ગતાંકથી......
એના માટે જેલ શું ખોટી છે ?'એ શબ્દો સાંભળી ઇન્સ્પેક્ટર આ યુવાનનું ખુરાટી માનસ સમજ્યા હોય તેમ ચમક્યા .બીજી જ પળે તેઓ સ્વસ્થ થતાં આગળ આવ્યા અને કાર્તિકના ખભે હાથ મુકતા બોલ્યા: ' કાર્તિક! હવે તું જઈ શકે છે. મારે પણ જમવા જવું છે. તારું ભવિષ્ય સુધારવા પ્રયત્ન કર એમ ઈચ્છું છું.'
'સલામ સાહેબ, આપની શુભ લાગણી બદલ આભારી છું .કહી ઓફિસની બહાર નીકળી ચાલતો થયો.
હવે આગળ.....
'સલામ સાહેબ ,કહેતો કાર્તિક ઓફિસની બહાર નીકળી ચાલતો થયો ઇન્સ્પેક્ટર રસ્તા ઉપર પડતી બારી તરફ આવ્યા તેમણે કાર્તિકને રસ્તા ઉપર જતો જોયો,અને તરત જ ટેબલ પાસે જઈ બેલ વગાડી .બહાર બેઠેલ પટાવાળો અવાજ સાંભળી અંદર આવ્યો. 'રસુલ ,બલવીરસિંહ ને જલ્દી મારી પાસે બોલાવી લાવ!'
સ્પાય ડિપાર્ટમેન્ટના ઈમરજન્સી કામની કિંમત સમજતો રસુલ તુરત જ બલવીરસિંહ ને બોલાવા કમ્પાઉન્ડમાં જ ઇન્સ્પેક્ટરની ઓફિસથી થોડે દૂર આવેલી બીજી ઓફિસમાં ગયો.બલવીર ઇન્સ્પેક્ટર અર્જુનના જમણા હાથ જેવો હતો . તેનું ભરાવદાર ખડતલ શરીર, પંજાબી કાંડુ, લીંબુની ફાડ જેવી આંખો જોતા જ તેનામાં ફરતું સાચું ખમીર જણાઈ આવતું હતું. તે જેટલો જોરાવર હતો તેટલો ચપળ અને બુધ્ધિશાળી હતો. એ બાબતમાં ઇન્સ્પેક્ટર અર્જુનની પસંદગી સફળ હતી, એમ એણે તેના વર્તનથી બતાવી આપ્યું હતું. પાંચ મિનિટમાં તો બલવીર હાજર થયો અને સભ્યતા પૂર્વક ઇન્સ્પેક્ટર અર્જુન સામે આવીને ઉભો રહ્યો.
બલવીર કાર્તિક છૂટ્યો છે. હમણાં જ તારે તેની પાછળ તેનો પીછો કરવાનો છે.' કહી તેઓ બલવીરસિંહ ને બારી પાસે લઈ ગયા, અને આજુબાજુ ડાંફળિયા મારતા ચાલ્યા જતા કાર્તિકને બતાવ્યો .
'સાહેબ, હમણાં જ તેનો પીછો પકડું છું .આ તો બેંકના કેસવાળો ને ?
'હા, એ જ. બહુ ચાલાક છે હોં .એ વાતો તો કરતો હતો જાણે સુધરી ગયો હોય એવા સિદ્ધપુરુષ જેવી; પણ એના ઉપર વિશ્વાસ શું ?એની પાછળ પડવાથી કાંઈક જાણી તો શક...હં...હં. જો એણે કોઈ માણસ સાથે વાત કરી .હં...હવે જલ્દી પાછળ જા.'
બલવીરસિંહ ઝડપથી તેની પાછળ ચાલી નીકળ્યો .ઇન્સ્પેક્ટરે ઘડિયાળ સામે જોયું . પોણા બે થયા હતા. જમવાનું મોકૂફ રાખી તેઓએ ગાડી તૈયાર કરવા હુકમ આપ્યો અને પાસેની હોટલમાંથી ચા નાસ્તો મંગાવી લીધો. ચા નાસ્તો ઝડપથી પતાવી કારમાં બેસી તેઓ પોતાના કામે ઉપડી ગયા. પટાવાળાએ ઓફિસમાં ફટકો મારી સાફસુફ કરી બારી-બારણા બંધ કર્યા, અને બહારના બાંકડા ઉપર બેસી બીડી ફૂંકવા લાગ્યો.
