HUN ANE AME - 36 in Gujarati Love Stories by Rupesh Sutariya books and stories PDF | હું અને અમે - પ્રકરણ 36

Featured Books
Categories
Share

હું અને અમે - પ્રકરણ 36

રાકેશ સિગારેટ પીતો સોફા પર બેઠો હતો કે અવની કાર્તિકને લઈને અંદર આવી અને પાછળથી તેને હગ કરી કહેવા લાગી, "લૂક બ્રો, વુજ કમિંગ!" તેણે પાછળ ફરીને જોયું તો કાર્તિક ઉભેલો.

"કાર્તિક! આવને... બેસ." તે બન્ને તેની પાસે આવીને સોફા પર બેઠા એટલે રાકેશ તેને પૂછવા લાગ્યો, "કેમ અચાનક કાર્તિક?"

"અવનીએ કહયું કોઈ કામ છે એટલે હું અહીં આવી ગયો."

"શું થયું અવની?"

તે બોલી; "ભાઈ, ભૂલી ગયાને! શ્વેતાએ ફોન કરેલો કે તે ડિઝાઇનરને લઈને આવે છે. એટલે મેં કાર્તિકને બોલાવી લીધો."

"અચ્છા હા હા, સારું કર્યું. તમે બેસો હું આવું" કહેતો તે પાછળ શરાબખાનામાં જતો રહ્યો. અવની અને કાર્તિક બેઠા હતા એવામાં શ્વેતા એક ડિઝાઈનર અને તેની સાથેના બે માણસ સાથે આવી.

"ગુડ ઈવનિંગ, અવની."

"ગુડ ઈવનિંગ."

" શું વાત છે! બન્ને આવી ગ્યાને કંઈ. આ બંને જ થનારા હસબન્ડ વાઈફ છે. "

"ઓકે" કહી ડિઝાઈનર બંને પાસે જઈને તેઓની પૂછપરછ કરવા લાગ્યા. પાછળથી રાકેશ હાથમાં એક બોટલ લઈને બહાર આવ્યો અને તેઓને દેખતાં બહારની તરફ જતો રહ્યો. તેને જોઈને શ્વેતા પણ તેની પાછળ ગઈ. અવનીનું ધ્યાન તે બંને તરફ જ હતું.

બહારના સ્વિમિંગ પુલમાં પોતાના બંને પગ લટકાવી રાકેશે બોટલમાંથી ગ્લાસ ભર્યો અને એક એક ઘૂંટ કરીને પીવાનું ચાલુ કર્યું. એટલામાં શ્વેતા તેની બાજુમાં આવીને બેસી ગઈ.

"કેમ અહીં આવતી રહી?"

"તો શું કરું?"

"મને લાગ્યું તું ત્યાં જ બેસીશ. એટલે કહું છું."

તેણે થોડું હસતાં કહ્યું, " ડિઝાઈનર બંનેની મરજી પ્રમાણે સારા કપડાં બનાવી લેશે. એમાં મારું શું કામ છે? થયું તારી સાથે બેસીને થોડી વાતો કરી લઉં. "

"શેની વાતો?"

"ઓફિસ અને અવનીના લગનની."

તે કશું ના બોલ્યો અને ગ્લાસ હોઠે અડાડી પીવા લાગ્યો. ખાલી થયેલા ગ્લાસને બાજુમાં મૂકી ફરી ભર્યો.

" તું આજકાલ વધારે પીવા લાગ્યો છે એવું નથી લાગતું તને?"

" એ તો આજકાલ તું મને જોવે છે એટલે તને લાગે છે. બાકી મારું તો વર્ષોથી આમ જ છે. હિહ..."

"પણ તું કેમ બહાર આવી ગયો?"

"અવની અને કાર્તિક બંને બેઠા 'તા. થયું બે પ્રેમીઓને શાંતિથી વાત કરવા દઉં. થોડા દિવસમાં બંનેના લગન થઈ જશે. કદાચ પછી તેઓને વાત કરવામાં એ મજા નહિ આવે, જે અત્યારે આવશે."

"એવું પણ હોય શકે?"

