Soundaryani Mansikta - 7 in Gujarati Motivational Stories by ભૂપેન પટેલ અજ્ઞાત books and stories PDF | સૌંદર્યની માનસિકતા - ભાગ (૭)

Featured Books
Categories
Share

સૌંદર્યની માનસિકતા - ભાગ (૭)

૭) વાસ્તવિકતા
કેતકી કલ્પનામાં તનની સુંદરતા માણી રહી હતી. તે યુવાનીને અનુભવી રહી હતી. જ્યારે તાંત્રિક અમર થવાના માર્ગમાં આગળ વધવાનો રસ્તો મોકળો લાગી રહ્યો હતો. બંને પોતાની માનસિકતાના આધીન હતા.
******
કેતકી કૉફી શોપમાં બેઠેલી હતી. તે લવમેટ પર ટેરવાં ફેરવવા જતી હતી ત્યાં જ એની નજર એક યુવાન પર પડી. ચહેરા પર તેજસ્વીતા હતી અને આંખોમાં નૂર હતું. કેતકીને તે પહેલી નજરે જ ગમી ગયો. તે ઊભી થઈને તેની પાસે બેસવા ગઈ.

" હું અહી બેસી શકું છું?" કેતકીએ પરવાનગી માંગતા બોલી.
"કેમ નહીં! જરૂરથી બેસો, તે સીટ ખાલી જ છે." તેને વિનમ્ર ભાવે કહ્યું.
"હું કેતકી, તમે?"
"મારું નામ લક્ષ્ય છે."
"તમે ખૂબ જ આકર્ષિત લાગી રહ્યા છો." કેતકીએ વખાણ કરતા બોલી.
"ધન્યવાદ. તમે પણ સુંદર છો." લક્ષ્યના આ શબ્દો સાંભળીને કેતકી ઉત્સાહમાં આવી ગઈ. તેને પોતાનું રૂપ નિહાળવાની તાલાવેલી જાગી, પણ તાંત્રિકની વાત યાદ આવતા શાંત પડી.
"ખરેખર હું સુંદર લાગી રહ્યું છું?" કેતકી ભ્રમ દૂર કરવા ફરી પ્રશ્ન કર્યો.
"હા, સાચે જ તમે સુંદર લાગી રહ્યા છો."
કેતકી સુંદરતાની કલ્પના કરવા લાગી. તેને પોતાના રૂપ પર અભિમાન થવા લાગ્યું. તે લક્ષ્યને વધુ કંઈ પૂછે તે પહેલાં જ લક્ષ્યને ફોન આવ્યો.
"માફ કરશો. મારે જરૂરી કામ આવ્યું છે એટલે જવું પડશે." લક્ષ્ય જવા માટે નીકળ્યો.
"હવે, આપણી મુલાકાત ક્યારે થશે?"
"હું આ સમયે રોજ અહીંયા જ હોઉં છું." લક્ષ્ય ત્યાંથી વિદાય લીધી.

******

વિનોદ ભટ્ટ રોહન, આદિત્ય અને નયનનું એક જ સ્થાનેથી ગુમ થવાની ઘટનાને ઉંડાણપૂર્વક તપાસી રહ્યા હતા. તેમને તપાસ હેઠળ જાણવા મળ્યું કે ત્રણે ક્યારેય ભૂતકાળમાં એકબીજાને મળ્યા પણ નથી અને એકબીજા સાથે કોઈ ઓળખાણ પણ ન્હોતી. તેથી જ વિનોદ ભટ્ટને સમજ ન્હોતી આવતી કે કયાં કારણોસર ત્રણે એકાએક ગુમ થઈ ગયા. રોહન સિવાય તે બંનેના મોબાઈલ બંધ જ આવતા હતા.
હવે વિનોદ ભટ્ટે શહેરના સીસીટીવી કેમેરાની મદદ લેવાનું વિચાર્યું. જે ચોકડીએથી ત્રણેય ગુમ થયા હતા તે ચોકડીના આજુબાજુના વિસ્તારમાં કોઈ સીસીટીવી કેમેરા ન્હોતા. એટલે ચોકડીની ચારેબાજુ જતાં રસ્તાઓ ઉપર જ્યાં જ્યાં કેમેરા લાગેલા હોય તે દુકાન, હોટેલ કે પછી એટીએમની ફૂટેજ ચેક કરવાની તપાસ હાથ ધરી. પોલીસની ચાર ટીમ ચારે દિશાઓમાં લાગી ગઈ.

