Saata - Peta - 9 in Gujarati Classic Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | સાટા - પેટા - 9

Featured Books
Categories
Share

સાટા - પેટા - 9

એકબીજાને મળવાનું જાણે કે હવે બંધારણ થઈ ગયું હતું . બંને દરરોજ શામજીના વડવાળા ખેતરે મળતાં ને આખો દિવસ પ્રેમ ગોષ્ટિમાં મગ્ન રહેતાં બંનેનાં શરીર ભલે અલગ હતાં પરંતુ આત્મા તો એક થઈ ગયો હતો, એવા બંનેના જીવ મળી ગયા હતા .કે હવે તો એ બંને નહોતાં પશામજીનીરવા કરતાં સમાજની, કે નહોતાં પરવા કરતાં ઘરવાળાની ,જાણે કે તેમની સમસ્ત દુનિયા એ બે જણ જ હતાં .એવી જ એક બપોરે ખેતરના વડ નીચે દુનિયા થી બેખબર હોય તેમ રાધા શામજીના ખોળામાં માથું ઢાળીને સુતી હતી. ને કોઈક અલૌકિક વિચાર સૃષ્ટિમાં ખોવાઈ ગઈ હતી. શામજીના હાથ રાધાના કાળા ભમ્મર કેશ સાથે રમત રમી રહ્યા હતા. કેટલીક ક્ષણો એમ જ પસાર થઈ .બંને સ્વર્ગીય વિચાર સૃષ્ટિમાં વિહરતાં રહ્યાં આખરે શામજીએ ખામોશી તોડી . 'એ ....ય...?'
'હા...આ....!' ' શું વિચારે છે ....?'
'કાંઈ ..નહીં ..!' 'ના, ના .કાંઈક તો વિચારતી જ હતી. ના કહે તો મારા સમ !' 'વિચારતી હતી કે આ બધું ક્યાં સુધી આમ છાનુ-છપનું ચાલશે ?'
'કોઈ દિવસ નહીં, ને આજે જ કેમ એવો વિચાર આવ્યો ? 'ફણઞો ફૂટ્યો હોય એવું લાગે છે. આજે નહીં તો કાલે પણ છોડ જમીન માંથી બહાર તો આવશે જ નેં ?'
' કેમ, કોઈએ કંઈ કીધું કે કેમ ?' શામજીના સ્વરમાં ચિંતા તરી આવી . 'બીજા તો કોઈએ કંઈ નથી કીધું ,પણ ગઈકાલે મંગુડી કાંક ગોળ- ગોળ વાત કરતી હતી. '
'શું વાત કરતી હતી, એ ચીબરી ?'સામજીએ મંગુ ઉપર દાઝ કાઢી . 'કહેતી હતી કે તારી ,ને શામજીની લોકોમાં કંઈક વાતો થાય છેઃ ' 'હં..પછી ?'
'મેં પૂછ્યું કે કોણ વાતો કરે છે ?'અને શું કરે છે ?'
તો બોલી કે 'મનેખ તારી ને શામજીની બંનેની કાંઈક આડીઅવળી વાતો કરે છે એમ કહીને પછી વાતને ઉડાવી દીધી . 'એક તો આ મંગુડી જ ખાઈ-પીને આપણી પાછળ પડી છે .'શામજીએ મંગુ ઉપર ગુસ્સો ઠાલવ્યો .
'તો પછી એક વખત એનાપણ ઓરતા પૂરા કરી દેને ?
પછી કેડો મૂકી દેશે .'કહીએ રાધા શામજી સામે જોઈને હસી પડી. 'તુંય શું રાધા એવી ગાંડી મશ્કરી કરતી હશે .ને હું તો તને પહેલેથી જ કહું છું કે એ મને ક્યાંક એકલી સામે મળે ,એટલે મને એની બીક લાગે છે.
થોડીવાર સુધી બંને એમ જ ગુમ-સૂમ બેસી રહ્યાં .પછી કંઈક સાંભળ્યું હોય કે શામજી બોલ્યો .'મંગુની વાતમાં કંઈક તો તથ્ય હશે જ .મને પણ પરમ દિવસે મારો દોસ્ત મૂળો મળ્યો હતો ,અને ટકોર કરી હતી કે શામજી જરા ચેતતો રહેજે !' ' તો -તો નક્કી આપણી બંનેની વાત લોકોમાં પહોંચી ગઈ હોય તેવું લાગે છે .રાધા ના ચહેરા પર પણ હવે ઉચાટ તરી આવ્યો .અને ક્ષણેક વિચારીને તેણીએ ઉમેર્યું . 'આમેય આવી વાતો ક્યાં સુધી છૂપી રહી શકે છે ?' 'મન ભલે મળ્યાં ,પણ તન નથી આભડયા ત્યાં સુધી તો ભગવાન પણ આપણને પૂછનાર નથી.' શામજીના શબ્દોમાં ભારોભાર આત્મવિશ્વાસ હતો .'પણ જો એક વખત લક્ષ્મણ રેખા ઓળંગી, તો પાપ પાતાળમાંથી એય પ્રગટ થાય છે .'
'તે આપણે ક્યાં એવા કોઈ પાપમાં પડ્યાં છીએ તે પાપ પ્રગટે હે!' કહીને રાધા શામજી સામે જોઈ રહી .
'એ બધું તો સાચું ,પણ મને હવે તારો ઉચાટ થાય છે શામજી ગંભીર થતાં બોલ્યો. ને આગળ ઉમેર્યું 'આપણા આ સમાજમાં સાટા -પેટા ના રિવાજને લીધે મારે સાટું ન હોવાથી પરાણે કુવારા રહેવું પડે એમ છે .પરંતુ તારે એવી શું ખોટ હતી, કે મારા જેવા એકલ- પંડા ને રખડું ઉપર મોહી પડી ?'. રાધા બનાવટી ગુસ્સો કરીને બોલી .'
'લયો બેસો -બેસો હવે મારો ઉચાટ કરનારા !'ને તમને શી ખબર કે મારે શું ખોટ હતી એ ?'
'પરંતુ મેં તો સાંભળ્યું છે કે થોડા દાડામાં જ તારું આણું કરાવવાનું છે.ને તું સાસરે જવાની છે તોય ?'