"હા, હોય તો છે. પણ હજુ બંને કંઈ બોલ્યા પણ નહિ હોય કે તું આવી ગઈ." તેનો ગ્લાસ ખાલી થઈ ગયો એટલે એણે એને નીચે મુક્યો. મુકતા તેણે શ્વેતાના હાથ સામે જોયું તો તે જાણે કોઈ ચિંતામાં હોય એવું લાગી રહ્યું હતું. પોતાની આંગળીઓને આમ તેમ મરડી અને એકબીજી આંગળીને દબાવી તે જાણે પોતાની જાતને જ કશું સમજાવી રહી હતી. તેને જોતા જોતા રાકેશ હેડકી લેવા લાગ્યો. એની હેડકીનો અવાજ સાંભળી ચિંતાતુર બની શ્વેતા અચાનક તેના તરફ જપટી.

"શું થયું રાકેશ?"

તેની હથેળી પકડી તેણે કહ્યું, "કંઈ નહિ. બસ નશો ચડવાનો ચાલુ થઈ ગયો." તેને જોરથી હેડકી લેતા જોઈ શ્વેતા તેની પીઠ પર હાથ ફેરવવા લાગી.

"જોયું? હું કહું છુંને તને! વધી ગયું છે તારું."

"સોરી... સોરી યાર. પણ શું કરવું? સોરી."

તેઓની આ વાતો ચાલતી હતી કે થોડીવારમાં ડિઝાઈનર પોતાનો સ્ટાફ લઈને બહાર આવ્યો અને તેઓની રજા લઈ ચાલતો થયો. ત્યારબાદ અવની પણ કાર્તિકને મૂકવા તેની ગાડી સુધી બહાર આવી. દૂર રાકેશ અને શ્વેતાને વાતો કરતા જોઈ કાર્તિક મનોમન હસવા લાગ્યો.

" કેમ હસે છે કાર્તિક?" અવનીએ તેને પૂછ્યું.

" કંઈ નહિ, બસ એમજ. તેઓને વાતો કરતા જોઈ એવું નથી લાગતું કે બંને ઓફિસ પાર્ટનર હોય."

અવની તેની સામે જોઈ કહેવા લાગી, "સાચું કહું કાર્તિક, મને મનોમન લાગે છે કે ભાઈનો સ્વભાવ બદલાઈ રહ્યો છે."

"એટલે?"

"તને યાદ છે મે તને સવારે કહેલું કે મારે તારી સાથે અગત્યની વાત કરવી છે."

"હા. તો બોલને શું છે?"

" કાર્તિક જ્યારથી આપણા લગન નક્કી થયાં ત્યારથી કોણ જાણે કેમ? પણ મારું મન શાંત નથી રહેતું. એક ડર લાગે છે."

" કેમ? કોઈ ચિંતા છે તને?"

તે તેનો હાથ પકડી કહેવા લાગી, " કાર્તિક, મને મારા ભાઈની બહુ ચિંતા થયા કરે છે. એ કહેતો નથી પણ મને લાગે છે કે જ્યારથી આપણા લગન નક્કી થયાં ત્યારથી એના મનમાં કોઈ વાત ચાલી રહી છે. એનો સ્વભાવ એકદમ વિચિત્ર રીતે બદલાઈ રહ્યો છે. લોકો સાથે વાતો કરવાનું ઓછું કરી દીધું. દેખાય રહ્યું છે મને કે એના મનમાં કંઇક વાત છે."

વિચાર કરતા તેણે કહ્યું, " હું સમજી ગયો."

"શું?"

" એ એકલા હતાને. પછી તું એની લાઈફમાં આવી. હવે તું પણ સાસરે જવાની છે એ વાત કદાચ એના મનમાં ચાલતી હશે. તે આ અંગે એની સાથે વાત કરી?"

" ના. મારી તો હિમ્મત જ નથી થતી કે હું તેને પૂછું."

"તો એની સાથે એક વખત વાત કરી જો. રાકેશભાઈ નો તારા પર એટલો સ્નેહ છે, એ તારાથી નહિ છૂપાવી શકે."

"બની શકે, થેન્કસ કાર્તિક. તે મને હિમ્મત આપી મારું ટેન્શન થોડું ઓછું કર્યું."

