Prem - Nafrat - 118 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૧૮

Featured Books
Categories
Share

પ્રેમ - નફરત - ૧૧૮

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૮

રચના પરિવારમાં ઉત્સવનો માહોલ જોઈ નવાઈ પામી રહી હતી. પોતે બે દિવસ કંપની અને ઘરથી દૂર રહી એટલા સમયમાં કેટલું મોટું પરિવર્તન આવી ગયું છે. એને એક ફિલ્મનો સંવાદ યાદ આવી ગયો જેમાં હોઠ અને ચાના કપ વચ્ચેનું અંતર પણ કેટલું મોટું હોય છે એની વાત કરવામાં આવી હતી. પોતે જે ખુશી અનુભવવા માગતી હતી અને સફળતાનો કોળિયો ખાવા માગતી હતી એ છીનવાઈ રહ્યો હતો કે શું? આરવ એને કોઈ ખુશીમાં સામેલ થવા કહી રહ્યો છે પણ આખરે આ આનંદ શેનો છે?

આરવ, વાત શું છે? આમ આનંદ- ઉત્સવ કેમ ઉજવાઇ રહ્યો છે?’ રચનાએ ખોટું હાસ્ય ચહેરા પર રેલાવી પૂછ્યું.

તું આ ખુશીનો આનંદ માણવાનું શરૂ કરી દે. તને આપોઆપ સમજાઈ જશે. આરવ બધાની સાથે નાચવામાં જોડાઈ ગયો હતો અને ઢોલના અવાજમાં હવે એની સાથે સવાલ-જવાબ કરવાનું શક્ય ન હતું.

આરવ એને ખેંચીને નાચવા લાગ્યો હતો. બધા એની આસાપાસ આવી ખુશીથી ઝૂમી રહ્યા હતા. એ પરાણે હસીને નાચી રહી હતી.

દસ મિનિટ સુધી આ વરઘોડો ઢોલ-નગારાના તાલ સાથે નાચતો રહ્યો. એણે પહેલી વખત લખમલભાઈ જ નહીં પરિવારના દરેક સભ્યને નાચતા જોયા. બંગલાના મુખ્ય દરવાજા સુધી આવીને બધાં અટકી ગયા અને શ્વાસ લેવા ઊભા રહ્યા.

લખમલભાઈ નજીક આવ્યા એટલે રચના એક પુત્રવધૂ તરીકેનું કર્તવ્ય નિભાવવા એમને પગે પડી. લખમલભાઈએ આનંદના ઉદગાર કાઢ્યા:ખુશ રહો, સુખી રહો. દૂધો નહાઓ, પૂતો ભલો.

રચના ચોંકી ગઈ અને મનોમન બોલી:તમારા એકપણ આશીર્વાદ હું ફળવા દેવાની નથી. ધન મળવાના કે સંતાન મળવાના કોઇ ચાન્સ નથી. તમારું ધન સમાપ્ત કરી રહી છું અને સંતાન આવવાનું નથી.

રચનાના આશ્ચર્યની સીમા ત્યારે ના રહી જ્યારે ઘરના એક પછી એક સભ્ય એને અને આરવને અભિનંદન આપી ગયા. રચનાને મનમાં ગડ બેસી રહી ન હતી. પરિવાર કઈ ખુશી મનાવી રહ્યો છે અને એમાં પોતે અને આરવ કેવી રીતે સહભાગી બની રહ્યા છે?

આરવની ભાભીઓએ જ્યારે એને ભેટ-સોગાદ પણ આપી ત્યારે એનું આશ્ચર્ય બેવડાઈ રહ્યું હતું. તેને થયું કે હવે હદ થઈ રહી છે? ક્યાંક આ બધાં મારી મજાક તો ઉડાવી રહ્યા નથી ને? કે પછી મારા કારસ્તાનોની એમને ખબર પડી ગઈ છે? હવે આરવ સાથે આ બાબતે ફેંસલો કરી લેવો જ પડશે. આ બધું શું ચાલી રહ્યું છે એ જાણવું જ પડશે. આરવ કંપની વિષેની વાતો વારંવાર છુપાવી રહ્યો છે. અને નવી કંપની શરૂ થઈ હોય તો પોતાને કેમ જાણ ના કરી? એ જાણવાનો પોતાનો હક છે.

રચના બધાંની સામે નકલી હાસ્ય ફેલાવતી રહી અને અસલી વાત જાણવા આરવને ધીમેથી પોતાના બેડરૂમમાં ખેંચી જ ગઈ.

રચના, વાત શું છે?’ કહેતો આરવ સહેજ ચિંતાથી એની પાછળ દોરાતો રહ્યો.

રચનાએ બારણું બંધ કરી સહેજ ગુસ્સા સાથયે પૂછ્યું:આરવ, તું કહે કે વાત શું છે? આ બધું શું છે? કંઇક કહીશ ખરો?’

તું મને પૂછે છે?!’ આરવ સહેજ નવાઈ સાથે પૂછવા લાગ્યો:કેમ તને ખબર નથી? મને લાગે છે કે તું નાટક કરી રહી છે. આપણાં પરિવારની ખુશી જોઈને પણ હું ગાંડો થઈ ગયો છું. પહેલી વખત આપણાં પરિવારમાં મેં આવો આનંદ અને ઉત્સાહનો માહોલ જોયો છે...

એક મિનિટ આરવ... રચના એને અટકાવીને ગંભીર થઈ પૂછવા લાગી:મને કઈ વાતની ખબર છે? તું હવે મોઘમ બોલવાનું રહેવા દે. હું બહુ ગૂંચવાડો અને ગુંગણામણ અનુભવી રહી છું. હું આવી ત્યારથી તને આપણી કંપની વિષે પૂછી રહી છું. અને તું વાત ટાળી રહ્યો છે. હવે હું જાણીને જ રહીશ કે આપણી કંપનીનું આખરે શું થયું છે? અને નવી કંપનીના શું સમાચાર છે? બધાં શેના અભિનંદન આપી રહ્યા છે?’

અરે! કંપનીને તું હમણાં માર ગોળી! પહેલાં હાથની ઝોળીમાં બાળને હીંચકા ખવડાવવાનો આનંદ માણવાની ઘડીનો ઇંતજાર કરવાની ખુશી મનાવ…’ આરવે હાથમાં બાળક ઝુલાવવાની એક્શન કરીને કહ્યું.

રચના ધ્રૂજી ઊઠી. એણે તો બાળક પડાવી નાખ્યું છે. આ લોકોને હું મા બનવાની છું એવા ખોટા સમાચાર કોણે આપ્યા હશે? ઓહ! એમને ખબર પડશે કે મેં બાળક રહેવા દીધું નથી ત્યારે એમના પર કેવી વીજળી પડશે?

ક્રમશ: