" રાહુલ તું???" અનન્યા એ આશ્ચર્ય સાથે કહ્યું.
" અનન્યા!!" વર્ષો પહેલાંનો ચહેરો અચાનક સામે આવી જતા રાહુલ માત્ર નામ જ બોલી શક્યો.
અનન્યા એ તુરંત પોતાનો હાથ રાહુલના સહારાથી છોડાવ્યો. આગળ પાછળ બંને તરફથી ગાડીના હોર્નનો અવાજ આવવાથી બન્ને રોડની એક સાઈડ જઈને ઊભા રહી ગયા.
" અનન્યા વોટ અ સરપ્રાઈઝ!! હું તને જ મળવા આવતો હતો..." રાહુલ અનન્યાની વધારે નજદીક જઈ રહ્યો હતો.
" ડોન્ટ ટચ મી..." અનન્યા રાહુલથી થોડીક દુર હટી ગઈ.
રાહુલની નજર અનન્યા એ પહેરેલા મંગળસૂત્ર પર ગઈ. એ જોઈને રાહુલની જાણે આસપાસની દુનિયા જ ફરવા લાગી હતી. દિમાગ કામ કરતું જ બંધ થઈ ગયું. હદયના ધબકારા વધવા લાગ્યા. દિલમાં એક પ્રકારનું દર્દ મહેસૂસ કરવા લાગ્યો.
રાહુલ ભીની થયેલી આંખો એ બોલ્યો.
" અનન્યા આ મંગળસૂત્ર??"
" મારે તારી સાથે કોઈ વાત નથી કરવી....અને આજ પછી મારો પીછો કરવાની કોશિશ પણ ન કરતો સમજો?" અનન્યા એટલું કહીને ત્યાંથી ચાલતી બની.
રાહુલ એમની પાછળ પાછળ જતો બોલતો ગયો. " અનન્યા મારી વાત તો સાંભળ.." પણ અનન્યા એ પાછળ ફરીને ધ્યાન જ ન આપ્યું અને ઘર આવતા તે ઘરમાં ઘૂસી ગઈ. રાહુલ ગેટ પાસે ઊભો બસ અનન્યાને જોતો જ રહી ગયો.
થોડીવારમાં જ રાહુલના મિત્રો તેમને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા.
" હાશ....તું મળી ગયો...તને ક્યારના અમે શોધીએ છીએ ક્યાં જતો રહ્યો તો તું?" હાંફતો હાંફતો એનો એક મિત્ર બોલ્યો.
" અરે આ એનું જ ઘર છે ને?" બીજા મિત્રે અનન્યાના ઘરને જોઈને કહ્યું.
" કોનું ઘર છે?" પહેલા મિત્રે કહ્યું.
" અરે! રાહુલ જે છોકરી પર મરે છે, જેને માટે તેણે અમેરિકાની કેટલીય ગર્લ્સના દિલ તોડ્યા છે, એ જ છોકરી મતલબ આપણી ભાભીનું ઘર છે આ... બરોબરને રાહુલ?" ઉત્સાહિત મિત્ર તુરંત બોલી ગયો.
રાહુલની નજર હજી એ જ મકાન પર ટકેલી હતી. બાજુમાં ઊભેલા એના બે મિત્રો અનન્યા ભાભી કહેતા કહેતા વાતો કરી રહ્યા હતા. થોડીવારમાં રાહુલનો ફોન વાગતા તે અને મિત્રો ત્યાંથી જતા રહ્યા.
અનન્યા એ પોતાના આંસુઓ ભીતર દબાવી રાખ્યા હતા.
" દીકરી તું આવી ગઈ...લે આ દૂધ પી લે શરીરમાં થોડીક તાકત રહેશે...." કડવી બેન દુધનો ગ્લાસ લેતા અનન્યા પાસે આવ્યા પરંતુ અનન્યા એ મમ્મી તરફ નજર પણ ન કરી અને પોતાનાં રૂમ તરફ નીકળી ગઈ.
રૂમનો દરવાજો બંધ કરીને અનન્યા બેડ પર પડી જોરજોરથી રડવા લાગી. રાહુલનો ચહેરો વર્ષો બાદ આજ એણે જોયો હતો. રાહુલ સાથેની એ જૂની યાદો જે મુશ્કેલીથી ભૂલી હતી એ યાદોનું સમુંદર આજ ફરી અનન્યાને પોતાની તરફ ખેંચી રહ્યું હતું. અનન્યાની હાલત રડી રડીને વધુ ખરાબ થઈ રહી હતી.
" આ અનન્યાને અચાનક શું થયું?" કડવી બેન દૂધનો ગ્લાસ હાથમાં રાખતા વિચાર કરી રહ્યા હતા. ત્યાં રમણીકભાઈ આવ્યા અને કડવીબેનના હાથમાંથી દૂધનો ગ્લાસ છીનવી ફટાફટ પી ગયા.
" અમમ... વાહ કડવી, તે તો મને આપણી પહેલી સુહાગરાતની યાદ અપાવી દીધી ત્યારે પણ તું આમ જ મારા માટે દૂધનો ગ્લાસ લાવી હતી યાદ છે..." રમણીકભાઈ રોમાંટિક થતાં કડવી બેનની નજીક આવી રહ્યા હતા.
" શું કરો છો? હવે તો આપણી દિકરીના પણ લગ્ન થઈ ગયાં હવે તો થોડીક શરમ કરો..."
" પ્રેમમાં ઉંમર ન જોવાની હોય પગલી મારું દિલ આજે પણ યુવાન છે યુવાન..."
" તમારી યુવાની તમારી પાસે રાખો અને જરા આપણી દીકરી વિશે કઈક વિચારો..."
" કેમ હવે એને શું તકલીફ પડી? પેટમાં દર્દ થાય છે?" રમણીકભાઈ થોડાક ગંભીર થતાં બોલ્યા.
" એ તો નહિ ખબર, પણ આજ જ્યારે એ પાણીપુરી ખાઈને આવી તો મારા સવાલનો જવાબ આપ્યા વિના જ રૂમમાં જતી રહી અને આજ તો મારા હાથનું દૂધ પણ નથી પીધું..."
" કેમ પીવે બિચારી એ દૂધ તો હું પી ગયો ને...."
કડવી બેને સિરિયસ નજરે જોયું.
" અરે હું મઝાક કરું છું....અને તું વધારે અનન્યાની ચિંતા ન કર આવી હાલતમાં મૂડ સ્વિંગ થવું સામાન્ય છે..તું જા, રસોડામાં હજી ઘણું કામ બાકી હશે..."
કડવીબેન ત્યાંથી રસોડામાં જઈને કામ કરવામાં વ્યસ્ત થઇ ગયા પરંતુ રમણીકભાઈ અનન્યાના બદલાયેલા આ સ્વભાવ વિશે વિચાર કરવા લાગ્યા.
*********
" સર ક્લાયન્ટે ડીલ કેન્સલ કરી નાખી છે...." પ્રોજેક્ટ મેનેજરે કહ્યું.
" વોટ! અને આ વાત તું મને અત્યારે જણાવી રહ્યો છે!!" આદિત્યે ગુસ્સામાં કહ્યું.
" એકચ્યુલી સર એમનો હમણાં જ કોલ આવ્યો તો."
" આખી એડ પેપર પર રેડી થઈ ગઈ છે ને લાસ્ટમાં ડીલ કેન્સલ?!"
આદિત્યના બિઝનેસનો ગ્રાફ ધીમે ધીમે નીચે આવી રહ્યો હતો. માર્કેટમાં આદિત્યનો એડ એજન્સીનો બિઝનેસ જોઈને અન્ય કંપનીઓ પણ હરીફાઈમાં આવી ચૂક્યા હતા. જેથી આદિત્યને નવા પ્રોજેક્ટ મળવામાં મુશ્કેલી આવી રહી હતી. એક તરફ બિઝનેસમાં લોસ અને બીજી તરફ અનન્યા સાથે બગડેલી રિલેશનશિપ. આદિત્યની માનસિક હાલત દિવસેને દિવસે વધુ ખરાબ થઈ રહી હતી. દિવસનો વધુ પડતો સમય આદિત્ય ઓફીસે જ વિતાવવા લાગ્યો હતો. ઘરે જતા જ આદિત્યને અનન્યાની યાદો આવવા લાગતી અને એમાં પણ પાર્વતીબેન વારંવાર આદિત્યને અનન્યા વિશે જ સવાલો પૂછ્યા કરતા હતા.
અનન્યાના ગયા પછી આદિત્ય વધુને વધુ એકલો રહેવા લાગ્યો હતો. ફોનમાં અને લેપટોપમાં બસ અનન્યાના જ પિકસ જોઈને આંસુ વહાવવા લાગ્યો. અનન્યા ને તમાચો મારવાનું દુઃખ હજી પણ એને સતાવી રહ્યું હતું.
" સોરી અનન્યા મારે હાથ નહતો ઉપાડવો જોઈતો પણ તે કામ જ એવું કર્યું કે મારાથી હાથ ઉપડી જ ગયો...પણ તારે આવી સર્જરી કરાવવાની જરૂરત જ શું પડી? તું મારી સાથે વાત પણ કરી શકતી હતી ને!.." આદિત્ય પોતાની સાથે જ વાત કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અનન્યા ને પિયર છોડ્યા બાદ એક વાર પણ આદિત્યે અનન્યાની તબિયતના હાલચાલ નહોતા પૂછ્યા. જેનું દુઃખ અનન્યાને ખૂબ થયું. બંને મનોમન એકબીજા થી નારાજ પણ હતા અને પોતાની ભૂલ માટે માફી પણ માંગી રહ્યા હતા. પરંતુ શબ્દો બંનેના દિલોમાં સમાયેલા હતા. બંને વચ્ચેની બંધ વાતચીતના લીધે બન્ને વચ્ચેની દૂરી દિવસેને દિવસે વધી રહી હતી.
*********
" રાહુલ...ચલ યાર આપણે આજ બહાર ડિનર કરવા જઈએ...." કાચ સામે રેડી થતો રાહુલનો મિત્ર અંકિત બોલ્યો.
" તમે જઈ આવો મને ભૂખ નથી..." રાહુલે કહ્યું.
વાળ સરખા કરતા કરતા અંકિત અટકી ગયો અને તેમણે રાહુલ સામે જોયું અને કહ્યું. " તું બહાર જમવા માટે ના પાડે છે તું??"
" એક વખત કીધુંને મને ભૂખ નથી...."
" વોટ્સ અપ બોયઝ, અને રાહુલ તું કેમ મોઢું ચડાવીને બેઠો છે? ચલ જલ્દી, મારી તો ભૂખથી હાલત ખરાબ થઈ રહી છે હો..." રાહુલનો બીજો મિત્ર દેવ પણ તૈયાર થઈને આવી ગયો હતો.
" હાલત તો હજી ખરાબ થશે..." અંકિત બોલ્યો.
" કેમ?"
" આપણા ભાઇજાન આવવાની જો ના પાડે છે.."
" શું યાર...ઇન્ડીયામાં આવ્યા બાદ આપણે પહેલી વાર તો બહાર ખાવા જઈએ છીએ અને એમાં પણ તું આમ ના પાડીને બેસી જઈશ તો કેમ ચાલશે?"
" આ બંને નહિ સમજે..." મનમાં રાહુલે કહ્યું.
" ચાલો આજ હોટલનું બિલ અંકિત આપશે...." રાહુલ તુરંત ઊભો થઈને અંકિતને ખેંચતો બહાર લઈ ગયો.
" અરે પણ હું કેમ બિલ આપુ?" અંકિત વારંવાર બિલથી બચવાની કોશિશ કરતો રહ્યો પણ રાહુલે અંકિત પાસેથી બિલ ફાડવાનું નક્કી કરી લીધું હતું.
ક્રમશઃ