'ને તમને ખબર હતી કે મારાં લગ્ન થઈ ગયાં છે ને થોડા દાડામાં તો આણું કરવાનું છે તોય તમે --' ને બે પળ અટકીને રાધા આગળ બોલી .'સાચું કહું શામજી ,પ્રીત નથી જોતી જાત કે પાત.નથી જોતી રૂપ કે રંગ .પ્રીત જુએ છે ફક્ત પ્રીત .આટલું કહેતાં કહેતાં રાધા ભાવવિભોર થઈ ગઈ .ને થોડીવાર મૌન રહ્યા પછી બોલી . 'સાચું કહું શામજી,તારા વગર બીજા કોઈ ના સાસરે તો આ ભવ તો હવે મારું મડદુ જાય તો ભલે !'કહેતા રાધા થી હળવું ડૂસકું મુકાઈ ગયું . શામજી તેને સાંત્વના આપતાં બોલ્યો . 'એમ તો થતું હશે ગાંડી ?' તને ખબર છે કે તારા એકને લીધે કેટ- કેટલાં ઘર ભાંગે એમ છે તે ?'
'એ બધુંય જાણું છું સામજી .અને છતાં તને કહું છું કે આ મારો પહેલો અને છેલ્લો નિર્ણય છે .આ ભવમાં તો હવે તારા વગર આ દુનિયામાં બધા જ પુરુષ, મારા ભાઈને બાપ બરાબર છે .'રાધા ગળગળા સાદે બોલી .
'પણ -- પણ-- આમાં હવે શું કરવું મને તો કંઈ જ સૂઝતું નથી .'શામજી ગૂંચવાઈ ગયો હતો .થોડો સમય ત્યાં ખામોશી છવાઈ રહી .રાધા શામજીની આંખમાં આંખ પરોવીને કાંઈક જોતી રહી .અને પછી ઊંડી ગુફા માંથી આવતો હોય તેવો દ્રઢતા ભર્યો રાધા નો અવાજ આવ્યો 'રસ્તો તો બતાવું .છે હિંમત ?'
'બતાવને' ત્યારે ?' 'લે ચાલને ક્યાંક ભાગી જઈએ ! 'હે...એ..? હેં...એ !' પણ ક્યાં જઈશું ?' શામજી આશ્ચર્ય પામતાં બોલ્યો . 'આવડો મોટો મલક પડ્યો છે ,ગમે ત્યાં .ને ખરું કહું તો આ ગામમાં રહેવું એક પળ પણ મને હવે ગમતું નથી .'કહેતા રાધાની આંખો ફરી ભીની થઈ ગઈ . 'રાધા ,આપણે બંને તો ભાગી જઈશું પણ પાછળ ઘરવાળાની શું દશા થશે એનો વિચાર કર્યો છે ?' સમાજમાં તેમને કોઈ મોઢું પણ નહીં કાઢવા દે !શામજીએ પરિણામની ચિંતા દર્શાવી .
રાધાએ શામજી પાસે આવા જવાબની આશા રાખી નહોતી . તે ઘડીભર કંઈક વિચારતી રહીને બોલી 'તો શું તમે મને આમ અધવચ્ચે રઝળાવવા જ પ્રિત કરી હતી ?શામજી પણ ગળગળો થઈ ગયો અને બોલ્યો.' હું ક્યાં તને અધવચ્ચે રઝળાવવા વાની વાત કરું છું !'
'તો પછી એમ કે ને ,કે' છાતી નથી પડતી .' રાધા ના આ શબ્દોથી શામજીનું સ્વમાન ઘવાયું .તે લગભગ આવેશમાં આવી ગયો ને બોલ્યો .'આ શામજીને તું હજી પૂરો ઓળખતી લાગતી નથી .ધારું તો આ ઘડીએ જ તને લઈને પરબારો પરદેશમાં ઉતરી જાઉ એવો છું સમજી .લે ચાલ અત્યારે જ છો તૈયાર ?' શામજી નો ચહેરો લાલ થઈ ગયો . 'લે ત્યારે થા ઉભો ચાલ !'કહેતા રાધા લગભગ બેઠી થઈ ગઈ . 'તૈયાર તો થઈ છો ,પણ ભવિષ્યનો વિચાર કર્યો છે ?'શામજી હજુ તેને ચકાસી લેવા માંગતો હતો . 'જેનું કોઈ ભવિષ્ય જ ન હોય તેને વળી ભવિષ્ય નો શું વિચાર કરવાનો હોય?' રાધાના શબ્દોમાં મક્કમતા હતી . 'રાધા ,આપણે જે રસ્તે જવા તૈયાર થયાં છીએ, એ રસ્તે એકલા કાંટા જ પથરાયેલા પડ્યા છે .એ તો જાણે છે નેં ?'
'તું સાથે હોઈશ તો કાંટા તો શું .અગ્નિ ઉપર ચાલતાં પણ પાછી નહીં પડું બસ !' શામજીએ માપી લીધું કે રાધા નો ઈરાદો મક્કમ છે .ગમે તે ભોગે પણ છે પોતાના નિર્ણયમાં પાછી પડે તેમ નથી. તે મનોમન વિચારી રહ્યો .તો પછી આ રંગપુરમાં પોતાનું ભાવી પણ શું છે ?'શૂન્ય જ ! ને જો રાધા પોતાના વગર નહોતી જીવી શકે એમ, તો' સામે પોતે પણ હવે એક પળ પણ રાધા વગર ક્યાં જીવી શકે એમ હતો ખરો ?' ને સાચે જ રાધા ને લઈને ક્યાંક પરદેશમાં ઉતરી જવું ને બાકીનું આખુ આયખું ત્યાંજ પુરું કરવું એવો મનમાં નિર્ણય કર્યો. ને બોલ્યો.'ચાલ રાધા,હું તો
આ ઘડીએ જ તૈયાર છું. પરંતુ સાવ ખાલી હાથે ક્યાં જઈશું ?' ઘેરથી કંઈક સગવડ કરીને તો નીકળવું જોઈએ ને !' શામજીએ હવે ગંભીરતા ધારણ કરી લીધી હતી. 'હાસ્તો ! વેંત (સગવડ) તો કરીને જ નીકળવું જોઈએ પરદેશ થોડું ને કંઈ ઘર છે .'રાધા ને પણ હવે વાસ્તવિકતા નું ભાન થયું .તે પછી બંને સાથે મળીને ભાગી જવા માટે વ્યવસ્થિત યોજના બનાવી .તેમાં નક્કી કર્યું કે બંનેએ પોતપોતાના ઘેરથી રોકડને ઘરેણાં જે હાથ લાગે તેનો હાથ ફેરો કરી લેવો ,અને આજે રાત્રે વાળું ટાણા પછી લોકો પડતી ઊંઘમાં હોય ત્યારે ગામ તળાવની પાળ ઉપર આવેલા વડ નીચે ભેગા થવું, ને ત્યાંથી ચાલતા કામલપુર જઈને રેલગાડીમાં બેસીને ,પરદેશ માં ઉતરી જવું ,એવું બંને એ નક્કી કર્યું. બંનેએ નક્કી કરેલ સમય અને સ્થળે મળવાના એકબીજાને કોલ આપ્યા. ને જુદા થતાં આજે પહેલી વખત સામેથી રાધા એ શામજીને પકડીને એક દીર્ઘ ચુંબન ચોડી દીધું ,ને બંને છૂટાં પડ્યાં.