"એમાં થેન્ક્સ શું કહેવાનું! જો તું ટેન્શન લે એટલે એ મારું પણ ટેન્શન કહેવાય ને? અને તું તકલીફમાં હોઈ તો હું જોયાં કરું એવું બને ખરું?"

હસીને અવની એને અલવિદા કહેવા લાગી. ગુડ નાઈટ કહી તે ત્યાંથી જતો રહ્યો. કાર્તિક ના ગયા પછી અવની રાકેશની બાજુમાં બેઠેલી શ્વેતાની બાજુમાં તેઓની જેમ જ પુલમાં પગ લટકાવીને બેસી ગઈ.

"ઘણી વાતો ચાલીને કંઈ પાર્ટનર સાથે!" શ્વેતાએ અવનીને કહ્યું. તેણે હળવી હસી આપી.

રાકેશને સંબોધતા શ્વેતા કહેવા લાગી, "ઘરમાં લગ્નનો પ્રસંગ છે. એકલા પાર નહિ આવે. કોઈ કામ હોઈ તો યાદ કરી લેજે. અત્યારે હું નીકળું છું."

"હા"

તે પણ તેઓને ગુડ નાઈટ કહીને ચાલતી થઈ. રાકેશ અને અવની બંને બેઠેલા. શ્વેતાની ખાલી થયેલી જગ્યાએ સરી અવની ભાઈના ખભા પર માથું ઢાળી વાત કરવા લાગી.

"ભાઈ મારે તારી સાથે વાત કરવી છે."

"હું સાંભળું છું." કહી તેણે ગ્લાસ મોં પર લગાવ્યો તો અવનીએ એના ગ્લાસને પોતાના હાથમાં લઈ લીધો અને એક બાજુ મૂકી દીધો.

"આજ કાલ વધી ગયું છે તમારું."

"અવની!"

"મને કહો ને શું વાત છે?"

"તું શું બોલે છે કશું નથી સમજાતું મને"

"અજાણ નઈ બનો ભાઈ."

"મારી અવની હવે મોટી થઈ ગઈ હોય, એવું મને લાગે છે."

હસતાં અવનીએ એની સામે જોઈ કહ્યું, "શું તમને એવી ચિંતા થાય છે કે મારા ગયા પછી તમે એકલા રહી જશો?"

" ના રે ના, આ છેને!" કહી તેણે શરાબની બોટલ બતાવી.

" દેખાય છે ભાઈ, તમારી આંખોમાં મને એકલા થવાનો ડર દેખાઈ રહ્યો છે. મને પણ લાગે છે. હું નથી સમજી શકતી કે લગન કરી તમને છોડીને હું બીજા ઘરમાં કઈ રીતે જઈશ. અત્યારથી જ મારું મન મુંજવાઈ રહ્યું છે અને હું જોઈ શકું છું કે મારી કરતા તમને મારી વધારે ચિંતા થાય છે."

"ના. મને તારી ચિંતા નથી થતી. ઇન્ફેક્ટ, મને તો એવું લાગે છે કે ત્યાં જઈને તને વધારે મજા આવશે. તારું પોતાનું ઘર હશે અને અહીં તો હું એકલો છું. પણ ત્યાં જઈને તને આખો પરિવાર મળી જશે. મોટાભાઈ અને પપ્પા ખૂબ સાચવશે તને. પિયર અને સાસરું, બન્ને એક સાથે મળી જવાના છે."

"એટલે જ તમે હા પાડીને? જ્યારે તમારો વારો પ્રેમ કરવાનો હતો ત્યારે તમને ધક્કો મારી દેવાયો અને આજે એના દીકરાનો વારો આવ્યો તો જાણે એનો અધિકાર હોય એમ આવીને મને લઈ ગયા."

રાકેશનું હસતું મોઢું ગંભીર થયું અને અવનીના ચેહરા પર વિખરાયેલી લટને તેના કાન પાછળ કરતા તેના ગાલ પર હાથ ફેરવીને કહેવા લાગ્યો, " મે તને કહેલુને! આવી વાત ફરી મનમાં નઈ લાવતી. જે થયેલું છે તેને જતું કર. હું પણ ભૂલી ગયો અને તું પણ ભૂલી જા. મને ન્હોતું લાગતું કે પપ્પા અને રાધિકાનો પરિવાર એકબીજાને અપનાવશે. પણ તારા લગનથી એ સપના જેવી વાત હકીકત બની જશે. હું બઉ ખુશ છું કે તારા આ રીતે લગ્ન થઈ રહ્યા છે."

"તમને લાગતું હોય કે હું બધું ભૂલી જાઉં તો તમારી એ વાત હું માનીશ. પણ પછી એક વાત મને પણ કહેવા દો. મારી એક તમારે પણ માનવી પડશે.?"

"મારી અવનીની ખુશી માટે જો શક્ય હશે, તો એ વાતને હું જરૂર માનીશ."

"ભાઈ," ઊંડો શ્વાસ લેતા તે બોલી, "...તમે પણ લગ્ન કરીને નવું જીવન શરૂ કરોને."

"અવની!"

"ભાઈ તમને દેખાય છે કે નથી દેખાતું એ મને ખબર નથી. પણ તમારે માટે, ફક્ત તમારે માટે કોઈ પણ કામમાં વણ કહ્યે, વગર નોતરે શ્વેતા દોડે છે. જ્યારથી આપણે અહીં આવ્યાં ત્યારથી હું જોઉં છું. માત્ર તમારે માટે એ પોતાના દરેક કામ પડતાં મૂકી તમારી પાસે આવી જાય છે."

ટચકારો કરી તે કહેવા લાગ્યો, "અવની, જો પ્લીઝ તું અત્યારે..."

પણ એની વાતને અધવચ્ચે રોકી તે કહેવા લાગી, "ભાઈ પ્લીઝ. ભાગવાની કોશિશ ના કરો. મને એની નજરમાં તમારા માટેનો પ્રેમ દેખાય છે. એ થોડી મિચ્યોર છે, સિનિયર છે એટલે તમને કદાચ જાણ નહિ થવા દે. તમને ખબર છે? કાર્તિક પણ હમણાં કહીને ગયો કે એ જે રીતે તમારી સાથે વર્તે છે, તેનાથી તમે બંને બિઝનેસ પાર્ટનર હોઈ એવું નથી લાગતું."

"ઠીક છે. તો હું શું કરું એ કહીશ મને?"

"વાત કરો એની સાથે. એને કોઈ સારી જગ્યાએ સાથે ડિનર પર લઈ જાવ અને આ અંગે વાત કરો."

"હમમ... તારા લગન થઈ જાય એટલે હું તારું કહ્યું પણ કરીશ. ઓકે?"

"મને તમારી વાત માત્ર કહેવા પૂરતી કહી હોય એવું લાગે છે, પણ... ઓકે" કહી તે તેની સામે હસવા લાગી.

"ચાલ હવે રાત ઘણી થઈ ગઈ છે. સૂઈ જા, નહિતર લગનનો દિવસ આવતા આવતા આંખે કુંડાળા પડી જશે."

"ગુડ નાઈટ" કહી પોતાના ભાઈને હગ કરી તે ત્યાંથી જતી રહી. તેણે બાજુ પર મૂકેલ ગ્લાસ લઈ ફરી ડ્રીંક લેવાનું ચાલુ રાખ્યું. રાધિકા સુવા માટે રૂમમાં આવી તો મયુર સૂતેલો હતો. ખૂલ્લી બારીને બંધ કરવા ગઈ તો તેણે જોયું કે આટલી રાતે સ્વિમિંગ પૂલ પાસે બેસીને રાકેશ ડ્રીંક લઈ રહ્યો છે. એક ક્ષણ માટે તો તેની નજર તેના સ્નેહ અને વિચારમાં (કદાચ) કે પછી તેની આ વધતી શરાબની ટેવની ચિંતામાં તેના પર સ્થિર થઈ ગઈ. સુતેલો મયુર પડખું ફર્યું તો તેના અવાજથી ભાનમાં આવી રાધિકાએ બારી બંધ કરી. એક બાજુથી પારદર્શક બારીની બીજી બાજુ ઊભા રહી રાધિકા હજુ રાકેશ સામે જ જોઈ રહેલી. પણ બારીના બંધ થવાના અવાજે શાંત રાત્રિમાં રાકેશનું ધ્યાન ખેંચ્યું. તેણે જોયું પણ બહારથી અપારદર્શક બારીમાં તેને કશું ના દેખાયું. કશું થયું જ નથી એવા વિચારથી તેણે ફરી પોતાનો ગ્લાસ મોંએ લગાવ્યો અને ચિંતા ભરેલા ચેહરા સાથે રાધિકા જતી રહી.