વિજય સાથે કાર્તિક નું નામ જોડવામાં ઇન્સ્પેક્ટર અર્જુનસિંહ તેમજ બલવીરસિંહ સો ટકા સાચા જ હતા. કાર્તિક જ વિજયનો મદદગાર બન્યો હતો. ખરી રીતે તેના લીડરના હુકમ પ્રમાણે તેને બનવું પડ્યું હતું.
વિજય અને વિશાલ આમ તો ટવીન્સ (જોડિયા ભાઈઓ) હતા. બંને યુવાન અને કેળવાયેલા હતા, એટલે તેઓ પોતાના નાના ગામમાં નાનકડા જમીનના ટુકડા ઉપર આધાર રાખી બેસી રહી જીવન વિતાવવા કરતા મુંબઈમાં આવ્યા હતા. વિજય બેંકમાં કેશિયર હતો, અને વિશાલ એક કંપની માં કામ કરતો હતો.વિશાલ પરણીત હતો જ્યારે વિજય પોતાની ઈચ્છાથી જ અપરણીત જીવન ગાળતો હતો. બંને ભાઈઓ એટલા સરખા દેખાતા હતા કે બંને ને જોઈને ઓળખી જ ના શકાય.ઝીણા માં ઝીણી રેખામાં પણ ક્યાંય બંને વચ્ચે ફેર ન હતો.
વિજય જે બેંકમાં કેશિયર હતો તે બેંકમાં એક દિવસ તેની ઓફિસનો વૃદ્ધ પટાવાળો બદલાઈ ગયો ,અને તેની જગ્યાએ એક યુવાન પટાવાળો આવ્યો .બે ત્રણ દિવસમાં તો વિજયને તેનું કામ ખૂબ ફાવી ગયું .તે યુવાનની ચપળતા અને ઓફિસ વગેરેની સાફસફાઈની ચોક્કસ રીતથી અને કામ પ્રત્યેની કાળજીથી તે સૌનો ફેવરિટ થઈ ગયો. હળવે હળવે પટાવાળો ખૂબ બધાની નિકટતા વધારવા લાગ્યો .વિજય તેના ભાઈથી જુદો જ રહેતો, એટલે પેલો પટાવાળો તેના ઘર પણ છૂટથી જવા લાગ્યો. પટાવાળાની સોબતથી વિજય વધારે પડતો ઉડાઉ બનવા લાગ્યો ,પૈસાની લાલસા વધતી ગઈ. પેલો ચાલાક પટાવાળો આ બધું જોયા કરતો હતો.
એક વખત તે અને વિજય ઘરે બેઠા હતા ત્યારે મોકો જોઈને તેણે વિજયને કેશમાં ગોટાળો કેમ થઈ શકે એ એકદમ ઝીણવટભરી રીતથી સમજાવ્યુ અને જરૂર પડે તે તેની હેલ્પ પણ કરશે એમ જણાવ્યું. વિજય તો એની બતાવેલ ચાલાકી ભરી રીતો સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો. પણ કહેવાય છે ને કે પૈસાની લાલસા બહુ ખરાબ હોય છે એટલે તેનું મોજ મજા તરફ વળેલ માનસ પેલા પટાવાળા ની શિખામણ માન્ય કરવા તૈયાર થઈ ગયું અને તે માટેનો પ્લાન ઘડવા લાગ્યું.