* *. *. *. *

લીમડા ઉપરથી ઉતરીને ગામ તરફ ભાગતા કનુભા ના મગજમાં જાત જાતના વિચારો ઊઠતા હતા .તે ઉજ્જડ રસ્તે ગામ તરફ લગભગ દોડતો હોય તેમ, ચાલી રહ્યો હતો બન્યું હતું એમ કે, ચોરી-છૂપી થી સતત રાધા ઉપર નજર રાખતા કનુભા એ આજે રાધા ને એકલી ખેતર તરફ જતી જોઈ લીધી હતી.દેખાવમાં તો તેણે રાધા નો કેડો મૂકી દીધો હતો. પરંતુ રાધાનો રૂપ અને કનુભા ની વાસના તેને જંપવા દેતી ન હતી. તેથી જેવી રાધા ને એકલી ખેતરે જતી જોઈ કે તેણે તેનો પીછો કર્યો હતો. ' આ પાર કે પેલે પાર ,જે થવાનું હોય તે ભલે થાય .પણ આજ તો તેને નથી જ છોડવી .'એવો મનમાં નિશ્ચિત કરીને તે આગળ વધી રહ્યો હતો .રાધા ને શામજીના ખેતરમાં જતી જોઈને તે હેબતાઈ ગયો .અને પાસેના જ ખેતરના એક ઘટાદાર લીમડા ઉપર ચડીને શામજી અને રાધા શું કરે છે ?'તે તેણે નજરો નજર જોયુ હતું. શામજી અને રાધા વચ્ચેના વાસના વિહોણા પ્રેમને જોઈને મનોમન તે સળગી ગયો હતો . 'આ શામજીડામાં પણ કાંઈ મર્દ પણું છે કે નહીં ?' કે પછી સાલો ફાતડો છે ?' 'ને મારી હાળી આ રાધા ડીએ, એ' શામજીડામાં એવું તે શું જોઈ ગઈ હશે ?'આ જુવો ને ,કેવી સામેથી જઈને એના ખોળામાં જઈને સૂતી છે એ !જ્યારે પોતે તો શામજી કરતાં કેટલો રૂપાળો છે તોય, સાલી ભાવેય પૂછતી નથી .' 'જઈને બંનેને, રંગે હાથ પકડી લેવા, ને પછી કાયમ પોતાના દાબમાં રાખવાં .એવો એક વિચાર આવ્યો .પણ સામે શામજી એમ કહી ગાંજયો જાય એમ ન હતો. તેથી મનમાં જ સમસમીને બેસી રહ્યો અને બંને ને જુદાં પડતાં જોઈને રાધા ના ઘરવાળાને જઈને આખી વાત કહી દેવી .અને એ બંનેનાં હાડકાં ખોખરા કરાવી નાખવાં ,એમ વિચારીને તે ઘર તરફ ભાગવા લાગ્યો હતો .ઝડપથી ચાલતો કનુભા મનમાં વિચારી રહ્યો હતો. આ વાત પ્રેમજી ડોસાને કહેવી કે એના ભાઈ સોનાને ? એના બાપને જ કહું, ભલેને હાહરા આખા ગામમાં હૂરૅ (બદનામ) થાતાં .' આમેય બંને ઉપર પોતાને દાઝ તો છે જ. બદલો લેવાનો આજ ખરો મોકો આવ્યો છે.વળી પાછું તેણે મનમાં આગળ વિચાર્યું 'ડોશો માળો આબરૂ જવાની બીકે ,કોઈને કંઈ ન કહે .ને વાત દાટે પરી તો ?' એના કરતાં રાધા ના ભાઈ સોનિયા ને જ આ વાત કહેવી .'તરત દાન અને મહાપુણ્ય .'કનુભા એ દાંત કચકચાવ્યા. બંને એ જ લાગના છે .'. કનુભા પ્રેમજીના ઘેર પહોંચ્યો ત્યારે ઘેર સોનો અને તેની પત્ની એકલાં જ હતાં. 'આવો .આવો .નાના દરબાર .પધારો.' ભાગ્યે જ પોતાના ઘેર આવતા કનુભાને સોનાએ આવકાર આપ્યો .કનુભા પાસેના ઢાળિયા તરફ ઇશારો કરતાં બોલ્યો .'આ ઢાળિયે જ બેસીએ !' તેણે લોટો પાણી મંગાવીને પીધું, ને પછી પૂછ્યું .'પ્રેમજીબા કેમ ઘેર દેખાતા નથી .કે ક્યાંય બહારગામ ગયા છે ?' 'ના રે ના, હશે આટલામાં ક્યાંક .કેમ કંઈ ખાસ કામ હતું ?' સોનો પાસે જમીન ઉપર બેસતાં બોલ્યો . કનુભા એ આજુબાજુ નજર દોડાવી .ને પછી ગંભીરતા ધારણ કરતાં બોલ્યો .'શું વાત કરું સોના ,વાત જ કહેવાય એવી નથી. ગજબ થઈ ગયો છે.છતા તમારો શેણ છું એટલે ના છૂટકે વાત કરવા આવ્યો છું.' ' કેમ ?'શું વાત છે નાના દરબાર ?' સોના એ ચિંતા દર્શાવી . 'પેલો બે પૈસાનો શામજીડો રહ્યો ને, એ અને રાધા ---' ને વાક્ય કાપીને કનુભા સોના સામે જોઈ રહ્યોં . 'ના હોય, કોણે ક્હ્યું ?'સોનો વીંછી કરડ્યો હોય એમ ઊછળ્યો .
