અને જોયું તો ચેટિંગ ઘણું લાંબુ હતું. માન્યાએ પહેલેથી મેસેજ વાંચવાના ચાલુ કર્યાં. જેમ-જેમ તે મેસેજ વાંચતી ગઈ તેની સામે સીન ક્લીયર થતો ગયો. તેને ખબર પડી ગઈ કે આ બધું પિયોનીનું કર્યું છે. માન્યાને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે પિયોનીએ આટલી મોટી વાત તેનાથી છુપાવી.
તેના જીવનમાં કોઈ છોકરો આવ્યો છે બંનેની વાત આટલી આગળ વધી ગઈ છે અને પિયોનીને મને કંઈ પણ કહેવું જરૂરી ના લાગ્યું. આ વિચારની સાથે જ માન્યાનાં ખોમાં આંસુ આવી ગયા. તે પાછળ ફરીને ઊંઘતી પિયોની સામે જોતી રહી. માંડ માંડ તેણે પોતાની જાતને સંભાળી. આટલું બધું બની ગયું તેમ છતાં માન્યાનનાં મગજમાં હજી પણ એક સવાલ ભમી રહ્યો હતો કે પિયોનીએ ભલે કોઈ છોકરા સાથે વાત કરી પણ તેણે મારા નામ સાથે કેમ કરી? તે તેનાં નામ સાથે પણ કરી જ શકતી હતી ને? મારા ખોટા નામથી કોઈની સાથે વાત કરવાની શું જરૂર હતી? આવા અનેક પ્રશ્નો માન્યાનાં મગજમાં ભમવા લાગ્યા પણ અત્યારે તેની પાસે કોઈ પ્રશ્નનો જવાબ નહોતો.
માન્યાને ઈચ્છા તો થઈ ગઈ કે તે અત્યારે જ પિયોનીને ઊંઘમાંથી ઉઠાડીને અંશુમન વિશે પૂછે પણ તેણે તેનાં ગુસ્સા પર સંયમ રાખ્યો અને તે કમ્પ્યૂટર બંધ કરીને ઉંઘવાનો પ્રયત્ન કરવાં લાગી પણ કેમે કરીને તેમે આજે ઊંઘ નહોતી આવી રહી. ઘડીકમાં તે બાજુમાં સુઈ ગયેલી પિયોની સામે જોતી તો ઘડીકમાં પડખું ફેરવીને સુવાનો પ્રયત્ન કરતી. આમ કરતાં-કરતા આખરે તેની આંખ મિંચાઈ ગઈ.
સવારે માન્યાની આંખ ઉઘડી અને તેણે બાજુમાં જોયું તો પિયોની હજી પણ ઊંઘતી હતી. માથે હાથ મૂકીને તે ફરી પિયોની અને અંશુમનનાં વિચારોમાં ખોવાઈ ગઈ. પિયોનીનાં મોઢેથી પૂરી હકીકત સાંભળવાની આતુરતાં માન્યાનો મનમાં વધતી જતી હતી.
આખરે તેનાથી ના રહેવાયું અને તેણે પિયોનીને ઉઠાડવાં માટે તેને આખી હચમચાવી નાંખી. પિયોનીએ હજી તો આંખો ચોળી અને ઉભી થઈને આળસ ખાતી હતી કે માન્યા બોલી, 'અંશુમન કોણ છે?' આ સાંભળતા વેંત જ પિયોનીના હોશ ઉડી ગયા. તે ફાટી આંખે માન્યા સામે જોઈ રહી. પિયોનીને ખ્યાલ સુધ્ધાં નહોતો કે માન્યા આવી રીતે અંશુમનનું નામ લેશે? 2 મિનિટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બેમાંથી કોઈ કંઈ જ બોલ્યું નહીં. આખરે ચુપ્પી તોડતાં માન્યા બોલી, 'પિયોની હવે વધારે જુઠ્ઠું બોલવાનો કોઈ ફાયદો નથી. હું બધું જાણી ચૂકી છું.
મેં રાત્રે મારા ફેસબુક અકાઉન્ટમાં તારી અને અંશુમનની આખી ચેટ વાંચી લીધી છે.' માન્યા બોલી. 'સોરી માન્યા...એક મિનિટ તું પહેલા મારી વાત સાંભળી લે.' 'મારે કંઈ જ નથી સાંભળવું પિયોની. હાઉ કુડ યુ ડુ ધિસ ટુ મી? આપણે બંને બેસ્ટ ફ્રેન્ડ્સ હતાં.' 'હજી પણ છીએ માનુ...પ્લીઝ મારી વાત સાંભળ, પિયોની માન્યાની સામે આજીજી કરવા લાગી. તેણે પણ કદાચ આ ક્ષણની કલ્પના કરી હતી કે જ્યારે માન્યાને ખબર પડશે ત્યારે તે ગુસ્સો કરવાની જ છે પણ તે ક્ષણ આવી રીતે આવશે તેની પિયોનીને કલ્પના નહોતી. માન્યાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો તેમ છતાં તેણે એ વાતનું ધ્યાન રાખ્યું કે તેનો અવાજ એટલો મોટો ના થઈ જાય કે નીચે નાની અને ઘરમાં રહેલા બાકી લોકોને કંઈ ખબર પડે. પોતાનાં ગુસ્સાને તે દબાવવા ગઈ તો તેની આંખોમાંથી દડદડ આંસુ નીકળવા લાગ્યા.
પિયોની પણ એટલી હેબતાઈ ગઈ હતી કે તેને પણ ખબર ના પડી કે તે કેવી રીતે આ સિચ્યુએશન હેન્ડલ કરે. તે માન્યાની નજીક ગઈ અને તેને શાંત પાડતાં બેડ ઉપર બેસાડી, સાઈડ ટેબલ ઉપર પડેલો જગમાંથી એક ગ્લાસ પાણી ભરીને તેણે માન્યાને પિવડાવ્યું અને તે પોતે માન્યાની બાજુમાં તેનો હાથ પકડીને બેસી ગઈ. ‘પ્લીઝ માન્યા...એક વાર તુ મારી વાત સાંભળી લે. એ પછી તું જે કહીશ એ હું કરીશ.' માન્યાએ આંખોથી પિયોનીને આગળ બોલવા ઈશારો કર્યો. પિયોની પાસે હવે માન્યા સામે પોતાનું જુઠ્ઠાણું કબૂલ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો બચ્યો, ધીમે-ધીમે તેણે વાત કહેવાની શરૂ કરી કે ક્યારે માન્યાનાં અકાઉન્ટમાં અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી કેવી રીતે વાત આગળ વધી, કેમ તેણે માન્યાનાં નામનો ઉપયોગ કર્યો અને ક્યારે અંશુમને તેને પ્રપોઝ કર્યું. આ બધું સાંભળતા જ માન્યાની આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ હતી. તેને એકવાર એવો વિચાર પણ આવી ગયો કે અહીંયા જ તે પિયોની અને તેની ફ્રેન્ડશિપ તોડી નાંખે પણ આખરે તેના માટે તો પિયોની બેસ્ટફ્રેન્ડ કરતા પણ વધારે હતી. પિયોનીનો દયામણો ચહેરો જોઈને માન્યાએ તેને ફરી એક ચાન્સ આપવાનું વિચાર્યું. દિલથી નરમ અને ઉપરથી કઠણ બનીને તેણે કડક શબ્દોમાં પિયોનીને આગળ શું કરવાનું છે તે સમજાવી દીધું. 'પિયોની તારી આ વાતથી હું ખરેખર બહુ જ હર્ટ થઈ છું પણ હું તને મારી બેસ્ટ ફ્રેન્ડ માનું છું એટલે તારી આ ભૂલ માફ કરું છું.' માન્યાએ સમજદારી બતાવી. ‘થેન્ક યુ સૌ મચ માનું. આઈ લવ યુ.' પિયોનીએ માન્યાને એક ટાઈટ હગ કર્યું. 'પિયોની જે થયું તે વાંધો નહીં પણ આઈ ડોન્ટ થિંક સો કે તારે આવા ફેસબુક ફ્રેન્ડનાં ચક્કરમાં પડવું જોઈએ. તે આપણાં માટે અજાણ્યો છે. કોણ છે, કેવો છે, તેનું ફેમિલી કેવું છે તે વિશે આપણી પાસે કોઈ ઈન્ફોર્મેશન નથી. આવાં અજાણ્યા છોકરા ઉપર ક્યારેય વિશ્વાસ ના મૂકાય અને એ કરતાં પણ એ જે ફાસ્ટ સ્પીડમાં તારી સાથે આગળ રિલેશન વધારી રહ્યો છે તે જોઈને મને કંઈક ગરબડ લાગી રહી છે. હી ઈઝ નોટ ટ્રસ્ટવર્ધી પર્સન પિયુ.' 'ના માનુ, એ બહુ સારો છોકરો છે. તું એને મળી નથી, તે એની સાથે વાત નથી કરી એટલે તને એવું લાગી રહ્યું છે. હિ ઈઝ ધ બેસ્ટ. એ બહુ જ લવિંગ અને કેરિંગ છે અને મારું બહુ ધ્યાન પણ રાખે છે. પિયોની અંશુમનનો પક્ષ લઈને બોલી.
'પિયોની કોઈ માણસ સાથે થયેલી બે મુલાકાતમાં તેના માટે જજમેન્ટલ ના બની જવાય. આટલું જલ્દી તારે તેનું પ્રપોઝલ એક્સેપ્ટ નહોતું કરવું જોઈતું. એકવાર તું તેને સારી રીતે ઓળખી જાય, તેના ફેમિલીનો થોડો ઘણો પરિચય થાય, તમારી ફ્રેન્ડશિપ મજબૂત થાય પછી જ તુ આ રિલેશન માટે વિચારી શકે. ધિસ ઈઝ ટુ અર્લી સ્ટેજ ફોર યુ. વ્હાય ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ?' પિયોનીને લઈને માન્યા ચિંતામાં આવી ગઈ. પિયોનીને ખબર હતી કે માન્યા સામે દલીલ કરવાનો કોઈ મતલબ નથી. તે આ વાત નહીં જ સમજે, “સૌથી પહેલાં તો તું તેને બને એટલી જલ્દી આ સચ્ચાઈ જણાવી દે કે તુ માન્યા નહીં પણ પિયોની છે.' માન્યાએ પિયોનીને સાચો રસ્તા પર ચાલવાની સલાબહ આપી. 'ના માન્યા, હું તેને આ નહીં કહી શકું. જો હું તેને આ કહીશ અને તે મને છોડીને જતો રહેશે. ‘પણ પિયોની તું ખોટા નામ સાથે આ રિલેશન કેવી રીતે કન્ટીન્યુ કરી શકે? યુ આર પિયોની નોટ માન્યા." "હા સારૂં, હું સાચો સમય જોઈને તેને કહી દઈશ.' પિયોનીએ વાત ટાળતાં કહ્યું.
માન્યા હવે થોડી સ્વસ્થ લાગી રહી હતી. તેનું મગજ શાંત થઈ ગયું હતું. મોઢું ધોઈને ફ્રેશ થયા બાદ પિયોની માન્યાને સીઓફ કરવા નીચે ઉતરી. બંને ગંભીર થઈને નીચે ઉતરી રહ્યા હતાં. માન્યાએ હગ કરીને પિયોનીને બાય કહ્યું અને આંખનાં ઈશારેથી ઉપર જે વાત થઈ તેનો જલ્દી અમલ કરવાનું સુચવ્યું. પિયોનીએ પણ કંઈ બોલ્યા વગર હકારમાં માથું હલાવ્યું અને માન્યા જ્યાં સુધી તેની આંખોથી ઓઝલ ના થઈ ત્યાં સુધી પિયોની તેને તાકતી રહી.
(શું પિયોની માન્યાની વાત માનીને અંશુમનને બધી સચ્ચાઈ જણાવી દેશે? જો તે આમ કરશે તો અંશુમનનું રીએક્શન શું હશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)