છપ્પર પગી -૭૩
——————————
‘હા… પણ મા મને તું બધી જ વાત કર મારે એ બધું જ જાણવું છે..’ પલે અધિરાઈપૂર્વક એ ઘટના જાણવા પ્રશ્ન કર્યો.
‘બેટા.. એ વાત ખૂબ લાંબી છે અને એની સાથે સ્વામીજી પણ જોડાયેલ છે, એમની કેટલીંક બાબતો પણ એ ઘટના સાથે સંલગ્ન છે એટલે મારે તને બહુ જ ડિટેઈલમાં સમજાવવું પડશે..બાકી સ્વામીજીએ મને વચન આપ્યું છે કે એ એમનાં જીવન અંગે જે કંઈ કહેવા યોગ્ય લાગશે તે યોગ્ય સમયે ચોક્કસ જણાવશે… મેં પણ વારંવાર પ્રયત્ન કર્યો પણ મને પણ બહુ માહિતી નથી. મને તો અત્યારે મારાં, તારા બાપુ ના અને વિશ્વાસરાવજીના કેટલાંક અનુભવો છે એમાંથી જે ખબર પડી એટલી જ ખબર છે.મે જ્યારે છેલ્લે પુછ્યુ હતું કે સ્વામીજી મને તમારા પૂર્વાશ્રમ બાબતે જાણવું છે ત્યારે મને એટલું જ કહ્યું હતુ કે તારે કેટલાંક કાર્યો કરવાના બાકી છે એ સંપન્ન કરી લે.. પછી મને કોઈ અંદરથી આદેશ મળશે તો તને તારા ઘરે જ રોકાઈને જણાવીશ …. એટલે હું પણ એ દિવસની પ્રતિક્ષા કરું છું. એ વખતે સ્વામીજીને વિનંતી કરીશ કે આપણાં ત્રણેયની હાજરીમાં કંઈ આપણને કહે… એ દિવસ ક્યારે આવશે ? કોણ કોણ હશે ? કંઈ જણાવે છે કે નહીં ? કેટલું કહેશે … મને પણ કંઈ જ ખબર નથી. તો તું પણ મારી જેમ રાહ જુએ એ જ યોગ્ય રહેશે.’
‘હા..મા…’ એટલું કહી પલ બાકીની મુસાફરી પોતાની મા ને લપાઈને સુઈ રહીને પુરી કરે છે.
હરિદ્વારથી મુંબઈ પરત ફર્યા એ ઘટનાને હવે લગભગ છ મહિના જેવો સમય થઈ ગયો હતો.. એ દરમ્યાન પ્રવિણ પોતાનાં વ્યવસાયને હવે એ રીતે ગોઠવી દે છે કે એમની પ્રત્યક્ષ હાજરીની કોઈ ખાસ જરૂર ન પડે.. રાકેશભાઈ સ્વતંત્ર રીતે બધા કર્મચારીઓને સહકારમાં લઈ કંપનીનું કામ આગળ સરસ રીતે ચલાવી શકે તેવું આયોજન ગોઠવાઈ ગયુ હતું … હિતેનભાઈના અનુભવનો લાભ લઈ પલ પોતાની કંપનીને એક આગવી ઉંચાઈએ લઈ જઈ શકી છે. પલને હવે બિઝનેશ જગતમાં લોકો પ્રવિણશેઠની દિકરી કે હિતેનભાઈની નાતી તરીકે નહીં પણ પોતાની સ્વતંત્ર ઓળખ ઉભી કરી લીધી છે અને સંપૂર્ણપણે એથિક્સ પર ચાલી રહેતી એક ભરોસાપાત્ર કંપનીની છાપ ઉભી કરી શકી છે. લાંબાગાળાનાં રોકાણકારો પલની કંપની ભવિષ્યમાં ખૂબ ઉંચુ વળતર આપશે એવો ભરોસો રાખીને શેર હોલ્ડીંગ કરે છે.
તેજલબેન અને હિતેનભાઈ પણ એક પારિવારીક યાત્રા પુરી થઈ હોય તેવા સંતોષ સાથે પોતાની ઈચ્છા મુજબનુ નિવૃત જીવન તરફ આગળ વધે છે.સ્કૂલનાં લોકાર્પણ માટે થોડાં દિવસોની વાર હોય એટલે એ લોકો પણ દસેક દિવસ માટે પોંડીચેરી જવા નીકળી જાય છે.
લક્ષ્મી પોતાના બધા જ એનજીઓ એમની ગેરહાજરી હોય તો પણ ખૂબ સરસ રીતે ચાલે તે રીતે ફાયનાન્સિયલ અને એડમિનીસ્ટ્રેટિવ પ્લાનિંગ કરી ચૂકી હોય છે.
એક દિવસ પ્રવિણ અને લક્ષ્મી ઘરે બેઠાં હોય છે ત્યારે નકકી કરીને પછીનાં રવીવારે પોતાની જૂની ચાલ ની મૂલાકાત ગોઠવે છે.. એ પછીનાં મંગળવારે તો બધા જ લોકો મુંબઈ ભેગા થવાના હતા.. પછી વતન જવાનું થશે એટલે સમય નહીં મળે એવુ વિચારી પોતાની જૂની ચાલમાં રહેતા પરીવારો માટે ભેટ આપવા માટે ખરીદી કરવા માટે નીકળે છે. પ્રવિણ અને લક્ષ્મી કદાચ વર્ષો પછી આ રીતે બજારમાં નિરાંતે નીકળ્યા હોય છે. લક્ષ્મી પ્રવિણને આગ્રહ કરી પોતે જે સૌથી પહેલુ મંદીર ખરીદ્યુ હોય છે એ જગ્યાએ લઈ જાય છે. લક્ષ્મી ત્યાં જઈને પોતાનાં મોબાઈલમાંથી મંદીર નો ફોટો બતાવે છે અને કહે છે, ‘ મારે આ પ્રકારનાં ૨૭ મંદીરો જોઈએ છે… મળી જશે ?’
‘અરે બહેન…આ તો મારું જ બનાવેલ મંદીર છે.’
‘હા.. તમે જ બનાવ્યું છે.’
‘કેટલાં વરસ થયા તમને અહીંથી લઈ ગયે ?’
‘પચીસેક વરસ તો થયા હશે.’ લક્ષ્મીએ કહ્યુ. ‘ પણ આ મંદીર ને ઓક્સીડાઈઝ્ડ કવર છે હવે મારે શુદ્ધ ચાંદીના પતરે મઢેલ મંદીરો જોઈએ છે..રવીવારે સવારે જોઈએ છે, મળી જશે?’
‘મળી તો જાય .. હું રાત દિવસ કામ કરીને તૈયાર કરી આપું પણ… બહેન ચાંદીના પતરાં..ને’
લક્ષ્મી સમજી ગઈ અને તરત જ કહ્યુ કે તમે જે ભાવ કહેશો તે આપીશ અને બધા જ પૈસા એડવાન્સ આપુ છું’ એમ કહી ચાલનું એડ્રેસનું એક કાર્ડ આપી ને કહ્યુ કે આ સરનામે તમે જાતે જ આવી ને પધરાવી જજો.
એ પ્રવિણભાઈ મીસ્ત્રીએ જે રકમ કહી તે ચૂકવી પોતાનાં ઘરે જવા પરત ફરે છે.
ક્રમશઃ
લેખકઃ રાજેશ કારિયા