'કહે કોણ, મારી સગી આંખે જોયું છે .'કનુભા આંખો ઝીણી કરતાં બોલ્યો . હું મારી સગી આંખે જોઈને સીધો જ ચાલ્યો આવું છું .છતાં ન માનવું હોય તો કંઈ નહીં, મારે શું ?' કનુભા બેદરકારી બતાવતાં લગભગ ઉભા થવા તૈયાર થયો . 'ના ના .બેસો નાના દરબાર, જે હોય તે બધી માંડીને ને વાત કરો .' સોનો લગભગ હવે ઢીલો થઈ ગયો હતો . અને કનુભા એ શામજી તથા રાધા ની આખી મુલાકાતનો આંખે દેખ્યો અહેવાલ થોડું મીઠું મરચું ભભરાવીને કહી સંભળાવ્યો. કનુભા જેમ જેમ વાત કરતો ગયો તેમ -તેમ સોના ના ચહેરાનો રંગ બદલાતો ગયો. વાત પૂરી થતાં સુધીમાં સોનાનો ચહેરો ક્રોધ થી કાળો મેશ થઈ ગયો . અને તે વાત પૂરી કરતાં કનુભા એ ક્હ્યું .'ઘેર આવે એટલે તું રાધા ને પૂછીને ખાતરી કરજે, કે' ક્યાં ગઈ હતી ?આ બધી વાત કહેવા પાછળ કનુભાની અનેક ગણતરીઓ હતી . પૂરી વાત સાંભળીને સોનાનો ક્રોધ હવે પરાકાષ્ઠાએ પહોંચી ગયો . તે દાંત પીસતા બોલ્યો. 'એ રાંડની આ હિંમત ?' ઘરની આબરૂ સામે પણ ના જોયું, ઘેર આવવા દો .ટાંટીયા જ ન ભાગી નાખું તો મારું નામ સોનો નહીં .'ને હાથમાં એક લાકડાનું જાડું સોટું આવ્યું તે લઈને જ તે ઢાળિયામાં જ તેની રાહ જોતાં બેઠો .
'જોજે, ક્યાંક કડોળુ ચોડી ના બેસતો. હું જાઉં હવે ,કદાચ ના માને અને પુરાવો જોઈએ તો બોલાવજે મને.' કહીને લુચ્ચું હસતો કનુભા ત્યાંથી વિદાય થયો .
શામજી થી છૂટી પડેલી રાધા ના પગ આજે જમીને નહોતા પહોંચતા તેના અંગેઅંગ ની યુવાની અત્યારે ઉછાળા લેવા માંડી હતી .ન ભવિષ્યતી ને જાણે કે ભવિષ્ય મળી ગયું હતું .તેના ચહેરા ઉપર આનંદ સમાતો ન હતો .ઘેર જઈને રોકડ તથા દાગીના કેવી રીતે સંતાડવા .ને રાત્રે કઈ જગ્યાએથી નીકળવું તે બધુંય મનમાં ગોઠવવી- ગોઠવતી રાધા ઘર તરફ આવી રહી હતી . તેમના ધેરના ઝાંપે જ કનુભા ને પોતાના ધેરથી નીકળતો જોઈને ,તેણીને પેટમાં ધ્રાસકો પડ્યો .'કોઈ દિવસ નહીં ને ,આજે જ કનુભા પોતાના ઘેર શા માટે આવ્યો હશે ?' જરૂર કંઈક અમંગળ બનશે.'એવું મનમાં એંધાણ આવી ગયું . હિંમત એકઠી કરીને તેણીએ ઘેર પ્રવેશ કર્યોં .ધાસ નો ભારો આંગણામાં નાખ્યો .અને પાણીનો લોટો ભરીને પાણી પીવા જતી હતી, એ જ વખતે ઢાળિયામાં બેઠેલા સોનાએ ત્રાડ પાડી . 'એ રાધાડી ...!' અહીં આવ...તો ?'
દરરોજ કરતાં આજનો સોનાનો અવાજ રાધાને કંઈક જુદો જ લાગ્યો . રાધા સોના પાસે ગઈ .સોનો કરડી નજરે તેને જોઈ રહ્યો . ને એ નજર ન જીરવાતા ,રાધા એ નજર નીચે ઢાળી દીધી . 'ક્યાં ગઈ હતી ?'સોનાનો સ્વર ધ્રુજતો હતો. 'ઘાસનો ભારો લેવા .'. 'ભારો લેવા પણ ક્યાં ?'સોનાનો અવાજ વધુ ઉગ્ર બન્યો . 'આપણા ખેતરે, વળી બીજે ક્યાં ?' રાધા સ્વસ્થ રહેવાની કોશિશ કરતી હતી .
'સાચું બોલ ! ન'કે આ લાકડી ભાળી છે ?' સોનો ક્રોધમાં ધ્રુજવા લાગ્યો. રાધા સમજી ગઈ કે નક્કી તેની અને શામજીની વાતની ખબર પડી ગઈ છે .છતાં જુઠાણું ચાલુ જ રાખ્યું .'સાચું જ કહું છું ને !'
'આપણા ખેતરે ગઈ હતી ,કે પેલા શામજીડાના ખેતરે ? કહેતાં સોનાએ લાકડી ઉગામી .બોલ ? ઝટ બોલ !'
