૩
અગ્નિસંસ્કાર!
રાત્રે દસ વાગ્યે ફરીથી ચારેય બંદર રોડ સ્થિત હોટલની એ જ રૂમમાં એકઠાં થયાં.
દિલાવર મીણનાં બીબા પર ટીકડીની ડિઝાઈન લઇ આવ્યો હતો.
ઉત્તમચંદની પત્ની પર ફરીથી માનસિક તાણનો હુમલો આવ્યો હતો એટલે તેને તાબડતોબ શો રૂપ પડતો મૂકીને જવું પડ્યું હતું અને આ કારણસર દિલાવરને ભોંયરામાં જવાની તક મળી ગઈ હતી.
એના આ કામથી ત્રણેય ખૂબ જ ખુશ હતા.
ડાઈ બનાવવા માટે હવે મોહન પાસે પૂરતો સમય હતો.
‘હું કાલે સવારથી જ ડાઈ બનાવવાની શરૂઆત કરી દઈશ!’ મોહન બોલ્યો.
‘ક્યાં બનાવીશ?’ ગજાનને પૂછ્યું.
‘અહીં જ, આ રૂમમાં જ બનાવીશ.’
‘અહીં?’
‘હા, કોઈને કંઈ વાંધો તો નથી ને?’
‘ના, બિલકુલ નહીં!’ ત્રિલોક ઉતાવળા અવાજે બોલ્યો, ‘અમને વળી શું વાંધો હોય?’
‘ઠીક છે, ડાઈ બનાવવા માટે કેટલાક ઓજારોની જરૂર પડશે.’ મોહને કહ્યું.
‘ગજાનન સવારના પહોરમાં જ તને બધા ઓજારો લાવી આપશે. તું જોઈતા સામાનની યાદી બનાવીને અમને આપી દે.’
મોહને તરત જ એક કાગળ પર જરૂરી ચીજ-વસ્તુઓની યાદી લખીને એ કાગળ ત્રિલોકને આપી દીધો.
‘આ યાદી તો ડાઈ બનાવવા માટેનાં ઓજારોની છે.’ મોહને કહ્યું. પછી ગજવામાંથી એક બીજો કાગળ કાઢીને તેની સામે લંબાવતા બોલ્યો, ‘આ યાદી મેં ગઈ કાલે જણાવેલ એ વસ્તુઓની છે. ડાઈ બનાવવાના ઓજારો તો સવાર પહેલાં જ મળી જવાં જોઈએ, બાકીની ચીજ વસ્તુઓ પણ કાલે મળી જાય તો સારું. તો એ સંજોગોમાં આપણે એ ચીજ-વસ્તુઓને પણ ચકાસી લેશું.’
‘બધી ચીજ-વસ્તુઓ કાલે જ આવી જશે.’
‘વેરી ગુડ, હવે બીજું કોઈ કામ બાકી છે? એની કોઈ ચર્ચા કરવાની છે?’ મોહને પૂછ્યું.
‘ના, હવે તો કોઈ ચર્ચા કે કામ બાકી નથી રહ્યું, હવે તો બસ તૈયારીઓ જ કરવાની છે.’
‘તો મને રજા આપો.’
‘બેસ ભાઈ મોહન એવી શું ઉતાવળ છે? એકાદ પેગ પી ને જજે!’ દિલાવર બોલ્યો.
‘ના, મને ઈચ્છા નથી.’
‘કેવી ઈચ્છા ને કેવી વાત?’ મિત્રો સાથે એકાદ પેગ પીવામાં વળી શું ઈચ્છા ને શું અનિચ્છા?’
‘મેં કહ્યું તો ખરું કે મારી પીવાની ઈચ્છા નથી!’ મોહન રુક્ષ અવાજે બોલ્યો.
દિલાવર ચૂપ થઇ ગયો.
મોહન ત્રિલોકને સવારે પોતે આવી જશે એમ કહીને ચાલ્યો ગયો.
‘ત્રિલોક,’ એના ગયા પછી દિલાવર બોલ્યો, ‘ આ તો ખૂબ જ કડક માણસ છે.’
‘એ તો છે જ.’ ત્રિલોકે સહમતીસૂચક ઢબે માથું હલાવતા કહ્યું.
‘એક વાત કહું?’
‘બોલ.’
‘મને આ માણસ જામતો નથી.’
‘કેમ?’
‘કોણ જાણે કેમ મને એવો ભાસ થાય છે કે મોહન નામનો આ નંગ જરૂર છેલ્લી ઘડીએ પોતાની કોઈક કરામત બતાવશે.’
‘કેવી કરામત?’
‘એ એકલો જ બધી રકમ લઈને ઉડન છૂ થવાનું વિચારી શકે છે. એણે આપણને ત્રણેયને ફસાવી દેવાની યોજના મનોમન ઘડી કાઢી હોય તો એ પણ બનવાજોગ છે.’
‘દિલાવર સાચું કહે છે ત્રિલોક.’ ગજાનન એની વાતને સમર્થન આપતાં બોલ્યો, ‘મોહન ગમે તેમ તો ય બધી રીતે આપણાંથી ચડિયાતો છે. જો એના મનમાં આપણી સાથે દગાબાજીનો કોઈ વિચાર હશે તો...’
‘તમે બંને નાહક જ ગભરાઓ છો. તમે માનો છો એવું કશું જ નથી થવાનું. એવો કોઈ વખત જ નહિ આવે.’
‘કેમ?’
‘કારણ કે એ પહેલાં જ મોહન ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો હશે.’ ત્રિલોક ક્રૂર અવાજે બોલ્યો, ‘એ નાલાયક જીવતો ભોંયરામાં દાખલ જરૂર થશે, પણ જીવતો બહાર નહીં નીકળી શકે.’
‘શું?’ દિલાવરે ચમકીને પૂછ્યું, ‘એને શો રૂમના ભોંયરામાં જ ઠેકાણે પાડી દેવાની તું વાત કરે છે?’
‘હા એટલું જ નહીં, એનો મૃતદેહ પણ ન ઓળખાય એવી હાલત આપણે એની કરવાની છે.’
‘ક... કેવી રીતે?’
‘કહું છું, સાંભળો.’
ત્યારબાદ ત્રિલોક એ બંનેને પોતાની યોજના સમજાવવા લાગ્યો.
કહેવાની જરૂર નથી કે એ યોજનામાં બાપડા મોહનનું મૃત્યુ થવું નિશ્ચિત હતું.
***
મોહને બીજા દિવસથી જ હોટલના રૂમમાં ડાઈ બનાવવાનું શરુ કરી દીધું.
કામ ખૂબ જ નાજુક અને પુષ્કળ મહેનત માંગી લે એવું હતું.
પરંતુ મોહન હિંમત ન હાર્યો.
એણે પોતાની પૂરી એકાગ્રતાનો પરિચય આપ્યો.
એ સવારનો કામે લાગ્યો હતો તો છેક બપોરે બાર વાગ્યે ઊભો થયો હતો. એનું કામ પતી ગયું હતું. ડાઈ તૈયાર થઇ ગઈ હતી.
ત્યારબાદ એણે, ત્રિલોક અને ગજાનને, ત્રણેયે બારીકાઇથી ડાઈનું દરેક દ્રષ્ટિકોણથી અવલોકન કર્યું.
પુષ્કળ મહેનત પછી તેઓ ડાઈમાં એક મામૂલી ખામી શોધી શક્યા જે મોહને તરત જ દૂર કરી નાખી.
હવે તેમની સમજ પ્રમાણે ડાઈ એકદમ તૈયાર હતી.
એ જ દિવસે મેકઅપ કરીને ગજાનન એસીટીલીન ટોર્ચ, એસીટીલીન ગેસ સીલીન્ડર, ઓક્સિજન માસ્ક, ઓક્સિજન સીલીન્ડર, ટૂલ બોક્સ વગરે લઇ આવ્યો.
તેમની પોતાની જ એક સ્ટેશન વેગનની અંદર પ્લેટ બદલીને તેને પણ તૈયાર કરી નાખવામાં આવી.
આ ઉપરાંત ગજાનન બે વોકી ટોકી સેટ પણ લઇ આવ્યો હતો.
અને એ પછી આવી શનિવારની રાત!
એ રાત કે જેની ચારેય ખૂબ જ વ્યાકુળતાથી ને આતુરતાથી રાહ જોતા હતા.
જરૂરી સામાન સ્ટેશન વેગનમાં ગોઠવીને રાત્રે લગભગ સાડા બાર વાગ્યે તેઓ તોપખાના રોડ પર પહોંચ્યા.
સડક સૂનસાન અને ઉજ્જડ હતી.
દૂર દૂર સુધી કોઈ નહોતું દેખાતું.
પોલ લાઈટનું અજવાળું ચારેય તરફ પથરાયેલું હતું.
સ્ટેશન વેગન ગજાનન ચલાવતો હતો.
ઉત્તમચંદના શો રૂમ સામે પહોંચીને ગજાનને સ્ટેશન વેગન ઊભું રાખ્યું.
શો રૂમનું શટર દેખાતું બંધ થઇ જાય એ રીતે એણે તેને ઊભું રાખ્યું.
વળતી જ પળે સ્ટેશન વેગનનો દરવાજો ઉઘાડીને મોહન સ્ફૂર્તિથી બહાર કુદ્યો.
એના હાથમાં લોખંડના ત્રણ-ચાર પાતળા સળીયા જકડાયેલા હતા.
એ વેગનની આડમાં છૂપાઈને શો રૂમના તાળાં ઉઘાડવાના કામે વળગી ગયો.
મોહનની પાછળ પાછળ ગજાનન પણ બહાર નીકળ્યો. એના હાથમાં પાના-પકડ વિગેરે હતું.
એણે સ્ટેશન વેગનનું પાછલું ટાયર ખોલી નાખ્યું.
ત્યારબાદ એ વેગનમાંથી જેક પણ ઊંચકી લાવ્યો.
એણે જેક ચડાવ્યો અને વેગનની નીચે સૂઈને સમારકામનું નાટક કરવા લાગ્યો. જો ભૂલેચૂકે ય કોઈ આ તરફથી આવે છે તો વેગનનું ટાયર પંક્ચર થઇ ગયું છે અને એ ટાયર બદલે છે એવો દેખાવ એણે ઊભો કર્યો હતો.
શો રૂમના શટરમાં કુલ ચાર તાળાં હતાં.
ચારેય તાળાં ખૂબ જ મજબૂત હતા.
પરંતુ મોહનના ચમત્કારી હાથોએ માત્ર પાંચ મિનિટમાં ચારેય તાળાં ઉઘાડી નાંખ્યા.
પછી તેણે શટરને અડધું ઊંચું કર્યું.
શાંત વાતાવરણમાં શટર ઊંચું થવાનો અવાજ દૂર દૂર સુધી ગુંજી ઊઠ્યો.
ચારેયના ધબકારા એકદમ વધી ગયા.
શટરનો અવાજ સાંભળીને કોઈ આવી તો નથી ચડ્યુંને એ જાણવા માટે તેમણે ચારે તરફ નજર કરી. પરંતુ પછી કોઈને ય આવતું ન જોઇને તેમણે રાહતનો શ્વાસ લીધો.
ગજાનન વેગન નીચેથી નીકળીને ઉતાવળા પગલે શટર તરફ આગળ વધી ગયો.
આ દરમ્યાન ત્રિલોક તથા દિલાવર પણ વેગનમાંથી નીચે ઉતરી આવ્યા હતા.
ત્યારબાદ એ ચારેયે ભેગા થઈને સ્ટેશન વેગનમાં પડેલો બધો સમાન જલદી જલદી શો રૂમમાં પહોંચાડ્યો.
ત્રિલોક, મોહન અને દિલાવર બધી ચીજ-વસ્તુઓ સહિત શો રૂમમાં પૂરાઈ ગયા.
ગજાનન બહાર જ રોકાયો હતો.
એણે ધીમેથી પુનઃ શટર બંધ કરી દીધું.
ત્યારબાદ તે વોકી ટોકીનો એક સેટ લઈને ફરીથી સ્ટેશન વેગન નીચે ઘુસી ગયો.
એ મનોમન આ લૂંટ સફળ થાય તે માટે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો.
હવે શો રૂમમાં શું થયું એ જોઈએ.
‘અત્યાર સુધી તો ઈશ્વરની મહેરબાની છે!’ શો રૂમમાં પૂરાવા પછી દિલાવર ધબકતા હ્રદયે બોલ્યો, ‘જોઈએ હવે આગળ શું થાય છે.’
‘બીજું શું થશે?’ ત્રિલોક ભડકીને બોલ્યો, ‘તું નાહક જ શ્રાપ માંગે છે.’
‘હું શ્રાપ માંગુ છું એમ?’
‘હા.’
‘તમારું ભાષણ બંધ કરો.’ સહસા મોહન એટલા જોરથી બરાડ્યો કે બંને એકદમ હેબતાઈ ગયા, ‘અત્યારે દલીલનો સમય છે? એક એક પળ કિંમતી છે. જીભાજોડી કરવા માટે તો ઘણી તકો મળશે પરંતુ પૈસાદાર થવાની માત્ર આ એક જ તક છે.’
બંને તરત જ ચૂપ થઇ ગયા.
‘ભોંયરામાં જવાનો માર્ગ ક્યાં છે દિલાવર?’
દિલાવર તરત જ ઉત્તમચંદની ચેમ્બર તરફ આગળ વધ્યો.
ત્રણેય ચેમ્બરમાં પહોંચ્યા.
દિલાવરે રિવોલ્વિંગ ચેરની પાછળ બનેલા શો કેસના કિનારે લટકતી ચાંદીની સાંકળ પકડીને ખેંચી તો શો કેસ સ્લાઈડીંગ ડોરની માફક એક તરફ સરકી ગયો.
બીજી તરફના ભાગમાં પગથિયાં દેખાતાં હતાં.
આ અદ્ભુત દ્રશ્ય જોઇને મોહન તથા ત્રિલોકના મોમાંથી સિસકારા નીકળી ગયા.
મનોમન સનસનાટી અનુભવતાં પગથિયાં ઉતરીને તેઓ ભોંયરામાં પહોંચ્યા.
થોડી પળો બાદ ત્રણેય તિજોરી સામે ઊભા હતા.
મોહને ગજવામાંથી ડાઈ કાઢીને પોતાના સૂકાયેલા હોઠ પર જીભ ફેરવી.
અત્યારે – આ પળે એ પણ નર્વસ થઇ ગયો હતો.
‘મોહન... જો ડાઈ ફીટ નહીં થાય તો?’ દિલાવરે શંકાભર્યા અવાજે પૂછ્યું.
‘તો શું?’ મોહન કંઈ જવાબ આપે એ પહેલાં ત્રિલોક બોલી ઊઠ્યો, ‘જોખમની ઘંટડી રણકી ઉઠશે અને આપણે બધા રેડ હેન્ડ પકડાઈ જઈશું.’
મોહને આશ્ચર્યચકિત નજરે ત્રિલોક સામે જોયું.
ત્રિલોક હેબતાઈને નીચું જોઈ ગયો.
ખરેખર કમાલના માણસો હતા.
આવા કપરા સંજોગોમાં પણ તેમને દલીલ કરવાનું સૂઝતું હતું.
મોહને મનોમન ઈશ્વરનું રટણ કરીને ડાઈ તિજોરીની ટીકડી ઉપર મૂકી દીધી.
ડાઈ તરત જ ટીકડી ઉપર ચોંટી ગઈ.
એણે ડાઈ ખસેડી તો તેની સાથે સાથે ટીકડી પણ ખસી ગઈ.
મોહન પ્રસન્નતાથી ઊછળી પડ્યો.
ત્રિલોક અને દિલાવરના આનંદનો પાર ન રહ્યો.
એક અન્ય વાતથી મોહનનો આનંદ બેવડાયો.
તિજોરીનું તાળું આંકડાવાળું નહીં, પણ ચાવીની મદદથી ખુલતું સાદું તાળું હતું.
એસીટીલીન ટોર્ચ, એસીટીલીન ગેસ સીલીન્ડર કે ઓક્સિજન સીલીન્ડરની જરૂર જ નહોતી.
મોહનના કરમાતી હાથે અડધા કલાકની મહેનત પછી તિજોરીના એ મજબૂત તાળાને પણ તોડી નાખ્યું.
પછી એણે તિજોરીનું બારણું ઉઘાડ્યું.
વળતી જ પળે તેમની આંખો અંજાઈ ગઈ.
તેમના ચહેરા ઉપર હજાર વોલ્ટના બલ્બ જેવી ચમક પથરાઈ ગઈ.
તિજોરીમાં ઢગલાબંધ પેકેટો હતા અને પેકેટોમાં એટલા બધા પૈસા હતા કે જેની તેમણે કલ્પના પણ નહોતી કરી.
દિલાવર તરત જ બહારથી બે મોટી મોટી સૂટકેસો લઇ આવ્યો.
ત્યાર બાદ તે પેકેટો ઉઘાડી ઉઘાડીને રોકડ રકમ તેમાં ભરવા લાગ્યો.
‘પેકેટો શા માટે ઉઘાડે છે?’ ત્રિલોકે તેને ટોંક્યો, ‘એમ ને એમ ભરી લે. બાકીનું કામ તો ઠેકાણે પહોંચીને પણ થઇ જશે.’
દિલાવરે ધીમેથી માથું હલાવ્યું.
ત્યારબાદ ત્રિલોક અને દિલાવરે જેટલી વારમાં એ પેકેટો સૂટકેસમાં ભર્યા એટલી વારમાં મોહને વોકી ટોકી સેટ પર શો રૂમની બહાર મોઝુદ ગજાનનનો સંપર્ક સાધ્યો.
‘કામ પતી ગયું મોહન?’ સામેથી ગજાનને વ્યાકુળ અવાજે પૂછ્યું.
‘હા.’
‘આટલી જલદી?’
‘હા... તું હવે ટાયર વિગેરે ચડાવીને સ્ટેસન વેગન તૈયાર રાખ. અમે માલ લઈને આવીએ છીએ. સડક ઉપર કોઈ આવતું જતું દેખાય તો તરત જ જાણ કરજે ઓકે?’
‘ઓકે, ઓકે!’
મોહને સંબંધ વિચ્છેદ કરી નાખ્યો.
ત્યારબાદ એણે માથું ઊંચું કરીને જોયું તો દિલાવરના હાથમાં વ્હીસ્કીની અડધી ભરેલી બોટલ જકડાયેલી હતી. જ્યારે ત્રિલોકના હાથમાં ત્રણ ગ્લાસ હતા.
દિલાવરે ત્રણેય ગ્લાસમાં વ્હીસ્કી રેડી.
‘લે મોહન... આટલી જંગી રકમ મેળવવાની ખુશાલીમાં એક પેગ પી લે. થોડી ગરમી આવી જશે.’ ત્રિલોક એક ગ્લાસ તેની સામે લંબાવતાં આગ્રહભર્યા અવાજે બોલ્યો, ‘પ્લીઝ ના કહીશ નહીં!’
એનો અનહદ આગ્રહ જોઇને મોહન ના ન પાડી શક્યો.
આમેય એ પોતે પણ અત્યારે વ્હીસ્કીની જરૂરિયાત અનુભવતો હતો.
એણે તેના હાથમાંથી ગ્લાસ લઈને એક શ્વાસે ખાલી કરી નાખ્યો.
વ્હીસ્કી પેટમાં જતા જ એના દેહમાં કાળી બળતરા થવા લાગી.
એની આંખો સામે ઝાંખપ ફરી વળી.
એનું માથું ભમવા લાગ્યું.
ભોંયરાનો એ રૂમ તેને ગોળ ગોળ ફરતો લાગ્યો.
જરૂર વ્હીસ્કીમાં કંઈ ભેળવવામાં આવ્યું છે તથા તેની સાથે દગો કરવામાં આવ્યો છે એ વાત મોહન તરત જ સમજી ગયો.
એણે બંને હાથે માથું પકડીને પાંપણો સ્થિર રાખવાનો પ્રયત્ન કરતાં સામે ઉભેલા દિલાવર તથા ત્રિલોક સામે જોયું.
એ બંનેનાં ચહેરા અત્યારે તેને સાક્ષાત શયતાનો જેવા લાગતા હતા.
તેમના ચહેરા ઉપર ક્રૂરતા અને શયતાનીયત સિવાય તેને બીજું કશું જ નહોતું દેખાતું.
‘આ... આ તમે શું કર્યું છે નાલાયકો?’ એ થોથવાતા અવાજે બોલ્યો.
‘કંઈ જ નથી કર્યું મોહન!’ ત્રિલોકે ક્રૂરતા મિશ્રિત ઠાવકા અવાજે કહ્યું, ‘બસ, વ્હીસ્કીમાં થોડી દવા જ ભેળવી છે!’
‘તું... તું...’ મોહનના શબ્દો ગળામાં જ અટવાઈ ગયા.
એણે પોતાની જાત પર કાબૂ મેળવવાના ભરચક પ્રયાસો કર્યા. પરંતુ એને સફળતા ન મળી.
એના પગ ડગમગવા લાગ્યા.
એ જ વખતે ત્રિલોકના હાથમાં કોણ જાણે ક્યાંથી કેરોસીનનો ડબ્બો ચમકવા લાગ્યો.
એણે આગળ વધીને બધું કેરોસીન મોહનના દેહ પર ઠાલવી દીધું.
મોહનના કંઠમાંથી ચીસ સરી પડી.
એ તરત જ દરવાજા તરફ દોડ્યો. પરંતુ ત્યાં દિલાવર સાક્ષાત યમદૂતનું રૂપ ધારણ કરીને ઊભો હતો.
એણે જોરથી મોહનને ધક્કો માર્યો.
મોહન પીઠભેર ઉથલી પડ્યો.
હવે એનામાં ઊભા થવાની હિંમત નહોતી, તેમ છતાંય છેલ્લી ઘડીના પ્રયાસ રૂપે એ પોતાને છોડી મૂકવા માટે રડ્યો... કરગર્યો...વિનંતી કરી!
પરંતુ પૈસાની લાલચમાં આંધળા બની ગયેલા ત્રિલોક તથા દિલાવર જાણે કે બહેરા થઇ ગયા હતા.
મોહનના રુદન કે વિનંતીની એ શયતાનો પર કંઈ અસર ન થઇ.
વળતી જ પળે ત્રિલોકે ગજવામાંથી માચીસ કાઢીને દીવાસળી પેટાવી અને મોહનના દેહ પર ફેંકી.
કેરોસીનથી તરબતર થઇ ગયેલા મોહનના દેહે તરત જ જ્વાળા પકડી લીધી.
એનો દેહ સળગવા માંડ્યો.
વાતાવરણમાં માંસ સળગવાની ગંધ ફેલાવા લાગી.
મોહન આગ ઠારવા માટે આમથી તેમ આળોટતો હતો.
એના ગળામાંથી કાળજગરી ચીસો નીકળતી હતી.
જ્યારે એ શયતાનોના મોંમાંથી અટ્ટહાસ્યો નીકળતાં હતા.
કાળમીંઢ પથ્થર જેવું કલેજું ધરાવતા માનવીનું હૈયું પણ ચિત્કારી ઉઠે એવું ભયંકર દ્રશ્ય હતું.
પરંતુ ભગવાન જાણે આ બંનેનાં કાળજા કઈ માટીના બનેલા હતા.
કદાચ પૈસાની લાલચે જ તેમને આ દ્રશ્ય જોવા માટે લાચાર બનાવી દીધા હતા. બાકી હ્રદય તો બધાના સરખા જ હોય છે.
પૈસાની હવસે તેમની સમજવા-વિચારવાની શક્તિ હણી નાખી હતી. તેમના મગજને કામ કરતાં અટકાવી દીધા હતા.
માણસની સમજવા વિચારવાની શક્તિ હણાઈ જાય છે ત્યારે પોતે શું કરે છે એનું તેમને ભાન નથી હોતું.
અને અત્યારે આવી જ હાલત ત્રિલોક તથા દિલાવરની હતી.
પૈસાની ચમકે તેમની આંખે પાટા બાંધી દીધા હતા. તેમની વિવેકબુદ્ધિ હણી લીધી હતી.
મોહન હજુ પણ આમથી તેમ આળોટતો હતો.
બંને શયતાનો તેને આળોટતો તાકી રહ્યા હતા.
છેવટે થોડીવાર તરફડીને મોહનનો દેહ શાંત થઇ ગયો.
એનો દેહ પડ્યો હતો, ત્યાં હવે દેહના આકારમાં રાખનો ઢગલો જ દેખાતો હતો.
અને ત્યારે જ ત્રિલોક તથા દિલાવરને સાચી પરિસ્થતિનું ભાન થયું.
તેમની વિવેકબુદ્ધિ પછી ફરી.
મોહનના દેહની હાલત જોઇને એ બંને સર્વાંગે ધ્રૂજી ઊઠ્યા.
પરંતુ તરતજ તેમની સામે સૂટકેસમાં ભરેલાં નોટોના બંડલો તરવરી ઊઠ્યાં.
અને પરિણામે મોહનનો અંજામ તેમને માટે મહત્વનો થઇ ગયો.
એ શયતાનોએ ખરેખર જ મોહનને બલિનો બકરો બનાવ્યો હતો.
માણસના મોત પછી જ તેના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
પરંતુ આ શયતાનોએ તો જીવતાં જીવત જ અગ્નિસંસ્કાર કરી નાખ્યા હતા.
ભોંયરાના એ રૂમમાં કેરોસીન મિશ્રિત માંસનો ધુમાડો છવાઈ ગયો હતો.
બંનેએ એક એક સૂટકેસ ઊંચકી લીધી અને પગથિયાં ચડીને રૂમના શટર પાસે આવ્યા.
તેમણે ધીમેથી શટર ઊંચું કર્યું.
બંને સ્ફૂર્તિથી સુટકેસ સહિત બહાર નીકળી ગયા.
આ દરમ્યાન ગજાનને સ્ટેશન વેગન સ્ટાર્ટ કરી નાખી.
બંનેએ શટર બંધ કર્યું અને સ્ફૂર્તિથી સુટકેસ સહિત સ્ટેશન વેગનમાં બેસી ગયા.
વળતી જ પળે સ્ટેશન વેગન બંદૂકમાંથી છૂટેલી ગોળીની રફ્તારથી નાસી છૂટ્યું.
બાકી રહી ગઈ હતી ખાલી તિજોરી!
બાકી રહી ગયેલો હતો મોહનનો સળગેલો મૃતદેહ!
એ મૃતદેહ જે જેના જીવતાં જીવત જ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
પરંતુ આ સમગ્ર બનાવ દરમિયાન એક વાતથી તેઓ બિલકુલ અજાણ હતા.
બંદર રોડ સ્થિત હોટલની તેમના બાજુના રૂમમાં જ જે સરદારજી ઊતર્યો હતો તેની પાસે આ લૂંટના તમામ પૂરાવાઓ હતા. તેણે તેમની યોજના ટેપ કરી લીધી હતી. એની પાસે દરેક લૂંટારાના ફોટા હતા. આ ઉપરાંત મોહન ચૌહાણને કેવી રીતે મારી નાખવામાં આવ્યો હતો, અને તેને સળગાવીને સ્વધામ પહોંચાડ્યા પછી ત્રિલોક વગેરે ક્યાં જવા માટે રવાના થઇ ગયા હતા તથા ભવિષ્યનો તેમનો શું પ્રોગ્રામ હતો એની પણ તેને ખબર હતી.
પ્રીતમસિંહને પોતાના કામથી સંતોષ હતો.
ભવિષ્યમાં આ બધાં પૂરાવાઓને આધારે તે ત્રિલોક પાસેથી પૈસા પડાવવાનું નક્કી કરી ચૂક્યો હતો.
આ બધા પૂરાવાઓ લઈને તે એ જ દિવસે પોતાના વતન ચંદીગઢ જવા માટે રવાના થઇ ગયો કારણકે ત્યાં એના પિતાની તબિયત ખૂબ જ નાજુક હતી અને એને તાબડતોબ ત્યાં પહોંચવું જરૂરી હતું.
***
ઉત્તમચંદના શો રૂમમાં ચલાવવામાં આવેલી આ લૂંટનો કેસ ઇન્સ્પેકટર વામનરાવને સોંપવામાં આવ્યો.
તિજોરીમાં કાળું નાણું ભર્યું હોવાને કારણે ઉત્તમચંદ પોલીસમાં આ રકમ લૂંટાવાની ફરિયાદ નહીં નોંધાવી શકે એમ ત્રિલોક વિગેરે માનતા હતા.
પરંતુ તેમની આ માન્યતા ખોટી પડી હતી.
ઉત્તમચંદ ખૂબ જ કુશળ વેપારી હતો. એણે ચાલાકીથી આ કાળા નાણાને ઓન પેપર અર્થાત હિસાબ કિતાબના ચોપડામાં સફેદ નાણું બનાવી દીધું હતું અને તે માટેના જરૂરી પૂરાવાઓ પણ રજૂ કરી દીધા હતા.
ઉત્તમચંદ જેવા સજ્જન અને પ્રતિષ્ઠિત વેપારી પર શંકા કરવાનું કોઈ કારણ નહોતું.
ઉત્તમચંદે જે જે ઝવેરીઓનું કાળું નાણું તિજોરીમાં પડ્યું હતું એ બધાને પોતે ટૂંક સમયમાં જ તેમની રકમ ભરપાઈ કરી આપશે એવું વચન આપ્યું હતું અને એના વચન પર સૌને ભરોસો હતો.
લૂંટની જાણ સવારે પાંચ વાગ્યે થઇ ગઈ હતી.
રાઉન્ડમાં નીકળેલા ચોકીદારે શો રૂમનાં તાળાં તૂટેલાં જોઇને તરતજ ફોનથી પહેલાં ઉત્તમચંદને અને પછી પોલીસને જાણ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસને શો રૂમના ભોંયરામાંથી કોરડ્રીલ મશીન, એસીટીલીન ટોર્ચ, ઓક્સિજન માસ્ક, એસીટીલીન ગેસ તથા ઓક્સિજન સીલીન્ડર વગેરે મળી આવ્યું.
આ ઉપરાંત ખાલી તિજોરીની સાથે એક સળગેલો મૃતદેહ પણ મળ્યો.
કેરોસીનથી સળગેલા એ મૃતદેહની દુર્ગંધ ત્યાં ફેલાયેલી હતી.
આ દરમિયાન ઉત્તમચંદ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. શો રૂમમાં જરૂર કાંઈક નવાજૂની થઇ છે, એ વાત તો ચોકીદારના ફોન પરથી સમજી ગયો હતો. ગમે તેવા કપરા સંજોગો સાથે લડી લેવાનું નક્કી કરીને જ તે આવ્યો હતો અને આ જ કારણસર એને ઘેરો આઘાત નહોતો લાગ્યો.
એના કહેવા મુજબ તિજોરીમાં એક કરોડ બે લાખ રૂપિયા પડ્યા હતા. પરંતુ અત્યારે તીજોરી સાવ ખાલી હતી. અર્થાત એક કરોડ અને બે લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી.
પોલીસને ભોંયરામાંથી કે શો રૂમમાંથી આંગળાંની કોઈ છાપ નહોતી મળી, જેના પરથી પૂરવાર થઇ જતું હતું કે ધાડપાડુઓએ હાથ-મોજાં પહેરીને જ બધું કામ કર્યું હતું.
ત્યારબાદ વામનરાવે મૃતદેહ તરફ ધ્યાન આપ્યું.
મૃતદેહ સળગી ગયો હતો એટલે એની ઓળખ લગભગ અશક્ય હતી. અલબત મરનારના ગળામાંથી શંકર ભગવાનના ચિત્રવાળું એક લોકેટ જરૂર મળ્યું હતું. એ લોકેટ પર કોતરેલા શબ્દો સ્પષ્ટ રીતે વાંચી શકાતા હતા. એમાં લખ્યું હતું – મારા મોહનને જન્મદિવસે શંકર ભગવાનના આશીર્વાદ સિવાય મારી પાસે બીજું કશું જ નથી – મિનાક્ષી
વામનરાવ પાસે તપાસમાં આગળ વધવા માટે આ એક જ કડી હતી.
પરંતુ સફળતા ન મળી.
બે દિવસ પછી એ જ લોકેટ વિશે વિશાળગઢના તમામ અખબારોમાં જાહેરાત આપવામાં આવી.
અને આ જાહેરાતનું ધાર્યું પરિણામ આવ્યું.
મિનાક્ષી પોતે જ પોલીસ હેડક્વાર્ટરે આવી પહોંચી
એને તરત જ વામનરાવની ઓફિસમાં લઇ જવાઈ.
વામનરાવે ધ્યાનથી મિનાક્ષીનું નિરીક્ષણ કર્યું.
‘તું જ મિનાક્ષી છો?’ છેવટે એણે શાંત અવાજે પૂછ્યું.
‘હા... મારું નામ જ મિનાક્ષી છે!’ મિનાક્ષી પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવીને ધીમેથી માથું હલાવતાં બોલી.
એ ખૂબ જ ભયભીત અને ગભરાયેલી દેખાતી હતી.
એના હાથમાં પોલીસે આપેલી જાહેરાતવાળું અખબાર જકડાયેલું હતું.
‘બેસ...’ વામનરાવે કોમળ અવાજે કહ્યું.
મિનાક્ષી સંકોચાઈને તેની સામે ખુરશી પર બેસી ગઈ.
વામનરાવે તેનું નામ, સરનામું, કામ વગેરે પૂછીને એક કાગળ ઉપર લખી લીધું.
ત્યારબાદ એણે ટેબલના ખાનામાંથી એક લોકેટ કાઢીને મિનાક્ષી સામે લંબાવ્યું.
‘આ લોકેટને તું ઓળખે છે?’ એણે પૂછ્યું.
‘હા, ઓળખું છું! આપે આ લોકેટની જાહેરાત આપી હતી એટલે જ તો હું અહીં આવી છું પણ...’ કહેતાં કહેતા મિનાક્ષી અટકી ગઈ.
‘પણ શું?’
‘પણ આ લોકેટ આપને ક્યાંથી મળ્યું? આપણી પાસે કેવી રીતે આવ્યું?’
‘તારી ગણતરી પ્રમાણે આ લોકેટ ક્યાં હોવું જોઈએ?’ વામનરાવે પૂછ્યું.
‘મોહનના ગળામાં...’
‘કોણ મોહન?’
‘મોહન ચૌહાણ...’ મિનાક્ષીએ જવાબ આપ્યો, ‘તે અમારી બાજુમાં જ સ્લમ કોલોનીમાં રહે છે!’
‘આ લોકેટ તેં એને આપ્યું હતું?’
‘હા.’
‘ક્યારે?’
‘દસ તારીખે.’
‘આ મહિનાની જ દસમી તારીખે?’
‘હા સાહેબ!’ મિનાક્ષીએ હકારમાં માથું હલાવતાં કહ્યું, ‘આજથી ત્રણ દિવસ પહેલાં. બીજે દિવસે મોહનનો જન્મદિવસ હતો.’
‘ઓહ! તો અગિયારમી જુલાઈએ મોહનનો જન્મદિવસ હતો એમ ને?’
‘હા.’
‘તો આ ભેટ તે એને એક દિવસ અગાઉ શા માટે આપી હતી?’
‘એટલા માટે કે દસમી તારીખે સાંજે મોહન બહારગામ જવાનો હતો.’
‘આ વાત મોહને પોતે જ તને જણાવી હતી?’
‘હા.’
‘વારુ, એ બહારગામ ક્યાં જવાનો હતો?’
‘એ તો એણે નહોતું કહ્યું સાહેબ! એણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે તેને એક સરસ નોકરી મળી ગઈ છે. એટલે એ બહારગામ જઈને કામ કરશે. ત્રણ-ચાર મહિનામાં મકાન લઇ લેશે અને પછી મારી સાથે લગ્ન કરીને મને અહીંથી લઇ જશે. સાહેબ, આ બધું શું છે? મોહનનું લોકેટ આપની પાસે કેવી રીતે આવ્યું અને એ સળગેલું શા માટે છે? સાહેબ, કોણ જાણે કેમ પણ મારો જીવ ગભરાય છે!’
વામનરાવ ચૂપ રહ્યો.
મિનાક્ષી સાચું બોલે છે એ વાતની તેને ખાતરી થઇ ગઈ હતી.
મોહન શું કરવા ગયો હતો અને એનો શું અંજામ આવ્યો હતો એની પણ એ બિચારીને કંઈ ખબર નહોતી.
‘આપ બોલતાં કેમ નથી સાહેબ? મારો મોહન...’
‘મને અફસોસ છે મિનાક્ષી કે તારો મોહન...’ કહેતાં કહેતાં વામનરાવ અટકી ગયો.
‘શું થયું છે મોહનને?’ મિનાક્ષીએ હેબતાઈને પૂછ્યું. એના ચહેરાનો રંગ ઊડી ગયો હતો, ‘મારા મોહનને કંઈ થઇ ગયું છે એમ બોલશો નહીં!’
‘તું બરાબર સમજી છો! મોહન હવે આ દુનિયામાં નથી.’ વામનરાવ ધીમેથી બોલ્યો.
એની વાત સાંભળીને મિનાક્ષીના કંઠમાંથી ચીસ સરી પડી.
વામનરાવ નીચું જોઈ ગયો.
મિનાક્ષી બંને હથેળી વચ્ચે મોં છુપાવીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. વામનરાવે તેને રડવા દીધી. દસેક મિનીટ પછી મિનાક્ષીએ પોતાનું માથું ઊંચું કર્યું. એણે સાડીના પાલવથી આંખો લૂછીને વામનરાવે ધરેલું પાણી પી લીધું.
‘આ બધું કેવી રીતે થયું સાહેબ?’ છેવટે એણે રૂંધાયેલા અવાજે પૂછ્યું.
‘અગિયારમી જુલાઈએ વહેલી સવારે પોલીસને તોપખાના રોડ ઉપર આવેલા ઉત્તમચંદ જવેલર્સ નામના સોના-ચાંદીના એક શો રૂમના ભોંયરામાંથી એક સળગેલો મૃતદેહ મળ્યો હતો. આ લોકેટ અમને એ મૃતદેહના ગળામાંથી જ મળ્યું હતું.’
‘મોહનના ગળામાંથી? ઉત્તમચંદ જ્વેલર્સના ભોંયરામાંથી? આનો અર્થ એ થયો કે મોહન સુધર્યો ન હતો એમ ને? એણે મને બધા ગેરકાયદેસર કામ છોડી દેવાનું વચન આપ્યું હતું, પણ એ મારી પાસે ખોટું બોલ્યો. એ ઉત્તમચંદ જ્વેલર્સમાં લૂંટ ચલાવીને બહારગામ ચાલ્યો જવા માંગતો હતો. પરંતુ એ એમ કરી ન શક્યો. એ પહેલાં જ તેને ઈશ્વરનું તેડું આવું ગયું અને તેને ખરાબ કામોમાંથી છુટકારો મળી ગયો.
‘ખરાબ કામોમાંથી? તો શું મોહન રીઢો ગુનેગાર હતો?’ વામનરાવે ચમકીને પૂછ્યું.
‘હા...’ કહીને મિનાક્ષીએ તેને મોહન વિશે જણાવ્યું.
મોહનની હકીકત સાંભળીને વામનરાવના આશ્ચર્યનો પાર ન રહ્યો. મરનાર એ જ મોહન હશે એવી કલ્પના એણે નહોતી કરી.
‘સાહેબ, ઉત્તમચંદની તિજોરીમાં એક કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે, એવું અખબારમાં છપાયું છે, શું આ વાત સાચી છે?’
‘હા, બિલકુલ સાચી છે!’ વામનરાવ સહમતી સૂચક માથું હલાવતાં બોલ્યો, ‘આ લૂંટમાં ઓછામાં ઓછા ત્રણ કે વધુ માણસો સામેલ હતા. મોહને અમુક લોકો સાથે મળીને ઉત્તમચંદ જ્વેલર્સમાં લૂંટ ચલાવી છે એ તો સ્પષ્ટ જ છે. મોહનના સાથીદાર તેનું ખૂન કરીને, રકમ લઈને નાસી છૂટ્યા છે!’
‘ખૂન કરીને?’
‘હા! મોહન પોતાના સાથીદારોની દગાબાજીને અકાળે અવસાન પામ્યો છે. તિજોરી ઉઘડી ગયા પછી તેના પર કેરોસીન છાંટીને તેને જીવતો સળગાવી નાખવામાં આવ્યો છે એમ હું માનું છું. મિનાક્ષી, મોહનને ખૂબ જ ક્રૂરતાભર્યું મોત આપવામાં આવ્યું છે.
મિનાક્ષીના દેહમાં ધ્રૂજારી ફરી વાળી. શું તેનો મોહન આટલો રીબાઈ રીબાઈને મર્યો છે?
‘ઇન્સ્પેક્ટર સાહેબ, હું મોહનનો મૃતદેહ જોઈ શકું છું?’ એણે પૂછ્યું.
‘ના, તારાથી મૃતદેહની હાલત નહીં જોવાય મિનાક્ષી! અલબત અમે હજુ મૃતદેહના અંતિમસંસ્કાર નથી કર્યા. પોલીસ પોતે જ એના અંતિમસંસ્કાર કરશે.
મિનાક્ષીએ વધુ હઠ ન કરી.
‘મિનાક્ષી, મોહનના ખૂનીઓ પકડાય એમ તો તું જરૂર ઈચ્છતી હોઈશ અને આ કામમાં અમને તારા સહકારની જરૂર છે. મોહન આજકાલ કયા લોકોની સોબતમાં હતો એ તો તું જાણતી જ હોઈશ?’ વામનરાવે પૂછ્યું.
‘ના, હું નથી જાણતી ઇન્સ્પેક્ટર સાહેબ!’ મિનાક્ષી રુદનભર્યા અવાજે બોલી, ‘મોહનના ખૂનીઓ પકડાય એમ હું જરૂર ઈચ્છું છું. પરંતુ આજકાલ એ કયા લોકોની સોબતમાં હતો, એની મને ખરેખર ખબર નથી. જો મને જરા પણ ખબર હોત તો હું એને ન અટકાવત? એ મારે ખાતર કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હતો. તે લૂંટ ચલાવવા માંગતો હતો એ વાતની ખબર ન હોવાનો મને જિંદગીભર અફસોસ રહેશે.’
વામનરાવે એક ઊંડો શ્વાસ લીધો.
આ કેસ અત્યાર સુધી અંધકારમય જ પૂરવાર થયો હતો. પોલીસને માત્ર મૃતદેહની ઓળખ કરવામાં જ સફળતા મળી હતી.
મિનાક્ષીની જુબાનીથી પણ પોલીસની તપાસ આગળ વધી ન શકી.
આગળ વધે પણ કેવી રીતે?
એ બિચારી તો કશું જ નહોતી જણાવી શકી.
બીજા દિવસે પોલીસે જ મોહનના મૃતદેહને બિનવારસી જાહેર કરીને તેના અંતિમસંસ્કાર કર્યા.
વામનરાવના બધા પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
એના પ્રયાસોનું કોઈ પરિણામ ન આવ્યું.
ઉત્તમચંદ જ્વેલર્સના ધાડપાડુઓ કોણ હતા એ ભેદ, ભેદ જ રહ્યો.
સમય વીતતો ગયો.
આ લૂંટ કેસની ફાઈલ ઉપર ધૂળ જામવા લાગી.
છેવટે વામનરાવે પણ હાર કબૂલી લીધી.
અને આ બનાવને એક વરસ વીતી ગયું.