Narad Puran - Part 18 in Gujarati Spiritual Stories by Jyotindra Mehta books and stories PDF | નારદ પુરાણ - ભાગ 18

Featured Books
Categories
Share

નારદ પુરાણ - ભાગ 18

સનકે કહ્યું, “હવે હું શ્રાદ્ધની વિધિનું વર્ણન કરું છે, તે સાંભળો. પિતાની મરણતિથિના આગલા દિવસે એક વખત જમવું, ભોંય પર સૂવું. બ્રહ્મચર્યનું પાલન કરવું ને રાત્રે બ્રાહ્મણોને નિમંત્રણ આપવું. શ્રાદ્ધ કરનારાએ દંતધાવન, તાંબૂલભક્ષણ, તૈલાભ્યંગ, સુગંધી દ્રવ્યોનું વિલેપન, મૈથુન, ઔષધસેવન અને પરાન્નભક્ષણનો અવશ્ય ત્યાગ કરવો. માર્ગક્રમણ, પરગ્રામગમન, કલહ, ક્રોધ, ભારવાહન, દિશાશયન- આ સર્વ પ્રવૃત્તિઓ શ્રાદ્ધકર્તા અને શ્રાદ્ધભોક્તાએ છોડી દેવા જોઈએ.

        શ્રાદ્ધમાં વેદને જાણનારા એવા વૈષ્ણવ બ્રાહ્મણને નિયુક્ત કરવો જોઈએ. પોતાના વર્ણાશ્રમ ધર્મને પાળવામાં તત્પર, પરમ શાંત, ઉત્તમ કુળમાં ઉત્પન્ન, રાગ દ્વેષ રહિત, પુરાણોના અર્થને જાણવામાં નિપુણ, પ્રાણી માત્ર પર દયા રાખનારો, દેવપૂજા પરાયણ, સ્મૃતિઓનું તત્ત્વ જાણવામાં કુશળ, વેદાન્તના તત્વોનો જ્ઞાતા, સર્વ લોકોના હિતમાં તત્પર, કૃતજ્ઞ, ઉત્તમ ગુણયુક્ત હોય, તેને શ્રાદ્ધમાં નિમંત્રણ આપવું.

        રોગી, કોઢિયો, ખરાબ નખવાળો, પોતાના વ્રતને ખંડિત કરનારો, જ્યોતિષનો ધંધો કરનારો, મડદાં બાળનારો, ભૂંડું બોલનારો, પરિવેત્તા (મોટો ભાઈ કુંવારો હોય છતાં પોતે લગ્ન કરનારો), પૂજારી, દૃષ્ટ, નિંદાખોર, અસહિષ્ણુ, ધૂર્ત, ગામનો ગોર, અસત શાસ્ત્રોમાં અનુરાગ રાખનાર, પાખંડપૂર્ણ આચરણ કરનારો, કારણ વીણા માથું મુંડાવનારો, પારકી સ્ત્રી અને પારકા ધનનો લોભ રાખનારો, વેદ વેચનારો. વ્રતનો વિક્રય કરનારો, સ્મૃતિઓ અને મંત્રોને વેચનારો, ગવૈયો, માણસોનાં ખોટાં વખાણ કરવા માટે કવિતા કરનારો, વૈદું કરીને જીવન ગુજારનારો, દૂધ-દહીં-ઘી વગેરે રસ વેચનારો, છળકપટ કરનારો- આ સર્વ બ્રાહ્મણો શ્રાદ્ધકાર્યમાં ત્યાજ્ય છે.

        શ્રાદ્ધના આગલા દિવસે અથવા શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને નિમંત્રણ આપવું. શ્રાદ્ધ કરનાર પુરુષે હાથમાં દર્ભ લઇને નિમંત્રણ આપવું.

        શ્રાદ્ધના દિવસે પ્રાત:કાલે ઊઠીને સવારનું નિત્યકર્મ કર્યા પછી વિદ્વાન પુરુષે કુતપકાળમાં શ્રાદ્ધકર્મનો પ્રારંભ કરવો.  (કુતપકાળ – દિવસ પંદર મુહૂર્તનો હોય છે. તેમાં સૂર્યોદય પછી આઠમું મુહૂર્ત મધ્યાન્હકાળ પછી આવે છે. સૂર્યોદય પછી પાંચ કલાક અને છત્રીસ મિનિટ પૂરી થઇ ગયા પછીનો અડતાલીસ મિનિટનો કાળ કુતપકાળ ગણાય છે) ત્વ સમયે પિતૃઓની તૃપ્તિ માટે આપવામાં આવેલું દાન અક્ષય થાય છે.

સાયંકાળે જે દ્રવ્ય પિતૃઓના નિમિત્તે આપવામાં આવે છે, તેને રાક્ષસનો ભાગ બની જાય છે. તે દ્રવ્ય પિતૃઓ પાસે પહોંચતું નથી. તે આપનારો નરકમાં પડે છે અને તેનો ભોક્તા પણ નરકગામી થાય છે.

હે દ્વિજોત્તમ, નિમંત્રિત બધા બ્રાહ્મણો આવી ગયા પછી પ્રાયશ્ચિત કરવાથી શુદ્ધ થયેલા હૃદયવાળા શ્રાદ્ધકર્તા પુરુષે તે પૈકી બે બ્રાહ્મણોને વિશ્વેદેવ શ્રાદ્ધને માટે અને ત્રણને વિધિપૂર્વક  પિતૃશ્રાદ્ધ માટે ફરી નિમંત્રિત કરવા અથવા તો દેવશ્રાદ્ધ અને પિતૃશ્રાદ્ધને માટે એક એક બ્રાહ્મણને જ નિમંત્રિત કરવા. શ્રાદ્ધ કરવા માટે આજ્ઞા લઈને એક એક મંડળ બનાવવું. બ્રાહ્મણ માટે ચાર ખૂણાવાળું, ક્ષત્રિય માટે ત્રિકોણ, વૈશ્ય માટે ગોળ મંડળ બનાવવું જરૂરી છે.

યોગ્ય બ્રાહ્મણોના અભાવમાં ભાઈને, પુત્રને અથવા પોતે પોતાને જ શ્રાદ્ધમાં નિયુક્ત કરવો, પરંતુ વેદશાસ્ત્રના જ્ઞાનથી રહિત બ્રાહ્મણને શ્રાદ્ધમાં નિયુક્ત કરવો નહિ. બ્રાહ્મણોના પગ ધોઈને તેમને આચમન કરાવવું. નક્કી કરેલા આસન ઉપર બેસાડીને વિષ્ણુનું સ્મરણ કરતા રહીને તેમની વિધિપૂર્વક પૂજા કરવી.

હાથમાં જવ અને દર્ભ લઈને ‘विश्वेषां देवानां इदम् आसनम् ‘ આમ બોલીને વિશ્વદેવોને બેસવા માટે આસનરૂપે દર્ભ મુકવો અને પ્રાર્થના કરવી ‘હે વિશ્વદેવો, આપ આ દેવશ્રાદ્ધમાં આપનો સમય આપો અને પ્રતીક્ષા કરો.’

દર્ભની પવિત્રીથી યુક્ત બે પાત્ર લઈને ‘शं नो देवी’ ઈત્યાદિ ઋચાનું ઉચ્ચારણ કરી તેમાં જળ નાખવું. પછી ‘यवोऽसि’ ઈત્યાદિ બોલીને તે પાત્રોમાં જવ નાખવા. ત્યારબાદ કોઈ પણ મંત્ર બોલ્યા વગર તેમાં ગંધ અને પુષ્પ નાખવાં. આ પ્રમાણે અર્ઘ્યપાત્ર તૈયાર થઇ ગયા પછી વિશ્વદેવોને આવાહન કરવું અને મંત્રોથી અભિમંત્રિત અર્ઘ્ય એકચિત્ત થઈ પિતૃઓ અને માતામહ સંબંધી વિશ્વેદેવોને સંકલ્પપૂર્વક ક્રમશ: આપવો.

ત્યારબાદ ગંધ, પત્ર, પુષ્પ, યજ્ઞોપવીત, ધૂપ, દીપ આદિ દ્વારા તે દેવતાઓનું પૂજન કરવું. ત્યારપછી વિશ્વેદેવોની આજ્ઞા લઈને પિતૃઓનું પૂજન કરવું. તેમના માટે હંમેશાં તલ સહિત દર્ભવાળું આસન આપવું જોઈએ. તેમને અર્ઘ્ય આપવા માટે દ્વિજે અગાઉ જણાવ્યા પ્રમાણે ત્રણ પાત્ર રાખવાં. ‘शं नो देवी’ ઈત્યાદિ મંત્રથી જળ નાખીને ‘तिलोऽसि सोमदैवत्यो’ ઈત્યાદિ મંત્રથી તલ નાખવા. પછી પિતૃઓનું આવાહન કરીને અર્ઘ્યને અભિમંત્રિત કરીને પૂર્વવત સંકલ્પપૂર્વક પિતૃઓને અર્પણ કરવો. (અર્ઘ્યપાત્ર ઉલટાવીને પિતૃઓની ડાબી બાજુએ મૂકવું જોઈએ.)

ત્યારબાદ ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, વસ્ત્ર અને આભૂષણથી પોતાની શક્તિ અનુસાર તે સર્વની પૂજા કરવી. તે પછી ઘી સાથે અન્નનો કોળીયો લઇ અગ્નિમાં હોમ કરીશ એમ બોલીને તે બ્રાહ્મણો પાસે આજ્ઞા લેવી.  તે પછી પોતી શાખાના ગુહ્યસૂત્રમાં બતાવેલી વિધિ અનુસાર ઉપાસનાગ્નિની સ્થાપના કરીને તેમાં પૂર્વોક્ત અન્નના ગ્રાસની બે આહુતિઓ આપવી. તે સમયે ‘सोमाय पितृमते स्वधा नम:’ એમ બોલવું. પછી ‘अग्नये कव्यवाहनाय स्वधा नम:’ આવું ઉચ્ચારણ કરવું. આ જ બે આહુતિઓથી પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રાપ્ત થાય છે. યજમાન અગ્નિહોત્રી ન હોય તો બ્રાહ્મણના હાથમાં દાનરૂપી હોમ કરવાનું વિધાન છે.

પાર્વણ શ્રાદ્ધ વખતે અગ્નિને દૂર કરવો ન જોઈએ. હે વિપ્રવર, પાર્વણ શ્રાદ્ધ વખતે જો પોતાનો ઉપાસ્ય અગ્નિ દૂર હોય તો પહેલાં નવા અગ્નિની સ્થાપના કરીને તેમાં હોમ આદિ કર્યા પછી વિદ્વાન પુરુષે તે અગ્નિનું વિસર્જન કરી દેવું. જો મરણતિથિએ કરવાના શ્રદ્ધાના દિવસે અગ્નિ દૂર હોય તો પોતાના અગ્નિહોત્રી દ્વિજભાઈઓ દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધકર્મ કરાવવું.  શ્રાદ્ધકર્તાએ પ્રાચીનાવીતી થઈને (યજ્ઞોપવીત જમણે ખભે કરીને અર્થાત અપસવ્ય કરીને) અગ્નિમાં હોમ કરવો અને હોમ કરતાં બાકી વધેલું અન્ન બ્રાહ્મણના પાત્રોમાં ભગવાનનું નામ દઈને નાખી દેવું. તે પછી સ્વાદિષ્ટ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય આદિ દ્વારા બ્રાહ્મણોનું પૂજન કરવું. પછી એકાગ્રચિત્ત થઈને વિશ્વેદેવ અને પિતૃઓ બંને માટે અન્ન પીરસવું અને મંત્રોથી તેમની અભ્યર્થના કરવી. દેવપક્ષના બ્રાહ્મણોને પણ આવી જ પ્રાર્થના કરવી.

શ્રાદ્ધકર્તા પુરુષે ભગવાન નારાયણનું સ્મરણ કરતા રહીને આપેલું હવિષ્ય અને શ્રાદ્ધકર્મ ભગવાન વિષ્ણુને અર્પણ કરવું. બ્રાહ્મણે સર્વથા મૌન રહીને ભોજન માટેના પાત્રને હાથથી સ્પર્શ કરી રાખીને જ જમવું. બ્રાહ્મણો જમતા હોય તે સમયે શ્રાદ્ધ કરનારા માણસે શ્રદ્ધાપૂર્વક ભગવાન નારાયણનું સ્મરણ કરવું.

બધા બ્રાહ્મણો જમી રહે ત્યારે પીરસવાના પાત્રમાં વધેલું અન્ન એઠવાડની બાજુમાં ભોંય પર વેરી નાખવું. આ અન્નને વિકિરાન્ન કહેવામાં આવે છે. ત્યારબાદ શ્રાદ્ધ કરનારે પોતે બંને પગ ધોઈને આચમન કરવું, બ્રાહ્મણો આચમન કરી રહે ત્યાર પછી પિંડદાન કરવું. સ્વસ્તિવાચન કરાવી અક્ષય્યોદક આપવું (તર્પણ કરવું). તે આપ્યા પછી એકાગ્રચિત્ત થઈને બ્રાહ્મણોનું અભિવાદન કરવું. ઉલટાવીને ઊંધા પાડેલાં અર્ઘ્યપાત્રોને ચત્તાં કરી બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને તેમની પાસેથી સ્વસ્તિવાચનપૂર્વક આશીર્વાદ લેવા. તે પછી તેમને પ્રણામ કરવા અને તેમને યથાશક્તિ દક્ષિણા, ગંધ તેમ જ પાનનાં બીડાં આપવાં.

જો કોઈ માણસ યાત્રામાં નીકળેલો હોય, જેને કોઈ રોગ થયેલો હોય તેમ જ જે નિર્ધન હોય તેણે પક્વ તથા સિદ્ધ અન્નથી શ્રાદ્ધ ન કરતાં કાચા અન્નથી શ્રાદ્ધ કરવું. વળી જેની પત્ની રજસ્વલા હોય તેથી સ્પર્શ કરવા યોગ્ય ન હોય તે માણસે દક્ષિણારૂપે સુવર્ણ આપીને શ્રાદ્ધકાર્ય પૂર્ણ કરવું. જો ધનનો અભાવ હોય અને બ્રાહ્મણ પણ ન મળતા હોય તો અન્ન પક્વ કરી પિતૃસૂક્તના મંત્રથી તેનો હોમ કરવો.

હે બ્રહ્મન, જો અન્નમય હવિષ્ય ન હોય તો પોતાની શક્તિ પ્રમાણે ઘાસ લઇ આવીને પિતૃઓની તૃપ્તિના ઉદ્દેશથી ગાયોને ખવડાવવું અથવા સ્નાન કરી વિધિ પૂર્વક તલ અને જળથી પિતૃઓનું તર્પણ કરવું.

શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરનાર માણસો ધનવાન બને છે અને તેમની સંતાન પરંપરાનો નાશ થતો નથી. તેમનાં પાપ તત્કાળ નષ્ટ થઇ જાય છે.”

ક્રમશ: