Badlo - 3 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | બદલો - ભાગ 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બદલો - ભાગ 3

૩. વણનોતર્યો મહેમાન..

કાલિદાસ તથા રાકેશ નર્યા ખોફથી બેભાન હાલતમાં પડેલી સુધા સામે તાકી રહ્યા હતા. બંને ખુરશી પર બેસી ગયા હતા. સૌથી પહેલા જ કાલિદાસે પોતાની જાત પર કાબુ મેળવ્યો. 'આ તે શું કરી નાખ્યું રાકેશ?' એણે પૂછ્યું.

'મેં મારી ચારિત્રહીન પત્નીનું ખૂન કરી નાખ્યું છે.'

'ચારિત્રહીન પત્ની?'

'હા.. ગીતા ચારિત્રહીન હતી.'

'અશક્ય..' કાલિદાસ વિરોધભર્યા અવાજે બોલ્યો.

'ગીતા એવી હોય જ નહીં.'

'હું સાચું જ કહું છું ડેડી.. મેં મારી સગી આંખે ગીતાને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. એણે મારા પર જીવલેણ હુમલો કરાવ્યો હતો. જેના કારણે હું બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ હું ભાનમાં આવ્યો એ દરમિયાન તે મારી રિવોલ્વર લઈને અહીં આવી, અને પત્ર લખીને એવું દર્શાવવા માંગતી હતી કે પોતે પોતાની ભૂલને કારણે આપઘાત કરવા માંગે છે.'

'અને તે તારી એ જ લાઇસન્સ રિવોલ્વરથી તેને ગોળી ઝીંકી દીધી એમ ને?'

'હા ડેડી.. ક્રોધના અતિરેકને કારણે હું સમજવા વિચારવાની શક્તિ ગુમાવી બેઠો હતો. મગજ પરથી મારો કાબુ ખસી ગયો હતો.'

'હે ઈશ્વર.. કાલિદાસ વ્યાકુળતાથી ખુરશી પર પાસું બદલતા ધુંધવાતા અવાજે બોલ્યો. 'હવે શું થશે?'

'હવે શું થશે?' રાકેશને કંઈ ન સૂઝ્યું તો એણે કાલિદાસના સવાલનું પુનરાવર્તન કરી નાખ્યું.

'હવે તને ફાંસી થશે બેવકૂફ.. બીજું શું થશે?' કાલિદાસ ક્રોધથી તમતમતા અવાજે બોલ્યો. 'મેં તારી પાસેથી આવી મૂર્ખાઈની જરા પણ આશા નહોતી રાખી રાકેશ.. જો ગીતા ખરેખર જ ચારિત્રહીન હતી તો પણ તારે આવું નહોતું કરવું જોઈતું. આવું મૂર્ખાઈ ભર્યું પગલું ભરીને તે તારો જીવ જોખમમાં મૂકી દીધો છે. એટલું જ નહીં, આપણા કુટુંબની આબરૂ પણ દાવમાં લગાવી દીધી છે. હવે લોકો મને એક ખૂનીના બાપ તરીકે સંબોધીને મારું અપમાન કરશે અને જો તેઓ આમ મારી આબરૂનો ધજાગરો કરશે તો હું તેમનું શું બગાડી લેવાનો હતો? મારનારનો હાથ પકડી શકાય છે પણ બોલનારની જીભ નથી પકડી શકાતી. બોલ.. મારી આ વાતનો કોઈ જવાબ છે તારી પાસે?હોય તો પણ કેવી રીતે? જુવાન થઈને થોડી દુનિયા જોઈ લીધી તો તારી જાતને બુદ્ધિશાળી અને બહાદુર માની બેઠો છો? બાપની સલાહ લેવાની તો તને જરા પણ જરૂર ન લાગી ?હવે ભોગવ તારી કરણીની સજા..'

'સોરી ડેડી.. તમારી સલાહ લેવાનો મને સમય જ ક્યાં મળ્યો છે? જ્યારે પ્રાઇવેટ ડિટેક્ટીવે ગીતા વિશે રિપોર્ટ આપ્યો ત્યારે તમે નહોતા ઘરે કે નહોતા ઓફિસે.. એટલે ન છૂટકે હું ગીતાને રેડ હેન્ડ પકડવા માટે ત્યાં પહોંચી ગયો હતો અને પછી...'

'બકવાસ બંધ કર તારો..' કાલિદાસ જોરથી તાડૂક્યો. 'તું થોડી ધીરજ નહોતો રાખી શકતો? અને અહીં આવ્યા પછી જ્યારે તે ગીતાને તારા રૂમમાં જોઈ ત્યારે હું પણ બંગલામાં જ ગુડાયો હતો. તો પછી તું મારી પાસે શા માટે ન આવ્યો?'

રાકેશ ચૂપ રહ્યો. એ જ વખતે બેભાન હાલતમાં પડેલી સુધાના મોંમાંથી ચિત્કાર નીકળ્યો.

બંનેની નજર સુધા સામે સ્થિર થઈ ગઈ. સુધાએ આંખો ઉઘાડી, ગરદન ફેરવીને ખોફભરી નજરે રૂમનું નિરીક્ષણ કર્યું. ત્યાં ગીતાનો મૃતદેહ ન જોઈને એના ચહેરા પર રાહતના ભાવ છવાયા પરંતુ આંખોમાં છવાયેલો ખોફ પૂર્વવત જ હતો.

'રાકેશ..' છેવટે એણે રાકેશ સામે જોતા પૂછ્યું. 'શું તે જ ગીતાભાભીનું ખૂન કરી નાખ્યું છે?' જવાબ આપવાને બદલે રાકેશ નીચું જોઈ ગયો. કાલિદાસ ખુરશી પરથી ઉભો થઈને સ્થિર પગલે સુધા પાસે પહોંચ્યો.

'હા, દીકરી..' એણે સ્નેહથી તેના માથા પર હાથ ફેરવતા કહ્યું. આ વાત સાચી છે, પરંતુ હવે આ રીતે ગભરાવાથી કામ નહીં ચાલે. આપણે ગીતાને તો પાછી લાવી શકીએ તેમ નથી પરંતુ રાકેશને ફાંસીના માંચડે લટકતો બચાવવો પડશે અને એને બચાવવા માટે આપણે આપણું મગજ શાંત રાખવું પડશે.'

જાણે એની વાત સમજી ગઈ હોય એ રીતે સુધાએ ધીમેથી સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું. બાકી વાસ્તવમાં તો તેને કાલિદાસનો એક શબ્દ પણ નહોતો સંભળાયો. એની નજર સામે તો રહીરહીને ગીતાનો મૃતદેહ જ તરવરતો હતો.

'હવે..' કાલિદાસ પુનઃ ખુરશી પર બેસતા વ્યાકુળ અવાજે બોલ્યો. 'આપણે કોઈક એવો ઉપાય શોધવો પડશે કે ગીતાનો મૃતદેહ પણ ઠેકાણે પડી જાય અને એના ખૂનનો આરોપ પણ રાકેશ પર ન આવે.'

પળો માટે ચુપકીદી છવાઈ ગઈ.

બંને બાપદીકરો એકબીજાની સામે જોતા હતા. જ્યારે સુધા બે સિંહોની વચ્ચે ફસાઈ ગઈ હોય એમ ક્યારેક પોતાના ભાઈ સામે તો ક્યારેક બાપ સામે તાકી રહી હતી.

'ડેડી..' સહસા રાકેશ ચપટી વગાડીને પ્રસન્ન અવાજે બોલ્યો. 'મને એક ઉપાય સૂઝે છે.'

'સૂઝે છે તો પછી શું બ્રાહ્મણ પાસે કહેવા માટે મૂહુર્ત જોવડાવવાનું બાકી છે?' કાલિદાસે ઉપેક્ષા ભરી નજરે તેની સામે જોતા કહ્યું. 'ફટાફટ કહી નાખ એટલે મને પણ ખબર પડે કે ના, મારો દીકરો પણ ખરેખર બહાદુર છે.'

'સાંભળો..' રાકેશ કાલિદાસના કટાક્ષ પ્રત્યે આંખ આડા કાન કરતા ઉત્સાહ ભર્યા અવાજે બોલ્યો, 'જે રિવોલ્વર વડે મેં ગીતાનું ખૂન કર્યું છે અને જેના પર મારા આંગળાની છાપ છે એને સરખી રીતે લૂછીને આપણે ગીતાના હાથમાં પકડાવી દેશું. ત્યારબાદ આ બનાવને આપઘાત પુરવાર કરવા માટે સુધાના હાથેથી એક સુસાઇડ નોટ લખાવીને ત્યાં ગોઠવી દેશું. પરંતુ એના માટે ગીતાના હાથેથી લખાયેલા કાગળ પત્રોનો નાશ કરીને તેના સ્થાને આપણે સુધાના હાથે લખાયેલા થોડાં કાગળ પત્રો મૂકી દેવા પડશે. આમ કરવાથી પોલીસ જ્યારે સુસાઇડ નોટના અક્ષરોની સરખામણી બાકીના કાગળો સાથે કરશે ત્યારે તેમાં જરા પણ ફર્ક જોવા નહીં મળે.'

'બરાબર છે. પણ જો સુસાઇડ નોટ તથા અન્ય કાગળો આપણામાંથી જ કોઈકે લખ્યા છે એવી શંકા પોલીસને ઉપજશે અને તેઓ આપણા લખાણના નમૂનાઓ પણ લેશે તો'

'તો ભલે ને લે.. લેશે તો પણ કશો જ લાભ નહીં થાય.'

'કેમ?'

'એટલા માટે કે સુધા સુસાઇડ નોટ તથા પત્રો ડાબા હાથેથી લખશે. જ્યારે પોલીસને શંકા ઉપજશે તો પોતાના લખાણનો નમૂનો જમણા હાથેથી લખીને આપશે. સુધા બંને હાથેથી બહુ સારું લખી શકે છે એ તો તમે જાણો જ છો. આપઘાતનું કારણ જણાવવામાં પણ આપણને કોઈ મુશ્કેલી નહીં પડે એમ હું માનું છું. પ્રાઇવેટ ડિટેક્ટીવના રિપોર્ટ પરથી ગીતા સ્પષ્ટ રીતે ચારિત્રહીન પુરવાર થઈ જશે. આ ઉપરાંત સુધાએ સુસાઇડ નોટમાં એમ લખવું પડશે કે - મારા પતિને, મારા પર પુરૂષ સાથેના અનૈતિક સંબંધની ખબર પડી ગઈ હોવાને કારણે આત્મગ્લાનિથી હું આપઘાત કરું છું.'

'વાહ.. વેરી ગુડ.. શું ભેજું લડાવ્યું છે! તને મૂરખ માનીને મેં બહુ મોટી ભૂલ કરી નાંખી હતી. આટ આટલું કર્યા પછી પોલીસની શું મજાલ કે એમ કહી શકે કે ગીતાએ આપઘાત નથી કર્યો પણ તેનું ખૂન કરવામાં આવ્યું છે.' કાલિદાસ કટાક્ષ મિશ્રિત ચીડભર્યા અવાજે બોલ્યો.