રાધા ના પગેથી ધરતી ખસતી લાગી.આકાશ ભમતું દેખાણું .પોતાની બાજી ખુલી ગઈ હતી. તેણી એમ જ મૌન ઊભી રહી. ને બીજી જ પણે સોનો લાકડી લઈને રાધા ઉપર તૂટી પડ્યો .બે- ત્રણ બરડામાં લગાવી. એક -બે સાથળ અને ઢીંચણ ઉપર પણ લગાવી .સોનો મારતો જતો હતો અને બોલ્યે જતો હતો .હેઠ નાલાયક,ઘરનું નાક વઢાવ્યું તે તો !' પરંતુ સામે રાધા માર પડવા છતાં નહોતી બૂમ-બરાડા પાડતી,કે નહોતી એક પણ શબ્દ બોલતી. કોલાહલ અને ધમાલ સાંભળીને રાધાની ભાભી (સોનાની પત્ની) તથા આડોશી -પાડોશી ત્યાં દોડી આવ્યાં.બધાએ પકડીને સોનાને દૂર કર્યો. પ્રેમજી ડોશો પણ બહાર હતા તે પોતાના ઘરે કોલાહલ સાંભળીને દોડી આવ્યા. દરેક જણ આવીને પૂછતું હતું . 'શું હતું ?' શું હતું ?' કેમ રાધાને મારી ?' પરંતુ સોનો તો એ જ કરડી નજરે રાધા તરફ જોતો હતો .અને કહેતો હતો . 'શું હતું એ તો એ રડને જ પૂછો ને ?' પરંતુ બધાના પૂછવા છતાં રાધા એક પણ અક્ષર બોલતી ન હતી. અને સોનાનું આ રૂપ જોઈને બધાને વહેમ પડી ગયો ,કે' નક્કી કંઈક રાધા ની હલકી વાત હશે તો જ .નહીં તો સોનો આમ માર -ઝૂડ સુધી તો ના જ પહોંચે . તેથી સૌ વાતને ઢાંકવા માટે બહારથી આવતા માણસોને 'વિખરાઈ જાઓ ,ભાઈ વિખરાઈ જાઓ .એ તો કંઈ નથી .'કહીને ઝાપેથી જ પાછાં વાળતા હતા. તો પ્રેમજી ડોશો વળી સોનાને એક ખૂણે ખેંચીને 'તુંય શું સોનિયા .પૂરી ખાતરી કર્યા વગર ચોંટે -ચડીને ઘરને વગોવવા બેઠો છે .'એવો ઠપકો આપતા હતા. અને આવી સમજાવટથી ઉઠેલું વાવાઝોડું રૂપ મોટું રૂપ લે,એ પહેલાં જ એ સમય પૂરતું તો દબાઈ ગયું .
લોકો ત્યાંથી વેરાયા પછી સોનાએ પિત્રાઇ ભાઈ શંકર,પ્રેમજી ડોસા ,શિવો, વગેરેને ઢાળિયામાં બોલાવીને કનુભાઈએ કહેલી વાત કહી સંભળાવી .વાત સાંભળીને શિવો તથા શંકર પણ તપી ગયા .પરંતુ પ્રેમજી ડોસાએ સલાહ આપી કે ,'અલ્યા ભાઈ ક્યારેક નજરે જોયેલી વાત પણ ખોટી સાબિત થાય છે. તો આ તો કાને સાંભળેલી વાત છે .એના ઉપર કેમ કરીને ભરોસો મૂકી શકાય ?'
'પરંતુ કનુભા ક્યાં આપણો દુશ્મન છે તે એવી ખોટી વાત ઊભી કરે ?' સોનાએ કહ્યું ને ઉમેર્યું ને આ રાધાડી પણ મારવા છતાં મોઢામાંથી એક શબ્દ પણ નથી ફાટતી ,મૂળ તેનામાં પણ કાંક પાપ હશે ત્યારે જ ને !'એ જે હોય તે પરંતુ આનું શું કરવું એની ચર્ચા કરવા માટે વાસના (મહોલ્લા) ના પુરુષોએ આજે સાંજે વાળું ટાણા પછી પ્રેમજીના ઢાળીએ ભેગા થવું એવું નક્કી કર્યું .
તે સાંજે રાધા એ ખાવાનું ન ખાધું .ક્રોધ હજી ઉતર્યો ન હોવાથી સોનો પણ ન જમ્યો. વિચારોમાં ખોવાયેલા પ્રેમજી ડોસાયે પણ ભૂખ નથી, કહીને ખાવાનું ટાળ્યું. ને એ બધાની વાદે વીજુ (સોનાની પત્ની) પણ ન જમી. ને રાંધેલું એમ જ પડ્યું રહ્યું. ઘરના ખૂણે પડેલી લાકડી લઈને બહાર નીકળતા સોનાએ ઓસરી ના ખૂણે બેઠેલી રાધા તરફ કરડે નજર નાખી ને બોલ્યો .'ખબરદાર ! જો મોડા વહેલાં ઘર બહાર ક્યાંય પગ મેલ્યો ,તો ટાંટિયા જ તોડી નાખીશ .'ને પોતાની પત્ની તરફ ફરતાં બોલ્યો. ' આ વંઠેલની ,બરાબર ચોકી રાખજે .ને જો એ ક્યાંય ગઈ તો એના ભેગી તારીએ ખેર નથી .' કહીને ગુસ્સામાં પગ પછાડતો બહાર નીકળી ગયો . રાધા ને વીજુના સાટા- પેટા હતાઃ પ્રેમજીના ઢાળિયામાં અત્યારે પ્રેમજી, શંકર, કાનજી, સોનો ,શિવો અને બીજા ત્રણ -ચાર પુરુષો એકઠા થયા હતા. તેઓ પાસેની વાડ પણ ન સાંભળે એટલા ધીમા અવાજે ગુસપુસ કરી રહ્યા હતા .દરેકના ચહેરા ઉપર ગંભીરતા હતી .એક જણે સલાહ આપી કે શામજી અને રાધા બંનેનો કાંટો કાઢી નાખીએ ,તો બીજાએ કહ્યું કે 'ના- ના એમ નથી કરવું . નક્કી એ શામજીડા એજ રાધા ને ભોળવી હશે .માટે શામજી એકલાનો જ ઘાટ ઘડી નાખવો કોઈકે વળી 'વાતની પૂરી ખાત્રી કર્યા વગર આવુ ભયંકર પગલું ન ભરવાની સલાહ આપી . તો ત્રીજાએ વળી એ પછીના ભયંકર પરિણામ તરફ સૌનું ધ્યાન દોર્યું .તો એક સમજુએ સલાહ આપી કે 'આખી દુનિયામાં ફેલાયેલી કેટલી એ વાતો પાછળથી જુઠ્ઠી ઠરે છે .માટે આ વાત અત્યાર પૂરતી તો દાબી દેવી . જીવા ભોપાને પાંચ-પચીસ પાઘડીના આપીને પણ,માતાની રજા લઈને રાધાનું તરત જ આણું કરાવી દેવું .અને પછી પાછળથી શામજીડા નો ઘડો લાડવો જે કરવું હોય તે કરવું .એવું આ લોકોએ નક્કી કર્યું આ બાજુ ઓસરી માં ખાટલામાં રાધા આડી પડી હતી તેણીની આંખોમાંથી અવિરત પણે આંસુ ઓની ધાર નીકળ્યે જતી હતી .અને મેલા ગોદડામાં મળી જતી હતી. પાસે જ તેની ભાભી વીજુ બીજા ખાટલામાં જાગતી જ પડી હતી. પે'લા લોકો શું વાતો કરે છે તે અહીંથી સંભળાતું ન હતું .પરંતુ રાધાને ખાતરીજ હતી કે, તેનું અને શામજીનું શું કરવું, તેની ગોઠવણ જ આ લોકો કરતા હશે. શામજીની યાદ આવતાં જ ન ઈચ્છવા છતાં, રાધાથી આછું ડૂસકું મુકાઈ ગયું .જેને પરાણે તે પેટમાં ગળી ગઈ. શામજી ! હા ,પોતાનો પ્રીયતમ શામજી, જે તૈયાર થઈને અત્યારે પાળ પરના વડ નીચે પોતાની રાહ જોતો હશે. એ બિચારા ને શી ખબર કે હું અહીં જેલમાં ફસાઈ ગઈ શું તે? રાધા ને એ જ સમજાતું ન હતું કે આ વાતની છેલા દિવસે જ ખબર કેવી રીતે પડી ગઈ ?'કનુભા ને ઘેરથી નીકળતો જોઈ શંકા તો ગઈ હતી, પરંતુ તેણે શામજીને અને પોતાને સાથે જોયાં હોય એવું યાદ આવતું ન હતું .તે વિચારી રહી 'આ ભગવાન પણ કેટલો ક્રૂર છે ?' આટલા દિવસ સુધી કોઈ ને ખબર ન પડી ,એમ આ એક દિવસ પૂરતી ખબર ન પડવા દીધી હોત તો એમાં એનું શું જતું હતું ?' ને આમ વિચારોની સાથે તેનાં આંસુઓ પણ ચાલુ જ હતાં .
અંતે ઢાળિયામાં એકઠા થયેલા લોકોએ નક્કી કર્યું કે હાલ પુરતો આ વાતનો ખોટો હોબાળો ન કરવો .ને એ બંને ઉપર છુપી નજર રાખવી ,અને રાધાનું આણુ કરાવી નાખ્યા પછી કોઈપણ બહાને શામજીડા ને પતાવી નાંખવો .એવું નક્કી કરી એ લોકો વેરાણા. રાધા અને શામજીના વાસ (મહોલ્લા ) એકબીજાથી અલગ હતા .અને આ લોકોએ વાતને ઊગતી જ દાબી દીધી હતી. તેથી ગામમાં કોઈને આની ઝાઝી ખબર પડી ન હતી .
વાળું ટાણું વીતી ગયું હતું. અંધારામાં વડના થડ પાસે ઉભો રહીને શામજી હવે કંટાળી ગયો હતો.તેને આંહીં આવ્યા ને લગભગ દોઢ કલાક થઈ ગયો હતો. છતાં રાધા હજુ સુધી આવી ન હતી. ' કેમ હજુ નહિ આવી હોય ?' કે પછી ગભરાઈને વિચાર માંડી તો નહીં વાળ્યો હોય ને ?' કે - કે પછી કોઈ બીજું વિધ્ન તો નહી આવ્યું હોય ને ? શામજીએ ગુસ્સામાં દાંત કચકચાવ્યા.' આ સ્ત્રી જાતનો શું ભરોસો ?' ક્યાંક મરાવી નાખે ને ! વળી પાછો તેનો અંતરાત્મા પોકારી ઊઠયો. 'ના ના ,આભ ધરતી એક થશે તોય ,રાધા આવ્યા વિના તો નહીં જ રહે .એવું પણ બન્યું હોય કે ઘરેણાં કે રોકડને હાથ મારવાનો મોકો ન મળ્યો હોય બધાંય સૂઈ જાય પછી ,હાથ-ફેરો કરીને મોડીએ આવશે તો ખરી જ !' એ જ આશાએ વડના થડ પાસે તે રાધાની રાહ જોઈ રહ્યો હતો .
સોંપો પડી ગયો હતો. માણસોએ પોતાની પથારીઓ સંભાળી લીધી હતી. રાધા ખાટલામાં આડી પડી હતી પણ ઊંઘ તો જાણે કે,સો જોજન દૂર ચાલી ગઈ હતી . આંસુઓ હજુ પણ સુકાતાં ન હતાં .તે વિચારી રહી હતી પોતાનો પ્રીયતમ શામજી હજુ પણ વડ નીચે પોતાની રાહ જોતો હશે. એ અભાગીયા જીવને શી ખબર કે હું અહીં કેવી ફસાણી છું તે ?'કાલે સવારે પોતાનું અને શામજીનું શું થશે એ કલ્પવુય મુશ્કેલ હતું .ભેગા થયેલા વાસના લોકોએ શું નક્કી કર્યું છે.તેનીએ તેણીને ખબર ન હતી. અચાનક ઉડે- ઉડે આશાનું એક કિરણ મનમાં ઝબકયુ ઘરેણાને હાથ મારવાનો તો મોકો કદાચ હવે નહીં મળે,પરંતુ બધાંએ સુઈ જાય પછી, પહેર્યા લુગડે જ નીકળી જવું અને જઈને શામજીને મળવું, અને ત્યાંથી પરબારા બંનેએ નાસી જવું. એવું મનમાં નક્કી કર્યું. રાધા અડધો- એક કલાક આંખો બંધ કરીને તે સૂઈ ગઈ છે, એવો ડોળ કરીને ખાટલામાં પડી રહી. તેની ભાભી સુઈ ગઈ હોય તેવું લાગ્યું બહાર ચોગાનમાં પણ કાંઈ હિલચાલ ન દેખાણી .ને તેની ભાભી જાગી ન જાય તેમ રાધા ધીરે થી પથારીમાંથી બેઠી થઈ . 'વાડામાં જવું છે બુંન ?' પાસે જ બોમ્બ ફૂટયો હોય તેમ ,તેની ભાભીના શબ્દો સંભળાયા .
પ્રથમ તો રાધા ને કાંઈ બોલવાનું ન સૂઝ્યું.ને બીજી જ પળે ધીમા સાદે હામા હા ભેળવી ને બોલી . 'હા ભાભી વાડામાં જાવું છે .' એમ કહીને તે બહાર ચોગાનમાં આવી .વીજુ ભીંત પાસે આવીને ,છુપાઈને શંકાશીલ નજરે તેણીને જોઈ રહી. રાધાએ વાડાની વાડ તરફ નજર દોડાવી, થોરની મજબૂત વાડ ઓળંગી શકાય તેમ ન હતી .બહાર નીકળવાના ઝાંપા તરફ નજર કરી. ઝાંપા પાસે જ સોનો હાથમાં લાકડી લઈને જમ ની જેમ ઊભો હતો. ને ન છૂટકે તે ગુપચુપ પાછી આવીને પથારીમાં પડી. તે આખી રાત તે પથારીમાં તરફડતી નહીં, ને આંસુ લૂછતી રહીં .
અડધી રાત વીતી ગઈ તોય હજુ રાધા નો પતો ન હતો શામજીની ધીરજ હવે ખૂટી ગઈ હતી. રાધા ના ધર તરફ આંટો મારી ખબર કાઢવાનો એક વિચાર આવ્યો .પરંતુ કટાણે કોક ભટકાઈ જાય તો શું જવાબ આપવો ? તેથી તે વિચાર માંડી વાળ્યો. શામજીએ બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો. 'હેમનો ઠાંસીયો અને 200 રૂપિયા ખિસ્સામાં સલામત હતા .₹100 પોતાની મૂડી હતી, જ્યારે બીજા ₹100 અને સોનાનો ઠાંસીયો મોટાભાઈ પુનાની પેટીમાંથી ચોર્યા હતા. શામજી મનોમન ગુસ્સે ભરાતો હતો .રાધા ના પ્રેમ નો વિશ્વાસ તેને થોડો- થોડો ડગમગતો લાગ્યો .
અંતે લગભગ પરોઢે તેણે થાકીને, હારીને, નિરાશ થઈને પોતાના ઘર તરફ પગ ઉપાડ્યા. ઘેર જઈને ભાઈ -ભાભી જાગી ન જાય તેમ સોનાનો ઠાંસીયો (વાળી) ને સો રૂપિયા હતા તેમને તેમજ, પેટીમાં મૂકી દીધા. શામજીની આંખોમાં ઉજાગરો ડોકાઈ રહ્યો હતો .ચહેરા ઉપર અકળામણ અને બેચેની વર્તાતા હતાં . તે બધુંય છતુ થતું ન થઈ જાય તે માટે જ ,સવારના પહોરમાં જ બળદ છોડીને શામજી ખેતરે ચાલતો થયો . રાધા પથારીમાંથી બેઠી થઈ સાંજે મૂંગા મોઢે ખાધેલા મારની અસર અત્યારે વર્તાતી હતી. આખા શરીરે દુખાવો થતો હતો. છતાં કળાવા દીધા વિના દરરોજ જેમ એ ઘરકામે લાગી. રાતે આટલી ધમાલ થઈ છતાંય બધા તેનાથી પહેલાંની જેમ જ વર્તતા હતા તેથી, તેને આશ્ચર્ય થયું. સાથે- સાથે છૂપો ડર પણ લાગ્યો. તેણીને અવનવા વિચાર આવતા હતા ને મનમાં શંકા પણ જન્મતી હતી . પરંતુ આ બધી ઘટનાથી બે ખબર શામજીએ ,રાધા ને મળવાની આશા હજુ છોડી ન હતી.તેથી જ તો તે નિત્યક્રમ પ્રમાણે, પોતાના ખેતરે વડની ટોચ ઉપર લાલ રૂમાલ ફરકતો કરીને રાધા ની રાહ જોઈ રહ્યો હતો. બપોર નમવા આવી તોય રાધા નો કોઈ પતો ન હતો. પરંતુ લગભગ સાંજ ટાણે ફરતો ફરતો વાલો પોતાના ખેતરે આવી ચડ્યો. ને વાત વાતમાં સમાચાર આપ્યા કે 'કાલે સાંજે પ્રેમજીની રાધા ને તેના ભાઈ સોનાએ, બરાબરનો મેથીપાક આપ્યો છે .'
'શું કંઈ વાંક ગુનામાં હતી ?'શામજીના પેટમાં શેરડો પડ્યો.
વાંક -ગુના નું તો કંઈ બહાર આવ્યું નથીઃ પણ બરાબરની ધીબી હતી એ નક્કી .' વાલા એ કહ્યું તે પછી કેટલીક આડીઅવળી વાતો કરીને વાલો તો ચાલતો થયો. પરંતુ શામજી ને ઉચાટમાં નાંખતો ગયો . શામજીનું મન ચકડોળે ચડ્યું . 'નક્કી પોતાની અને રાધા ની ખબર પડી ગઈ હોય એવું લાગે છે, નહીં તો સોનો રાધા ને મારવાની હદે તો ના જ જાય.' પરંતુ આ વાતનો પોતાને કેમ કોઈ કાંઈ અણસાર આવવા દેતું નથી ?' કે પછી પોતાને છેતરીને કાંઈક કરવાનું સામેવાળા એ કાંઈક કાવતરું તો નહી ધડયુ હોય ને ? માટે કળાવા કંઈ દૅવુ નહીં ,પરંતુ મનોમન ચેતતા રહેવું એવું શામજીએ મનમાં નક્કી કર્યું.
બે દિવસ વીતી ગયા છતાં ,પેલી વાતની કોઈ હિલચાલ ન દેખાણી તેથી રાધા ને આશ્ચર્ય થયું.તેણીએ એ પણ જોઈ લીધું હતું કે ચોવીસે કલાક પોતે હવે નજરકેદ છે . ને ઘરવાળા તેનું આણું કરાવવાની વિતરણ માં પડ્યાં છેઃ અને પોતે સાસરે જાય પછી શામજી નો ઘડો -લાડવો કરવાનું આ લોકોએ નક્કી કર્યું છે .તે એકલી પડતી ત્યારે રડી પડતી .શામજી ને આ બધી વાતોની ખબર હશે કે કેમ ?પોતાનું તો જે થવાનું હોય તે ભલે થાય .પરંતુ શામજી ને મળવાની એકાદ ભુલ ,હવે શામજીનો જીવ લઈ શકે તેમ હતી. તેથી દિલની ઉર્મીઓ, અને ઈચ્છાઓને પરાણે મનમાં દાબીને સામજીના જીવને ખાતર, શામજીના ખેતર તરફ ફરકવાનું પણ રાધા એ માંડી વાળ્યું હતું .
