ન્યુરોલિંકની બ્રેઈન-ચીપ લિંક ટેક્નોલોજીનો એક નવો યુગ : હવે, અંધ વ્યક્તિ જોઈ શકશે અને લકવાગ્રસ્ત વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટ કરી શકશે
ટેક્નોક્રસી
સિદ્ધાર્થ મણીયાર
siddharth.maniyar@gmail.com
2016માં સ્થાપવામાં આવેલી કંપની ન્યુરોલિંકના ફાઉન્ડર ઈલોન મસ્ક અને સાત વૈજ્ઞાનિક હતા. જેઓ દ્વારા મૂળ ન્યુરોલિંક તેના મૂળ મલિક પાસેથી ખરીદવામાં આવી હતી. જે કંપની દ્વારા એક એવી ટેક્નોલોજી વિકસાવવાની શરૂઆત કરાઈ હતી જે વ્યક્તિને મદદરૂપ થઇ શકે. વ્યક્તિ જયારે લકવાગ્રસ્ત થાય છે ત્યારે તે અન્ય વ્યક્તિના સહારા વિના કશું કરી શકતો નથી. જેથી વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલી આવતી હોય છે. આ જ પરિસ્થિતિમાંથી વ્યક્તિને બહાર લાવવા માટે જ ઈલોન મસ્કની કંપની ન્યુરોલિંક દ્વારા સંશોધનની શરૂઆત કરવામાં આવી હતી. 2017થી શરૂ કરવામાં આવેલા સંશોધનમાં એક બ્રેઈન ચીપ બનાવવામાં આવી છે. જે વ્યક્તિના મગજને કોમ્પ્યુટર સાથે સંપર્ક સાધવામાં મદદ કરે છે. કંપની દ્વારા 2017થી 2020 દરમિયાન પ્રાણીઓ પર તેના ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. જોકે, કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાયલ ઉપરાંત પણ કંપની દ્વારા ગેરકાયદે રીતે પ્રાણીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યા હોવાની અનેક ફરિયાદ થઇ હતી. જેની તપાસમાં કોઈ તથ્ય મળ્યું ન હતું.
દ્વારા 2022માં પ્રથમ વખત યુએસના ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશન પાસે હ્યુમન ટ્રાયલ માટે પરવાનગી માંગી હતી. જે રદ થતા મે 2023માં પુનઃ અરજી કરાઈ હતી. જેને મંજુરી મળી હતી. જે બાદ સપ્ટેમ્બર 2023માં દ્વારા હ્યુમન ટ્રાયલ શરૂ કરાયા. 29મી જાન્યુઆરી 2024ના રોજ ઈલોન મસ્ક દ્વારા ન્યુરોલિંક દ્વારા હ્યુમન ટ્રાયલ શરૂ કર્યાની માહિતી આપી હતી.
તાજેતરમાં જ ન્યુરોલિંક કંપની દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોનું તેમજ ટેક્નોલોજી ડેવલોપરનું ધ્યાન ખેંચ્યું છે. ન્યુરોલિંક દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં એક વ્યક્તિ સંપૂર્ણ પણે લકવાગ્રસ્ત પરિસ્થિતિમાં હોવા છતાં કોમ્પ્યુટર પર ગેમ રમી રહ્યો હોવાનું દેખાય છે. વ્યક્તિના મગજમાં ન્યુરોલિંક દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રેઈન-ચીપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે. જેથી વ્યક્તિ તેના મગજના વિચારોના માધ્યમથી કોમ્પ્યુટરનું કર્સર ખસેડી અને ઓનલાઇન ચેસ રમી શકે છે.
કંપની દ્વારા કોના પર કર્યું ક્લિનિકલ ટ્રાયલ
ન્યુરોલિંક દ્વારા તાજેતરમાં શેર કરેલા વિડીયોમાં જે વ્યક્તિને તેનું નામ નોલેન્ડ અર્બોગ છે. નોલેન્ડને એક અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી. જેના પગલે તેનો ખભાથી નેચોનો ભાગ લકવા ગ્રસ્ત થઇ ગયો હતો. ગત વર્ષે નોલેન્ડ અર્બોગના મગજમાં નન્યુરોલિંક દ્વારા બ્રેઈન-ચીપ ઈમ્પાલન્ટ કરાઈ હતી. કંપનીએ શેર કરેલા વિડીયોમાં નોલેન્ડે જણાવ્યું હતું કે, ચેસ મારી પ્રિય રમત હતી. પરંતુ અકસ્માત બાદ હું ચેસ રમી શકતો ન હતો. પરંતુ હવે હું તેને ફરીથી રમવા માટે સક્ષમ છું.