*******

કેતકી કૉફી શોપમાં લક્ષ્યની રાહ જોઈને બેઠી હતી.લક્ષ્ય નજરે પડ્યો એટલે તેને પોતાની બાજુની સીટમાં બેસવા આમંત્રણ આપ્યું. લક્ષ્ય કેતકીની બાજુની સીટમાં બેસ્યો. કેતકીએ બે કૉફીનો ઓડર આપ્યો. તેઓ ચાર-પાંચ દિવસ સુધી એમજ કૉફી શોપમાં મળતાં રહ્યા.તેમની વચ્ચે મૈત્રી વધતી ગઈ.

કેતકીને જે શિકાર મળ્યા હતા તેના કરતાં લક્ષ્ય અલગ પડતો વ્યક્તિ હતો. તે તન કરતા આત્માને વધુ માનનારો હતો.તેને વ્યક્તિને જોવા માટે બાહ્ય નહીં પણ આંતરિક દૃષ્ટિને મહત્વ આપતો હતો.

******

વિનોદ ભટ્ટ અને તેમની ટીમ સીસીટીવી ફૂટેજ જોવામાં વ્યસ્ત હતી. બે થી ત્રણ દિવસ સુધી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં સમય વિતી ગયો પણ કશું જ હાથ ન્હોતું લાગ્યું, એટલે પોલીસની ધીરજ તૂટી રહી હતી.હવે એક કૉફી શોપ પર સૌની આશા બંધાયેલી હતી. રોહન જે દિવસે ગુમ થયો તે દિવસની સીસીટીવી ફૂટેજ ચેક કરવા લાગ્યા. વિનોદ ભટ્ટ જેની આસ લગાવી રાખી હતી તેમ જ થયું. રોહન તે દિવસે કોઈ મહિલા સાથે કૉફી શોપમાં આવ્યો હતો. તે મહિલાનો ફોટો આખા શહેરમાં હવાની જેમ ફેલાઈ ગયો. પણ કોઈ તે મહિલાને જાણતું કે ઓળખતું ન્હોતું. તે મહિલા પોલીસ માટે ગુત્થી સમાન નીવડી.
ત્રણ યુવાનની તો ગુમ થયાની ફરિયાદ આવી હતી, તેની સાથે પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર કિસ્મતની પણ ફરિયાદ નોધાઈ. શહેરમાં આમ અચાનક નામચીન ચહેરા ગુમ થવાના લીધે ભયનું વાતાવરણ છવાઈ ગયું.
પોલીસને કેસ ગૂંચવી રહ્યો હતો ત્યારે કિસ્મતના ઘરમાંથી કોઈ ઉકેલ મળે તે હેતુથી તપાસ ચલાવવામાં આવી. સઘળું ઘર ફંફોસ્યા પછી તેના લેપટૉપની તપાસ હાથ ધરી. બીજી તરફ રોહનનો ફોન એક્ટિવ મોડમાં થયો. વિનોદ ભટ્ટ ફોનના લોકેશન પર પહોંચી ગયા અને એક ભરવાડના બાળક પાસેથી મોબાઈલ ફોન મળ્યો. તે મોબાઈલ અને લેપટૉપની એક સામ્યતા એ હતી કે બંનેમાં લવમેટ એપ હતી અને બંનેમાં છેલ્લે જે મહિલા જોડે વાત થઈ હતી તે કૉફી શોપવાળી મહિલા જ હતી.પરંતુ તે મહિલા કોણ હતી તેની ઓળખ થઈ શકતી ન્હોતી. જે ચાર યુવાન ગુમ થયા તેના પાછળ તે મહિલાનો જ હાથ હશે એવી અટકળ ચલાવી.