વાલા એ રાધા ને મારવાની વાત કરી તેથી શામજી સજાગ થઈ ગયો હતો. ને તેથી આ આખી વાતનો તાગ મેળવવાનું કામ પોતાના ખાસ દોસ્ત મૂળાને તેણે સોંપ્યું હતું.અને મુળા દ્વારા તેને જાણવા મળ્યું કે,' તારી ને એની કાંઈક વાત હતી ,એટલે સોનાએ રાધા ને મારી હતી.'અને એનાં ઘરવાળાએ હવે જીવા ભોપાને મળીને ,ખોળા પાઘડી કરીને માતા માટે ચાંદીનું છત્તર અને ભોપા ને સો રૂપિયા પહેરામણી ના આપીને ,રાધાનું આણું કરાવવાની માતા પાસેથી રજા લઈ લીધી છે. પરંતુ આણું દિવાળી ના શુભ દિવસે કરવાનું મુરત છે. જેને સવા મહિના ની હજુ વાર હતી . કનુભા ના પ્રેમજીના ઘર તરફના આંટા ફેરા હમણાંથી વધી ગયા હતા. આમેય રાધા અને શામજીની વાત કહીને એ તેમનો શેણ (વાલેસરી ) સાબિત થયો હતો ને ઉપરથી સોનો અને તે બે દોસ્તાર પણ થયા હતા .અને તેથી ગમે તે ટાણે તેમને ઘેર આવવાનો કનુભા ને જાણે કે હવે પરવાનો મળી ગયો હતો. ને તેનો લાભ લઈને કનુભા આગળ વધવા માંડ્યો હતો. ક્યારેક એકાંત મળતાં તે રાધા ને અડપલું પણ કરી લેતો હતો . પરંતુ રાધા કોઈ ને કંઈ ન કહીં શકવાને મજબૂર હતી . કારણ કે ઘરવાળા હવે રાધાને તેને હલકી નજરે જોતાં હતાં.
રાધા એ જોઈ લીધું કે અહીં પોતાના ઘરમાં જ પોતાની ઈજ્જત હવે સલામત નથી. કનુભા હવે આંહીં એટલો પડ્યો-પાથરયો રહેતો હતો, કે 'જતા- જતા માં પોતાને તે અભડાવી દેવા માંગતો હતો .ને આ વાત પોતે ધરવાળા ને કહે તો પણ ઘરવાળા તેની વાત હવે સાચી મારવા તૈયાર થાય તેમ ન હતાં .અને આમ ઈજ્જત ખોવાયા પછી પણ, સવા મહિના પછી ચાલુ થવાનો હતો ,આંખે દેખ્યો ન ગમે તેવા, કાળા- કૂબડા પોતાના પતિ ચુના સાથેનો એ ઘર સંસાર . રાધાને કમકમિયા આવી ગયાં .તેનું હૃદય તત્કાળ ચિત્કારી ઉઠ્યું. 'ઓ ભગવાન, ગયા ભવમાં મેં કેવાં કઠણ કરમ કર્યા હશે ? તે આ ભવ આવી સજા મળે છે ?'
રાધા ઉપર તેની ભાભી વીજુની 24 કલાકની ચોકી હતી. કારણ કે રાધા કંઈક આડુ અવળું કરે તો સાટા- પેટા હોવાથી પોતાનું ઘર ભગવાન પણ તેણીને પૂરી બીક હતી. એક બે વખત તો વીજુએ રાધા ને ફોસલાવીને, શામજીના અને તેના વિશે પૂછી પણ જોયું. પરંતુ રાધા તો મોં જ ખોલતી ન હતી . જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ, રાધા ને પોતાનો અંત નજીક આવતો લાગ્યો .અત્યારે તે ઘેર એકલી બેઠી હતી.રૂદિયો રોતો હતો .પણ વિચારોની હાર માળા તો ચાલુ જ હતી . ને વિચારોમાં જ મનોમન તેણીએ એક યોજના બનાવી .આવી વિકટ પરિસ્થિતિમાં એ પોતાની એ યોજના ઉપર તેણીને હસવું આવી ગયું ફરી પાછો એ જ વિચાર તેણીએ ગંભીરતાથી લીધો. અને તે મનોમાન બબડી .'હાસ્તો ,એ વગર આબરૂ બચાવવાનો હવે બીજો રસ્તો જ ક્યાં છે ?' ચુનાનું ઘર તો સવા મહિના પછી માંડવાનું છે .પરંતુ એ પહેલાં તો ગીધ ની જેમ ટાંપીને બેઠેલા ,કનુભા થી પોતાની આબરૂ બચાવવાનો આ જ એક ઉપાય છે . ને આ સવા મહિનામાં તો ભગવાને આ રસ્તો સુઝાડયો એવો બીજો પણ કોઈ રસ્તો જરૂર સુઝાડશે. એવો આત્મવિશ્વાસ જાગ્યો.
વળી પાછું ચંચળ મન બોલી ઉઠયું. 'પરંતુ શામજી પાસે આ વાત જશે ત્યારે તેના દિલ ઉપર કેવી વીતશે ? તે પોતાને કેવી ધારશે ?' વળી પાછો મનમાંથી જ જવાબ મળ્યો .સાચ ને આંચ થોડીને આવવાની છે ?' માટે ગામ, સમાજ ,ને દુનિયા પોતાને જેવી ધારવી હોય તેવી ભલે ધારે પરંતુ આ યોજના અમલમાં મૂક્યા સિવાય બીજો રસ્તો જ ક્યાં છે ? ને આ કામ માટે તો માત્ર મંગુ ના કાન માં ફૂંક જ મારવાની જરૂર છે નેં ! વાયરા ની જેમ ફરતી મંગુ ,બે દાડામાં તો આખા ગામમાં ફરી વળશે ,અને વાત ફેલાવી દેશે .માટે આ ખતરનાક નિર્ણય અમલમાં મૂકવો તેવો રાધાએ મનોમન પાકો નિર્ણય કર્યો.