ડિવાઇઝને લિંક નામ આપવામાં આવ્યું
ન્યુરોલિંક દ્વારા બનાવવામાં આવેલી બ્રેઈન-ચીપ એક નાના સિક્કા જેટલું કદ ધરાવે છે. જે ચીપને વ્યક્તિના મગજમાં ઈમ્પાલન્ટ કરવામાં આવે છે. જેના થકી માનવ મગજ અને કોમ્પ્યુટર વચ્ચે એક ડાયરેક્ટ કનેક્ટિવિટીનું નિર્માણ થાય છે. જેથી જ કંપની દ્વારા આ બ્રેઈન-ચીપનું નામ લિંક આપવામાં આવ્યું છે. જો ભવિષ્યમાં ન્યુરોલિંકના ડિવાઈઝ લિંકને સફળતા મળે તો તે અનેક વ્યક્તિઓ માટે આશીર્વાદ સ્વરૂપ પુરવાર થશે. અંધ વ્યક્તિ જોઈ શકશે તો લકવાગ્રસ્ત વ્યક્તિ કોમ્પ્યુટર ઓપરેટ કરી શકશે.
લિંકના પરિણામો આવતા 6 વર્ષ લાગશે
ન્યુરોલિંકના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલ લિંકના હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યા છે. જેમાં ભાગ લેનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 22 વર્ષ હોવી જરૂરી છે. સર્વાઇકલ કરોડરજ્જુની ઇજા અથવા એમિઓટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ (ALS) ને કારણે ક્વાડ્રિપ્લેજિયા ધરાવતા દર્દીઓ આ ટ્રાયલમાં સહભાગી થઇ રહ્યા છે. જોકે, લિંકના હ્યુમન ટ્રાયલના પરિણામો મળતા છ વર્ષ જેટલો સમય લાગશે. ટ્રાયલ દરમિયાન ડિવાઈઝ કેવી રીતે કામ કરે છે, તેમાં શું મુશ્કેલી આવે છે, વ્યક્તિને તેનાથી કોઈ મુશ્કેલી આવે છે સહિતના તારણો કાઢવામાં આવી રહ્યા છે. જેના આધારે ડિવાઇઝની ટેક્નોલોજીમાં જરૂરી ફેરફાર પણ કરવામાં આવશે.
ન્યુરાલિંક ઉપકરણ શું છે?
- ફોન સીધો મગજ સાથે જોડાશે : ડિવાઈઝ લિંક મગજની પ્રવૃત્તિ (ન્યુરલ ઇમ્પલ્સ) દ્વારા કમ્પ્યુટર, મોબાઇલ ફોન અથવા અન્ય કોઈપણ ઉપકરણ પર સીધું નિયંત્રણ સક્ષમ કરે છે.
- અદ્રશ્ય ચિપ : અમે સંપૂર્ણપણે ઇમ્પ્લાન્ટેબલ, કોસ્મેટિકલી અદ્રશ્ય મગજ-કમ્પ્યુટર ઇન્ટરફેસ ડિઝાઇન બનાવ્યું છે. જેથી તમે જ્યાં પણ જાઓ ત્યાં કમ્પ્યુટર અથવા મોબાઇલ ઉપકરણને નિયંત્રિત કરી શકો. માઈક્રોન-સ્કેલ થ્રેડો મગજના એવા વિસ્તારોમાં દાખલ કરવામાં આવશે જે હલનચલનને નિયંત્રિત કરે છે. દરેક થ્રેડમાં ઘણા ઇલેક્ટ્રોડ હોય છે જે તેમને ઇમ્પ્લાન્ટ સાથે જોડે છે, જેને લિંક્સ કહેવાય છે.
- રોબોટિક સિસ્ટમ ડિઝાઇન : લિંક્સ પરના થ્રેડો એટલા ઝીણા અને લવચીક છે કે તેને માનવ હાથ દ્વારા દાખલ કરી શકાતા નથી. આ માટે, કંપનીએ એક રોબોટિક સિસ્ટમ તૈયાર કરી છે. જેના દ્વારા થ્રેડને મજબૂત અને અસરકારક રીતે ઇમ્પ્લાન્ટ કરી શકાય છે.
- એપ્લિકેશન : ન્યુરાલિંક દ્વારા એક એપ ડિઝાઇન કરાઈ છે. જેના માધ્યમથી વ્યક્તિ વિચારીને મગજની પ્રવૃત્તિ દ્વારા સીધા કીબોર્ડ અને માઉસને નિયંત્રિત કરી શકશે.
- ચાર્જર : ઉપકરણને પણ ચાર્જ કરવાની જરૂર પડશે. આ માટે, એક કોમ્પેક્ટ ઇન્ડક્ટિવ ચાર્જર પણ ડિઝાઇન કરાયું છે. જે બેટરીને બહારથી ચાર્જ કરવા માટે વાયરલેસ રીતે ઇમ્પ્લાન્ટ સાથે જોડાય છે.
બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો
ન્યુરોલિંક દ્વારા જે ટેક્નોલોજીનો ઉપયોગ ચીપ બનાવવામાં કરાયો છે તેને બ્રેઈન-કોમ્પ્યુટર ઈન્ટરફેસ અથવા ટુંકમાં BCIs કહેવાય છે. બીજી ઘણી કંપનીઓ પણ વર્ષોથી આના પર કામ કરી રહી છે. આ સિસ્ટમ નજીકના ચેતાકોષોના સિગ્નલોને વાંચવા માટે મગજમાં મૂકેલા નાના ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે.