રાજા અને ટીડા જોશી ફરવા નીકળ્યા હતા. રાજાએ એક તીડું ઝડપી લીધું અને એમની મુઠ્ઠીમાં મૂકી દીધું. એમણે ટીડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છે. હવે ટીડા જોશી સમજી ગયા કે એમના જુઠ્ઠાણાંનો અંત આવી ગયો છે. રાજાની મુઠ્ઠીમાં શું છે તે કેવી રીતે ખબર પડે? એમણે રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું.

તેઓ ગાવા લાગ્યા:

"ટપ ટપ કરતાં તેર જ ગણ્યા (૧૩ રોટલા ટીપાયા હતા).
નીંદરડીએ આપ્યો હાર (નીંદરડી નામની નોકરાણી).
કાં રાજા તું ટીડાને માર?”

આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે નસીબના જોરે જ એમનું જુઠ્ઠાણું ચાલ્યું છે તો રાજાએ "ટીડા"ને એટલે કે એમને ન મારવા જોઈએ. રાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી તીડું નીકળ્યું! રાજા સમજ્યા કે જોશીએ "તીડા" જ કહ્યું છે! રાજાને લાગ્યું કે ટીડા જોશી બધું જ જાણી શકવાની શક્તિ ધરાવે છે!

ટીડા જોશી આટલા બધા સારા નસીબવાળા હતા!
- કહાની નંબર વન

વાર્તા લખતા વાર લાગે છે. તે માટે ૫‌ માં થી ૫‌ સ્ટાર આપ જો. એવી હું આશા રાખું છું.
લિ.
- કહાની નંબર વન
જય શ્રી રામ , જય શ્રી કૃષ્ણ , ૐ નમઃ શિવાય , જય શ્રી સ્વામિનારાયણ , જય શ્રી હનુમાનજી , રામ રામ , રાધે રાધે .