પિસ્તોલમાં ગોળી ભરતા વિજયે પોતાની ટીમને કહ્યું.
" અંશ પર ગોળી ચલાવી પડે તો હાથ જરા પણ ન ધ્રુજવો જોઈએ.."
" યસ સર..."
" તો ચાલો સાથે મળીને આ કેસને એન્ડ કરીએ...." બધા એ સાથે મળીને પિસ્તોલને રિલોડ કરી અને સાથે જીપમાં બેસી જંગલ તરફ બલરાજને શોધવા નીકળી ગયા.
બલરાજ થોડા સમય પછી હોશમાં આવ્યો. હાથ પાછળની તરફ બંધાયેલા હતા. અને મોં પર પટ્ટી બાંધેલી હતી જેથી બલરાજ કઈક બોલી શક્યો નહિ. ત્યાર બાદ કેશવે થોડાક સમય માટે બલરાજના મોંમાંથી પટ્ટી નિકાળી અને ત્યાં જ બલરાજે કહ્યું. " કોણ છે તું?? ડરપોકની જેમ છૂપાઈને શું વાર કરે છે હિંમત હોય તો સામે આવ!"
ત્યાં જ જીપની આગળ અંશ આવીને ઊભો રહી ગયો. જીણી આંખે બલરાજે ચહેરો જોવાની કોશિશ કરી અને કહ્યું.
" અંશ તું???"
" હા બલરાજ હું જ..."
" તો આ બધા ક્રાઇમ તે કર્યા છે??"
" ક્રાઇમ?? મેં તો ન્યાય કર્યો છે...મારું સ્થાન તો જજથી પણ ઊંચું હોવું જોઈએ... ન કોઈ વકીલ કે ન કોઈ તારીખ સીધો ન્યાય..."
" બકવાસ બંધ કર...તે બલરાજ સાથે પંગો લઈને બોવ મોટી ભૂલ કરી છે...અંશ હજી સમય છે મને છોડી દે...નહિતર.. તારે પણ તારા બાપની જેમ આત્મહત્યા કરવી પડશે.." ઘમંડી બલરાજે કહ્યું.
" મારા પિતા વિશે એક શબ્દ પણ બોલ્યો છે ને તો જીવતો જ સળગાવી નાખીશ.." ક્રોધથી ભરાયેલા અંશે કહ્યું.
" તને શું લાગે છે તું મને મારીને બચી જઈશ...પોલીસ તને વહેલા મોડી પકડી જ પાડશે મારા હાથે નહિ તો પોલીસના હાથે તને મારા હત્યા કરવાની સજા તો મળશે જ..." બલરાજ અંશ ને ડરાવાની પૂરી કોશિશ કરી રહ્યો હતો.
" તારા માટે એક સરપ્રાઈઝ છે.." અંશે કહ્યું.
બલરાજ વિચારમાં પડી ગયો અને ત્યાં જ અંશની બાજુમાં કેશવ આવીને ઊભો રહી ગયો.
બલરાજે આંખો બંધ કરીને ફરી ખોલી અને પાછી જોવાની કોશિશ કરી પણ હકીકતમાં કોઈ બદલાવ થયો નહિ. બંને એ એકસરખી હેર સ્ટાઇલ રાખી હતી અને કપડાં પણ એક સરખા જ પહેરી રાખ્યા હતા.
" બે બે અંશ!??? આ કઈ રીતે શક્ય છે?" બલરાજે કહ્યું.
" કેમ ભૂલી ગયો બલરાજ...સતર વર્ષ પહેલાં બાબાના કહેવાથી તે એક બાળકને નદીમાં ફેંકી દીધું હતું..."
" હા તો એ બાળક મરી ગયું હતું ને? "
" ના બલરાજ એ બાળક નદીમાં પડ્યું જરૂર હતું પણ ભગવાનના આશીર્વાદથી એ બચી ગયું...અને આજે બાબાની ભવિષ્યવાણી સાચી પડવાની છે.."
બલરાજે બાબા એ કહેલી વાત યાદ કરી અને ત્યાં જ એના પગ થરથર કાંપવા લાગ્યા.
" અંશ... મેં તારા જુડવા ભાઈને મારવાની જરૂર કોશિશ કરી હતી પણ એ મર્યો તો નથી ને...તો પછી આ શેની સજા મને આપી રહ્યો છે?"
" આ સજા માત્ર મારી નથી..આ સજા એ લીલાની છે, જેની સાથે તે બળાત્કાર ગુજાર્યો, આ સજા એ ભોળા શિવાભાઈની છે જેને તે ટ્રક વડે કચેડી નાખ્યો..આ સજા એ દરેક ગામવાસીઓની છે જેની સાથે તે અન્યાય કર્યો..આ સજા નહિ પણ ન્યાય છે....તારા મોતથી જ મારા પિતાની આત્માને સાચા અર્થમાં શાંતિ મળશે..."
બલરાજ આગળ કંઈ બોલે એ પહેલા જ કેશવે જીપમાં જઈને બલરાજનું મોં પટ્ટીથી બાંધી દીધું. દીવાસળી હાથમાં લઈને આગ ચાંપવા જતો જ હતો કે થોડે દૂરથી જીપનો અવાજ સંભાળ્યો અને કેશવ અને અંશ ત્યાંથી થોડે દૂર જઈને સંતાઈ ગયા.
જીપ આગળ બે રસ્તા હતા. " હવે શું કરીશું સર? અહીંયા તો બે રસ્તા છે? હવે બલરાજ કઈ સાઈડ ગયો હશે એની ખબર કેમ પડશે?" આર્યને કહ્યું.
" હવે આપણે બે ટીમમાં કામ કરીશું..સંજીવ તું મારી સાથે આવ..અને આરોહીની ટીમમાં પ્રિશા અને આર્યન રહેશે... લેટ્સ ગો...બલરાજ વિશે થોડી ઘણી પણ જાણકારી મળે એટલે સીધો મને કોલ કરજો ઓકે.."
" ઓકે સર.." આરોહી બોલી.
બે ટીમમાં ભાગ પાડીને બંને અલગ અલગ રસ્તે બલરાજને શોધવા નીકળી ગયા. આરોહીની ટીમ પગપાળા ચાલતી હતી જ્યારે વિજય અને સંજીવ જીપમાં બેસી આગળ વધતાં હતા.
જંગલમાં થોડે અંદર જતા જ વિજયે ગાડી ઉભી રાખી દીધી.
" શું થયું સર.." સંજીવે સવાલ કર્યો.
" સામે જો..." વિજયે કહ્યું.
શું વિજય બલરાજને બચાવી શકશે?
ક્રમશઃ