દર્દી ના ખબરઅંતર કે બખડજંતર ?
આપણે ત્યાં દર્દીના ખબરઅંતર પૂછવા જવાની જે ટેવ તેમજ લાગણી છે એ ખૂબ જ સારી બાબત છે, પણ ઘણી વખત આ લાગણીની જે અતિશયોક્તિ થઈ જાય છે ને તેના લીધે દર્દીનુ દર્દ વધવા લાગે છે ઘટવાના બદલે, તેમજ ઘણા દર્દીના સમાચાર પૂછવાના બહાને જાય છે ને એના આચાર બદલી નાખે છે. આવું જ કાઇંક સર્જાય છે આવા ટાણે, ને એક સાંજે મને મારા ગામમાં સમાચાર મળ્યા કે, મારો પ્રિય મિત્ર મગન બીમાર પડી ગયો છે. એટ્લે હું એના ખબરઅંતર પૂછવા દવાખાને ગયો ને મગન જનરલ હોસ્પિટલ ના દર્દીના રૂમમાં ખૂણાના ખાટલા પર એકદમ દુ;ખી અવસ્થામાં બેઠેલો હતો, પણ મને જોઈ થોડું એનું મોઢું મલકાયું ને મે પૂછ્યું ’ કેમ મગનલાલ, હવે તબિયત કેવી છે ? ડોક્ટર નું તો કહેવું છે કે હવે તબિયત સુધારમાં છે તો કેમ વિલું મોઢું રાખી ને બેઠો છે ? ‘
‘ શું કહું સાહેબ, છેલ્લા પાંચ દિવસથી હું બીમાર શું પડ્યો કે જાણે સગાવહાલાને તો કોઈ મેળે જવાનું જ આમંત્રણ મળી ગયું હોય એમ ભરાઈ ભરાઈ ને સમાચાર પૂછવા આવે છે ને ડોક્ટરે ના પડેલી છતાં એટલું પૂછપૂછ કરે છે કે જવાબ આપવાના લીધે મને ગળા માં સોજો થતાં બે દિવસ વધારે લાગી ગયા ને વળી, અમુક તો સમાચાર પૂછવા આવતા લોકો ફ્રૂટ સાથે લાવવાને બદલે મારૂ જે ફ્રૂટ પડ્યું હતું એ ઝાપટી ગયા છે ને બધાને ચા, પાણી પીવડાવી પીવડાવી ને તો દવાખાનાથી વધારે બિલ તો ચા પાણી નાસ્તા નું આવી ગયું છે ને વળી, અમુક તો એવા વૃદ્ધ ખબરઅંતર પૂછવા આવ્યા કે એમને જોઈને તો મને એમ થયું કે મારા સમાચાર પુછવામાં ક્યાંક એમના દુ;ખદ સમાચાર મને ન મળે થોડાક દિવસમાં, નહીતર હું ફોગટ માં ફેમસ થઈ જઇશ કે, એમના ખબરઅંતર પૂછવા ગયેલા છેલ્લે-છેલ્લે એમાં કરી ને.. ને વળી, ઉપરથી એક-બે જણા નહીં પણ દસ-દસ જણા આવે છે ખબરઅંતર પૂછવા. તેના લીધે હોસ્પિટલ સ્ટાફ પણ મને ચાર વખત તો વોર્નિગ આપી દીધી છે ને એવામાં મારા સાળાની ફેમિલી આવી. સાવ અડધું મગજ ધરાવતી પત્નીને એકદમ મગજ વગર ના તેમજ વાંદરા જેવા એમના ત્રણ દીકરા ! તેઓ જ્યારે મારા ઘરે આવતા ત્યારે પણ તેઓ જ્યારે જાય ત્યારે મારા ઘર ની પાંચ વસ્તુઓ તૂટી જ ગઈ હોય, ને પાંચ રીપેર કરાવવા જેવી થઈ જાય, તેમજ બાકીની પાંચ તો લાપતા જ હોય !’
‘ મેં પૂછ્યું : ‘ પણ હોસ્પિટલમાં શું કર્યું એવું ? ‘
‘ અરે ! વાત જવા દો સાહેબ, વાંદરા જેવા છોકરાઓએ આખી હોસ્પિટલ માથા માથે લીધી. બાજુમાં એક બીમાર ભાઈની લાગેલી નળીઓ કાઢી લીધી ને એટલા તે બૂમબરાડા પાડતા હતા કે, હદય પેશન્ટના તો ધબકારા વધી ગયા હતા ને આવનારા બીજા બધા દર્દીઓના જોડાં (ચંપલ) તો કોઈ ને પાછા ફરતી વખતે તો મળતા જ ન હતાં, ને ડોક્ટર નું ધબકારા ચેક કરવાનું મશીન જ ગુમ કરી નાખ્યું બોલો ! ડોક્ટરે મને ચોખ્ખું જ કહી દીધું કે, હવે બીમાર પડો તો આ હોસ્પિટલ માં ન આવતા, પણ સાળાના છોકરા એટ્લે આપણાથી કાઈ કહેવાય જ નહીં. ‘
હું હસી પડ્યો ને પછી ખબરઅંતર પૂછ્યા તેમજ થયેલું બધુ બખડજંતર પણ જાણ્યું. મિત્રો, આ વર્તણૂકથી જે પ્રતિબિંબ ઝિલાય છે તે ખરેખર સમજવા જેવુ છે કે “ સમાચાર એવા પૂછવા કે, સામેવાળા ના આચાર ન બગડે “.
વાઈડ એંગલ
અફવાહ થી કે મેરી તબિયત ખરાબ હૈ.
લોગો ને પૂછ પૂછ કે બીમાર કર દિયા..
-રાહત ઈંદોરી સાહબ
- રિઝવાન ખોજા
મો 8460109619