છપ્પર પગી - ૬૮
———————————
બલવંતસિંહ ઇરાદાપૂર્વક થોડી વાર રોકાય છે. પ્રવિણ અને લક્ષ્મી પોતાની કારમાં બેસી મુંબઈ જવા કારમાં ગોઠવાય છે એ વખતે જ બલવંતસિંહ કારની વિંડો પાસે આવી ને બોલ્યા, ‘લક્ષ્મીભાભી… ઓળખ્યો મને …?’
લક્ષ્મીએ પોતાની સાઈડની વિંડોનો ગ્લાસ નીચે ઉતારીને ધારી ને જોયા કર્યુ અને તરત જ મોટેથી બોલી ઉઠી, ‘અરેરેરે… બાલુભાઈ તમે…! પ્રવિણ તમે પણ આવો જલ્દી…’
પછી ઝડપથી કારનો દરવાજો ખોલી નીચે ઉતરે છે અને ખૂબ લાગણીથી બાલુભાઈને મળે છે. લક્ષ્મી બે હાથ જોડી “જય માતાજી” કહીને વહેતી જતી અશ્રુધારાઓથી બાલુભાઈને સજળ નયને જોયા કરે છે અને પછી કહે છે, ‘કેટલાં વર્ષે ભાઈ તમને જોયાં… હજી પણ અદ્દલ એવાં જ દેખાઓ છો… તમે રહ્યા આર્મિ મેન એટલે હજી એવાંને એવાં ફીટ એન્ડ ફાઈન…બસ જરાં મૂંછોના આંકળીયાં વધીને ઉપર થયા… ભાઈ તમે અહીં આટલાં વર્ષો પછી મળશો એવી કલ્પના પણ ન હતી.’
‘હા… ભાભી હું તો નિવૃત્તિ પછી ગામમાં જ પાછો આવી ગયો…. પણ તમારી શોધખોળ કરવા આકાશ પાતાળ એક કર્યા હતા…બહુ લાંબી વાત છે. નિરાંતે વાતો કરીશું. હાલ તો તમે નીકળો એટલે સમયસર પહોંચી જવાય તમારે…’
પ્રવિણને કંઈ વઘારે ન સમજાયું પણ લક્ષ્મી સાથે અંગત સંબંધ હોય અને આત્મિયતા ધરાવતા વ્યક્તિ છે એ સ્પષ્ટ બની ગયું એટલે તરત બોલ્યો, ‘ બલવંતસિંહ… તમે જે રીતે આત્મિયતાથી મળ્યા એ જ બતાવે છે કે વર્ષો પછી પોતાનાં ખોવાયેલ સ્વજન મળ્યા છે….( પછી લક્ષ્મી સામે જોઈને કહ્યુ ) લક્ષ્મી તું ઈચ્છે તો આપણે આજે રોકાઈ જઈએ અને કાલે સવારે વહેલા મુંબઈ જવા નીકળીએ…’
પ્રવિણે તો જાણે લક્ષ્મીના મનની વાત જાણી લીધી હોય તેમ લાગ્યું એટલે તરત બોલી ઉઠી.., ‘હા… પ્રવિણ શક્ય હોય તો આપણે રોકાઈ જ જઈએ.. મારે બાલુભાઈ જોડે ખૂબ વાતો કરવી છે… કદાચ આખી રાત વાતો કરીએ તો પણ નહી પુરી થાય…!’
બલવંતસિંહ તરત બોલ્યા , ‘ અરે ભાઈ… હવે તો રોકાઈ જ જાઓ. આવી જાઓ મારા બુલેટની પાછળ પાછળ દશ મિનીટમાં તો પહોંચી જઈશું ઘરે. તમારા ભાભી પણ બહુ જ રાજી થઈ જશે.’
એમણે બુલેટ ચાલુ કર્યુ અને લક્ષ્મીની કાર પાછળ પાછળ. થોડી વારમાં તો બલવંતસિંહના ફાર્મ હાઉસ પર. બલવંતસિંહે ચાલુ બાઈક પર જ ઘરે ફોન કરી દીધો હતો એટલે બલવંતસિંહના પત્ની દરવાજે સ્વાગત માટે ઉભા જ હતા. એમનાં ધર્મપત્નીએ આરતી કરી, કંકુ તિલક કરી લક્ષ્મીને ઘરમાં આવકારી.
‘બહેન ઘણા વર્ષો સુધી તમારી પ્રતિક્ષા કરી છે.. એમણે શરૂઆતના વર્ષો સુધી તમારી ભાળ મેળવવા અથાગ પ્રયત્નો કર્યા હતા…’
પણ બલવંતસિંહે એમને અટકાવ્યા અને કહ્યુ, ‘આજે તો આ લોકો આપણાં ઘરે જ રાત રોકાવાનાં છે પછી જમીને નિરાંતે વાતો કરીએ. અત્યારે તો લક્ષ્મીભાભીના હાથની ચા પીએ… કેટલાંયે વર્ષો થયા એમનાં હાથની ચા પીધે. ખબર નહીં હજી પણ એવી જ બનતી હશે કે નહીં પણ મને તો મનુના ઘરે એમનાં લગ્ન પછી શરૂઆતમાં જતો એ એક મહીનામાં બે ત્રણ વખત ત્યાં ચા પીધી એ આજે પણ યાદ છે. ભાભી બનાવશો ને તમે ?’
લક્ષ્મી તરત બોલી, ‘ હા ભાઈ કેમ નહી… પણ મને ખબર નથી કે હવે પણ એવી જ બનશે કે કેમ ! તે વખતે તો ચૂલા પર, તાજા દૂધની ચા બનતી.’
બલવંતસિંહ અને પ્રવિણ બન્ને થોડી વાતચીત કરી એક બીજાથી પરીચિત થાય છે એટલી વારમાં લક્ષ્મી અને રિવાબા ચા બનાવીને આવે છે, જોડે ચા પીવે છે. ચા પીતી વખતે બલવંતસિંહે લક્ષ્મી અને પ્રવિણને જણાવ્યું કે એ મનુ નો ખૂબ સારો મિત્ર હતો… એ મનુ અને લક્ષ્મીના લગ્ન પછી બે મહીનામાંજ સેનામાં ભરતી થઈ ગયા હોય છે. એને મનુના મૃત્યુના સમાચાર મળ્યા કે તરત રજાઓ માટે અરજી કરી હતી પણ પરીવારમાં મૃત્યુ ન થયુ હોવાથી રજાઓ તરત મંજૂર ન થઈ અને જ્યારે મંજૂર થઈ ત્યારે મનુના ઘરે આવ્યા પણ ઘણું મોડું થઈ ગયુ હતુ. બલવંતસિંહે ઘરે આવીને થોડી વાત કરી અને પૂછ્યું કે લક્ષ્મીભાભી ક્યાં છે ? તો મનુ ની મા એ જવાબ આપ્યો હતો કે લક્ષ્મી તો વહેલી સવારે ઘર છોડી ને ભાગી ગઈ હતી…રંભાકાકીએ એવી જ વાત ફેલાવી દીધી હતી અને પછી કોઈ આવીને પૂછે તો કહેતા કે અમે બહુ તપાસ કરી પણ લક્ષ્મીનો કોઈ પતો નથી…
આ સાંભળી લક્ષ્મીની આંખો ભરાઈ આવી અને બોલી, ‘બલુભાઈ તમે પણ એવું જ વિચારતા હતા..!?’
બલવંતસિંહ જવાબ આપે એ પહેલાં જ રિવાબા બોલ્યા , ‘અરે ના રે ના… એ તો હંમેશા કહેતા કે લક્ષ્મીભાભી આવું કરે જ નહી… અને એ રંભાકાકીને પહેલેથી ઓળખતા જ હતા.. એટલે એમને પુરો ભરોસો હતો કે લક્ષ્મીભાભી કોઈ કાળે આવું ન કરે એટલે એમણે ચારે કોર જાતે તપાસ કરી અને કરાવી પણ ખરી… પોલીસમાં પણ જાણ કરી હતી પણ કોઈ ભાળ ન મળી. પછી તો અમે બધાએ આશા છોડી દીધી હતી.પણ જેવું આ સ્કૂલનું કામ શરૂ થયુ કે તરત જ એ સજાગ બન્યા હતા એટલે તપાસ શરૂ કરી હતી.