આવેલા પ્રસંગના એંધાણ દેખાયા. સૌ મહેમાનોને આમંત્રણ આપી દેવાયેલું. હવેથી લગન સુધી રાકેશનું ઘર સૌનો આશરો થયો. લલ્લુકાકાનો આખો પરિવાર ત્યાંજ રહેવા માટે આવી પહોંચ્યો. મોહન સૌની સેવામાં લાગ્યો. ઘરમાં સજાવટ થવા લાગી વિવાહ સંસ્કારના પડઘા ચારેય બાજુ ગુંજી ઉઠ્યા. લગ્નને બે દિવસની વાર રહી અને એક પછી એક મહેમાન આવવા લાગ્યા.

આજે સાંજે સંગીતનો કાર્યક્રમ હતો અને બધા પોતપોતાના આવેલા કપડાં એક પછી એક ટ્રાય કરી રહેલા. અવનીના હાથમાં મહેંદી લગાવવામાં આવતી હતી અને રાધિકા તેની બાજુમાં બેઠેલી.

"રાધિકા ભાભી! તમે અહીં રહેશો કે કાર્તિકને ત્યાં જશો?" અવનીએ સહજ રાધિકાને પૂછ્યું.

" મારે તો ત્યાં જવું જ પડશે! તારી માટે જબરી જાન લઈને જો આવવાનું છે. "

તેના આવા જવાબથી આજુ બાજુમાં બેઠેલા હસવા લાગ્યા અને અવની થોડી શરમાઈ તો બાજુમાં બેઠેલી મનાલી બોલી, "પણ હું અહીં જ છું, તારી સાથે."

ઘરમાં આવી નાની મોટી મસ્તી ચાલી રહી હતી. હોલમાં સૌ વડીલો બેસીને વાતો કરતા હતા અને રાકેશ અને નિરવ બંને ભાઈ તેઓની વાતો સાંભળતા ઊભા હતા. મોહન સૌને પાણી આપી રહ્યો હતો. એવા સમયે એક સૂટ પહેરેલાં માણસ સાથે શ્વેતા આવી અને રાકેશ તેમને જોઈ પોતાની રૂમ તરફ ચાલવા લાગ્યો. શ્વેતા અને પેલો માણસ પણ તેની પાછળ તેની રૂમમાં ગયા અને દરવાજો અંદરથી બંધ કરી દેવાયો. બહાર બેઠેલા કોઈને ખબર ના પડી કે શું ચાલી રહ્યું છે. તેઓ બસ આ દ્રશ્ય જોઈ રહ્યા. પણ અવની આ જોઈને આશ્વર્ય પામી કે અત્યારે આવા સમયે આ શું થઈ રહ્યું છે.

તેના ચેહરા પરની ખુશી ધીમે ધીમે ચિંતામાં બદલાવા લાગી મહેંદી મૂકી રહેલ વ્યક્તિને થોભી અધૂરી મહેન્દીએ તે ઊભી થઈ ગઈ.

"શું કરે છે અવની?!" મનાલીએ પૂછ્યું.

"ભાભી હું જરા આવું છું. " કહેતી તે રાકેશના રૂમ તરફ ચાલવા લાગી. દરવાજો બંધ હતો અને તેઓ અંદર વાતો કરી રહ્યા હતા. શું ચાલી રહ્યું છે તે જાણવા અવની દરવાજે કાન માંડે તે પહેલા બહાર ઉભેલા અહમે જોરથી બૂમ પાડી, "અવની!" અને તેની પાસે ગયો.

તેના અવાજથી અંદર ઉભેલા રાકેશ અને શ્વેતા સમજી ગયા કે અવની બહાર દરવાજે આવી છે. તેઓની વાત આમેય પતિ ગયેલી, એટલે શ્વેતા પેલાં માણસ સાથે બહાર આવી અને અવની સામે મુસ્કાન વિખેરી ચાલતી થઈ. રાકેશ બહાર આવ્યો તો જોયું કે અવની અને અહમ બંને ઊભા છે.

"શું થયું? તમે બંને અહીં કેમ આવી ગયા? તારા હાથે તો હજુ મહેંદી પૂરી પણ નથી થઈ."

રાકેશની વાતનો જવાબ આપ્યા વિના જ અવની તેના રૂમમાં અંદર જતી રહી. રાકેશે અહમની સામે જોયું તો તેણે અજાણ હોવાનો ઈશારો કર્યો અને રાકેશ અંદર જઈ અવનીને પૂછવા લાગ્યો.
"અવની! કેમ અંદર આવી ગઈ?"


"ભાઈ, મારી ચિંતા વધતી જાય છે. આ કોણ હતું અને તમે શું વાત કરતાં હતા?"

" અરે અવની, શું તું પણ. એ તો મારી ઓફિસનું અગત્યનું કામ હતું એટલે શ્વેતાએ આવવું પડ્યું."

"મને તમારી વાત પર ભરોસો નથી. તમે શું કરી રહ્યા છો?"

"હું તને શું કહું અવની? તને નકામી ચિંતા થાય છે. વ્હેમ છે તારો, તું વધારે વિચારવાનું રહેવા દે અને લગન છે તારા. એના પર ફોકસ કર. સમજી!"

"ભાઈ!"

"શું ભાઈ? અવની, તને તારા આ ભાઈ પાર વિશ્વાસ નથી?"

"છે, મને તમારા પર પુરેપુરો વિશ્વાસ છે."

"તો પછી આમ શું કરે છે?" તે તેના બંને બાવડાં પકડી કહેવા લાગ્યો, "અવની. હું જે કરું છું, સારું, ખોટું, તને ગમતું કે ન ગમતું. પણ મારા પર વિશ્વાસ રાખજે, હું જે કરીશ એ તારા માટે અને આપણા પરિવાર માટે જ કરીશ."

"ભાઈ..." કહેતા એની આંખોમાં પાણી આવી ગયું. તો એના શબ્દો પુરા થાય તે પહેલા રાકેશે એના હોઠ પર આંગળી મૂકી દીધી અને કહેવા લાગ્યો, "બસ, હવે એક શબ્દ નહિ બોલતી. તારા લગન છે, આ શહેરના સૌથી સફળ બિઝનેસમેનની બહેન છે તું. દુનિયા યાદ કરતી રહેશે એવા ધામધૂમથી વિદાય આપીશ તને."

અવની રડતી આંખે પોતાના ભાઈના માથા સાથે પોતાનું માથું ટેકવી તેના આ ઉપકારને જાણે ક્યારેય નહિ ભૂલે એવું વચન આપી દીધું. પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢી તેના આંસુ લૂછી તેનો હાથ પકડ્યો અને જ્યાં તે બેસીને મહેંદી લગાવતી હતી ત્યાં જઈને તેને બેસારી દીધી. ઘરમાં ઉપસ્થિત તમામ સભ્યો અને મહેમાન આ જોઈ રહ્યા. તેને બેસાડી તે કહેવા લાગ્યો, "આજે મારી અવનીના હાથમાં એવી મહેંદીનો રંગ લગાવો કે એની ખુશી અને સૌભાગ્યનો રંગ ક્યારેય ના ઉતરે. એનો રંગ એટલો તેજ કરો કે આખા જગતને જાણ થાય, આજે અવનીના શુભ વિવાહ આવી રહ્યા છે."

બંને એકબીજાની સામે સ્નેહના એવા તાંતણાથી જોઈ રહ્યા કે તેને જોનારાઓ પણ ઈર્ષ્યાથી વાતો કરે. કોઈ સગા ભાઈ-બહેન પણ ના કરી શકે એવો અનેરો પ્રેમ આ ભાઈ-બહેનની જોડી વચ્ચે હતો. એવું બંધન કે જેને શબ્દ ના આપી શકાય.