'તો શું, આટલું કર્યા પછી પણ ગીતાનું ખૂન કરવામાં આવ્યું છે એ વાતની પોલીસને ખબર પડી જશે?' રાકેશે નર્યા અચરજથી તેની સામે તાકી રહેતા પૂછ્યું.

'ત્યારે શું?' કાલિદાસ ધૂંધવાતા અવાજે બોલ્યો. 'પોલીસ પોતાની આંખો પર પાટા બાંધીને અહીં આવશે એમ તું માને છે? અરે અક્કલના ઊંટ, પોલીસ ગીતાનો મૃતદેહ જોશે એ જ વખતે તારી યોજના પર પાણી ફરી વળશે.'

'ક ક કેવી રીતે રાકેશ?' રાકેશે થોથવાતા અવાજે પૂછ્યું. 'તારી મૂર્ખાઈને કારણે, બીજી કેવી રીતે? જો તારામાં જરા પણ અક્કલ હોત તો તેં ગીતાના કપાળ પર નહીં પણ લમણા પર ગોળી ઝીંકી હોત. કપાળ પર વાગેલી ગોળી જોઈને મૂરખમાં મૂરખ માણસ પણ સમજી જશે કે તેનું ખૂન કરવામાં આવ્યું છે. રિવોલ્વર વડે માણસ સામાન્ય રીતે કઈ ઢબે આપઘાત કરે છે એની તને ખબર છે?'

'કેવી રીતે કરે છે?'

'સાંભળ.. રિવોલ્વરથી આપઘાત કરનાર લમણા અથવા તો ગળા પર જ રિવોલ્વરની નળી અડકારીને ટ્રિગર દબાવે છે. કપાળ પર ગોળી મારવા માટે આપઘાત કરનારને પોતાનો હાથ સહેજ ત્રાંસો કરવો પડે છે. આ સંજોગોમાં ટ્રિગર પર એની આંગળીનું દબાણ ઢીલું પડી જાય છે. પરંતુ જો કોઈ પ્રયાસ કરે તો એ સ્થિતિમાં પણ ટ્રિગર દબાવીને ગોળી છોડી શકે છે. પરંતુ એના માટે ખૂબ જ તાલીમ ની જરૂર પડે છે. હવે મુદ્દાની વિચારવા જેવી વાત એ છે કે ગીતાને એવો તે કયો શોખ વળગ્યો કે મરવા માટે સીધી લમણામાં કે ગળામાં ગોળી ઝીંકવાને બદલે હાથને ત્રાંસો કરીને કપાળમાં ગોળી ઝીંકી?' કાલિદાસની વાત સાંભળીને રાકેશના ચહેરા પર વ્યાકુળતા ફરી વળી. જો કાલિદાસે પોતાની યોજનાની આ ઉણપ પ્રત્યે ધ્યાન ન આપ્યું હોત અને આંખો મીંચીને તેનો અમલ કરી નાખ્યો હોત તો પોતાની શી હાલત થાત એની કલ્પના કરતા જ તે સર્વાંગે ધ્રુજી ઉઠ્યો. આ દરમિયાન સુધાના મોમાંથી એક પણ શબ્દ નીકળ્યો ન હતો. જાણે મોમાં જીવ જ ન હોય એ રીતે ચૂપચાપ કાલિદાસ તથા રાકેશ સામે તાકી રહી હતી.

'ઉપરાંત..' કાલિદાસ ગંભીર અવાજે બોલ્યો. ગીતાના ખુનને આપઘાત પુરવાર કરતો પત્ર તું જે રીતે લખવાનું કહે છે એ વાંચતા જ પોલીસને એવી શંકા પણ ઉપજી શકે તેમ છે કે ગીતા ચારિત્રહીન હોવાની વાત જાણવા મળતા ક્રોધે ભરાઈને તે જ એનું ખૂન કરી નાખ્યું હશે. અને પોલીસ માટે આટલી શંકા પણ પૂરતી છે. ત્યારબાદ તેઓ તારા મોંમાંથી સાચી હકીકત ઓકાવવા માટે એવી એવી તરકીબો અપનાવે કે જેની સામે તું એક મિનિટ માટે પણ નહીં ટકી શકે. ભલભલા રીઢા ગુનેગારો પણ પોલીસની થર્ડ ડિગ્રી સામે ભાંગી પડીને પોતાનો ગુનો કબૂલવા માટે લાચાર બની જાય છે. તો તેમની સામે તારી તો શું વિસાત છે? એટલે તારા બચાવ માટે કોઈક બીજો ઉપાય વિચારવો પડશે.'

'તો પછી..?' રાકેશ આનાથી વધુ બીજું કશું જ ન બોલી શક્યો. કાલિદાસે ક્રોધથી સળગતી નજરે તેની સામે જોયું. કોઈ કઠોર વચનો કહેવા માટે એના હોઠ ફફડ્યા પરંતુ પછી કંઈક વિચારીને એણે પોતાનો ઇરાદો માંડી વાળ્યો.

'દીકરી.. તું કેમ કંઈ બોલતી નથી?' એણે સુધાને ઉદ્દેશીને કહ્યું. 'તું પણ કંઈક વિચાર. મૂરખને ફાંસીની સજામાંથી બચાવી શકાય એવો કોઈ ઉપાય તને સૂઝી આવે એ બનવા જોગ છે. તારા ભાઈના જીવનનો જ નહીં સાથે સાથે આપણા કુટુંબની આબરૂનો પણ સવાલ છે.'

'હ હ.. હું?' સુધા એટલી ગભરાઈ ગઈ હતી કે ઈચ્છા હોવા છતાં તે કશું નહોતી બોલી શકતી. જીભે સાથ ન આપ્યો એટલે એને નકારાત્મક ઢબે માથું હલાવ્યું.

'આવું ન કર દિકરી.. અત્યારે તું ગભરાયેલી છો એની મને ખબર છે. તું હિંમત રાખ. શું તારો ભાઈ ફાંસીના માંચડે લટકી જાય એમ તું ઈચ્છે છે?'

સુધાએ ફરીથી એક વાર નકારમાં માથું હલાવ્યું.

'તો પછી કંઈક વિચાર. ભગવાનને ખાતર કોઈ ઉપાય શોધી કાઢ. જો કોઈ આવી જશે તો આપણા ગમે એટલા પ્રયાસો પણ આ બેવફૂકને નહીં બચાવી શકે. ત્રણ ચાર કલાકમાં જ સવાર પડી જશે અને એ પહેલાં જ આપણે કંઈક કરવું પડશે.' આ વખતે પણ સુધા નકારમાં માથું હલાવીને રહી ગઈ.

'ઉફ..' કાલિદાસ કપાળ કૂટીને ધુંધવાતા અવાજે બોલ્યો. 'આને તો માથું ધુણાવવાની બીમારી વળગી પડી હોય એવું લાગે છે. હવે મારે જ કંઈક કરવું પડશે. પણ હું શું કરું?' પછી કંઈ ન સુઝતા એણે રાકેશ પર પોતાનો ક્રોધ ઠાલવ્યો.

'આ બધું તારા કારણે જ થયું છે. ગીતાના કપાળ પર ગોળી ન ઝીંકી હોત તો આપણે સહેલાઈથી તેના ખુનને આપઘાત પુરવાર કરી શકીએ તેમ હતા પણ હવે..' કહેતા કહેતા અચાનક જ જાણે અત્યાર સુધી પોતે ખુરશી પર નહીં પણ ધગધગતી સગડી પર બેઠો હોય એમ કાલિદાસ ઉછળીને ઉભો થઈ ગયો. વળતી જ પળે તે ખુશ ખુશાલ અવાજે બોલ્યો.

'કમાલ કહેવાય! આ વાત પહેલા જ મારા મગજમાં શા માટે ન આવી?'

'કઈ વાત ડેડી?' રાકેશે મૂંઝવણ ભર્યા અવાજે પૂછ્યું.

'અરે બેવકુફ.. અમિતને ફોન કર.' કાલિદાસે આદેશાત્મક અવાજે કહ્યું.

'અમિતને?'

'હા, અમિતને. શું મારે હવે તને એ પણ લખીને આપવું પડશે કે હું એડવોકેટ અમિતને ફોન કરવાનું કહું છું. એ તારો મિત્ર જ નહીં સુધાનો ભાવ એ પતિ પણ છે. આ મુસીબતમાંથી જો કોઈ આપણને છુટકારો અપાવવી શકે તેમ હોય તો એ અમિત જ છે. એ ભલે ઉંમરમાં નાનો રહ્યો પણ ખૂનના કેસોનો એની પાસે એટલો બહોળો અનુભવ છે કે એનામાં ગમે તેવા મજબૂત કેસનો પાસું બદલી નાખવાની તાકાત છે.'

'પણ..'

'પણ શું?'

'જો અમિત આપણને મદદ કરવાની ના પાડી દેશે તો?' રાકેશે ખચકાતા અવાજે પૂછ્યું.

'અરે બેવકુફ..' કાલિદાસ જોરથી તાડૂક્યો. 'વાતોમાં સમય વેડફવાને બદલે જલ્દીથી ફોન કર. ફોન પર તેને માત્ર એટલું જ કહેજે કે તું એક મોટી ઉપાધિમાં મુકાઈ ગયો છે. એટલે એ તાબડતોબ અહીં આવી પહોંચશે. એના આવ્યા પછી બાકીનું બધું હું સંભાળી લઈશ. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજે.'

'શું?'

'અમિતના આવ્યા પછી તારે માત્ર એટલું જ કહેવાનું છે કે ગીતાનું ખૂન કરવાનો તારો કોઈ હેતુ ન હતો. માત્ર એને ધમકાવવા ખાતર જ તે રિવોલ્વર કાઢી હતી પરંતુ એણે તારા પર હુમલો કર્યો અને પરિણામે રિવોલ્વરની ખેંચતાણમાં ગોળી છૂટી ગઈ. મારી વાત સમજી ગયો ને?'

'હા..'

'તો જા. જઈને જલ્દી અમિતને ફોન કર.' રાકેશ ધીમેથી માથું હલાવીને ટેલીફોન સ્ટેન્ડ તરફ આગળ વધી ગયો અને કાલિદાસની સૂચના મુજબ અમિતને ફોન કરી દીધો. જવાબમાં પોતે થોડીવારમાં જ ત્યાં આવે છે એમ‌ અમિતે જણાવ્યું. ત્યારબાદ ત્રણેય અમિતના આવવાની રાહ જોવા લાગ્યા. ત્રણેય પથ્થરના પૂતળાની જેમ સ્થિર બેઠા હતા.

થોડીવાર પછી સહસા ડોરબેલ રણકી ઉઠી. ડોરબેબેલનો અવાજ સાંભળીને જાણે બોમ્બ ફૂટ્યો હોય એમ તેઓ ઉછળી પડ્યા.

'ક..કોણ હશે?' રાકેશ ભયથી ધ્રુજતા અવાજે બોલ્યો. કાલિદાસે પોતાની જાત પર કાબુ મેળવીને ધૂંધવાતા અવાજે કહ્યું, 'કયા ગધેડા સાથે પનારો પડ્યો છે! અરે બેવકુફ.. હમણાં તે જ તો અમિતને ફોન કર્યો હતો. એ જ હશે. બીજું કોણ હશે? આટલી મોડી રાત્રે કયો ગધેડો અહીં આવવા માટે નવરો છે? જા જઈને દરવાજો ઉઘાડ.'

'હ.. હું ?'

'હા, તું.. તું નહીં તો કોણ તારો દાદો સ્વર્ગમાંથી આવીને ઉઘાડશે?' એ જ વખતે ફરીથી ડોરબેલ રણકી ઉઠી અને થોડી પળો સુધી રહી રાકેશ પોતાના ડગમગતા પગ પર કાબુ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ કરતો પ્રવેશ દ્વાર તરફ આગળ વધી ગયો. દરવાજો ઉઘડતા પહેલા આગંતુક અમિત જ છે કે કેમ એ જાણવા માટે એણે આઈગ્લાસમાંથી નજર કરી પરંતુ બહારનું દ્રશ્ય જોતા જ એના હોંશ કોશ ઉડી ગયા. એની આંખો નર્યા નીતર્યા ભય, ગભરાટ અને આશ્ચર્યથી ફાટી પડી. એ દરવાજો ઉઘાડ્યા વગર જ ધ્રુજતા પગલે પડતો આખડતો કાલિદાસ પાસે પહોંચ્યો. એની હાલત જોઈને કાલિદાસ ચમક્યો.

'શું થયું?' તેણે શંકાભર્યા અવાજે પૂછ્યું. 'બહાર કોણ છે?'

'પ.. પ.. પોલિસ..' બાજુમાં ઊભેલો માણસ પણ માંડ માંડ સાંભળી શકે એટલા ધીમો અને ધ્રુજતો અવાજ રાકેશના મોંમાંથી નીકળ્યો. પોલીસનું નામ સાંભળીને કાલિદાસના પણ છક્કા છૂટી ગયા. જ્યારે રાકેશની વાત સાંભળીને સુધાના મોંમાંથી ચીસ નીકળતા નીકળતા રહી ગઈ હતી. એ ભય અને ગભરાટથી બંને બાપ દીકરા સામે તાકી રહી હતી. પછી સૌથી પહેલા કાલિદાસે જ પોતાની જાત પર કાબુ મેળવ્યો.

'સાંભળો..' એણે કહ્યું. સુધા તથા રાકેશે પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું. 'તમે બંને તમારી જાત પર કાબુ રાખો.'

'પણ પોલીસ?'

'પોલીસ કોઈક બીજા કારણસર આવી હોય તે બનવા જોગ છે. પરંતુ જો તમે આમ ગભરાયેલા જ રહેશો તો પછી જરૂર તેને શંકા ઉપજશે.' એ જ વખતે ફરીથી ડોરબેલ રણકી ઉઠી.

'હું દરવાજો ઉઘાડું છું. પરંતુ એ પહેલા તમે બંને તમારા રૂમમાં ચાલ્યા જાઓ અને હા રાકેશ સાંભળ તું તારો નાઈટ ડ્રેસ પહેરી લેજે.' કહીને કાલિદાસ પ્રવેશ દ્વાર તરફ આગળ વધી ગયો. રાકેશ તથા સુધા પોતપોતાના રૂમ તરફ દોડી ગયા. પોતાના ગભરાટ તથા ઉખડેલા શ્વાસ પર કાબુ મેળવીને કાલિદાસે દરવાજો ઉઘાડ્યો. બહાર એક સબ ઇન્સ્પેક્ટર અને બે સિપાહીઓ ઉભા હતા.

'કોણ છો તમે?' આંખોમાં ઉંઘની ખુમારી બતાવવાનો પ્રયાસ કરતા કાલિદાસે સહેજ રૂક્ષ અવાજે પૂછ્યું. એનો સવાલ સાંભળીને સબ. ઇન્સ્પેક્ટરના કપાળ પર કરચલીઓ ઉપસી આવી. એણે પગથી માથા સુધી કાલિદાસનું નિરીક્ષણ કર્યું.

'મિસ્ટર..' એ શાંત અવાજે બોલ્યો. 'તમારા સવાલનો જવાબ તો મારે એવો આપવો જોઈએ કે તમે રતાંધળા તો નથી ને? અથવા તો તમે ચશ્મા પહેરતા તો નથી ભૂલી ગયા ને?'

'કેમ?'

'એટલા માટે કે અમારા શરીર પર પોલીસની વર્દી જોયા પછી પણ જો અમારો પરિચય પૂછ્યો છે. ખેર તમે પૂછ્યું છે તો હું મારો પરિચય આપી દઉં છું. મારું નામ અમરજી છે અને હું આ વિસ્તારનો સબ ઇન્સ્પેક્ટર છું. હવે તમે તમારો પરિચય જણાવશો તો મને આનંદ થશે.'

'મારું નામ કાલિદાસ છે અને હું આ બંગલાનો માલિક છું.' કાલિદાસે પૂર્વવત્ અવાજે કહ્યું. 'હવે તમે મહેરબાની કરીને એ જણાવો કે આટલી મોડી રાત્રે એક શરીફ નાગરિકને હેરાન કરવાનો શો અર્થ છે?'

'જરૂર જણાવીશ.. પરંતુ તમારી જાણ માટે સાંભળી લો અમે કોઈ પણ શરીફ નાગરિકને હેરાન કરવાનો વિચાર સુદ્ધાં અમારા મગજમાંથી નથી લાવતા. વાત એમ છે કે તમારા બંગલામાં કોઈકનું ખૂન થયું હોવાના સમાચાર અમને મળ્યા છે. એટલે જ ન છૂટકે અમારે તમને તકલીફ આપવા માટે અહીં આવવું પડ્યું છે.' અમરજીની વાત સાંભળીને પળભર માટે કાલિદાસની આંખો સામે અંધકાર ફરી વળ્યો પરંતુ વળતી જ પળે એણે પોતાની જાત પર કાબુ મેળવી લીધો.

'શ.. શું?' ચમકવાનો અભિનય કરતા એણે પૂછ્યું પરંતુ તે પોતાની આંખોમાં ચમકવાના હાવભાવ નહોતો લાવી શક્યો. પરંતુ એના સદનસીબે અમરજી તેની આંખોમાં છવાયેલો ગભરાટ નહોતો પારખી શક્યો.

'જી હા.' અમરજી સામાન્ય અવાજે બોલ્યો. અને આ કારણસર અમે તમારા બંગલાની તલાશી લેવા માંગીએ છીએ. અહીં એવું કંઈ થયું હશે એવું મને લાગતું નથી પરંતુ તેમ છતાં અમને જે સમાચાર મળ્યા છે તેના પ્રત્યે પણ આંખ આડા કાન કરી શકાય તેમ નથી.'

'પરંતુ સાહેબ જો અહીં ખૂન જેવો કોઈ બનાવ બન્યો હોય અમે પોતે જ સામેથી પોલીસને જાણ ન કરીએ? અમે પણ શરીફ માણસો છીએ. કંઈ ચોર, બદમાશ કે ખૂની નથી કે કોઈનું ખૂન કરી નાખીએ.' કાલિદાસે એને ટાળવાનો પ્રયાસ કરતા કહ્યું. 'મારા કોઈ દુશ્મને નાહક જ મને હેરાન કરવા માટે આવા ખોટા સમાચાર આપ્યા હોય તેવું લાગે છે.'

'તમે કદાચ સાચું કહેતા હો એ બનવાજોગ છે.' અમરજી પૂર્વવત્ અવાજે બોલ્યો. 'પરંતુ અત્યારે હું ફરજ પર છું. અને ફરજ દરમિયાન હું કોઈનીયે વાત પર આંખો મીંચીને ભરોસો નથી કરતો.'

'તમે આવા ખોટા સમાચાર આપનારનું નામ જણાવશો?'

'ના..'

'કેમ?'

'એટલા માટે કે એણે પોતાનું નામ ન જણાવતા માત્ર એટલું જ કહ્યું હતું કે લગભગ 12 વાગ્યે અહીંથી પસાર થતી વખતે તેને તમારા બંગલામાંથી ગોળી છુટવાના અવાજ સાથે કોઈ સ્ત્રીની ચીસ સંભળાઈ હતી.'

'વેરી ગુડ..' કાલિદાસ ઉત્તેજિત અવાજે બોલ્યો. 'હું નહોતો કહેતો કે ખોટા સમાચાર આપવાનું આ પરાક્રમ મારા કોઈ દુશ્મનનું છે. તમે જરા મારા બંગલાના રૂમો જોઈને જવાબ આપો કે જો અહીં ગોળી છોડવામાં આવે તો શું એનો અવાજ બહારથી સાંભળી શકાય તેમ છે?'

'કેમ?' અમરજીએ સહેજ ચમકીને પૂછ્યું. 'એવી તે કઈ ખાસિયત છે તમારા આ બંગલામાં?'

પોતાની વાતની અસર થતી જોઈને કાલિદાસ બેવડા ઉત્સાહથી બોલ્યો. 'મારા બંગલાના દરેક રૂમોમાં એર કન્ડિશનર ફીટ કરેલા છે એ તો તમે જોઈ જ શકો છો. અને એટલું તો તમે પણ સમજતા હશો કે જો રૂમમાં એર કન્ડિશનર ફિટ કરેલું હોય તો બહારનો અવાજ અંદર અને અંદરનો અવાજ બહાર બહુ ઓછો આવે. જો કોઈ જાતનો અવાજ થાય તો પણ એ એકદમ નજીક ઉભેલા માણસને પણ માંડ માંડ સંભળાય છે હવે તમે પોતે જ વિચારો કે આ અવાજ બંગલાની બહાર મોજુદ માણસ કેવી રીતે સાંભળી શકે?'

'તમારા તર્કમાં વજુદ છે એ વાત હું કબુલ કરું છું. પરંતુ તેમ છતાં એક રીતે આ અવાજ બહાર સંભળાઈ શકે તેમ છે.'

'કેવી રીતે?'

'જે રૂમમાં ગોળી છૂટવાના અવાજની સાથે સાથે કોઈક સ્ત્રીની ચીસ ગૂંજી હતી એ રૂમની એકાદ બારી ભૂલથી ઉઘાડી રહી ગઈ હશે. એટલે તમે મને તલાશી લેવા દો એ જ વધુ યોગ્ય રહેશે.' વાત પૂરી કરીને અમરજી આ વખતે કાલિદાસના વિરોધની પરવા કર્યા વગર અંદર દાખલ થઈ ગયો. બંને સિપાહીઓએ પણ તેમનું અનુકરણ કર્યું.

'જુઓ સાહેબ હવે તમે..' કાલિદાસ તેની સામે ઉભો રહી જતા થોથવાતા અવાજે આટલું જ બોલી શક્યો.

'મિસ્ટર કાલિદાસ..' અમરજીએ કઠોર અવાજે કહ્યું. 'શું હું એમ સમજું કે અમારા તલાશી લેવાના કામમાં તમે વિઘ્ન ઊભું કરવા માંગો છો?'

'ના મારા કહેવાનો અર્થ એ નહોતો.'

'જે અર્થ હોય છે પણ હાલ તુરત એ અર્થને તમારી પાસે જ રાખો. તલાશી લેવામાં કંઈ સવાર નથી પડી જવાની. થોડી મિનિટો લાગશે. જો મને મળેલા સમાચાર ખોટા પુરવાર થશે તો હું તરત જ પાછો ચાલ્યો જઈશ. ઓકે?'

ચહેરા પર દયામણા હાવ ભાવ સાથે લાચારીવશ કાલિદાસને એક તરફ ખસવું પડ્યું. અમરજી બે‌ રૂમો ઉઘાડીને તેમાં નજર કર્યા પછી સુધાના રૂમ સામે પહોંચ્યો અને દરવાજો ખટખટાવ્યો. જવાબમાં રાકેશે દરવાજો ઉઘાડ્યો. કાલિદાસની એટલી સમજાવટ પછી પણ એની હાલત જોવા જેવી હતી. સૂકા પાંદડાની જેમ ધ્રુજતા તેના પગે અત્યાર સુધી એના શરીરનો ભાર કેવી રીતે સંભાળ્યો હતો એ જ નવાઈની વાત હતી. રૂમનું નિરીક્ષણ કરી રહેલા અમરજીની નજર ફરતી ફરતી પલંગ પર ઊંઘવાનો ડોળ કરતી સુધા પર સ્થિર થઈ ગઈ.

'આ કોણ છે?' એણે સુધા તરફ સંકેત કરીને કાલિદાસને પૂછ્યું.

'જી. એ મારી દીકરી સુધા છે અને આ મારો દીકરો રાકેશ.' કાલિદાસે જવાબ આપ્યો.

'શું?' અમરજીએ ચમકીને પૂછ્યું. એ થોડી પળો સુધી આશ્ચર્યચકિત નજરે રાકેશ સામે તાકી રહ્યો. પહેલાં તો કાલિદાસને અમરજીના આ રીતે ચમકવાનું કારણ ન સમજાયું અને જ્યારે તેને સમજાયું ત્યારે તેને રાકેશની મૂર્ખાઈ પર મનોમન ખૂબ જ ક્રોધ થયો. ગીતાના મૃતદેહના ભયથી રાકેશ પોતાના રૂમમાં ન જતા સુધાના રૂમમાં ઘૂસી ગયો હતો.

'વાત એમ છે સાહેબ કે..' કાલિદાસે બાજી સંભાળવાનો પ્રયાસ કરતા કહ્યું. 'રાકેશને રાત્રે મોડા સૂવાની ટેવ છે એટલે તે ક્યારેક તો આખી રાત સુધા પાસે આવીને તેની સાથે ગપાટા મારે છે.'

'એમ?' અમરજીએ ઠાવકા અવાજે પૂછ્યું. 'પરંતુ મિસ સુધા તો સુતી છે તો પછી મિસ્ટર રાકેશ કોની સાથે ગપાટા મારતા હતા? અને જો મિસ્ટર રાકેશ જાગતા હતા તો પછી ડોરબેલનો અવાજ સાંભળીને તમારે બદલે તેઓ જ શા માટે દરવાજો ઉઘાડવા માટે ન આવ્યા? કેમ મિસ્ટર રાકેશ..' અમરજીએ શંકા મિશ્રિત શોધ પૂર્ણ નજરે રાકેશ સામે તાકી રહેતા પૂછ્યું. 'મેં આટલીવાર સુધી ડોરબેલ વગાડી હોવા છતાં એ તમને શા માટે ના સંભળાઈ?' બિચારો રાકેશ.. એ શું જવાબ આપી શકે તેમ હતો! તે પોતાના ગભરાટ પર કાબુ મેળવવાના ઘણા પ્રયાસો કરતો હતો પરંતુ એમાં તેને સફળતા નહોતી મળતી.

'ખેર, જે હોય તે..' થોડીવાર સુધી રાહ જોયા પછી પણ રાકેશે કંઈ જવાબ ન આપ્યો તો અમરજીએ બેદરકારીથી ખભા ઉછાળતા કહ્યું. 'મારે એની સાથે શી નિસ્બત? ચાલો બાકીના રૂમમાં પણ જોઈ લઈએ. પરંતુ પહેલા મારા એક સવાલનો જવાબ આપો. શું આ બંગલામાં તમે ત્રણ જ રહો છો?'

'જી હા..' કાલિદાસે જવાબ આપ્યો. પરંતુ પછી તરત જ ચમકીને બોલી ઉઠ્યો, 'સોરી રાકેશની પત્ની ગીતા સહિત અમે કુલ ચાર જણ છીએ.'

'પરંતુ મિસ્ટર.. રાકેશની પત્ની તો ક્યાંય દેખાતી નથી.'

'જી વાત એમ છે કે..' કાલિદાસ પોતાના ગભરાટ પર કાબુ મેળવતા બોલ્યો. 'આજે ગીતા અને રાકેશ વચ્ચે થોડું મનદુઃખ થયું હતું. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ તો થયે જ રાખે છે એટલે કદાચ નારાજ થઈને પોતાના માતાપિતાને ત્યાં ચાલી ગઈ છે.'

'કદાચ?' અમરજીએ ભારપૂર્વક પૂછ્યું.

'હા.'

'અર્થાત્ એ પોતાના માબાપને ત્યાં જ ગઈ છે એ વાત તમે ખાતરીપૂર્વક કહી શકો તેમ નથી ખરું ને?'

'સાસરેથી નારાજ થઈ સ્ત્રીઓ પોતાના મા બાપને ત્યાં જ જાય છે સાહેબ..'

'ખેર, આવડા મોટા બંગલાની દેખરેખ માટે તમે કોઈ નોકર નથી રાખ્યો?'

'એક નોકર અને એક કામવાળી છે. બંને પતિ પત્ની છે. પરંતુ તેઓ સાંજે જ પોતાના વતનમાં ગયા છે. એ વખતે હું ઓફિસમાં હતો આ વાતને મને અહીં આવ્યા પછી જ ખબર પડી છે.'

'કમાલ કહેવાય!' અમરજી આશ્ચર્યથી બબડ્યો.

'શું?'

'કમાલ જેવી જ તો વાત છે.'

'કેમ?'

'આજે જ તમારી પુત્ર વધુ નારાજ થઈને પોતાના મા બાપને ત્યાં ચાલી ગઈ અને આજે જ તમારો નોકર તથા કામવાળી પણ ગામડે ચાલ્યા ગયા એ પણ એક સાથે જ.'

'ઇન્સ્પેક્ટર સાહેબ.. તેઓ પતિ પત્ની હતા એ તો હું તમને જણાવી જ ચૂક્યો છું.'

'બરાબર છે પરંતુ તેમ છતાં તેમનું આ રીતે અચાનક ચાલ્યા જવું એ ખરેખર આશ્ચર્ય ઉપજાવનારી વાત છે. શું તમને આ વાતની નવાઈ નથી લાગતી?'

'જરૂર લાગે છે.'

'તો પછી?'

'નવાઈ પામવા સિવાય હું બીજું કરી પણ શું શકું તેમ હતો?'

'ઓકે ચલો.. હવે જરા બીજા રૂમમાં પણ નજર કરી લઈએ. જેથી હું અહીંથી જેમ બને તેમ જલ્દી વિદાય લઈ શકું.' કહીને અમરજી રૂમમાંથી બહાર નીકળી ગયો.કાલિદાસ તથા રાકેશ તેની પાછળ જ હતા. નીચેના રૂમની તપાસ કર્યા પછી અમરજીને ઉપરના ભાગમાં લઈ જતી સીડી તરફ આગળ વધતો જોઈને રાકેશનું કાળજું મોંમાં આવી ગયું. જાણે પોતાના પગ પર મણ મણનો બોજો મૂકી દેવામાં આવ્યો હોય એવો કાલિદાસને ભાસ થયો.

ત્યારબાદ આગળ વધીને તે જે રૂમમાં ગીતાની લાશના રૂપમાં રાકેશ માટે ફાંસીનો ગાળિયો મોજુદ હતો એ રૂમ પાસે પહોંચ્યો. તેને રૂમમાં દાખલ થતો જોવાની હિંમત રાકેશમા નહોતી રહી. ફસાઈના છુરા નીચે ગરદન નમાવીને ઉભેલા બકરાના મોં પર કરુણતાના હાવ ભાવ છવાયેલા હોય છે બિલકુલ એવા જ હાવ ભાવ અત્યારે રાકેશના ચહેરા પર ફરકતા હતા. કાલિદાસની હાલત પણ તેનાથી જરાય ઓછી ઉતરતી નહોતી.

'સોરી મિસ્ટર..' કાલિદાસના કાને અમરજીનો અવાજ સંભળાયો. કાં તો અમરજી પાગલ થઈ ગયો છે અથવા તો પોતે એવું વિચારતો હોય એમ તે અવિશ્વાસ ભરી નજરે અમરજી સામે તાકી રહ્યો. અમરજીનો અવાજ પુનઃ તેમના કાને અથડાયો.

'તમને નાહક જ તકલીફ આપી છે એ બદલ હું દિલગીર છું. જરૂર તમારા કોઈ દુશ્મને જ અમને ખોટા સમાચાર આપ્યા હતા. સારું તો હવે અમને રજા આપો.' પરંતુ કાલિદાસ તથા રાકેશના દીમાગ અમરજીની વાત સાંભળવા માટે પોતાના સ્થાને નહોતા. હવે મોત નિશ્ચિત છે એવા વિચારે તેમના દિમાગ બ્રહ્માંડની મુસાફરી કરવા માટે નીકળી પડ્યા હતા.

પરંતુ આ તો આશ્ચર્યજનક ચમત્કાર સર્જાયો હતો. રૂમમાં ગીતાનો મૃતદેહ પડ્યો હતો તો પછી આ અમરજી એમ ને એમ શા માટે બહાર નીકળી ગયો? કે પછી મૃતદેહ પર એની નજર નહોતી પડી? પણ આવું કેવી રીતે બને? મૃતદેહ તો આંધળાને પણ દેખાય એ રીતે પડ્યો હતો. એને તો છુપાવવાનો પ્રયાસ સુધ્ધાં કરવામાં નહોતો આવ્યો. આ બધા સવાલોની જાળમાં એ બંને એટલા ગૂંચવાય ગયા હતા કે અમરજી બંને સિપાહીઓ સાથે ક્યારે બહાર નીકળી ગયો એની પણ તમને ખબર નહોતી પડી.