પછી બલવંતસિંહે વાત આગળ વધારતા કહ્યુ, ‘ હા.. ભાભી. મને થયું કે નક્કી કોઈ આ ગામને પોતીકું માનતા હોય તે જ હોય કે આટલું મોટું ડોનેશન આપે.. પણ મને ખબર જ ન હતી કે એ તમે હોઈ શકો..! મેં સરપંચને મળી તપાસ કરી કે કોણ આ બધુ ડોનેશન આપે છે પણ એમણે પણ ફોડ ન પાડ્યો અને કહ્યુ કે સમય આવે બધી ખબર પડશે. પછી કોન્ટ્રાક્ટર જોડે બે ચાર દિવસ વાત કરી આડકતરી રીતે પૂછ્યું તો ખબર પડી કે કોઈ પ્રવિણ શેઠ છે જે મુંબઈ છે અને આ બધુ ડોનેશન આપે છે. મારે તો એ પણ જાણવું હતુ કે આટલા મોટા ડોનેશન પાછળ આશય શું છે ? એટલે એકવાર મુંબઈ પણ આવેલ.. તમારા ઘર સુધી પણ પહોંચ્યો હતો પણ તમે લોકો હરીદ્વાર ગયા હતા એટલે તમારી કંપનીની ઓફિસ પર પહોંચ્યો અને ત્યાં જાણવાની કોશિશ કરી પણ કોઈએ વાત ન જણાવી.. પણ ઓફિસમાંથી પરત ફરતી વખતે મેં જ્યારે એક મોટો ફોટો જોયો તેમાં તમારા બન્ને નો ફોટો પણ વચ્ચે હતો તો મને એ જોઈને લાગ્યું કે નક્કી આ જ લક્ષ્મીભાભી હોવા જોઈએ પણ આટલાં બધાં વર્ષો પછી અને આટલો બધો ચેંજ હોઈ ખાત્રી ન થઈ અને તમારા બન્ને ના વતન ક્યાં છે એવુ પુછ્યુ તો પણ ત્યાં કોઈને ખબર ન હતી.’
લક્ષ્મી હવે થોડી સ્વસ્થ બની ગઈ હતી. વાતને ધ્યાનથી સાંભળતી હતી એમણે પૂછ્યુ, ‘ ભાઈ તો પછી અત્યારે કેવી રીતે ખબર પડી..?’
બલવંતસિંહે જવાબ જવાબ આપ્યો, ‘આર્મિ ટ્રેઈનીંગ કામે લગાડી … મેં આવીને ગામમાં એવી નેગેટીવ વાત ફેલાવી કે આ ડોનર કોણ છે ? શા માટે આ કરે છે ? આશય શું છે ? આપણે જાણવું જ જોઈએ કે કેમ આટલાં મોટા દાતાઓ સામે નથી આવતા ? મને ખબર હતી કે થોડો સમય આવી વાતો ચાલશે તો એની અસર થશે અને કોઈ તો સામે આવશે જ… બે ત્રણ દિવસ પહેલાં સમાચાર મળ્યા કે દાતાઓ આગેવાનો ને મળવા માટે આવે છે તો મને થયુ કે ટ્રીક કામ કરી ગઈ.. આજે જ્યારે આ મિટીંગ માટે આવ્યા તો મે કલાક પહેલા જ અહીં આવી તપાસ કરી તો ખબર પડી કે તમે બન્ને આ દાતાઓ છો.. અને મેં તમારા ડ્રાઈવર ભરતભાઈ જોડે સત્સંગ કર્યો તો ખબર પડી કે તમે કોણ છો … મારો વિશ્વાસ પાકકો થઈ ગયો કે આ જ અમારાં લક્ષ્મીજી છે.’
પ્રવિણ થોડું હસ્યો અને બોલ્યો, ‘ તમે પાકકા બાપુ છો હો અને એમાં પણ સેના ની ટ્રેઈનીંગ…’
બલવંતસિંહે કહ્યુ, ‘ તમારો ઈરાદો નેક હતો અને આ તો અમારો જ પરીવાર કહેવાય એટલે નક્કી કર્યુ કે હવે પુરતો સપોર્ટ કરવો અને મિટીંગમાં મારી લાગણી જણાવી.’
પણ અમારી લખીભાભી ની આ લક્ષ્મી થી મહાલક્ષ્મી સુધી ની યાત્રા કેવી રીતે થઈ… એમની સાથે શું બન્યું હતું ? કેમ ઘર છોડવું પડ્યુ ? એ પ્રશ્નો આજ સુધી રહસ્ય જ છે એટલે મેં કાર રોકી ને પુછ્યુ હતું કે લક્ષ્મીભાભી ઓળખ્યો મને ? અને ભાભી તરત ઓળખી ગયા આ બલુભાઈને …! અને હવે તો તમે જોડે જ છો.’
એ રાતે બધાએ રિવાબાના હાથનું ખૂબ પ્રેમથી બનાવેલું ભોજન ખાધુ… પછી બહાર તાપણું કરીને ચારેય જણા મોડી રાત સુધી બેઠા અને લક્ષ્મીએ પોતાને વહેલી સવારે ઘર થી બહાર તગેડી મૂકવાથી માંડી આજ સુધીની સંપૂર્ણ હકીકત જણાવી.. વાત પુરી થયે ચારેયની આંખો ભીની હતી. લક્ષ્મીને એકે એક દિવસ તાદ્રશ્ય હતો.. આ ત્રણ કલાકમાં તો જાણે આખી જિંદગીનું ફ્લેશબેક થઈ ગયુ.
બલવંતસિંહે કહ્યુ,
‘ભાભી જે વખતે તમારે આ ભાઈની ખાસ જરૂર હતી એ જ વખતે હું હાજર ન હતો…પણ આ બધુ જ સાંભળ્યા પછી મને હવે એવું લાગે છે કે સારુ પણ થયું કે હુ ન હતો. જો હુ હોત તો તમને જવા પણ ન દેત.. અને તમે અહીં જ ક્યાંય સંઘર્ષ કરી જીવન વ્યતિત કરતા હોત. આજે મારી ભાભી જે સાક્ષાત લક્ષ્મીજી બની ને ગામની વ્હારે આવ્યા તે ન બનત. કહેવાય છે ને ઉપરવાળાનું સૌ કોઈ માટે આયોજન હોય જ છે… આખરે ધાર્યું તો બારબીજના ધણી નું જ થાય છે ને ..! ‘
લક્ષ્મીએ પણ ભીની આંખે કહ્યું , ‘ ભાઈ સાચું કહું તો રખડતી આખડતી રેલ્વે સ્ટેશન પહોંચી તો મને મનુ ના શબ્દો યાદ આવ્યા હતા.. એણે મને કહ્યું તુ કે જીવનમાં જરૂર પડે તો મારા જીગરી બલુ નો ભરોસો કરજે પણ ભાઈ કેમ તમારો કોન્ટેક કરવો.. તમે તો ક્યાં પોસ્ટિંગ હોય ? કેમ વાત થાય ? કંઈ જ ખબર ન પડે. જોડે એક ફૂટી કોડીએ ન મળે ! ન સાસરી , ન માવતરે જગ્યા ..! પાડ માનું આ દેવતાનો જેનો ભેટો મને મારી કૂળદેવીએ કરાવ્યો.’ એમ કહી લક્ષ્મી પ્રવિણના ખોળે માથું ઢાળી રડી પડી.
રિવાબાએ તરત પાણી આપ્યું પોતાની પાસે બેસાડ્યા ને કહ્યું … ‘બેન.. તમને આજે આ સ્થિતીમાં જોઈ એ ને બહુ હાશ થઈ છે. મનુભાઈનો આત્માને પણ શાંતિ હશે. જે દુખ હતુ એ તો ગયુ હવે તો મા ની મહેર છે. ચાલો ઉભા થાવ અને સુઈ જાઓ બધા.’
બધા સુવા જઈ રહ્યા હતા એ વખતે પ્રવિણે બલવંતસિંહ ને રોકી ને કહ્યું ….
(ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા