Lagnina Pavitra Sambandho - 16 in Gujarati Short Stories by Mausam books and stories PDF | લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 16

The Author
Featured Books
Categories
Share

લાગણીના પવિત્ર સંબંધો - ભાગ 16

પીછોલા તળાવ, જગમંદિર, સિટી પેલેસ મ્યુઝિયમને જોયાં, તેનો ઈતિહાસ જાણ્યો અને તેના અદ્દભુત અને ભવ્ય શિલ્પકલા જોતાં જોતા આખો દિવસ પસાર થઇ ગયો. બીજા દિવસે ચિત્તોડ ગઢ, ઢેબર સરોવર, હલદી ઘાટી અને મહારાણા પ્રતાપના મ્યુઝિયમને જોયા તથા તેના ઇતિહાસને જાણ્યો. ત્રીજા દિવસે ઉદયપુરના બજારોમાં બધા ફર્યા અને શોપીંગ કરી.

આ ત્રણ દિવસ દરમિયાન પ્રારબ્ધએ પ્રકૃતિનું ખૂબ ધ્યાન રાખ્યું. તેની નાની વાતોની તે કાળજી લેતો. પ્રકૃતિને પણ પ્રારબ્ધ સાથે રહી તેની આદત પડી ગઈ હતી. બંનેની દોસ્તી તો ગજબની હતી જ. ત્રણ દિવસ સાથે રહી બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી. તેઓની દોસ્તી હવે એક કદમ આગળ વધી ગઈ હતી. પણ બંનેમાંથી કોઈ તે સ્વીકારવા તૈયાર ન હતા કે તેઓની દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ છે. હવે પ્રવાસથી રિટર્ન થવાનું હતું. આઠ કલાકનો રસ્તો હતો.કોઈ મોબાઈલ માં મૂવી જોતું હતું, કોઈ ગીતો સાંભળતું હતું, તો કોઈ વોટ્સએપ પર વાતો કરતું હતું. જ્યારે પ્રકૃતિ અને પ્રારબ્ધ સુન મૂન થઈ બારી બહાર નિહાળી રહ્યા હતા. આવતી કાલથી રીડિંગ વેકેશન પડવાનું હતું. દસ દિવસ પછી કોલેજના છેલ્લા વર્ષની એક્ઝામ શરૂ થવાની હતી.

પરીક્ષાની તૈયારી કરવામાં બધા લાગી ગયા.પ્રકૃતિ અને પ્રારબ્ધ એકબીજાને મિસ કરતા હતા. ઘણા દિવસો દૂર રહ્યા તો સમજાયું કે તેઓ હવે એકબીજાના માત્ર દોસ્ત નથી રહયા, એકબીજાની આદત બની ગયા છે. તેઓને એકબીજાની ગેરહાજરી ખૂંચવા લાગી. પરીક્ષાને લગતી જાણકારી મેળવવાના બહાને તેઓ રોજ એકબીજા સાથે વાત કરી લેતા. પ્રારબ્ધ રોજ વિચારતો કે, "કોલેજ પુરી થાય પછી શું..? હું ને પ્રકૃતિ અલગ થઈ જઈશું તો..? પ્રકૃતિને હું પ્રપોઝ કરું પણ તેના મનમાં શું છે શું ખબર..? તે ના પાડી દે તો અમારી દોસ્તી પણ તૂટે. રહેવા દે પ્રારબ્ધ..! પ્રેમમાં જો દોસ્તીને આંચ આવશે તો તેનાથી હું વધુ દુઃખી થઈશ." તે દોસ્તીના ભોગે કોઈ પ્રેમનું જોખમ લેવા ઇચ્છતો ન હતો. આમ વિચારી પ્રારબ્ધ પ્રકૃતિને પ્રપોઝ કરવાનું માંડી વાળે છે.આ બાજુ પ્રકૃતિને પણ તે જ વિચાર આવે છે. આખા બોલી પ્રકૃતિ.' પડશે તેવા દેવાશે' તેમ વિચારી પરીક્ષાની તૈયારીમાં લાગી જતી.

કોલેજમાં પરીક્ષા શરૂ થઇ ગઇ. પ્રકૃતિ અને પ્રારબ્ધ કોલેજમાં વહેલા આવી પરીક્ષા તૈયારી સાથે જ કરતા. પ્રારબ્ધ પ્રકૃતિને ન આવડતા કોયડા સરળતાથી શીખવાડી દેતો. પ્રકૃતિ રોજ કહેતી કે," ગુલાટી સર કરતા તો તું સારું શીખવાડે છે મને. પહેલાંથી જ તારી પાસેથી શીખવાની જરૂર હતી."

'હું તો આખી જિંદગી તને શીખવાડવા તૈયાર છું' આમ મનમાં વિચારી તે હસ્યો." સારું ચાલ હવે મસ્કા માર્યા વગર વાંચ, થોડીવારમાં બેલ વાગશે."કહી પ્રારબ્ધએ પુસ્તકમાં ધ્યાન પરોવ્યું.

આમને આમ પરીક્ષાનો છેલ્લો દિવસ આવી ગયો. બંને સાથે વાંચતા હતા ત્યાં જ પરીક્ષા માટે બેલ પડ્યો. બંને પરીક્ષા ખંડમાં જતા હતા. બંને એકબીજાને કંઇક કહેવું હતું પણ કહી શકતા ન હતા. પરીક્ષાખંડમાં જતા પહેલાં જ પ્રકૃતિએ પ્રારબ્ધને કહ્યું, સંભાળ..! પેપર આપી ઘરે ના જતો , જ્યાં વાંચવા બેઠા હતા ત્યાં જ મારી રાહ જોજે. આટલું કહી પ્રકૃતિ અંદર ચાલી ગઈ. પ્રારબ્ધ વિચારતો કે આજ છેલ્લો દિવસ છે એટલે મને રોકાવાનું કહ્યું છે.એમ વિચારી તે પણ પરીક્ષા ખંડમાં ગયો.

પરીક્ષા પુરી થઈ ગઈ. પ્રકૃતિ પેપર આપી પ્રારબ્ધ પાસે ગઈ. અને બોલી, " કેવું રહ્યું આજનું પેપર..?"
"સારું..તારે કેવું રહ્યું..?" પ્રારબ્ધએ કહ્યું.
" મારે પણ સારું રહ્યું. હું શું કહું છું.. આજ લાસ્ટ ડે છે. કાલથી તો આપણે મળશું નહીં.ચાલને ક્યાંક જઈને સાથે કોફી પીએ.જો તારે મોડું થતું ન હોય તો...!"

પ્રારબ્ધ તરત જ મલકાયો. પછી હકારમાં માથું ધુણાવ્યું.બંને કેન્ટીનમાં ગયા. ટેબલની સામસામેની ખુરશીમાં બંને ગોઠવાયા. પ્રારબ્ધએ બે કોફી ઓર્ડર કરી. ત્યારબાદ પ્રારબ્ધ બોલ્યો, " કદાચ આ આપણી છેલ્લી કોફી હશે નહિ..? તારે બીજું કંઈ ખાવું છે..? ઓર્ડર કરું કંઈ..?"

" ના..કંઈ નહીં. પ્રારબ્ધ એક વાત કહું..?" પ્રકૃતિ થોડી ખચકાતા બોલી. જ્યાં વાતો ખૂટતી ન હતી ત્યાં આજ બંને બોલતા વિચાર કરતા થઈ ગયા હતા.


😊 મૌસમ😊