*****

લક્ષ્ય અને કેતકીની મુલાકાત વધી રહી હતી. કેતકી બાહ્ય તનના સૌંદર્યની મહત્વાકાંક્ષી હતી જ્યારે લક્ષ્ય આત્માને મહત્વ આપતો હતો. તે બંને અવારનવાર સૌંદર્યની ચર્ચા થયા કરતી.
" કેતકી, તું તારા બાહ્ય રૂપને કેમ આટલું મહત્વ આપે છે?" લક્ષ્ય બોલ્યો.
" શરીરની સુંદરતા શું છે તે તને નહિ સમજાય!" કેતકી તનના અભિમાનમાં બોલી.
" શરીર નશ્વર છે. તે ગમે ત્યારે કરમાઈ શકે છે પણ આત્મા અમર છે. તું આત્માની સુંદરતાને જોવાની દૃષ્ટિ ખીલવ."
" આત્મા કોને જોયો છે? નજરમાં તો બાહ્ય તન જ આવે છે. તન સુંદર હશે તો જ તમારી નામના અને કામના વધશે."
" કેતકી એ તારો ભ્રમ છે. તું જે સૌંદર્યની વાત કરે છે તે ખીલીને કરમાઈ જતાં પુષ્પ સમાન હોઈ છે પણ આત્માની સુંદરતા દરેક જન્મને સૌંદર્યતા આપે છે. તું તનની નહિ આત્માની નજરથી જો. દરેક વ્યક્તિમાં સૌંદર્ય નજર આવશે."
લક્ષ્યની વાત સાંભળીને કેતકીની આંખો પર તાંત્રિકે જે પાટો બાંધ્યો હતો તે હટી ગયો. તેને કેતકીને જિંદગીની વાસ્તવિકતાનો અરીસો બતાવ્યો. આજ સુધી જે અરીસાથી દૂર રહી હતી તેને અરીસા મળ્યો. જેથી કેતકી જે ભ્રમમાં હતી તે ભ્રમ તૂટ્યો અને સત્યને સમજવા લાગી. તે લક્ષ્ય આગળ સૌંદર્ય મેળવવા માટે કરેલી ભૂલ રજૂ કરીને પસ્તાવો વ્યક્ત કરવા લાગી.
" પોલીસ જે સ્ત્રીને શોધી રહી છે તે હું જ છું."
" પણ તે સ્ત્રીના અને તારા ચહેરામાં કેમ આટલું અંતર છે. તે ફોટાવાળી સ્ત્રી તું જ છે એ તારો ભ્રમ તો નથી કે?"
" ના, એ હું જ છું. આજે બધા જ ભ્રમ નજરથી દૂર થયા છે."
"પણ કંઈ રીતે શક્ય છે?"
" તાંત્રિકે જે મેકઅપ આપ્યો હતો તેના લીધે જ હું ઓળખાય શકું તેમ નહોતી. પણ હવે મારી ભૂલ મને સમજાય ગઈ છે. હું મારો ગુનો પોલીસ સમક્ષ રજૂ કરવા માંગુ છું. "
" કેતકી તે સુંદરતા પ્રાપ્ત કરવા માટે ગુનો તો કર્યો છે. પણ તે કોઈની હત્યા નથી કરી , તારા જોડે તાંત્રિકે હત્યા કરાવડાવી છે."
" જે પણ હોય, તે ગુનામાં હું પણ સહભાગી છું જ. મને મારો ગુનો કબૂલ કરવા દે. જે સૌંદર્ય મેળવવા માટે આ તને ભૂલ કરી હતી તો તેની સજા પણ આ તન જ ભોગવશે."

લક્ષ્યના સમજાવવા છતાં કેતકીની આંખો એવી તે ઉઘડી ગઈ કે સર્વ ગુના કબૂલ કરવા માટે તૈયાર થઈ ગઈ. તે આત્માની સુંદરતાને માની ગઈ. તે આત્માની નજરથી જોવા લાગી. તેને પોતાનો ગુનો અને તાંત્રિકની અમર થવાની ઘેલછા પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી.

શરીરની બાહ્ય સુંદરતા અને અમર હોવું એવા ભ્રમને જ વ્યક્તિ પાળે છે પણ જે વાસ્તવમાં અમર છે તે આત્માની સુંદરતા માટે શુષ્ક બની રહે છે.

સમાપ્ત