એક દિવસ બેંકમાં પાંચ કરોડનું ભરણું આવ્યું તેમાંથી તેણે પહેલાની બતાવેલી યુક્તિ પ્રમાણે દસ લાખ રૂપિયાની ઉચાપત કરી તે વાતને એક મહિનો થયો ,છતાં બધું સલામત રહ્યું .રોકડાનો થેલીએ હિસાબ રહેશે ત્યાં સુધી વાંધો નહીં આવે એમ પહેલા પટાવાળાને ને વિજયને લાગ્યું. વિજય આ વખતનો લાભ લઇ દસ લાખ રૂપિયા સહિત રફૂચકર થવાના ઘોડા દોડાવતો હતો ત્યાં એક રાતે પેલો પટાવાળો અને બીજો એક માણસ તેને ત્યાં આવ્યા વિજય એકલો જ હતો, એટલે પહેલા લોકોએ સીધો તેના ઉપર હુમલો કર્યો અને દસ લાખ રૂપિયા તરત જ આપવા ધમકી આપી. વિજય પહેલા તો પટાવાળાના વર્તનથી સ્તબ્ધ થઈ ગયો પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે સુલતાનની ગેંગનો માણસ છે ત્યારે તેના હાજાં ગગડી ગયા. તે બંને તરફ જોતો ઘડીભર ઉભો રહ્યો અને બોલ્યો : 'જીવ કરતાં રૂપિયાની કિંમત કાંઈ વધારે નથી ,પણ એટલું જોખમ ઘરે ના સચવાય એટલા માટે મેં એને બેંકમાં જ એક જગ્યાએ રાખ્યા છે. મુસ્તાક,.. કાલે આપણે તેને કોઈપણ યુક્તિથી ઘરે લાવીશું, અને રાત્રે તું પોતે ખુશીથી લઈ જજે .'વિજય હવે તેના પટાવાળાને પૂરેપૂરો સમજી ગયો હોવા છતાં તેવો ભાવ પ્રગટ ન થવા દેતા તેને પટાવાળા ને ઉદ્દેશીને કહ્યું:
મિ.વિજય, કાલે તમે બેંકમાં મારી સાથે કોઈ ચાલાકી તો નહીં કરો ને? જો જરા પણ ચાલાકી જેવું કર્યું છે તો તમારો જીવ લેતા જરા પણ વાર નહીં લાગે. અમારા લીડરને રૂપિયાની ખૂબ જરૂર છે, એટલા માટે તો....
'મુસ્તાક, તારે વળી લીડર છે?'
'સુલતાનનું રાજ તો મુંબઈમાં જ નહિ દેશભરમાં ફેલાયેલું છે. મિ. વિજય તમે કિડનેપિંગ ગેંગના બેતાજ બાદશાહ સુલતાનભાઈનુ નામ તો સાંભળ્યું જ હશે?'
આ સાંભળી વિજય ચહેરા ઉપર કુત્રિમ ગભરાટ લાવી બોલ્યો : 'ઓહહ! ત્યારે તુ એ ટોળીનો મેમ્બર છે ?'
'વધારે વાત નહિ.કાલે પૈસા મળી જવા જોઈએ ત્રીજા દિવસે હું બેંકનો કહેવાતો પટાવાળો ગૂમ થઈશ. તમને પછી ગમશે ને ?હા...હા..હા...'હાસ્ય સમ્યું ન સમ્યું ત્યાં તો પહેલા બંને જણા અદ્રશ્ય થઈ ગયા. વિજય એકલો વિચારતો ઉભો રહ્યો તેના મગજમાં એક પછી એક વિચારો વીજળીની ઝડપે આવવા લાગ્યા. તે ઝડપથી ઊભો થયો ને પોતાના ભાઈ વિશાલના ઘરે જવા નીકળ્યો .વિશાલ ઘરે જ હતો. વિજય જતાંની સાથે તેને વળગી પડ્યો, અને રડવા લાગ્યો. વિશાલ ખૂબ જ વિશાળ હૃદયનો અને લાગણીશીલ હતો. બંને ભાઈઓ એકદમ સમજદાર હતા અને સ્વતંત્ર રહેતા હતા છતાં વિશાલના વિશાળ હૃદયમાં તેના ભાઈ પ્રત્યે અપાર લાગણી હતી. ભાઈ ને રડતો જોઈ વિશાલ કારણ જાણવા આતુર બન્યો અને તેને આશ્વાસન આપ્યું.
વિજયે બેંકમાંથી ઉચાપત કરેલ દસ લાખ રૂપિયાની વાત કહી ઉપરાંત કાલ ને કાલ દસ લાખ બેંકમાં પહોંચતા કરી શકાય તેમ ન હતું તે પણ કહ્યું . પોતે મોટી ભૂલ કરી એમ કહેતા એ રડી પડયો.છેવટે બેંકમાં હિસાબ બાબતે કાલે જ તપાસ છે એટલે તે કેવો સપડાશે તેની પણ વાત કરી. વિજય ગમે તે વિચાર કર્યો હોય પણ તેણે પટાવાળાની ધમકીની વાત વિશાલ ને ન કરી .
શું વિશાલ વિજયને મદદ કરશે?
વિજયે ધમકી વાળી વાત શા માટે છુપાવી હશે? જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ...