What would have happened? in Gujarati Short Stories by Niketa Shah books and stories PDF | શું બન્યું હશે?

Featured Books
Categories
Share

શું બન્યું હશે?

મુસ્કાન તો એની એવી છે કે બસ એક ચિત્રમાં અંકિત કરી દઉં. ઈચ્છા થાય ત્યારે એને જોઈ તો શકું. એ બાળકીનો ચહેરો હું ક્યારેય ના ભૂલી શકું.
ટ્રાફિક સિગ્નલ પર ફુગ્ગા વેચતી એ છોકરીની મુસ્કાન એટલી નિદોષૅ હતી કે એનો ચહેરો ભૂલાતો જ નથી. રોજ સવારે ઓફિસ જતાં એને હું જોતી હતી. મારી ઓફિસ પહેલાંના ચાર રસ્તા પર એ ફુગ્ગા વેચતી હતી. મને પણ એની સાથે વાતો કરવાનું મન થઈ જતું. પરંતુ સમયના અભાવે હું વાત જ ન હતી કરી શકતી.
એક રવિવારે હું ખાસ એની સાથે વાત કરવા મળે એ માટે એ ચાર રસ્તા પર ગઈ હતી. થોડીવાર સુધી રોડની સાઈડમાં ઊભી રહી પરંતુ એ હાસ્યની પરી મને ક્યાંય ના દેખાઈ. ઘણીવાર સુધી રાહ જોઈ પરંતુ તે ક્યાંય હતી જ નહી. એની જ ઉમરનો એક છોકરાને ફુગ્ગા વેચવા આવતાં મેં જોયો. પેલી હાસ્યની પરી વિશે મેં એને જ પૂછવાનું વિચાયુઁ.
હું એને મારી પાસે નજીકમાં બોલાવી લાવી. પહેલાં તો એ મને જોઈને ગભરાવા લાગ્યો. પરંતુ મેં એનાં માથે પ્રેમથી હાથ ફેરવ્યો તો એ એકદમ સામાન્ય બનીને વાત કરવા લાગ્યો. મેં તેને પેલી હાસ્યની પરી વિશે પૂછ્યું. મેં એને કીધું બેટા પેલી એક નાનકડી હાસ્યની પરી પણ તારી જોડે ફુગ્ગા વેચતી હોય છે તે ક્યાં છે, તે આજે કેમ નથી દેખાતી.
પેલા છોકરાએ કીધું કોણ હસુડી, અહીં મારી જોડે રોજ ફુગ્ગા વેચવા આવે છે એ. મેં કીધું હા, એ જ
એણે કીધું હોવે એ હસુડી.
બસ હસતી જ રહેતી હતી. મારી આંખ સમક્ષ તરત જ એનો ચહેરો આવી ગયો. એકદમ ગોળ-મટોળ હતી. આમ તો મેલી ઘેલી જ રહેતી હતી. એનાં વાળ બેબીકટ કરેલાં હતાં.ગુલાબી રંગનું ફ્રોક પહેરતી. કપડાં ને રંગરૂપ કરતાં વધુ સુંદર એની મુસ્કાન હતી. તેથી આ બધી વાત ગૌણ હતી.
મારી એ હસુડી વિશે જાણવાની ઈંતેજારી વધતી જતી હતી. આજે એ મને દેખાતી ન હતી એટલે મારી બેચેની ઓર વધતી જતી હતી.પેલાં છોકરાએ મને કીધું મેડમ એ બિચારી તો કાલે રાત્રે જ મરી ગઈ. શું ! મારા મ્હોંમાંથી વધારે પડતાં ઉંચા અવાજમાં શું નીકળી ગયું એ છોકરો પણ હેબતાઈ ગયો.
મને તરત જ ખ્યાલ આવ્યો કે હું રસ્તા પર કંઈક વધારે જ અવાજમાં બોલી હતી. તરત જ મેં વાત સંભાળતા જ પેલાં છોકરાને પૂછ્યું શું થયું હતું એને.
તે બોલ્યો મેડમ મને બહુ ખબર નથી પણ હું અને મારા જેવાં બીજા ઘણાં બધા છોકરાં અહી પાછળ એક ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ. જ્યાં એક કાલુ નામનો બહુ ગંદો માણસ રહે છે. અમને બધા છોકરાંઓને બહુ જ વઢે છે, બહુ જ ગુસ્સો કરે છે, અમને ત્યાં એનાં ઘરની આજુબાજુમાં રમવા પણ નથી દેતો. આખો દિવસ ફુગ્ગા વેચ્યાં પછી અમે બધા સાંજે ઝૂંપડપટ્ટીની પાછળની બાજુ રમવાં જતાં હતાં.
કાલુના ઘરની આજુબાજુ ખુલ્લી જગ્યાં બહુ હતી એથી અમે બધા ત્યાં જ રમતાં
ગઈકાલે હું, હસુડી, મગનિયો, છાયાડી, દિપલો બધા જ અમે બધા કાલે કાલુના ઘરની નજીક રમતાં હતાં.
કાલુ કામ પર ગયો હોવાથી અમને કોઈ ફિકર ન હતી.અમે બધા અમારી જ મસ્તીમાં રમતાં હતાં. રમતાં રમતાં ખાસ્સી વાર લાગી એથી અમે બધા ઘરે જવાં નીકળ્યાં બસ એ જ સમયે કાલુ આવી જતાં અમે બધા ભાગવાં લાગ્યાં. અમે બધા ભાગતાં હતાં ત્યારે કાલુના હાથમાં હસુડી આવી ગઈ. કાલુએ એને ચોકલેટ બતાવીને પોતાની સાથે ઘરે આવવાં કીધું. અમને બધાને કહે તમે બધા આજે જાવ. તમારા બધા માટે કાલે ચોકલેટ લાવી આપીશ. અમે બધા આમ પણ એનાથી બીતા હતાં તેથી તરત જ ત્યાંથી ભાગી ગયાં. હસુડી તો ચોકલેટ મળી એટલે તરત જ કાલુની જોડે જતી રહી.
હસુડીના માડી ને બાપુતો કામે ગયા હોવાથી એના ઘરે કોઈ કહેવા ના ગયું
એ છોકરો બોલતાં બોલતાં થાકી ગયો હતો. મેં એને થોડું પાણી પીવડાવ્યું એટલે આગળ એને બોલવાનું ચાલું કર્યું અમે બધા તો ઘરે આવી ગયાં પણ હસુડી તો બિચારી ત્યાં જ રહી ગઈ. મારી બુનપણી હતી એટલે મને એની ચિંતા થતાં હું થોડીવાર પછી પાછો કાલુના ઘર બાજુ ગયો. ત્યાં મને હસુડી ક્યાંય ના દેખાઈ. કાલુના ઘરનો દરવાજો બંધ હોવાથી મને લાગ્યું એ એનાં ઘરે જતી રહી હશે એટલે હું પણ મારા ઘરે આવી ગયો. મોડી રાતે હસુડીના માડીને બાપુ કામ પરથી આવતાં ઝૂંપડપટ્ટીમાં હસુડીના નામની બૂમો શરૂ થઈ ત્યારે મને ખબર પડી કે હસુડી તો ઘરે પહોંચી જ નથી. હું દોડતો એને શોધવા ગયો. મેં જ એના માડી અને બાપુને સાંજે બનેલી કાલુવાળી વાત કીધી એટલે બધા જ કાલુના ઘરે પહોંચ્યાં.

જ્યાં બહારથી તાળું હતું. ઝૂંપડપટ્ટીનાં બધાં લોકોએ કાલુનાં ઘરનો દરવાજો તોડી નાંખ્યો અને અંદર જઈને જોયું તો હસુડી ત્યાં સૂતેલી હતી. પણ કંઈ બોલતી ચાલતી ન હતી.એનાં આખા શરીરે બચકાં ભયૉના નિશાન હતાં, એને પહેરેલું ગુલાબી ફ્રોક લાલ રંગનું હતું, એનાં મોંઢામાંથી કંઈક અજીબ વાસ આવતી હતી એવી જ વાસ જે કાલુના મોઢાંમાથી પણ આવતી હતી અને હા મેડમ એનાં હાથ અને પગ બંને પ્લાસ્ટિકની દોરીથી બાંધેલા હતાં. મેડમ બધા લોકો બહુ જ રડતાં હતા. અમને તો ખબર નહી કે એને શું થયું હતું આ તો એનાં માડી ને બાપુ એને છાતીએ વળગાડીને રોયાં તોય હસુડી કંઈ બોલી નહી એટલે ખબર પડી કે આ તો મરી ગઈ છે

હે મેડમ શું થયું હતું હસુડીને, કેમ એનાં કપડાં લાલ રંગના હતાં અમે બધા રમતાં હતાં ત્યારે તો કંઈ ન હતું, અને બચકાં કોણે ભયૉ હશે, મેડમ એને એવું તો શું પીધું હશે કે એના મોઢાંમાંથી વાસ મારતી હશે, મેડમ કાલુ તો હસુડીને ચોકલેટ આપીશ એમ કહીને લઈ ગયો હતો
એવું તો કાલે રાતે શું બન્યું કે મેડમ મારી બુનપણી હસુડી આજે મરી ગઈ. મેડમ કંઈમ સમજાવો ને અમને તો સવાર સવારમાં અહી ઘરેથી ફુગ્ગા વેચવા મોકલી દીધા પણ કોઈએ કશું કીધું નહી કે કાલે રાતે હસુડી જોડે શું બન્યું હતું

મેડમ તમને ખબર પડી હોય તો અમને સમજાવો ને ?

નિકેતાશાહ